જેમ જેમ રામ અવતાર કુશવાહા, આહારવાનીમાં પ્રવેશ કરે છે, તેમ તેમ તેઓ કાદવવાળા રસ્તાઓ પર તેમની મોટરસાયકલ ચલાવવા માટે ધીમા પડી જાય છે. તેઓ ગામડાના ખરબચડા રસ્તાવાળા વિસ્તારમાં પહોંચે છે અને તેમની 150 સીસી બાઇકનું એન્જિન બંધ કરે છે.
લગભગ પાંચ મિનિટમાં, ભૂલકાઓ, નાના બાળકો અને કિશોરો તેમની આસપાસ ભેગા થવા લાગે છે. સહરિયા આદિવાસી બાળકોનું ટોળું ધીરજથી રાહ જુએ છે, એકબીજા સાથે વાતો કરે છે, હાથમાં સિક્કા અને 10 રૂપિયાની નોટો પકડે છે. તેઓ ચાઉ મીનની થાળી ખરીદવાની રાહ જોઈ રહ્યા છે, જે હલાવીને તળેલા નૂડલ્સ અને શાકભાજીથી બનેલી વાનગી છે.
હાલ સારી વર્તણૂક કરનારા આ ભૂખ્યા ગ્રાહકો ટૂંક સમયમાં જ અશાંત થઈ જશે તે જાણનારા, મોટરબાઈક વિક્રેતા ઝડપથી કામે લાગી જાય છે. તેમના સામાનમાં વધારે કંઈ નથી − તેઓ પ્લાસ્ટિકની બે બોટલ બહાર કાઢે છે. તેઓ સમજાવે છે, “આ લાલ ચટણી [મરચાંની] છે અને આ કાળી ચટણી [સોયા સૉસ] છે.” અન્ય વસ્તુઓમાં કોબીજ, છોલેલી ડુંગળી, લીલી કેપ્સિકમ અને બાફેલા નૂડલ્સનો સમાવેશ થાય છે. “હું મારો પુરવઠો વિજયપુર [નગર]માંથી ખરીદું છું.”
સાંજના લગભગ 6 વાગ્યા છે અને રામ અવતારે આજે મુલાકાત લીધી હોય તેવું આ ચોથું ગામ છે. તેઓ જે ગામોની નિયમિતપણે મુલાકાત લે છે અન્ય ગામડાઓ છે − લાડર, પાંડરી, ખજૂરી કાલન, સિલપારા, પારોંડ, આ બધાં ગામ વિજયપુર તાલુકામાં ગોપાલપુરા ગામ સાથે જોડાયેલ સુતયપુરામાં તેમના ઘરની 30 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલાં છે. આ ગામડાં અને નેસમાં જે બીજા તૈયાર નાસ્તા ઉપલબ્ધ છે તેમાં પેકેજ્ડ ચિપ્સ અને બિસ્કીટનો સમાવેશ થાય છે.
આશરે 500 લોકોની વસ્તી ધરાવતા આદિવાસી બહુમતી ધરાવતા આહારવાનીમાં તેઓ અઠવાડિયામાં ઓછામાં ઓછા બેથી ત્રણ વખત આવે છે. આહારવાની એ નવીનવી બનેલી વસાહત છે, ત્યાંના રહેવાસીઓ એ લોકો છે જેમને 1999માં કુનો ખાતે સિંહો માટે એક અખંડિત રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવા માટે ત્યાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા હતા. વાંચોઃ કુનોમાંઃ ચિત્તા અંદર, આદિવાસીઓ બહાર . આ ઉદ્યાનમાં એકેય સિંહ આવ્યો નથી, પરંતુ સપ્ટેમ્બર 2022માં આફ્રિકાથી ચિત્તાને ઉદ્યાનમાં ખસેડવામાં આવ્યા હતા.
આસપાસ ઊભેલા મોટાભાગના બાળકો કહે છે કે તેઓ આહારવાનીની સ્થાનિક સરકારી શાળામાં ભણે છે, પરંતુ ત્યાંના વતની કેદાર આદિવાસી કહે છે કે બાળકો શાળામાં નોંધાયા તો છે, પરંતુ તેઓ કંઈ વધારે શીખતા નથી. “અહીં શિક્ષકો નિયમિતપણે આવતા નથી, અને જ્યારે તેઓ આવે છે, ત્યારે કશું ભણાવતા નથી.”
23 વર્ષીય કેદાર આધારશિલા શિક્ષા સમિતિમાં શિક્ષક હતા, જે એક બિન-નફાકારક સંસ્થા છે જે અગર ગામમાં વિસ્થાપિત સમુદાયના બાળકો માટે શાળા ચલાવે છે. 2022માં પારી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું, “જ્યારે વિદ્યાર્થીઓ અહીંની માધ્યમિક શાળામાંથી ભણીને બહાર નીકળે છે, ત્યારે તેઓ વાંચન અને લેખન જેવા મૂળભૂત શિક્ષણના અભાવને પગલે અન્ય શાળાઓમાં પ્રગતિ કરી શકતા નથી.”
ભારતમાં અનુસૂચિત જનજાતિઓની આંકડાકીય રૂપરેખા નામના 2013ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સહરિયા આદિવાસીઓ મધ્યપ્રદેશમાં ખાસ કરીને નબળા આદિવાસી જૂથ (પી.વી.ટી.જી.) છે અને તેમની સાક્ષરતા 42 ટકા છે.
ભીડમાં હવે ધીરજ ખૂટી રહી હોવાથી રામ અવતાર અમારી સાથે વાત કરવાનું બંધ કરીને ચાઉ મીન તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ કેરોસીનનો સ્ટવ શરૂ કરે છે, અને તેમાં લગાવેલા 20 ઇંચ પહોળા તવા પર એક બોટલમાંથી થોડું તેલ છાંટે છે. તે નીચેની પેટીમાંથી નૂડલ્સ બહાર કાઢે છે અને તેને ગરમ તેલમાં નાખે છે.
તેમની બાઇકની સીટ ડુંગળી અને કોબીજ કાપવા માટે અનુકૂળ છે. તેઓ કાપેલી ડુંગળીને તવામાં ધકેલી દે છે અને તેની સ્વાદિષ્ટ સુગંધ હવામાં પ્રસરી જાય છે.
રામ અવતાર રસોઈ બનાવવાનું યુટ્યુબ પરથી જોઈને શીખ્યા છે. તેઓ પહેલા શાકભાજી વેચતા હતા પણ “તે વ્યવસાયમાં ખૂબ મંદી હતી. મેં મારા ફોન પર ચાઉ મીન કેવી રીતે બનાવવું તેનો એક વીડિયો જોયો હતો અને તેને અજમાવવાનું નક્કી કર્યું હતું.” આ શરૂઆત તેમણે 2019માં કરી હતી અને ત્યારથી તેઓ રોકાયા નથી.
જ્યારે પારીએ 2022માં તેમની મુલાકાત કરી હતી, ત્યારે તેઓ ચાઉ મીનનો એક નાનો બાઉલ 10 રૂપિયામાં વેચતા હતા. “હું એક દિવસમાં આશરે 700−800 [રૂપિયા]નો માલ વેચી શકું છું.” તેમનો અંદાજ છે કે તેઓ તેમાંથી 200−300 રૂપિયા કમાણી કરે છે. 700 ગ્રામના નૂડલ્સની કિંમત 35 રૂપિયા છે અને તેઓ એક દિવસમાં પાંચ પેકેટનો ઉપયોગ કરે છે; અન્ય મોટા ખર્ચમાં સ્ટવ માટે કેરોસીન, રસોઈ માટે તેલ અને તેમની બાઇક માટે પેટ્રોલનો સમાવેશ થાય છે.
તેઓ કહે છે, “અમારી પાસે ત્રણ વીઘા જમીન છે, પણ અમે તેમાંથી ભાગ્યે જ કંઈ કમાઈએ છીએ.” તેઓ ખેતીના કામમાં તેમના ભાઈઓનો સાથે આપે છે, તેઓ પોતાના વપરાશ માટે ઘઉં, બાજરી અને સરસવની ખેતી કરે છે. રામે રીના સાથે લગ્ન કર્યા છે અને તેમને 10 વર્ષથી ઓછી ઉંમરનાં ચાર બાળકો છે, જેમાં ત્રણ છોકરીઓ અને એક છોકરો છે.
રામ અવતારે સાત વર્ષ પહેલાં તેમની ટીવીએસ મોટરસાયકલ ખરીદી હતી અને ચાર વર્ષ પછી 2019માં, પુરવઠો વહન કરતી બેગ સાથે તેને ફરતા રસોડામાં ફેરવી દીધી હતી. આજે તેઓ કહે છે કે તેઓ દિવસમાં 100 કિલોમીટર જેટલી મુસાફરી કરે છે અને તેમના મોટાભાગના યુવાન ખરીદદારોને આ ભોજન વેચે છે. “મને આ કરવું ગમે છે. જ્યાં સુધી હું આ કરી શકું, ત્યાં સુધી હું આ કામ ચાલુ રાખીશ.”
અનુવાદક: ફૈઝ મોહંમદ