હવે 60 વર્ષે પહોંચેલા સુબ્બૈયા, છેલ્લા કેટલાક વર્ષોમાં વધુને વધુ બેચેની સાથે આ પ્રદેશના તેમના સાથી ખેડૂતોને તેમના ખેતરોમાં ઉગેલા વડના વૃક્ષો (ફાઇકસ બેંગાલેન્સિસ)ને વેચતાં જોતા હતા. બે દાયકા પહેલાં સુબ્બૈયાએ પણ તેમના પોતાના બે એકરના ખેતરમાં વડનું વાવેતર અને સંવર્ધન કર્યું હતું. આ છોડ વધીને એક મોટા વૃક્ષોમાં ફેરવાયા હતા, જે ગરમીના દિવસોમાં છાંયડો અને આશ્રય પૂરો પાડતા હતા.
હવે ઝાડ વેચવાની વારી સુબ્બૈયાની હતી, પણ તેમને આ વડના એક ઝાડ દીઠ ફક્ત 8,000 રૂપિયા જ મળ્યા. તેમણે આ વેચાણ તેમનાં પત્નીની સારવાર કરાવવા માટે બળજબરીપૂર્વક કરવું પડ્યું હતું. બે વર્ષ પહેલાં, ગૌરી-ગણેશ હબ્બા (કર્ણાટકમાં એક તહેવાર) ના એક પખવાડિયા પહેલા, સુબ્બૈયાનાં પત્ની, 56 વર્ષીય મહાદેવમ્મા બકરાંની સંભાળ રાખતી વખતે પથ્થર પર લપસી ગયાં હતાં અને તેમના થાપામાં ફ્રેક્ચર થયું હતું.
તે દુર્ભાગ્યપૂર્ણ દિવસની ઘટનાઓને યાદ કરતાં મહાદેવમ્મા કહે છે, “હું ટોલામાંથી અલગ થઈ ગયેલા એક લવારાનો પીછો કરી રહી હતી, અને તેથી મેં પથ્થર જોયો નહોતો. હું પડી ગયા પછી મારી જાતને સંભાળી શકી નહોતી. મને અસહ્ય પીડા થઈ રહી હતી. સદ્ભાગ્યે, પસાર થતા લોકોની નજર મારા પર પડી અને તેમણે મને ઘરે પહોંચવામાં મદદ કરી.”
આ ઘટનાએ આ દંપતીની પહેલેથી જ નાજુક દુનિયાને ઉથલાવી દીધી હતી.
સુબ્બૈયા અને મહાદેવમ્મા મૈસૂર-ઊટી ધોરીમાર્ગ પર નંજનગુડ શહેરથી લગભગ 12 કિલોમીટર દૂર આવેલા હુનસાનાલુ ગામમાં રહે છે. તેઓ આદિ કર્ણાટક (એકે) સમુદાયના છે, જે કર્ણાટકમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ છે. તેમને 20 વર્ષની દીકરી પવિત્રા અને 18 વર્ષનો દીકરો અભિષેક છે.
પવિત્રાએ આઠમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. અભિષેકને જન્મથી જ સાંભળવાની ખોટની બીમારી છે, જેનાથી તેમના બન્ને કાનમાં મધ્યમથી ગંભીર પ્રમાણમાં સાંભળવાની ખોટ પેદા થઈ છે. જ્યારે લોકો વાત કરે છે ત્યારે તેને લગભગ કશું સંભળાતું નથી, અને તેથી તે ક્યારેય બોલવાનું શીખી શક્યો નથી. અભિષેક હાવભાવથી વાતચીત કરે છે અને જ્યારે તે જાતે બહાર જાય છે ત્યારે તેણે સાવચેત રહેવું પડે છે કારણ કે તે વાહનની હિલચાલ અથવા હોર્ન પણ સાંભળી શકતો નથી.
સુબ્બૈયાએ તેમના પુત્રને માંડ્યા જિલ્લાના પાંડવપુરા તાલુકાના ચિનાકુરલી ગામમાં જ્ઞાન વિકાસ સ્પેશિયલ રેસિડેન્શિયલ સ્કૂલ ફોર સ્પીચ એન્ડ હિયરિંગમાં દાખલ કર્યો હતો. અભિષેકે અત્યાર સુધી બારમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. હવે તે ઘરગથ્થુ ખર્ચમાં સહયોગ આપવા માટે નજીકના શહેરો અને નગરોમાં નોકરીની શોધ કરવામાં અને કુટુંબની ગાયની સંભાળ રાખવામાં પોતાનો સમય વિતાવે છે.
સમય જતાં, મહાદેવમ્માની સારવારનો તબીબી ખર્ચ તેમની થોડી ગણી જે બચત હતી તેને ખાઈ જવા લાગ્યો. પોતાનું વડનું ઝાડ વેચ્યા પછી, સુબ્બૈયાએ તેમનું ખેતર ખાલી કરીને, ગામના એક ખેડૂત સ્વામીને ત્રણ વર્ષના ભાડા કરાર પર તેમની બે એકર સૂકી જમીન આપીને બીજા 70,000 રૂપિયા ઊભા કર્યા હતા.
ઘણા બધા તબીબી પરીક્ષણો પછી, મૈસૂરની કે. આર. હોસ્પિટલના ડૉક્ટરોએ તારણ કાઢ્યું હતું કે મહાદેવમ્માને શસ્ત્રક્રિયાની જરૂર છે, પરંતુ તેમને લોહીની ઉણપ અને થાઇરોઇડની બીમારી હોવાથી તે મુશ્કેલ બને તેમ હતું. તેમને 15 દિવસ હોસ્પિટલમાં રાખ્યા પછી રજા આપવામાં આવી હતી, દવાઓનો કોર્સ કરાવવામાં આવ્યો હતો અને છ અઠવાડિયામાં શસ્ત્રક્રિયા માટે પાછા ફરવાની સલાહ આપવામાં આવી હતી. ત્યાં સુધીમાં આ દંપતીને મુસાફરી, ખોરાક, એક્સ-રે, લોહીના પરીક્ષણો અને દવાઓ પર લગભગ 40,000 રૂપિયા ખર્ચ થયો હતો.
મહાદેવમ્મા અગવડતા અને અસહ્ય પીડા સહન કરી શકતાં ન હોવાથી, આ દંપતીએ તમિલનાડુના ઈરોડ જિલ્લામાં તેમના ઘરથી લગભગ 130 કિલોમીટર દૂર સિંગિરીપાલયમ ગામમાં બિન-સર્જિકલ સારવાર લેવાનું નક્કી કર્યું. સિંગિરીપાલયમ હાડકાંના પરંપરાગત ઉપચાર અને સારવાર કેન્દ્રો માટે જાણીતું છે. આ સારવારમાં મહાદેવમ્માના પગને થાપાથી લઈને પગની ઘૂંટી સુધી સ્પ્લિન્ટથી બાંધવામાં આવે છે અને તૂટેલા ભાગ પર હર્બલ તેલ રેડવામાં આવે છે. આ સારવાર સસ્તી નહોતી. સુબ્બૈયા અને મહાદેવમ્મા ચાર વખત ભાડાની ગાડીમાં દર 15 દિવસે સિંગિરીપાલયમ જતાં હતાં. દરેક સારવાર સત્ર પાછળ આ પરિવારને 6,000 રૂપિયા ખર્ચ થતો હતો અને પછી સિંગિરીપાલયમ જવાના અને પાછા આવવા પાછળ 4,500 રૂપિયા ગાડીનું ભાડું થતું હતું.
આ સારવારથી અન્ય ગૂંચવણો થઈ. સ્પ્લિન્ટની ધાર મહાદેવમ્માના પગમાં પેસી ગઈ, અને ઘર્ષણથી ચામડી ચીરાઈ ગઈ હતી. સ્પ્લિન્ટ તેમના પગમાં એટલી ઊંડે સુધી પહોંચી ગઈ હતી કે તેમના પગની ધાર દેખાવા લાગી હતી. આનાથી ઘા વધુ તીવ્ર બન્યો હતો. ત્યારબાદ સુબ્બૈયા મહાદેવમ્માને નંજનગુડના એક ખાનગી ક્લિનિકમાં લઈ ગયા. ત્યાં તેમને સારવાર પાછળ 30,000 રૂપિયા જેટલો ખર્ચ થયો હતો, પરંતુ તેમનો પગ સાજો થયો ન હતો.
મહાદેવમ્મા તેના ઇજાગ્રસ્ત પગ સાથે ઘરમાં ફરવાનો પ્રયાસ કરતી વખતે વધુ બે વખત પડી ગયાં હતાં. બન્ને વખત પડી જવાથી તેમના ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ હતી. નજીકની હોસ્પિટલમાં સારવાર પાછળ 4,000 રૂપિયા ખર્ચ થયો હતો. સારવાર કરાવ્યા પછી પણ, તેઓ તેમના ઘૂંટણને સંપૂર્ણ રીતે વાળી શકતાં નથી.
તેમના બે એકરના ખેતરને ભાડાપટ્ટા પર આપવાથી સુબ્બૈયાએ કપાસ, મકાઈ, ચણા, લીલા ચણા, મસૂર અને તુવેર જેવા વરસાદ આધારિત પાકો ઉગાડીને મેળવતી આવકથી પણ હાથ ધોયા છે. આથી તેમણે સ્થાનિક સ્વ-સહાય જૂથ પાસેથી 4 ટકાના વ્યાજ દરે 100,000 રૂપિયા લેવા પડ્યા હતા. તેમણે આ લોનની ચૂકવણી પેટે દર મહિને 3,000 રૂપિયાનો હપ્તો આવનારા 14 મહિના સુધી ચૂકવવો પડશે. તેમણે તેમની જમીનનો કબજો પાછો મેળવવા માટે એક વર્ષમાં ઓછામાં ઓછા 70,000 રૂપિયા ચૂકવવા પડશે.
સુબ્બૈયાને જ્યારે કામ મળે છે ત્યારે તેઓ પ્રતિ દિન 500 રૂપિયા કમાઈ શકે છે, તેમને સામાન્ય રીતે મહિનામાં લગભગ 20 દિવસ માટે કામ મળે છે. તેઓ આ વિસ્તારમાં ખેતરોમાં ભાડેથી કામ કરે છે અને ગામમાં મકાન નિર્માણની જગ્યાઓ પર મદદ કરે છે. શેરડીની લણણીની મોસમ દરમિયાન, સુબ્બૈયા ખાંડની ફેક્ટરીઓમાં શેરડી કાપે છે. મહાદેવમ્મા, કે જેઓ એક સમયે ઘરનું કામકાજ કરતાં હતાં અને ઘાસ કાપીને અને પડોશી ખેતરોમાં નીંદામણ કરીને ઘરની આવકમાં દરરોજ 200 રૂપિયા ઉમેરતાં હતાં, તેઓ હવે સહારા વિના ચાલી શકતાં નથી, આવક કમાવવાની તો વાત જ છોડી દો.
તેમની દૂઝણી ગાય કે જેનું મહિનાનું 200 લિટર જેટલું દૂધ વેચીને તેઓ 6,000 રૂપિયા કમાતાં હતાં, તે પણ બે વર્ષથી વિયાઈ નથી, જેનાથી તેમની આવકનો એક બીજો સ્રોત કપાઈ ગયો છે.
આ પરિવાર પાસે હવે હુણસાનાલુ ગામના બહારના ભાગે એક સાંકડી ગલીમાં એક ઓરડો ધરાવતું સફેદ ઘર જ બચ્યું છે.
આ દુર્ઘટનાઓ પહેલાં, સુબ્બૈયાએ તેમના પુત્ર માટે સારું ભવિષ્ય વિચાર્યું હતું, અને તેને સાંભળવાની અક્ષમતા ધરાવતા લોકો માટેની એક વિશેષ શાળામાં મૂક્યો હતો. તેઓ ગર્વથી તેમના પુત્ર વિષે કહે છે, “તે તેજસ્વી છે. ફક્ત તે બોલી જ નથી શકતો.” તેમને અફસોસ છે કે તેઓ તેને વધુ ટેકો આપી શકતા નથી.
તેમની દીકરી પવિત્રા રસોઈ કરે છે, સફાઈ કરે છે અને ઘરની સંભાળ રાખે છે. પવિત્રાના પિતા કહે છે કે તેના લગ્ન થવાની સંભાવનાઓ ઓછી લાગે છે, કારણ કે પરિવારને હવે લગ્ન કરવામાં થતો ખર્ચ પોસાય તેમ નથી.
લાચાર સુબ્બૈયા કહે છે, “મારે તેને હોસ્પિટલમાં લઈ જવા માટે એકતરફી મુસાફરી પાછળ 500 રૂપિયા ખર્ચવા પડે છે, અને પાછો દવાઓ અને એક્સ-રેનો ખર્ચ પણ થાય છે. સારવાર પાછળ અમારી બધી બચત પણ ખર્ચાઈ ગઈ અને બીજા પૈસા પણ ઉમેરવા પડ્યા. મને બીજા પૈસા ક્યાંથી મળશે.”
તેઓ હજુ પણ તે વૃક્ષને ગુમાવવા બદલ દિલગીરી વ્યક્ત કરે છે. “તે વૃક્ષને મેં જ રોપ્યું અને ઉછેર્યું હતું. કાશ મારે તેને વેચવું ન પડ્યું હોત. પણ મારી પાસે બીજો શું વિકલ્પ હતો?”
મહાદેવમ્માને જે લાંબી સારવારની જરૂર છે, તે તેમના પરિવારને પોસાય તેમ નથી. તેમને ગુણાત્મક તબીબી સારવાર માટે ભંડોળની જરૂર છે. અને તેમને તેમની જમીનનો કબજો પાછો મેળવવા, તેમના બે બાળકોના ઉછેર માટે તેમના પગ પર પાછા ઊભા થવા માટે વધુને વધુ ભંડોળની જરૂર છે.
દેખીતી રીતે નારાજ મહાદેવમ્મા કહે છે, “હું સહારા વગર આગળના આંગણામાં પણ ચાલી નથી શકતી.”
સુબ્બૈયા નિરાશ થઈને કહે છે, “ચાર પુખ્ત વયના માણસો ધરાવતા પરિવારમાં કમાવાવાળો હું એકલો જ છું, અને તે ક્યારેય પૂરતું નથી થતું. હું મારા સૌથી ખરાબ દુશ્મનને પણ આવું નસીબ નહીં ઈચ્છું. મને અમારા દુઃખોનો કોઈ અંત નથી દેખાતો.”
અનુવાદક: ફૈઝ મોહંમદ