ઉમા પાટિલના બે ઓરડાના મકાનમાં એક નાના લોખંડના કબાટના એક ખૂણામાં એક દાયકા જુના હસ્તલિખિત રેકોર્ડ છે, જેમાં મોટાં રજિસ્ટર, ચોપડાઓ, ડાયરીઓ અને સર્વેક્ષણ ફોર્મની ફોટોકોપીનો સમાવેશ થાય છે. આ બધા દસ્તાવેજોને પોલિથીનની જાડી બેગમાં એકબીજાની ઉપર મૂકવામાં આવ્યા છે.
આ સતત વધી રહેલા ઢગલામાં જ ગ્રામીણ મહારાષ્ટ્રના મોટાભાગના ભાગની વસ્તીના સ્વાસ્થ્ય સંબંધી ડેટા માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તાઓ (આશા) દ્વારા નોંધવામાં આવે છે — બાળ જન્મ, રસીકરણ, તરુણોના પોષણની વાત, ગર્ભનિરોધક, ક્ષય રોગ અને ઘણું બધા વિશેની માહિતી. ઉમા મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના મિરાજ તાલુકાના આરાગ ગામના લોકોનું ઉપરોક્ત માહિતી 2009થી આ વિશાળ પુસ્તકો રાખી રહ્યાં છે, અને વારંવાર તેમના ગામના લોકોને સ્વાસ્થ્યના મુદ્દાઓ વિશે માહિતી આપવાનો અને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરે છે.
45 વર્ષીય ઉમાની જેમ, સમગ્ર ગ્રામીણ મહારાષ્ટ્રમાં, 55,000 આશા કાર્યકરો દરરોજ તેમનાં ગામડાં માટે મૂળભૂત આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવા માટે લાંબા કલાકો વિતાવે છે. આ કાર્યબળની સ્થાપના 2005માં રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન (એન.એચ.આર.એમ.) ના ભાગરૂપે કરવામાં આવી હતી. સામુદાયિક આરોગ્ય કાર્યકર્તાઓ, જેમાં તમામ મહિલાઓ છે, તેમની નિમણૂક 23 દિવસની તાલીમ પછી કરવામાં આવે છે. એન.એચ.આર.એમ. આદિવાસી ગામડાઓમાં દર 1,000 લોકો માટે (જેમણે ઓછામાં ઓછું ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો હોય તેવી) એક આશા અને બિન-આદિવાસી ગામડાઓમાં 1500ની વસ્તી માટે (જેમણે ઓછામાં ઓછું દસમું ધોરણ પાસ કર્યું હોય તેવી) એક આશા ફરજિયાત કરે છે.
લગભગ 15,600 લોકોની વસ્તી ધરાવતા આરાગ ગામમાં ઉમા સાથે અન્ય 15 આશા કાર્યકર્તાઓ દરરોજ સવારે 10 વાગ્યાની આસપાસ બહાર નીકળે છે. મિરાજ તાલુકામાં બેદાગ, લિંગનુર, ખાતવ, શિન્દેવાડી અને લક્ષ્મીવાડી ગામોનું મુખ્ય પીએચસી (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) આરાગ ખાતે આવેલું છે — જેમાં લગભગ 47,000ની કુલ વસ્તી માટે 41 આશાઓ કાર્યરત છે.
દરેક આશા મુલાકાત પાછળ, સમય સાથે, તેને સોંપવામાં આવેલા દરેક ઘરની મુલાકાત લે છે, અને સામાન્ય રીતે આ કામ પાછળ દૈનિક પાંચ કલાકની નોકરી કરતાં વધુ સમય વિતાવે છે. ઉમા કહે છે, “જો ઘરો ગામની અંદર હોય, તો બે કલાકમાં 10-15 મુલાકાતો કરી શકાય છે. પરંતુ કેટલાક લોકો ગામના છેડે અથવા ખેતરોમાં રહે છે, તેવામાં ચાર મુલાકાતોમાં પણ પાંચ કલાકથી વધુ સમય જતો રહે છે. અને અમારે ઝાડીઓ, ખેતરો અને કાદવવાળા રસ્તાઓ પગપાળા કાપવા પડે છે. ચોમાસા દરમિયાન તો તે ખૂબ ખરાબ હોય છે.”
આશાઓ જે ઘરની મુલાકાત લે છે, તેમાં પરિવારના સભ્યો સાથે આરોગ્યસંભાળ, ગર્ભનિરોધક, ઉધરસ અને તાવ જેવી નાની બિમારીઓ માટે રાહત પૂરી પાડવી, સગર્ભા સ્ત્રીઓને તેમના પ્રસૂતિ અને સ્તનપાન માટે તૈયાર કરવી, નવજાત શિશુઓ (ખાસ કરીને ઓછા વજનવાળાં અને અકાળે જન્મેલાં બાળકો) ની દેખરેખ રાખવી, ઝાડા, લોહતત્ત્વની ઉણપ અને કુપોષિત બાળકો પર નજર રાખવી, તેમનું સંપૂર્ણ રસીકરણ સુનિશ્ચિત કરવું, ક્ષય રોગ અને મેલેરિયા જેવી બીમારીઓને અટકાવવાનો પ્રયાસ કરવાનો અથવા સારવાર પૂરી પાડવાનો સમાવેશ થાય છે.
કાર્યોની સૂચિનો પાર નથી. તેમના પતિ અશોક સાથે તેમના એક એકરના ખેતરમાં મકાઈની ખેતી કરતાં ઉમા કહે છે, “અમે સુનિશ્ચિત કરીએ છીએ કે એક પણ ઘર કોઈપણ (આરોગ્ય) સર્વેક્ષણ અથવા આરોગ્ય સુવિધાથી વંચિત ન રહે. મોસમી સ્થળાંતર કરનારાઓ અને તેમના પરિવારો પણ નહીં.”
આના બદલામાં, આશા કાર્યકરની માસિક કમાણી — જેને સરકાર દ્વારા ‘પ્રોત્સાહન’ અથવા ‘માનદ્ વેતન’ કહેવામાં આવે છે — અને જે સરેરાશ ધોરણે મહારાષ્ટ્રમાં સરેરાશ માત્ર 2,000 થી 3,000 રૂપિયા જ હોય છે, તે તેમણે કરેલા કામ પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, તેમને તેમણે પૂરા પાડેલા કોન્ડોમ અને મૌખિક ગોળીઓના દરેક પેકેટ માટે 1 રૂપિયો આપવામાં આવે છે, દરેક સંસ્થાકીય પ્રસૂતિ માટે 300 રૂપિયા અને નવજાત બાળકની તપાસ કરવા માટે 42 ઘરની મુલાકાતો માટે 250 રૂપિયા આપવામાં આવે છે.
આ ઉપરાંત, આ ઢગલાબંધ ચોપડાઓમાં આશાઓએ તેમની તમામ મુલાકાત, દેખરેખ અને સર્વેક્ષણો વિશેની માહિતી જાળવવી પડે છે. ઉમા કહે છે, “હું દર મહિને 2,000 રૂપિયા કમાઉં છું અને ચોપા, ઝેરોક્સ, મુસાફરી અને મોબાઇલ રિચાર્જ પર 800 રૂપિયા ખર્ચી દઉં છું. અમારે દરેક અસલ ફોર્મની બે ફોટોકોપી લેવી પડે છે. એક અમારે સુવિધા આપનારને આપવાની હોય છે અને બીજું અમારી પાસે રહે છે. તેની કિંમત [ફોટોકોપી કરવા માટે] દરેક બાજુની 2 રૂપિયા થાય છે.”
આવા ફોર્મ અસંખ્ય છે — હોમ-બેઝ્ડ ન્યૂબોર્ન કેર ફોર્મ, સગર્ભા સ્ત્રીઓ માટે જનની સુરક્ષા યોજનાનું સ્વરૂપ, શૌચાલય અને પીવાના પાણીના સ્રોતો પર પારિવારિક સર્વેક્ષણ, રક્તપિત્ત પરની માહિતી, અને આ સિવાય પણ ઘણા ફોર્મ. અને આ ઉપરાંત ગ્રામ આરોગ્ય અને પોષણ દિવસ સર્વેક્ષણ છે, જે નોંધે છે કે આ માસિક કાર્યક્રમમાં કેટલા લોકોએ હાજરી આપી હતી, તપાસવામાં આવેલ હિમોગ્લોબિનનું સ્તર, રસી આપવામાં આવેલા બાળકોની માહિતી, કુપોષણનું સ્તર, વગરે… તેમાં આવી કુલ 40 વિગતો ભરવાની હોય છે.
ઉમા અને અન્ય આશા કાર્યકર્તાઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલી આવી પુષ્કળ માહિતી દર મહિનાના અંતે રાજ્ય સરકારની એન.એચ.આર.એમ.ની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે. 28 વર્ષીય પ્રિયંકા પુજારી, જેઓ આરાગ પીએચસીમાં ફેસિલિટેટર (સુવિધા આપનાર) છે, જ્યારે હું મુલાકાત લઉં છું ત્યારે આ વેબસાઇટ પર ડેટા અપડેટ કરવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. આરોગ્ય કેન્દ્રમાં ત્રણ એક માળની ઇમારતો છે જેમાં એક કમ્પ્યુટર, ડૉક્ટરની કેબિન અને મુલાકાતીઓ માટે બેસવાની જગ્યા, તેમ જ રક્ત પરીક્ષણો માટે પ્રયોગશાળા અને દવાઓ માટે સ્ટોર રૂમ છે. સામાન્ય રીતે, એક ‘ફેસિલિટેટર’ 10 આશા કાર્યકર્તાઓના કામ પર નજર રાખે છે અને પીએચસીમાં સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કામ કરે છે. પીએચસીમાં (ઓછામાં ઓછા કાગળ પર) એક નર્સ, મુલાકાતી ડૉક્ટર અને તબીબી ટેકનિશિયન પણ હોય છે.
પ્રિયંકા કહે છે, “આશા વેબસાઇટ એપ્રિલથી ડાઉન હતી. તે નવેમ્બરમાં ફરી શરૂ થઈ હતી. હું બાકી રહેલા મહિનાઓની સાથે સાથે વર્તમાન મહિનાના ડેટાને પણ અપડેટ કરી રહી છું. ઘણી વાર, લોડ-શેડિંગ (વીજળીનો કાપ) અને નબળા ઇન્ટરનેટ કનેક્શનને કારણે કામ અટકી જાય છે.” પ્રિયંકા બી.એ. અને શિક્ષણના ક્ષેત્રમાં ડિપ્લોમા કર્યા પછી ત્રણ વર્ષથી ફેસિલિટેટર તરીકે કામ કરી રહ્યાં છે. તેઓ લગભગ સાત કિલોમીટર દૂર તેમના ગામ લિંગનુરથી સ્કૂટી અથવા રાજ્ય પરિવહન બસમાં પીએચસી ખાતે આવે છે. તેમની ભૂમિકામાં આશા કાર્યકર્તાઓના કાર્યની દેખરેખ રાખવી, માસિક બેઠકો યોજવી અને પીએચસીમાં આવતા લોકોની હાજરી લેવાનો સમાવેશ થાય છે.
પ્રિયંકાની માસિક કમાણી 8,375 રૂપિયા કમાય છે — અને એ પણ ત્યારે જ્યારે કે તેઓ નવજાત અને પ્રસૂતિ પહેલાંની તપાસ માટે ઓછામાં ઓછી 20 ઘરોની મુલાકાતો પૂર્ણ કરે અને આશા વેબસાઇટને અપડેટ કરવામાં પાંચ દિવસ વિતાવે. “જો અમે મહિનામાં 25 દિવસ પૂર્ણ કરવામાં નિષ્ફળ જઈએ તો અમને આપવામાં આપતા પૈસામાં કપાત કરવામાં આવે છે. આશા અને ફેસિલિટેટર બંનેએ પગાર મેળવવા માટે આ કાર્ય બ્લોક કોમ્યુનિટી મોબિલાઇઝર્સ (આરોગ્ય અધિકારીઓ) સમક્ષ રજૂ કરવું પડે છે.”
પીએચસી ખાતે માસિક બેઠકો દરમિયાન પ્રિયંકાએ તમામ આરોગ્ય કર્મચારીઓની સામૂહિક ચિંતાઓ પર પણ અવાજ ઉઠાવ્યો હતો. તેઓ કહે છે, “પણ કંઈ થતું નથી. તાજેતરમાં, અમને 50 પાનાના પાંચ ચોપડા, 10 પેન, એક પેન્સિલ બોક્સ, 5 મિલી ગુંદરની બોટલ અને એક રૂલર સાથે [માત્ર] આ સ્થિર કીટ મળી છે. આ કેટલો સમય ચાલશે?”
તબીબી પુરવઠાની અછત એ બીજી પુનરાવર્તિત સમસ્યા છે. 42 વર્ષીય છાયા ચૌહાણ કહે છે, “અમને કોન્ડોમ અને ગર્ભનિરોધક ગોળીઓના બોક્સ મળ્યાને ત્રણ મહિના થઈ ગયા છે. જો કોઈ રાત્રે અમારી પાસે તાવ, માથાનો દુ:ખાવો, પીઠના દુ:ખાવાની દવાઓ માટે આવે છે, તો અમારી પાસે તે ઉપલબ્ધ નથી.” છાયા ‘માનદ્ વેતન’ પેટે મહિને સરેરાશ 2,000 રૂપિયા કમાય છે. તેમના પતિ રામદાસ નજીકની ખાંડની ફેક્ટરીમાં રક્ષક તરીકે કામ કરીને 7,000 રૂપિયા કમાય છે.
અને તેમ છતાં, આ ગ્રામીણ ભારતની પ્રાથમિક આરોગ્ય સંભાળ આ કામદારો પર જ આધાર રાખે છે, અને તેઓ જ દેશના આરોગ્ય સૂચકાંકોમાં સુધારો કરવામાં નોંધપાત્ર યોગદાન આપે છે. ઉદાહરણ તરીકે, રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણ-4 નોંધે છે કે 2015-16માં મહારાષ્ટ્રનો શિશુ મૃત્યુ દર ઘટીને દર 1,000 જીવંત જન્મો દીઠ 24 મૃત્યુ થયો છે, જે 2005-06માં 38 હતો, અને સંસ્થાકીય પ્રસૂતિઓ 2015-16માં 64.6 ટકાથી વધીને 90.3 ટકા થઈ ગઈ છે.
મુંબઈની જાહેર લોકમાન્ય તિલક મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલના સ્ત્રીરોગવિજ્ઞાની−પ્રસૂતિવિજ્ઞાની ડૉ. નિરંજન ચૌહાણ કહે છે, “આશા સમુદાય અને જાહેર આરોગ્ય વ્યવસ્થા વચ્ચે એક સેતુ તરીકે કામ કરે છે. માતા અને નવજાત શિશુના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે તેમની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. તેમની સતત ઘરની મુલાકાતો અને લોકો સાથે બીમારી વિશે નિયમિત વાતચીત સાવચેતીનાં પગલાં તરીકે કામ કરે છે.”
અને મોટે ભાગે આ જ આશા કાર્યકર્તાઓ સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પરિસ્થિતિમાં સંરક્ષણની પ્રથમ હરોળ હોય છે. ઉમા યાદ કરીને કહે છે, “છ મહિના પહેલાં, લક્ષ્મીવાડી [ત્રણ કિલોમીટર દૂર] માં, એક વ્યક્તિને સ્વાઈન ફ્લૂ હોવાનું જાણવા મળ્યું હતું. તે ગામની આશાએ તરત જ આરાગ પીએચસીને જાણ કરી. ડૉક્ટરો અને નિરીક્ષકોની એક ટીમ ત્યાં ગઈ હતી અને એક દિવસમાં તમામ 318 ઘરોનું સર્વેક્ષણ કર્યું હતું. અમે લક્ષણો ધરાવતી દરેક વ્યક્તિના લોહીના નમૂના લીધા હતા, અને તેનાથી બીજો કોઈ કેસ નહોતો થયો.”
જો કે ગ્રામવાસીઓ આશા કાર્યકર્તાઓએ કરેલી મહેનતની કદર કરે છે. એક વૃદ્ધ શિરમાબાઈ કૌરે કહે છે, “મેં બે વર્ષ પહેલાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું ત્યાં સુધી ક્યારેય હોસ્પિટલ જોઈ ન હતી. ઉમાએ અમારું માર્ગદર્શન કર્યું હતું. તેમણે મારી પુત્રવધૂ શાંતાબાઈની પણ બે વર્ષ સુધી [2011-12 માં] સંભાળ રાખી હતી, જ્યારે તેમને ક્ષય રોગ હતો. આ યુવા મહિલાઓ (આશા) મારા જેવા વૃદ્ધો, યુવાનો અને બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે તે સુનિશ્ચિત કરી રહી છે. મારા સમયમાં આવું કંઈ નહોતું. તે સમયે કોન હતું જે અમને માર્ગદર્શન આપે?”
આરાગના 40 વર્ષીય ખેડૂત ચંદ્રકાંત નાયકનો પણ આવો જ અનુભવ છે. “ત્રણ વર્ષ પહેલાં, જ્યારે મારી ચાર વર્ષની ભત્રીજીને પેટમાં તીવ્ર દુખાવો થતો હતો અને ઉલટી થતી હતી, ત્યારે અમને ખબર નહોતી કે શું કરવું. હું મદદ માટે ઉમાના ઘરે દોડી ગયો. તેમણે એમ્બ્યુલન્સ બોલાવી. અમે તેને પીએચસીમાં લઈ ગયા હતા.”
આશા કાર્યકર્તાઓ આવી કટોકટીઓને સંભાળવા માટે ટેવાયેલા હોય છે, સામાન્ય રીતે તાત્કાલિક ખર્ચ માટે તેમના પોતાના પૈસા ખર્ચ કરે છે. નાસિક જિલ્લાના ત્ર્યંબકેશ્વર તાલુકાના તલવાડે ત્ર્યંબક ગામની 32 વર્ષીય આશા ચંદ્રકલા ગંગુર્ડે 2015ની એક ઘટનાને યાદ કરે છેઃ “જ્યારે યશોદા સૌરેને પ્રસૂતિ થઈ ત્યારે રાત્રે 8 વાગ્યા હતા. અમે લગભગ 45 મિનિટ સુધી એમ્બ્યુલન્સની રાહ જોઈ. પછી મેં પડોશી બંગલાના માલિક પાસેથી ખાનગી વાહન ભાડે લીધું. અમે તેને [લગભગ 26 કિલોમીટર દૂર] નાસિકની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા. હું આખી રાત ત્યાં જ રહી હતી. તેણે એક છોકરીને જન્મ આપ્યો, જે હવે ત્રણ વર્ષની છે.”
25 વર્ષીય યશોધ ઉમેરે છે, “હું ચંદ્રકલા તાઈની ખૂબ આભારી છું. હોસ્પિટલ અને ડૉક્ટર અમારી પહોંચની બહાર હતા. પરંતુ તાઈએ અમને મદદ કરી હતી.” આ ‘સંસ્થાકીય પ્રસૂતિ’ સુનિશ્ચિત કરવા માટે, ચંદ્રકલાને કેન્દ્ર સરકારની જનની સુરક્ષા યોજના (જેનો ઉદ્દેશ માતા અને શિશુ મૃત્યુદર ઘટાડવાનો છે) હેઠળ માનદ્ વેતન તરીકે 300 રૂપિયા આપવામાં આવે છે. આમાંથી તેમણે 250 રૂપિયા વાહનના માલિકને આપ્યા અને 50 રૂપિયા ચા અને બિસ્કીટ પાછળ ખર્ચ્યા.
આવી પરિસ્થિતિઓ દરમિયાન, આશા કાર્યકર્તાએ કેટલીક વાર હોસ્પિટલમાં રાત વિતાવવી પડે છે, જેવું કે ચંદ્રકલાએ કર્યું હતું. અને એ દરમિયાન તેમને ન તો ખાવાનું મળે છે, કે ન આરામ કરવા માટે કોઈ જગ્યા. તેમના પતિ સંતોષ સાથે તેમના એક એકરના ખેતરમાં ઘઉં અથવા ડાંગરની ખેતી કરતાં ચંદ્રકલા કહે છે, “કટોકટીમાં, ખોરાક પેક કરવા માટે કોની પાસે સમય હોય છે? અમારે ઉતાવળ કરવી પડે છે અને અમારાં બાળકો અને પરિવારને પણ ઘેર છોડીને જવાં પડે છે. હું તે રાત્રે આખી રાત જાગતી રહી હતી. હું માત્ર પથારીની બાજુમાં એક ચાદર પાથરીને જમીન પર સૂઈ જાઉં છું. અમારા માટે રવિવાર જેવી કોઈ વસ્તુ નથી. અમારે હંમેશાં સતર્ક રહેવું પડે છે. કોઈ પણ વ્યક્તિ મને ગમે ત્યારે મદદ માટે ફોન કરી શકે છે.”
ચંદ્રકલા અંબોલી પીએચસી અંતર્ગત કામ કરતી 10 આશાઓમાંનાં એક છે, જ્યાં તેઓ મહિનામાં બે વાર ત્ર્યંબકેશ્વર તાલુકાના ગામોના અન્ય આરોગ્ય કર્મચારીઓ સાથે બેઠકો માટે જાય છે. ચંદ્રકલા રડતાં રડતાં કહે છે, “તેઓ બધા સમાન અનુભવોની વાત કરે છે. આશા કાર્યકર પોતે એક ગરીબ પરિવારમાંથી આવે છે. તે પોતે આર્થિક રીતે સંઘર્ષ કરે છે પરંતુ ગામને સ્વસ્થ રાખવા માટે સખત મહેનત કરે છે.”
તેઓ, અન્ય આશા કાર્યકર્તાઓની જેમ, તેમને ચૂકવવામાં આવતી રકમમાં વધારો કરવા માંગે છે. ચંદ્રકલા કહે છે, “આ કોઈ મોટી માંગ નથી. માનદ્ વેતન બમણું થવું જોઈએ, મુસાફરી અને અન્ય ખર્ચ સરકારે ચૂકવવા જોઈએ. બીજાંના સ્વાસ્થ્ય માટે અમે આખું જીવન અર્પણ કર્યા પછી, ઓછામાં ઓછી આટલી માંગ તો કરી શકીએ છીએ.” ચંદ્રકલા બોલે છે ત્યારે તેમનો અવાજ તૂટવા લાગે છે.
આશા સંગઠનો અને સંઘો દ્વારા અનેક આંદોલનો કરવામાં આવ્યા છે, જેમાં માંગ કરવામાં આવી છે કે સરકાર તેમની ચૂકવણીમાં વધારો કરે અને તેમની અન્ય ચિંતાઓનું સમાધાન કરે. સપ્ટેમ્બર 2018 માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલીક પુનરાવર્તિત પ્રવૃત્તિઓ માટે ચુકવણી−અથવા ‘પ્રોત્સાહનો’ માં વધારો કરવાની જાહેરાત કરી હતી; ઉદાહરણ તરીકે, ગામડાના આરોગ્ય રજિસ્ટરની જાળવણી માટે 100 રૂપિયાને બદલે 300 રૂપિયા આપવામાં આવશે.
પરંતુ આરોગ્ય કાર્યકર્તાઓ અને આશા કાર્યકર્તાઓએ આ પ્રસ્તાવની ટીકા કરી છે. સાંગલી સ્થિત મહારાષ્ટ્ર આશા કાર્યકર્તાઓ અને આરોગ્ય કર્મચારીઓની સંસ્થાના પ્રમુખ શંકર પુજારી કહે છે, “અમે વારંવાર 18,000ના એક નિશ્ચિત (લઘુતમ) માસિક પગારની માંગ કરી છે. અને સાથે સાથે વીમા કવચ, પેન્શન અને આશા કાર્યકર્તાઓને કાયમી કામદારો (લાભો સાથે) બનાવવાની માંગ પણ. નિયમિત પ્રોત્સાહન વધારવાથી સમસ્યાનું સમાધાન નહીં થાય.”
આ દરમિયાન, આરાગ ગામની પીએચસીમાં, ઉમા અને અન્ય લોકો જાન્યુઆરીમાં મુંબઈમાં આશા કાર્યકરોની વિરોધ નોંધાવવાની જે યોજના છે તેની વાત કરી રહ્યાં છે. ઉમા નિસાસો નાખતાં કહે છે, “એક વધુ આંદોલન! આમાં શું કરવું? આશાઓ [આશા શબ્દનો અર્થ અપેક્ષા થાય છે] માત્ર આશા પર ટકી રહે છે.”
અનુવાદક: ફૈઝ મોહંમદ