પ્રજાસત્તાક દિવસની નાગરિકો દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી ઉજવણી બરોબર એક વર્ષ પહેલાં થઈ હતી. સપ્ટેમ્બર ૨૦૨૦માં સંસદ દ્વારા લાદવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીની બહાર બે મહિના સુધી પડાવ નાખ્યાં પછી હજારો ખેડૂતોએ પ્રજાસત્તાક દિવસે પોતાની આગવી રેલીનું આયોજન કર્યું હતું. ૨૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ સિંઘુ, ટીકરી, ગાઝીપુર અને દિલ્હી ખાતેના તથા દેશભરના અન્ય વિરોધ પ્રદર્શન સ્થળોએથી ટ્રેક્ટર રેલીઓની શરૂઆત કરવામાં આવી હતી.
ખેડૂતોની પરેડ એક શક્તિશાળી અને કરુણ પ્રતીકાત્મક ચાલ હતી. તે સામાન્ય નાગરિકો, ખેડૂતો, કામદારો અને અન્ય લોકો દ્વારા પ્રજાસત્તાકની પુન:પ્રાપ્તિ હતી. એક નાના ભંગાણ પાડનારા જૂથ દ્વારા કરવામાં આવેલી કેટલીક અપ્રિય ઘટનાઓએ આ અવિશ્વસનીય ઘટનામાંથી ધ્યાન હટાવવાના પ્રયત્નો છતાંય, તે એક નોંધપાત્ર ઘટના હતી.
નવેમ્બર ૨૦૨૧માં સરકારે કાયદાઓ રદ કર્યા એટલે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન સમેટી લીધું હતું. ત્યાં સુધીમાં, તેમણે શિયાળાની કડકડતી ઠંડી, ઉનાળાની કાળઝાળ ગરમી અને કોવિડ-૧૯ની ઘાતક બીજી લહેરનો સામનો કર્યો હતો જેમાં ૭૦૦ થી વધુ ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ફિલ્મ તેમની લાંબી લડાઈને અર્પિત શ્રદ્ધાંજલિ છે.
૨૦૨૧ના પ્રજાસત્તાક દિવસ પર કાઢવામાં આવેલી ટ્રેક્ટર રેલી ઈતિહાસના સૌથી મોટા વિરોધ પ્રદર્શનોમાંના એક પ્રદર્શનની શાન હતી. તે એક શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ ચળવળ હતી કે જે ખેડૂતોએ બંધારણ અને દરેક નાગરિકના અધિકારોના બચાવમાં કાઢી હતી. યાદ રાખો: પ્રજાસત્તાક દિવસ એ એનું જ પ્રતિક છે - લોકશાહી અને નાગરિકોના અધિકારોને સમાવિષ્ટ કરતું બંધારણ અપનાવવું.
આદિત્ય કપૂરની એક ફિલ્મ.
અનુવાદક: ફૈઝ મોહંમદ