ફગુઆ ઉરાંઓ કહે છે, "2020 માં લોકડાઉન દરમિયાન કેટલાક લોકો અમારી 1.20 એકર જમીનની આસપાસ બાઉન્ડ્રી બનાવવા આવ્યા હતા." ત્રીસેક વર્ષના આ આદિવાસી ખેડૂત ફગુઆ એક ખુલ્લી જમીનની ચારે તરફ ચણેલી ઈંટની એક દિવાલ તરફ ઈશારો કરી રહ્યા છે. અમે ખૂંટી જિલ્લાના ડુમરી ગામમાં છીએ, અહીં  મોટાભાગે ઉરાંઓ સમુદાયના આદિવાસીઓ વસે છે. 'આ જમીન બીજા કોઈની છે, તમારી નથી' એમ કહી તેમણે જમીન માપવાનું શરૂ કરી દીધું હતું. અમે તેનો વિરોધ કર્યો હતો.

“આ ઘટનાના લગભગ 15 દિવસ પછી અમે અમારા ગામથી 30 કિલોમીટર દૂર ખૂંટીમાં સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાસે ગયા હતા. ત્યાં જવા માટે દરેક મુસાફરીમાં અમારે 200 રુપિયાથી વધુ ખર્ચ થાય છે. ત્યાં અમારે એક વકીલની મદદ લેવી પડી હતી. હવે એ માણસ અમારી પાસેથી 2500 રુપિયા લઈ ચૂક્યો છે. પણ કશું થયું નથી.

“એ પહેલા અમે અમારા બ્લોકની ઝોનલ ઓફિસ ગયા હતા. આ અંગેની ફરિયાદ કરવા અમે પોલીસ સ્ટેશન પણ ગયા હતા. જમીન પરનો અમારો દાવો છોડી દેવા માટે અમને ધમકીઓ મળી રહી હતી. એક જિલ્લા સ્તરીય પદાધિકારી જેઓ કર્રા બ્લોકના એક અત્યંત જમણેરી સંગઠનના સભ્ય પણ હતા તેમણે અમને ધમકી આપી હતી. પરંતુ કોર્ટમાં કોઈ સુનાવણી થઈ નથી. હવે અમારી જમીન પર આ દિવાલ ઊભી છે. ઔર હમ દો સાલ સે ઈસી તરહ દૌડ-ધૂપ કર રહે હૈં [અને અમે છેલ્લા બે વર્ષથી આ રીતે ભાગદોડ કરી રહ્યા છીએ].

“મારા દાદા લુસા ઉરાંઓએ જમીનદાર બાલચંદ સાહુ પાસેથી 1930 માં આ જમીન ખરીદી હતી. અમે એ જ જમીન પર ખેતી કરતા આવ્યા છીએ. અમારી પાસે આ પ્લોટ માટે 1930 થી 2015 સુધી આપવામાં આવેલ ભાડાની રસીદો છે. એ પછી [2016 માં] ઓનલાઈન પ્રણાલી શરૂ કરવામાં આવી હતી અને ઓનલાઈન રેકર્ડમાં અમારી જમીનનો આ ટુકડો [ભૂતપૂર્વ] જમીનદારના વંશજોના નામે નોંધાયેલ બતાવે છે. આવું શી રીતે થયું એની અમને કંઈ ખબર નથી.”

ફગુઆ ઉરાંઓએ કેન્દ્ર સરકારના ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ (ડીઆઈએલઆરએમપી) ને કારણે પોતાની જમીન ગુમાવી દીધી છે, આ અભિયાન જમીન સંબંધિત તમામ રેકોર્ડને ડિજિટાઈઝ કરવા અને આ રેકોર્ડ માટે દેશમાં કેન્દ્રિય રીતે સંચાલિત ડેટાબેઝ બનાવવા માટેનું એક રાષ્ટ્રવ્યાપી અભિયાન છે.  આવા તમામ રેકોર્ડ્સના સંચાલનને આધુનિક બનાવવાના ઉદ્દેશ્ય સાથેના કાર્યક્રમઆ ભાગરૂપે રાજ્ય સરકારે જાન્યુઆરી 2016માં જમીન વિશેની જિલ્લાવાર માહિતીની યાદી આપતા લેન્ડ બેંક પોર્ટલ નું ઉદ્ઘાટન કર્યું હતું. તેનો ઉદ્દેશ્ય "જમીન/મિલકત સંબંધિત વિવાદોની શક્યતા ઘટાડવાનો અને જમીનના રેકોર્ડની જાળવણીની પ્રણાલીઓમાં પારદર્શિતા વધારવાનો" હતો.”

વિડંબના એ છે કે આ અભિયાને ફગુઆ અને તેમના જેવા બીજા ઘણા લોકો માટે આ ઉદ્દેશ્યથી બિલકુલ વિપરીત કામ કર્યું છે.

"જમીનનું સ્ટેટસ ઓનલાઈન જાણવા માટે અમે પ્રજ્ઞા કેન્દ્રમાં ગયા હતા." પ્રજ્ઞા કેન્દ્ર એ ઝારખંડમાં કેન્દ્ર સરકારની ડિજિટલ ઇન્ડિયા યોજના હેઠળ બનાવવામાં આવેલી કોમન સર્વિસ સેન્ટર (જન સેવા કેન્દ્ર) માટેની વન-સ્ટોપ શોપ છે, જે ગ્રામ પંચાયતમાં ફીના બદલામાં જાહેર સેવાઓ પૂરી પાડે છે. “ત્યાંના ઓનલાઈન રેકોર્ડ મુજબ આ જમીનના હાલના માલિક નાગેન્દ્ર સિંહ છે. તેમના પહેલા સંજય સિંહ આ જમીનના માલિક હતા. તેમણે બિંદુ દેવીને જમીન વેચી હતી જેમણે પછીથી તે નાગેન્દ્ર સિંહને વેચી દીધી હતી.

"જમીનદારોના વંશજો અમારી જાણ બહાર એક જ જમીન બેથી ત્રણ વખત ખરીદતા અને વેચતા રહ્યા હોય એવું લાગે છે." પરંતુ અમારી પાસે 1930 થી 2015 સુધીની આ જમીન માટેની ઓફલાઇન રસીદો હોય ત્યારે આ કેવી રીતે શક્ય છે? અત્યાર સુધીમાં અમે 20000 રુપિયાથી વધુ ખર્ચ કરી ચૂક્યા છીએ અને હજી પણ ભાગદોડ કરી રહ્યા છીએ. પૈસા ભેગા કરવા માટે અમારે ઘરમાંથી અનાજ વેચી દેવું પડ્યું હતું. "હવે જ્યારે હું આ જમીન પર ઉભેલી દિવાલને જોઉં છું ત્યારે મને લાગે છે કે અમે અમારું બધું જ ગુમાવી ચૂક્યા છીએ. આ સંઘર્ષમાં કોણ અમારી મદદ કરી શકે તેમ છે એની અમને ખબર નથી."

PHOTO • Om Prakash Sanvasi
PHOTO • Jacinta Kerketta

ફગુઆ ઉરાંઓ (ડાબે) છેલ્લા કેટલાક વર્ષોમાં જમીનના રેકોર્ડના ડિજિટાઇઝેશનને પગલે પોતાના પૂર્વજો દ્વારા ખરીદેલી જમીન ગુમાવી દેનાર ઝારખંડના ખૂંટી જિલ્લાના ઘણા આદિવાસીઓમાંના એક છે. તેમના 1.20 એકરના પ્લોટ માટેની 2015 સુધીની જમીનના ભાડાની રસીદોની નકલો (જમણે) તેમની પાસે હોવા છતાં તેઓ પોતાની જમીન માટે લડવામાં પોતાના પૈસા અને શક્તિ ખર્ચી રહ્યા છે

*****

ઝારખંડમાં જમીન અધિકારોનો એક લાંબો અને જટિલ ઈતિહાસ રહ્યો છે. મોટી સંખ્યામાં આદિવાસી વસ્તી ધરાવતા આ ખનિજ સમૃદ્ધ વિસ્તારમાં નીતિઓ અને રાજકીય પક્ષોએ આ અધિકારોનું ખૂબ ખરાબ રીતે ઉલ્લંઘન કર્યું છે. ભારતના 40 ટકા ખનિજ ભંડારો આ રાજ્યમાં છે.

રાષ્ટ્રીય વસ્તી ગણતરી 2011 મુજબ આ રાજ્યમાં 29.76 ટકા વન આવરણ છે, જે 23721 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે; રાજ્યની વસ્તીનો ચોથો ભાગ અથવા રાજ્યની કુલ વસ્તીના લગભગ 26 ટકા અનુસૂચિત જનજાતિ (શીડ્યુલ્ડ ટ્રાઈબ) તરીકે વર્ગીકૃત થયેલ 32 આદિવાસી સમુદાયો છે; 13 જિલ્લાઓ સંપૂર્ણ રીતે અને ત્રણ જિલ્લાઓ આંશિક રીતે પાંચમી અનુસૂચિ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

આ રાજ્યમાં આદિવાસી સમુદાયો સંસાધનો પરના તેમના અધિકારો માટે સ્વતંત્રતા પહેલાના સમયથી સંઘર્ષ કરી રહ્યા છે, આ અધિકારો તેમની પરંપરાગત સામાજિક-સાંસ્કૃતિક જીવનશૈલી સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. પચાસ વર્ષથી વધુ સમયના તેમના સામુહિક સંઘર્ષના પરિણામે 1833 માં અધિકારોનો પહેલો વિધિવત રેકોર્ડ હુકુકનામા તૈયાર કરવામાં આવ્યો. આ ભારતીય આઝાદીની એક સદી પહેલા આદિવાસીઓના સમુદાયિક ખેતીના અધિકારો અને તેમના સ્થાનિક સ્વ-શાસનને અપાયેલ સત્તાવાર માન્યતા હતી.

અને પાંચમી અનુસૂચિ હેઠળ અનુસૂચિત વિસ્તારોને બંધારણીય બહાલી મળી તેના ઘણા સમય પહેલા 1908 ના છોટાનાગપુર ટેનન્સી એક્ટ (સીએનટી એક્ટ) અને સંથાલ પરગણા ટેનન્સી એક્ટ (એસપીટી એક્ટ) 1876 હેઠળ એ ખાસ વિસ્તારોમાં આદિવાસી (ST) અને મૂળવાસી (એસસી, બીસી અને બીજા) જમીનધારકોના અધિકારોને એ માન્યતા આપી દેવાઈ હતી.

*****

ફગુઆ ઉરાંઓ અને તેમનો પરિવાર પોતાની આજીવિકા માટે તેમના પૂર્વજોએ જમીનદાર પાસેથી ખરીદેલી જમીન પર નિર્ભર છે. આ ઉપરાંત તેમની પાસે 1.50 એકર ભુઈંહરી જમીન છે જે તેમના ઉરાંઓ પૂર્વજોની છે.

જેમના પૂર્વજોએ જંગલો સાફ કરીને જમીનને ડાંગરના ખેતરોમાં રૂપાંતરિત કરીને વસાહત સ્થાપી એવા એક પરિવારના આ વંશજો સામૂહિક રીતે એવી જમીનની માલિકી ધરાવે છે જે ઉરાંઓ વિસ્તારોમાં ભુઈંહારી અને મુંડા આદિવાસીઓના વિસ્તારોમાં મુંડારી ખુંટકટ્ટી તરીકે ઓળખાય છે.

ફગુઆ કહે છે, "અમે ત્રણ ભાઈઓ છીએ." તેઓ ઉમેરે છે, "અમારા ત્રણેયના પરિવારો છે. મોટા ભાઈ અને વચલા ભાઈ બંનેને ત્રણ-ત્રણ બાળકો છે અને મારે બે બાળકો છે. પરિવારના સભ્યો ખેતરો અને ડુંગરાળ જમીન પર ખેતી કરે છે. અમે ડાંગર, બાજરી અને શાકભાજી ઉગાડીએ છીએ. તેમાનું અડધું અમે ખાઈએ   છીએ અને પૈસાની જરૂર હોય ત્યારે બાકીનું અડધું વેચી દઈએ છીએ. અમે આની ઉપર જ જીવીએ છીએ."

આ એકલ-પાક પ્રદેશમાં વર્ષમાં માત્ર એક જ વાર ખેતી થાય છે. બાકીનો સમય આજીવિકા રળવા માટે તેઓએ કર્રા બ્લોકમાં આવેલા તેમના ગામમાં અને તેની આસપાસ કે પછી ગામથી દૂર દાડિયા મજૂરીનું કામ શોધવું પડે છે.

ડિજિટાઈઝેશન અને તેની સમસ્યાઓ માત્ર આવી પારિવારિક માલિકીની જમીનો પૂરતી મર્યાદિત નથી.

PHOTO • Jacinta Kerketta

ખૂંટી જિલ્લાના કોસંબી ગામમાં યુનાઈટેડ પડહા સમિતિની બેઠક માટે એકઠા થયેલા લોકો. આ સમિતિ આદિવાસીઓને ખતિયન - 1932 ના જમીન સર્વેક્ષણના આધારે સામુદાયિક અને ખાનગી જમીનના ભોગવટાના હક્કનો રેકોર્ડ - બતાવીને આદિવાસીઓમાં તેમના જમીનના અધિકારો વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે

લગભગ પાંચ કિલોમીટર દૂર કોસંબી ગામમાં બંધુ હોરો તેમની સામૂહિક જમીનની વાર્તા કહે છે. તેઓ કહે છે, "જૂન 2022 માં કેટલાક લોકોએ આવીને અમારી જમીનને વાડ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ જેસીબી મશીન (જે. સી. બેમ્ફોર્ડ એક્સકવેટર) લઈને આવ્યા ત્યારે ગામના બધા લોકો બહાર આવીને તેમને રોકવા લાગ્યા હતા."

આ જ ગામના 76 વર્ષના ફ્લોરા હોરો પણ વાતચીતમાં જોડાય છે. તેઓ કહે છે, "ગામમાંથી લગભગ 20-25 આદિવાસીઓ આવીને ખેતરોમાં બેસી ગયા હતા. લોકોએ પણ ખેતરો ખેડવાનું પણ શરૂ કરી દીધું હતું. જમીન ખરીદવામાં રસ ધરાવનારે પોલીસ બોલાવી હતી. પરંતુ ગામલોકો સાંજ સુધી ત્યાં બેસી રહ્યા હતા. અને પછીથી ખેતરોમાં સરગુજા [રામતલ અથવા ગુઇઝોટિયા એબિસિનીકા] વાવવામાં આવ્યા હતા."

36 વર્ષના ગ્રામ પ્રધાન વિકાસ હોરો વિગતવાર વાત કરતા જણાવે છે, "કોસંબી ગામમાં 83 એકર જમીન છે જે મઝિહસ તરીકે ઓળખાય છે. એ આ ગામની 'વિશેષાધિકારપ્રાપ્ત' જમીન છે, જે આદિવાસી સમુદાય દ્વારા તેમના જમીનદારની સ્વીકૃતિરૂપે અલગ રાખવામાં આવી હતી. ગામના લોકો આ જમીન પર સામુહિકરૂપે ખેતી કરતા આવ્યા છે અને ઉપજનો એક ભાગ તેઓ જમીનદારના પરિવારને આદરના પ્રતીકરૂપે, સલામી તરીકે આપે છે. રાજ્યમાં જમીનનો કબજો રાખવાની જમીનદારીપ્રથા નાબૂદ કરવામાં આવી ત્યારે પણ ગુલામીનો અંત આવ્યો નહોતો. તેઓ કહે છે, "ગામડાઓમાં ઘણા આદિવાસીઓને આજે પણ તેમના અધિકારોની જાણ નથી."

35 વર્ષના એક ખેડૂત સેતેંગ હોરોનો પરિવાર તેમના ત્રણ ભાઈઓના પરિવારની જેમ પોતાના જીવનનિર્વાહ માટે તેમની સંયુક્ત માલિકીની 10 એકર જમીન પર નિર્ભર છે, તેમની પાસે પણ કહેવા માટે કંઈક એવી જ વાર્તા છે. તેઓ કહે છે, "શરૂઆતમાં અમને ખબર નહોતી કે જમીનદારી પ્રથાના અંત સાથે મઝિયસની જમીન આ ખેતરોમાં સામુહિક રીતે ખેતી કરતા લોકો પાસે પાછી જાય છે. અને અમને આ વાતની ખબર ન હોવાથી ખેતી કર્યા પછી અમે અગાઉના જમીનદારના વંશજોને થોડું અનાજ આપવાનું ચાલુ રાખ્યું હતું.  તેઓએ આવી જમીનો ગેરકાયદેસર રીતે વેચવાનું શરૂ કર્યું ત્યારે જ અમે સંગઠિત થઈને અમારી જમીન બચાવવા આગળ આવ્યા હતા.

રાંચીના વરિષ્ઠ વકીલ રશ્મિ કાત્યાયન સમજાવે છે, "1950 અને 1955 ની વચ્ચે બિહાર જમીન સુધારણા અધિનિયમ (બિહાર લેન્ડ રિફોર્મ્સ એક્ટ) લાગુ કરવામાં આવ્યો હતો." એ જમીન પરના જમીનદારોના તમામ હિત - બિનખેડેલી જમીન ગણોતપટે આપવાનો અધિકાર, ભાડું અને કર વસૂલવાનો અધિકાર, પડતર જમીન પર નવી રૈયત વસાવવાનો અધિકાર, ગામડાંના બજારો અને ગામના મેળાઓ વગેરેમાંથી કર વસૂલવાનો અધિકાર - તે સમયે સરકાર પાસે હતા સિવાય કે એ જમીનોના જે ભૂતપૂર્વ જમીનદારો દ્વારા જાતે ખેડવામાં આવી રહી હતી.

72 વર્ષના કાત્યાયન કહે છે, “ભૂતપૂર્વ જમીનદારોએ આવી જમીન તેમજ મઝિહસ તરીકે ઓળખાતી તેમની 'વિશેષાધિકૃત' જમીન માટે રિટર્ન ફાઇલ કરવાના હતા. પરંતુ તેઓએ આવી જમીનને પોતાની માની લીધી હતી અને તેના પર ક્યારેય કોઈ રિટર્ન ફાઈલ કર્યા નહોતા. એટલું જ નહીં પરંતુ જમીનદારી પ્રથા નાબૂદ થયા પછી પણ લાંબા સમય સુધી તેઓએ ગામલોકો પાસેથી ઉપજનો અડધો હિસ્સો લેવાનું ચાલુ રાખ્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં ડિજિટાઇઝેશનની સાથે જમીન સંબંધિત તકરારો વધી ગઈ છે."

ખૂંટી જિલ્લામાં ભૂતપૂર્વ જમીનદારોના વંશજો અને આદિવાસીઓ વચ્ચે વધતી જતી તકરારોની ચર્ચા કરતા 45 વર્ષના એડવોકેટ અનુપ મિંજ કહે છે, “જમીનદારોના વંશજો પાસે ન તો ભાડાની રસીદો છે કે ન તો આવી જમીનોનો કબજો છે પરંતુ તેઓ આવી જમીનોને ઓનલાઈન ચિહ્નિત કરીને કોઈને અને કોઈને વેચતા રહ્યા છે. છોટા નાગપુર ટેનન્સી એક્ટ, 1908 ના ઓક્યુપન્સી રાઈટ સેક્શન હેઠળ જે વ્યક્તિ 12 વર્ષથી વધુ સમયથી આ જમીન પર ખેતી કરે છે તેને આપોઆપ જ મઝિહસની જમીન પર હક્ક મળી જાય છે. તેથી આ જમીન પર અહીં ખેતી કરતા આદિવાસીઓનો અધિકાર છે."

PHOTO • Jacinta Kerketta

કોસંબી ગામના લોકો તેમની જમીન બતાવે છે જેના પર તેઓ હવે સામુહિક રીતે ખેતી કરે છે. તેઓએ લાંબા અને સામુહિક સંઘર્ષ પછી આ જમીન ભૂતપૂર્વ જમીનદારોના વંશજો પાસેથી બચાવી છે

છેલ્લા કેટલાક વર્ષોથી યુનાઈટેડ પડહા સમિતિ સક્રિય છે, જે આદિવાસી સ્વ-શાસનની પરંપરાગત લોકતાંત્રિક પડહા પ્રણાલીના નેજા હેઠળ આ જમીનો પર ખેતી કરનારા લોકોને સંગઠિત કરે છે. સામાન્ય રીતે પડહામાં 12 થી 22 ગામોના જૂથો હોય છે.

આ સમિતિના 45 વર્ષના સામાજિક કાર્યકર આલ્ફ્રેડ હોરો કહે છે, "ખૂંટી જિલ્લાના ઘણા વિસ્તારોમાં આ સંઘર્ષ ચાલી રહ્યો છે." તેઓ કહે છે, "જમીનદારોના વંશજો આ જિલ્લાના તોરપા બ્લોકમાં 300 એકર જમીન, કર્રા બ્લોકના તુયુગુટુ (તિયૂ તરીકે પણ ઓળખાતા) ગામમાં 23 એકર, પડગાંવમાં 40, કોસંબી ગામમાં 83, મધુગામામાં 4, મેહન (મેહા તરીકે પણ ઓળખાતા) ગામમાં 23, અને છાતા ગામમાં 90 એકર જમીન પર ફરીથી કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં સંયુક્ત પડહા સમિતિએ આદિવાસીઓની લગભગ 700 એકર જમીન બચાવી છે."

યુનાઈટેડ પડહા સમિતિ આદિવાસીઓને ખતિયન - 1932 ના જમીન સર્વેક્ષણના આધારે સામુદાયિક અને ખાનગી જમીનના ભોગવટાના હક્કનો રેકોર્ડ - બતાવીને આદિવાસીઓમાં તેમના જમીનના અધિકારો વિશે જાગૃતિ લાવવા માટે કામ કરી રહી છે. ખતિયન કઈ જમીન પર કોનો અધિકાર છે એની અને જમીનની પ્રકૃતિ વિશેની વિગતવાર માહિતી પૂરી પાડે છે. ગામલોકો ખતિયન જુએ છે ત્યારે તેમને ખબર પડે છે કે તેઓ જે જમીન પર સામૂહિક રીતે ખેતી કરતા હતા એ જમીન તેમના પૂર્વજોની માલિકીની હતી. એ જમીન ભૂતપૂર્વ જમીનદારોની નથી અને જમીનદારી પ્રથા પણ નાબૂદ થઈ ગઈ છે.

ખૂંટીના મેરલે ગામના ઈપીલ હોરો કહે છે, “લોકો ડિજિટલ ઈન્ડિયા દ્વારા જમીન વિશેની તમામ માહિતી ઓનલાઈન જોઈ શકે છે અને તેથી જ તકરારો વધી ગઈ છે." 1 લી મેના રોજ મજૂર દિવસે કેટલાક લોકો ગામની નજીક મઝિહસની જમીનની આસપાસ બાઉન્ડ્રી બનાવવા આવ્યા હતા. તેઓએ દાવો કર્યો હતો કે તેઓએ એ જમીન ખરીદી છે. ગામના 60 જેટલા પુરુષો અને મહિલાઓએ ભેગા મળીને તેમને અટકાવ્યા હતા."

ઈપીલ હોરો ઉમેરે છે, “ભૂતપૂર્વ જમીનદારોના વંશજો મઝિહાસની જમીન ઓનલાઈન જોઈ શકે છે. તેઓ હજી પણ આવી જમીનો પર તેમનો 'વિશેષાધિકૃત' કબજો હોવાનું માને છે અને તેઓ અનુચિત રીતે એ જમીનો વેચી રહ્યા છે. તેઓ આ રીતે જમીન હડપ કરી જાય એ બાબતનો અમે અમારી સંયુક્ત તાકાતથી પ્રતિકાર કરી રહ્યા છીએ." આ મુંડા ગામમાં કુલ 36 એકર જમીન મઝિહસ જમીન છે, જેના પર ગામલોકો પેઢીઓથી સામૂહિક ખેતી કરતા આવ્યા છે.

30 વર્ષના ભરોસી હોરો કહે છે, “ગામના લોકો બહુ ભણેલા નથી. અમને ખબર નથી કે આ દેશમાં કયા નિયમો બનાવવામાં આવે છે અને કયા નિયમો બદલાય છે. ભણેલા લોકો ઘણું બધું જાણે છે. પરંતુ એ જાણકારીનો ઉપયોગ કરીને તેઓ ઓછી જાણકારી ધરાવતા લોકોને લૂંટે છે. તેઓ તેમને હેરાન કરે છે. તેથી જ આદિવાસીઓ વિરોધ કરે છે.”

અનિયમિત વીજ પ્રવાહ અને ખરાબ ઇન્ટરનેટ કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારોમાં રહેતા ઘણા લાભાર્થીઓ સુધી બહુચર્ચિત 'ડિજિટલ ક્રાંતિ' પહોંચી નથી. ઝારખંડમાં ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટની પહોંચ માત્ર 32 ટકા જોવા મળી છે. આમાં દેશમાં પહેલેથી જ મોજૂદ વર્ગ, લિંગ, જાતિ અને જનજાતિના વિભાજનને કારણે વધુ તીવ્ર બનેલ ડિજિટલ વિભાજન પણ ઉમેરી દો.

નેશનલ સેમ્પલ સર્વે (એનએસએસ 75મો રાઉન્ડ - જુલાઈ 2017-જૂન 2018) નોંધે છે કે ઝારખંડના આદિવાસી પટ્ટામાં માત્ર 11.3 ટકા પરિવારો પાસે ઇન્ટરનેટ સુવિધા છે અને તેમાંથી ગ્રામીણ વિસ્તારોમાં માત્ર 12 ટકા પુરુષો અને 2 ટકા મહિલાઓ ઇન્ટરનેટ કેવી રીતે વાપરવું એ જાણે છે. ગામલોકોને સેવાઓ માટે પ્રજ્ઞા કેન્દ્રો પર આધાર રાખવો પડે છે, આ કેન્દ્રો અપૂરતા હોવા અંગેની ચર્ચા દસ-જિલ્લાના સર્વેક્ષણ માં થઈ ચૂકી છે.

PHOTO • Jacinta Kerketta

ગામના આદિવાસીઓ હવે તેમની જમીન માટે સામુહિકરૂપે લડે છે, જ્યારે ભૂતપૂર્વ જમીનદારોના વંશજો જેસીબી મશીનો સાથે ઉતરી આવ્યા છે. તેઓ બેસે છે, હળ ચલાવે છે અને મોડે સુધી જાગરણ કરી ચોકી કરે છે અને છેવટે સરગુજા વાવે છે

ખૂંટી જિલ્લાના કર્રા ડેવલપમેન્ટ બ્લોકના સર્કલ ઓફિસર (સીઓ) વંદના ભારતી વાત કરતા અચકાતા હોય એવું લાગે છે. તેઓ કહે છે, "જમીનના કાગળો ભૂતપૂર્વ જમીનદારોના વંશજો પાસે છે, પરંતુ જમીન પર કબજો કોનો છે એ જોવાનું રહે છે. જમીન પર કબજો આદિવાસીઓનો છે, અને તેઓ જ એ જમીન પર ખેતી કરી રહ્યા છે. હવે આ એક જટિલ મામલો છે, સામાન્ય રીતે અમે આવા કેસોને કોર્ટમાં લઈ જઈએ છીએ. કેટલીકવાર ભૂતપૂર્વ જમીનદારના વંશજો અને લોકો જાતે જ અંદરોઅંદર સમાધાન કરી લે છે.

ઈકોનોમિક એન્ડ પોલિટિકલ વિકલીમાં વર્ષ 2023 માં ઝારખંડની સ્થાનિક રહેઠાણ નીતિ પર પ્રકાશિત એક સંશોધન પત્ર કહે છે, “... દરેક ડિજિટલ જમીન રેકોર્ડ મહેસૂલી જમીનને ખાનગી મિલકત શાસનમાં ફેરવી રહ્યું છે, જે સીએનટીએ હેઠળ મંજૂર કરાયેલ સામુદાયિક જમીન ભોગવટાના અધિકારોને રેકોર્ડ કરવાની પરંપરાગત/ખતિયાની પ્રણાલીની અવગણના કરે છે.

"સંશોધકો ખાતા અથવા પ્લોટ નંબર, વાવેતર વિસ્તારની ખોટી એન્ટ્રીઓ અને જમીનના માલિકોના નામો અને જનજાતિઓ/જાતિઓ બદલાયેલા હોવાની સાથોસાથ છેતરપિંડીથી જમીનનું વેચાણ થયું હોવાનું સ્વીકારે છે, આ બધા કારણોસર ગામલોકોએ ઓનલાઈન રેકોર્ડ્સ સુધરાવવા અને અપડેટ કરાવવા દર દર ભટકવું પડે છે - પરંતુ કોઈ ફાયદો થતો નથી અને હવે જમીન કોઈ બીજાને નામે છે એટલે તેઓ સંબંધિત કર ચૂકવી શકતા નથી.

જમીન અધિકારો માટેની લોકચળવળ, એકતા પરિષદના રાષ્ટ્રીય સંયોજક રમેશ શર્મા પૂછે છે, "આ મિશનના વાસ્તવિક લાભાર્થીઓ કોણ છે? શું જમીનના રેકોર્ડનું ડિજીટાઇઝેશન લોકશાહી પ્રક્રિયા છે? સરકાર અને કેટલાક શક્તિશાળી લોકો નિ:શંક્પણે આ મિશનના સૌથી મોટા લાભાર્થીઓ છે, જેઓ આ મિશનના એકંદર પરિણામોનો ફાયદો ઉઠાવી રહ્યા છે, જેવું એક સમયે જમીનદારો, જમીન માફિયાઓ અને વચેટિયાઓ કરતા હતા." તેઓ માને છે કે પરંપરાગત જમીન પ્રથા અને સીમાંકનને સમજવા અને સ્વીકારવાની સ્થાનિક વહીવટીતંત્રની અસમર્થતા ઇરાદાપૂર્વકની છે. તેઓ જાણીકરીને બિનલોકતાંત્રિક અને શક્તિશાળીઓના પક્ષમાં છે.

35 વર્ષના બસંતી દેવી આદિવાસી સમુદાયોનો જે ડર વ્યક્ત કરે છે તે ધાર્યા કરતા ઘણો વધારે વ્યાપક છે. તેઓ કહે છે, "આ ગામ ચારે બાજુથી મઝિહસની જમીનથી ઘેરાયેલું છે. આ 45 પરિવારોનું ગામ છે. લોકો શાંતિથી જીવે છે. અમે એકબીજાને સહકાર આપીએ છીએ એટલે ગામ આ રીતે ચાલે છે. હવે જો ચારે બાજુની જમીન ગેરકાયદેસર રીતે વેચવામાં આવશે, એની આસપાસ બાઉન્ડ્રી બનાવી દેવામાં આવશે તો અમારી ગાયો, બળદ, બકરીઓ ચરશે ક્યાં? ગામમાં સંપૂર્ણ નાકાબંધી થઈ જશે. અમને અહીંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવાની ફરજ પડશે. આ બધું ડરામણું છે.”

વરિષ્ઠ વકીલ રશ્મિ કાત્યાયન તરફથી મળેલી ઊંડી સમજણપૂર્વકની ચર્ચાઓ અને તેમની મદદ માટે લેખક તેમના અત્યંત આભારી છે , તેને પરિણામે તેમનું લેખન સમૃદ્ધ બન્યું છે .

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Jacinta Kerketta

उरांव आदिवासी समुदाय से ताल्लुक़ रखने वाली जसिंता केरकेट्टा, झारखंड के ग्रामीण इलाक़े की स्वतंत्र लेखक व रिपोर्टर हैं. वह आदिवासी समुदायों के संघर्षों को बयान करने वाली कवि भी हैं और आदिवासियों के ख़िलाफ़ होने वाले अन्यायों के विरोध में आवाज़ उठाती हैं.

की अन्य स्टोरी Jacinta Kerketta
Editor : Pratishtha Pandya

प्रतिष्ठा पांड्या, पारी में बतौर वरिष्ठ संपादक कार्यरत हैं, और पारी के रचनात्मक लेखन अनुभाग का नेतृत्व करती हैं. वह पारी’भाषा टीम की सदस्य हैं और गुजराती में कहानियों का अनुवाद व संपादन करती हैं. प्रतिष्ठा गुजराती और अंग्रेज़ी भाषा की कवि भी हैं.

की अन्य स्टोरी Pratishtha Pandya
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

की अन्य स्टोरी Maitreyi Yajnik