લગભગ બપોર થઈ ગઈ છે અને નૃત્યાંગના ગોલાપી ગોયારી તૈયાર છે અને ઘેર રાહ જોઈ રહ્યા છે. શાળામાં ભણતી આઠ છોકરીઓ આસામના બોડો સમુદાયની પરંપરા મુજબ મેળ ખાતા દોખોના અને લાલ અર્નઈ (સ્ટોલ્સ) પહેરીને આવે છે ત્યારે ગોલાપી પોતાના શરીરની આસપાસ વીંટાળેલા પીળા પટ્ટાવાળા દોખોનાને સરખો કરી રહ્યા છે.
ગોલાપી કહે છે, "હું આ કિશોરીઓને અમારા બોડો નૃત્યો શીખવાડું છું." તેઓ પોતે બોડો સમુદાયના છે અને બક્સા જિલ્લાના ગોલગાંવ ગામના રહેવાસી છે.
કોકરાઝાર, ઓદાલગુરિ અને ચિરાંગ અને બક્સા જિલ્લાઓ મળીને બોડોલેન્ડ - સત્તાવાર રીતે બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજન (બીટીઆર) બનાવે છે. આ સ્વાયત્ત પ્રદેશમાં બીજા સ્થાનિક સમુદાયોની સાથેસાથે મુખ્યત્વે બોડો લોકો વસે છે, જે આસામમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ છે. બીટીઆર ભૂતાન અને અરુણાચલ પ્રદેશની તળેટીમાં બ્રહ્મપુત્રા નદીના કિનારે આવેલ છે.
ઉંમરના ત્રીસમા દાયકાની શરૂઆતમાં પહોંચેલા ગોલાપી કહે છે, "તેઓ સ્થાનિક તહેવારો અને કાર્યક્રમોમાં પણ રજૂઆત કરે છે." તેમણે પારીના સ્થાપક સંપાદક, પત્રકાર પી. સાંઈનાથ, જેમને ઉપેન્દ્ર નાથ બ્રહ્મા ટ્રસ્ટ (યુએનબીટી) દ્વારા નવેમ્બર 2022 માં 19મો યુએન બ્રહ્મા સોલ્જર ઓફ હ્યુમેનિટી એવોર્ડ આપવામાં આવ્યો હતો, તેમના સન્માનમાં એક ખાસ રજૂઆત પોતાને ઘેર યોજવાની તૈયારી બતાવી છે.
એક બાજુ નર્તકો નૃત્યની તૈયારી કરે છે તો બીજી તરફ ગોબારધાના બ્લોકના સ્થાનિક સંગીતકારો ગોલાપીના ઘરે વ્યવસ્થામાં પડ્યા છે. તેમાંના દરેકે માથાની આસપાસ લીલા અને પીળા અરનાઈ અથવા મફલર વીંટાળ્યા છે ને સાથે ખોટ ગોસલા જેકેટ પહેર્યાં છે. કપડાંની આ વસ્તુઓ સામાન્ય રીતે બોડો પુરુષો દ્વારા સાંસ્કૃતિક અથવા ધાર્મિક તહેવારો દરમિયાન પહેરવામાં આવે છે.
તેઓ તેમના વાદ્યોને બહાર કાઢી ગોઠવે છે. વાદ્યો જે સામાન્ય રીતે બોડો તહેવારો દરમિયાન વગાડવામાં આવે છે: સીફુન્ગ (લાંબી વાંસળી), ખામ (ડ્રમ), અને સેરજા (વાયોલિન). દરેક વાદ્ય અરનાઈથી શણગારવામાં આવે છે, જે પરંપરાગત "બોનંદુરમ" ડિઝાઇન સાથે ભાતવાળી હોય છે, અને સ્થાનિક રીતે બનાવવામાં આવે છે.
સંગીતકારોમાંના એક ખ્વર્વમદાઓ બસુમાતરી જે ખામ વગાડે છે તે સ્થાનિક લોકોની બનેલી પ્રેક્ષકોની નાની મંડળીને સંબોધિત કરે છે જેઓ તેમાં જોડાયા છે. તે તેમને જાણ કરે છે કે તે સુબુનશ્રી અને બગુરુમ્બા નૃત્યની પહેલાં પ્રસ્તુતિ થશે. “બાગુરુમ્બા સામાન્ય રીતે વસંતઋતુ દરમિયાન પાકની ખેતી પછી અથવા લણણી પછી બવિસાગુ તહેવાર દરમિયાન કરવામાં આવતું નૃત્ય છે . તે લગ્ન દરમિયાન પણ આનંદ સાથે કરવામાં આવે છે.
નર્તકો મંચ પર આવી રજૂઆત કરવાનું શરૂ કરે કે પછી તરત જ રણજીત બસુમાતારી આગળ આવે છે. તેઓ એકલા સેરઝા વગાડીને કાર્યક્રમ પૂરો કરે છે. તેઓ આવકના સ્ત્રોત તરીકે લગ્નમાં પણ રજૂઆત કરતા અહીંના કેટલાક કલાકારોમાંનો એક છે. આ સમય દરમિયાન ગોલાપી તેમણે પોતાના મહેમાનો માટે આખી સવાર મહેનત કરીને રાંધેલું ભોજન તૈયાર કરવા માટે ત્યાંથી સરકી જાય છે.
તેઓ સોબાઈ જ્વંગ સામો (ગોકળગાય સાથે કાળા ચણા), તળેલી ભાંગુન માછલી, ઓન્લા જ્વંગ દાઉ બેદોર (ચોખાની સ્થાનિક જાત સાથેની ચિકન કરી), કેળાના ફૂલ અને ડુક્કરનું માંસ, શણના પાન, ચોખાનો વાઇન અને બર્ડ્સ આઈ ચીલી (થાઈ ચીલી) જેવી વાનગીઓ ટેબલ પર ગોઠવે છે; એ દિવસે શરૂઆતમાં મનમોહક રજૂઆત જોયા સૌ આ મિજબાનીનો આનંદ માણે છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક