કોચરે ગામમાં આવેલી સંતોષ હળદણકરની હાફુસના 500 આંબાની વાડીમાં ક્યારેક ફળોથી લચી પડતા ગીચ ઝાડ-પાન હતા. આજે હવે એ સાવ ઉજ્જડ છે.
કમોસમી વરસાદ અને તાપમાનમાં અચાનક વધઘટને પરિણામે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં હાફુસ (મેન્ગીફેરા ઇન્ડિકા એલ) ના ખેડૂતોની ઉપજમાં ધરખમ ઘટાડો થયો છે. કોલ્હાપુર અને સાંગલીના બજારોમાં મોકલવામાં આવતા કેરીઓના માલમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
છેલ્લા દસથીય વધુ વર્ષોથી હાફુસની ખેતી કરતા સંતોષ કહે છે, “છેલ્લા ત્રણ વર્ષ મુશ્કેલ રહ્યા છે. એક સમયે અમે અમારા ગામમાંથી કેરીઓથી ભરેલી લગભગ 10-12 ગાડીઓ (વેચવા માટે) બજારોમાં મોકલતા. આજે હવે અમે મહામુશ્કેલીએ માંડ-માંડ એક ગાડી મોકલી શકીએ છીએ."
(વસ્તી ગણતરી 2011 અનુસાર) આ કેરી એ સિંધુદુર્ગ જિલ્લાના વેન્ગુર્લા બ્લોકના ત્રણ સૌથી મહત્વપૂર્ણ ઉત્પાદનોમાંથી એક છે. હળદણકર કહે છે કે હવામાનની અસ્પષ્ટતાએ આ બ્લોકમાં હાફુસના વાવેતરને એટલી બધી અસર પહોંચાડી છે કે આ વર્ષનું ઉત્પાદન સરેરાશ કેરીના ઉત્પાદનના 10 ટકા પણ નથી.
ખેડૂત સ્વરા હળદણકર કહે છે, "છેલ્લા 2-3 વર્ષોમાં આબોહવાના પરિવર્તનને કારણે ઘણું નુકસાન થયું છે." તેઓ જણાવે છે કે હવામાનમાં ફેરફારને પરિણામે કેરીમાં નવી જીવાતોના ઉપદ્રવ થવા લાગ્યો છે - થ્રીપ્સ અને જેસીડ્સ (જેને મેંગો હોપર તરીકે પણ ઓળખવામાં આવે છે) જેવી જીવાતો કેરીના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર કરે છે.
ખેડૂત અને કૃષિમાં સ્નાતક નિલેશ પરબ છેલ્લા કેટલાક સમયથી કેરી પર થ્રીપ્સની અસરનો અભ્યાસ કરી રહ્યા છે અને તેમણે શોધી કાઢ્યું છે કે "હાલની કોઈપણ જંતુનાશક દવા તેના પર કામ કરતી નથી."
કોઈ નફા વિના અને ઉપજમાં નોંધપાત્ર ઘટાડા સાથે સંતોષ અને સ્વરા જેવા ખેડૂતો તેમના પછી તેમના બાળકો કેરી ઉગાડવાનું કામ ચાલુ રાખે એવું ઈચ્છતા નથી. સ્વરા સમજાવે છે, "કેરીના બજાર ભાવ નીચા છે, વેપારીઓ અમને છેતરે છે, અને આટઆટલી મહેનત કર્યા પછી પણ અમારી બધી આવક જંતુનાશકો અને શ્રમિકોની મજૂરી પાછળ ખર્ચાઈ જાય છે."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક