“વીર નારાયણસિંહ?” છત્તીસગઢના સોનાખાન ગામના સહસ્રમ કંવર કહે છે. “એ તો લૂટેરા/લૂંટારો, ડાકુ હતો. કેટલાક લોકોએ તેને મહાન માણસ બનાવી માને છે. અમને એવું નથી લાગતું. ” આજુબાજુ બેઠેલા ઘણા લોકો સંમતિમાં ડોકું હલાવે છે. કેટલાક સહસ્રમના નિવેદનની પુષ્ટિ કરતા પોતાની ટિપ્પણીઓ ઉમેરે છે.
તે દુઃખદ હતું. અમે સોનાખાન ગામની શોધમાં લાંબી મુસાફરી કરીને આવ્યા હતા. 1850 ના દાયકાના મધ્યભાગમાં છત્તીસગઢ આદિજાતિ બળવાનું તે મુખ્ય કેન્દ્ર હતું. તેની શરૂઆત 1857 ના મહાન વિદ્રોહની પહેલા થઈ હતી. અને તે વિદ્રોહમાંથી જ એક અસલી લોક નાયક ઊભરી આવ્યો હતો.
આ એ ગામ છે જ્યાં વીર નારાયણસિંહે અંગ્રેજો વિરુદ્ધ બળવો પોકાર્યો હતો.
1850 ના દાયકામાં અહીં લગભગ દુકાળ જેવી હાલતને કારણે પરિસ્થિતિ વણસી હતી. પરિસ્થિતિ વધુ વણસતા સોનાખાનના નારાયણસિંહે આ વિસ્તારના સામંતોનો સામનો કરવો પડ્યો. મોટાભાગે આદિવાસી વસ્તી ધરાવતા આ ગામના સૌથી વૃદ્ધ આદિવાસી રહેવાસી ચરણસિંઘ કહે છે, “તેણે દયાની ભીખ ન માગી." તેઓ એકલા જ નારાયણસિંહ વિશે વધુ ઉદાર મત ધરાવતા હોય એવું લાગે છે.
"તેમણે વેપારીઓ અને જમીનદારોને ગોદામો ખોલવા અને ગરીબોને અનાજનું વિતરણ કરી તેમની ભૂખ સંતોષવા કહ્યું." બીજા ઘણા દુષ્કાળમાં થતું આવ્યું છે તેવી જ રીતે અનાજના ગોદામો ભરેલા હતા “અને તેણે કહ્યું કે પહેલો પાક થશે ત્યારે લોકો તેમને જે અનાજ આપવામાં આવ્યું હશે તે પાછું વાળશે. તેઓએ (જમીનદારોએ)ના પાડી ત્યારે તેમણે ગરીબોને સાથે લઈ વખારો કબજે કરી ગરીબોમાં અનાજનું વિતરણ કર્યું.” આદિવાસીઓએ તેમના જુલમખોરોનો સાહસપૂર્વક મુકાબલો કરતા આ લડત સમગ્ર વિસ્તારમાં ફેલાઈ.
ભોપાલની બરકતુલ્લાહ યુનિવર્સિટીના પ્રો.હિરાલાલ શુક્લ કહે છે, "1857 ના બળવાના ઘણા સમય પહેલા આ લડતની શરૂઆત થઈ હતી." પ્રો.શુકલ કહે છે; "છતાં પાછળથી તેમણે 1857 ના બળવાખોરો સાથે હાથ મિલાવ્યા." તેનો અર્થ એ થાય છે કે મુંબઈ અને કલકત્તાનો બૌદ્ધિક વર્ગ જયારે અંગ્રેજોની સફળતા માટે પ્રાર્થના કરવા બેઠકો યોજવામાં વ્યસ્ત હતો ત્યારે છત્તીસગઢના આદિવાસીઓ બ્રિટીશ સામ્રાજ્ય સામેની લડતમાં પોતાના બલિદાન આપી રહ્યા હતા.
1857 માં અંગ્રેજોએ રાયપુરમાં નારાયણસિંહને ફાંસી આપી.
સોનાખાનમાં લોકો સ્વતંત્રતા તરફ દોરી જનાર બલિદાનોની મજાક ઉડાવતા નથી. તેઓએ પોતે પણ ઘણા બલિદાનો આપ્યા છે. સીમાંત ખેડૂત જયસિંહ પાઇકરા માને છે કે “અંગેજો સામે લડવું યોગ્ય હતું. આ આપણો દેશ છે. ” છેલ્લા 50 વર્ષોમાં “ગરીબોના નસીબે ઝાઝું આવ્યું નથી છતાં" તેઓ એ વર્ષોનું નું મૂલ્ય સમજે છે.
છત્તીસગઢના ઘણા આદિવાસી અને બિન-આદિવાસી ગરીબોની જેમ જ સોનાખાન માટે પણ ભૂખમારો હજી આજે ય એક મોટી સમસ્યા છે - સોનાખાન તેના નામ પ્રમાણે સોનાની ખાણ નથી. શ્યામસુંદર કંવર કહે છે, “આજે તમે જે થોડા લોકો જુઓ છો તેના કરતા ય ઓછા લોકો તમને "ગઈ સીઝનમાં" જોવા મળ્યા હોત. કેટલીક વાર કંઈક આજીવિકા માટે અમારે બધાને સ્થળાંતર કરવું પડે છે. ” અહીં સાક્ષરતા અભિયાન નિષ્ફળ જવાનું આ પણ એક કારણ છે.
સોનાખાન એક અભયારણ્યની વચ્ચે છે. તેથી ભૂતકાળ અને વર્તમાનના વન સંબંધિત ઘણા પ્રશ્નો હજી આજે પણ છે. અને આજે પણ આ વિસ્તાર વીર નારાયણે જેમની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો તેમના જ - વેપારીઓ, શાહુકાર, સામંતી તત્વોના જ - કડક નિયંત્રણમાં છે. બીજા ખેડૂત વિજય પાઇકરા કહે છે, "કેટલીકવાર ટકી રહેવા માટે અમારે અમારી જમીન પણ ગીરવે મૂકવી પડે છે."
(વીર નારાયણ જે સમસ્યાઓ માટે લડ્યા હતા) એ બધી સમસ્યાઓ આજે પણ છે છતાં વીર નારાયણની યાદ તેમના પોતાના ગામમાં જ કેમ મરી રહી છે?
ભોપાલના એક અધિકારીએ જણાવ્યું છે કે, 'તેના જવાબને 1980 અને ’90 ના દાયકાના મધ્યપ્રદેશના રાજકારણની સરખામણીમાં ભૂતકાળ સાથે ઓછો સંબંધ હોઈ શકે.'
ચરણસિંહ યાદ કરે છે કે, “અર્જુનસિંહ લગભગ 13 વર્ષ પહેલાં [તેમના હેલિકોપ્ટરમાં] આવ્યા હતા. અને તેમણે અહીં એક હોસ્પિટલ શરુ કરી. આ વર્ષે એપ્રિલમાં વધારે મોટા માણસો આવ્યા. [પ્રધાનો હરવંશ સિંહ અને કાંતિલાલ ભુરિયા અને વિદ્યા ચરણ શુક્લ.] તેઓ પણ હેલિકોપ્ટર દ્વારા આવ્યા. વચ્ચે વચ્ચે બીજા કેટલાક લોકો પણ આવી ગયા. ”
સોનાખાનની સૌથી નજીકના સ્થાન રાયપુરથી પિથોરા સુધીનું 100 કિલોમીટરનું અંતર સડક દ્વારા કાપતા બે કલાક લાગે. પરંતુ ત્યાંથી આ ગામ સુધીના બાકીના 30 કિલોમીટરનું અંતર કાપતા બે કલાકથી ય વધુ સમય લાગે છે. જયસિંગ પાઇકરા કહે છે, "જો અહીં કોઈ ગંભીર રીતે બીમાર પડે તો તબીબી સહાય માટે અમારે તેમને 35 કિલોમીટર જંગલમાં થઈને લઈ જવા પડે."
પરંતુ અર્જુનસિંહની હોસ્પિટલનું શું? પાઇકરા કહે છે, "અરે એને શરૂ થયે 13 વરસ થઈ ગયા, હજી આજ સુધી ત્યાં કોઈ ડોક્ટર રાખવામાં આવ્યા જ નથી." ત્યાં એક કમ્પાઉન્ડર છે જે ખુશીથી પ્રિસ્ક્રિપ્શનો લખી આપે છે. પરંતુ દવાઓ બહાર ખરીદવી પડે છે.
તો એવું તે શું હતું જે "બડે લોગ" ને અહીં સુધી ખેંચી લાવ્યું ? અને તેઓએ ખરેખર કર્યું શું?
પાઇકરા કહે છે, "જ્યારે પણ તેઓ આવે છે ત્યારે એકસરખું જ હોય છે. તેઓ નારાયણસિંહ વિશે ભાષણો આપે છે અને એક પરિવારને: તેના વંશજોને પૈસા અને ભેટો આપે છે." અમે તેમના વંશજોને શોધી શક્યા નહીં
ચરણસિંહ કહે છે, “તેઓ ક્યારેય અહીં હોતા જ નથી. કોણ જાણે છે ખરેખર તેઓ તેના અસલી વંશજ છે કે નહીં. તેઓ કહે છે કે તેઓ (નારાયણ સિંહના વંશજો) છે. પરંતુ તેઓ ગામના આદિજાતિના દેવી-દેવતાના મંદિરમાં પૂજા પણ કરતા નથી. ”
પાઇકરા કહે છે, “છતાં બધા લાભ તેમને જ મળે છે.”
મધ્યપ્રદેશના સ્વાતંત્ર્ય સેનાનીઓની સૂચિનું રાજ્ય સરકારનું સત્તાવાર પ્રકાશન ગૂંચવણભર્યું છે. અંગ્રેજો સામે લડતા હજારો આદિવાસીઓએ પોતાનો જીવ ગુમાવ્યો. પરંતુ યાદીઓમાં આદિવાસી નામો શોધવાનું લગભગ અશક્ય છે. શું છત્તીસગમાં કે શું બસ્તરમાં. પણ મિરધા, શુક્લ, અગ્રવાલ, ગુપ્તા, દુબે (જેવા સવર્ણોના નામોથી) પ્રકાશનના પાનાંના પાના ભરેલા છે. આ વિજેતાઓ દ્વારા લખાયેલ ઈતિહાસ છે.
1980 ના દાયકાના મધ્યભાગમાં મધ્ય પ્રદેશના તત્કાલીન મુખ્ય પ્રધાન - અર્જુનસિંહે તેમના મુખ્ય હરીફો બે શુક્લ ભાઈઓનો કાંટો કાઢવાનો પ્રયત્ન કર્યો. એક હતા તે જ રાજ્યના ત્રણ વખત મુખ્ય પ્રધાન રહી ચૂકેલા શ્યામા ચરણ શુક્લ. અને બીજા હતા ઘણી વખત કેન્દ્રીય પ્રધાન રહી વિદ્યા ચરણ શુક્લ. છત્તીસગઢ તેમનો ગઢ હતો - અને કંઈક અંશે હજી પણ છે. રાજ્ય કોંગ્રેસમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાની લડાઈમાં અર્જુન સિંહે તેમને નિશાન બનાવ્યા. અને (તે વ્યૂહરચનાના ભાગરૂપે) વીર નારાયણનો ઉપયોગ કરવામાં આવ્યો.
ઈતિહાસનાં પુસ્તકોમાં ભલે ક્યાંય નારાયણ સિંહના નામનો ઉલ્લેખ સરખો ન હોય. છતાં, આ વિસ્તારના લોકો માટે તેઓ અધિકૃત નાયક હતા. જો કે હવે રાજ્ય સરકાર તેમનો ઉપયોગ પ્યાદાના રૂપમાં કરે છે.
વીર નારાયણ સિંહને પ્રાધાન્ય આપવાનો મૂળ હેતુ શુકલ ભાઈઓનું પ્રભાવ ઘટાડવાનો હતો . છત્તીસગઢના વાસ્તવિક નાયકો કોણ હતા? આદિજાતિ નેતા? કે બૌદ્ધિક વર્ગના શુક્લ ભાઈઓ? છત્તીસગઢની મહાન પરંપરાઓ કોની સાથે જોડાયેલી છે? સમકાલીન રાજકીય લડાઇઓ લડવા હવે ભૂતકાળનો ડગલો ઓઢી લેવાય છે. વીર નારાયણના ગુણગાન ગાઈને અર્જુનસિંઘ પોતે શુક્લ ભાઈઓની વિરુદ્ધ આદિવાસીઓના પક્ષે છે એમ બતાવવાનો પ્રયત્ન કરતા હતા.
ટૂંક સમયમાં રાજ્યનું વહીવટી તંત્ર ફરીથી નારાયણ સિંહનો સત્તાવાર અવતાર રજૂ કરવામાં લાગી ગયું. તેની થોડી સકારાત્મક અસરો થઈ. એક ઓછા જાણીતા નાયકને છેવટે યોગ્ય સન્માન આપવામાં આવ્યું. અને તેમાં કોઈ દોષ કાઢી શકે તમ નહોતું. પરંતુ તેની પાછળના હેતુઓનો પોતાનો તર્ક હતો. વીર નારાયણના વારસા માટે દાવેદારી નોંધાવવા નેતાઓ વચ્ચે હરીફાઈ ચાલી પરિણામે વારંવાર સોનાખાનની મુલાકાતો લેવામાં આવી. હોસ્પિટલો અને અન્ય ઇમારતોનું ઉદઘાટન કરાયું. જો કે શું હોસ્પિટલો કે શું અન્ય ઈમારતો ભાગ્યે જ કાર્યરત થયા. નોકરીઓ અને "રાહત" ની જાહેરાત કરવામાં આવી. જળાશયો અને બગીચાઓને વીર નારાયણસિંહનું નામ આપવામાં આવ્યું.
પરંતુ, ગામલોકોનો દાવો છે કે આ બધાથી ફક્ત એક જ પરિવારને લાભ થાય છે.
બીજા ભાગોમાં નારાયણસિંહના નવા પ્રશંસકો વધી રહ્યા હતા, પરંતુ તેમના પોતાના ગામમાં તેમનો આદર ઓછો થઈ રહ્યો હતો. કોઈ એક જ પરિવારને આખા ગામથી અલગ કરીને તમામ લાભ તે જ પરિવારને આપવાના વિચાર સામે સોનાખાનના લોકોનો વિરોધ હતો.
વીર નારાયણ જેનું પ્રતીક હતા તે વિરોધનું રાજકારણ તો ક્યારનું ય ખલાસ થઈ ગયું હતું. તેનું સ્થાન હવે ખુશામતના રાજકારણે લીધું હતું. એક સાચા લોકનાયક પર પોતાનો એકાધિકાર સિદ્ધ કરવાની બૌદ્ધિક વર્ગની હુંસાતુસીને કારણે હકીહતમાં તો એ લોકનાયકની છબી ખરડાઈ ગઈ. જે એકતા માટે તેઓ લડ્યા તેનું તો નામોનિશાન રહ્યું નહોતું. ’80 નો દાયકો આવી ચૂક્યો હતો.
અમારા રોકાણના અંત સુધીમાં ગ્રામજનો નરમ પડે છે. અને તેમના ગુસ્સો માટેનાં કારણો કદાચ અસ્થાને હતા છતાં તાર્કિક હતા. વિજય પાઇકરા કહે છે, "તેઓ ખરેખર એક સારા માણસ હતા. પરંતુ તે આપણા બધા માટે લડ્યા હતા ને? માત્ર તેમના પરિવાર માટે નહીં. તેઓ નિ:સ્વાર્થી હતા. તો પછી બધા લાભ ફક્ત એક જ પરિવારને શા માટે મળવા જોઈએ? ”
સોનાખાનમાં વીર નારાયણસિંહનું બે વાર મરાયા. પહેલી વાર અંગ્રેજ સરકારના હાથે. બીજી વાર મધ્યપ્રદેશ સરકારના હાથે. જો કે તેમણે ઊઠાવેલા બધા પ્રશ્નો આજે પણ જીવંત છે, વણઉકલ્યા છે.
આ લેખ પહેલી વખત 27 મી ઓગસ્ટ, 1997 ના ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયો હતો.
આ શ્રેણીના બીજા લેખો અહીં વાંચો:
જ્યારે સલિહાને (બ્રિટિશ) રાજને લલકાર્યું
ગોદાવરી: અને પોલીસ હજી પણ હુમલાની રાહ જુએ છે
શેરપુર: મોટું બલિદાન, ટૂંકી યાદદાસ્ત/સ્મૃતિ
કલ્લિયાસેરી: 50 વર્ષ પછી પણ લડત ચાલુ છે
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક