અબ્દુલ મજીદ ભટ કહે છે કે, “આ લોકડાઉને અમને બરબાદ કરી દીધા. મારી દુકાને છેલ્લો પર્યટક માર્ચ મહિનામાં આવ્યો હતો.”
શ્રીનગરના દાલ સરોવર ખાતે ભટની ત્રણ દુકાનો છે. તેમાં તેઓ ચામડાની વસ્તુઓ અને સ્થાનિક હસ્તકળાની વસ્તુઓ વેચે છે. પરંતુ જૂન મહિનાથી લોકડાઉન હળવું થવા છતાં પણ કોઈ ગ્રાહકો તેમની દુકાન પર આવ્યા નથી. અને હવે 5 મી ઓગસ્ટ 2019 ના રોજ કાશ્મીરમાં આર્ટિકલ 370 રદ કરાતા શરૂ થયેલ આ સતત કપરો સમય છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યો છે.
આ બંનેની પર્યટન પર ઘાતક અસર પડી છે. ભટ જેવા ઘણા લોકોની આવકનો આધાર પર્યટન પર છે.
દાલ સરોવરમાં બતપોરા કલાં વિસ્તારના રહેવાસી અને સન્માનનીય વડીલ ૬૨ વર્ષના ભટ કહે છે કે, “૬-૭ મહિનાના એ શટડાઉન પછી જયારે પર્યટનની મોસમ શરૂ થવાની હતી ત્યારે જ આ કોરોના લોકડાઉન શરૂ થઈ ગયું.” તેઓ લેકસાઈડ ટુરિસ્ટ ટ્રેડર્સ એસોસિએશનના અધ્યક્ષ પણ છે. તેમના અંદાજ મુજબ આ સંસ્થાના આશરે ૭૦ સભ્યો છે.
શ્રીનગરમાં સરોવરની પર્યટન અર્થવ્યવસ્થા પર આધાર રાખતા અનેક લોકો – પીળી ટેક્સી બોટ ચલાવતા શિકારાવાળાઓ, ફેરિયાઓ, દુકાનદારો – તેમના શબ્દો દોહરાવે છે. તેમના માટે છેલ્લા ૧૨ મહિના પર્યટન માહિતી-પત્રિકામાં બતાવવામાં આવતા દાલ સરોવરની સુંદર તસવીરો જેવા જરાય નથી રહ્યા. (જુઓ
Srinagar's shikaras: still waters run deep losses
)
આ બધામાં નેહરુ પાર્કના ૨૭ વર્ષના હફસા ભટ છે. તેમણે કોરોનાવાયરસ લોકડાઉન શરૂ થયું એ પહેલા ઘેરથી નાનો ધંધો શરૂ કર્યો હતો. હફસા શ્રીનગરની એક શાળામાં શિક્ષિકા પણ છે. જમ્મુ અને કાશ્મીર ઓન્તરપ્રિનરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ૨૪ દિવસના તાલીમ અભ્યાસક્રમ બાદ તેમને સંસ્થામાંથી ઓછા વ્યાજ દરે ૪ લાખ રૂપિયાની લોન મળી હતી. તેઓ કહે છે કે, “મેં ડ્રેસ અને કપડાનો જથ્થો ખરીદ્યો. લોકડાઉનની જાહેરાત થઈ ત્યારે મેં ફક્ત ૧૦-૨૦ ટકા જથ્થો જ વેચ્યો હતો. હવે મને હપ્તા ભરવામાં મુશ્કેલી પડી રહી છે.”
૭૦ વર્ષના અબ્દુલ રઝ્ઝાક દાર નહેરૂ પાર્કના તે જ વિસ્તારમાં વિસ્તારમાં – દાલ સરોવરથી ૧૮ ચોરસ કિલોમીટરની અંદરના વિસ્તારમાંના કેટલાક ટાપુઓ પૈકીના એક ટાપુ પર – રહે છે. તેઓ શ્રીનગરના બુલવર્ડ રોડ પરના એક ઘાટ પર શિકારા ચલાવે છે. તેઓ કહે છે કે, “ઈતની ખરાબ હાલત નહીં દેખી આજ તક [મેં આટલી ખરાબ હાલત આજ સુધી નથી જોઈ].”
તેઓ ઉમેરે છે કે, “પર્યટન વ્યવસાયમાં જે કંઈ બાકી બચ્યું હતું તે કોરોના લોકડાઉને પતાવી દીધું. અમારી અધોગતિ થઈ રહી છે. અમારી હાલત ગયા વર્ષ કરતા પણ ખરાબ છે. મારા કુટુંબમાં ચાર સભ્યો છે જે શિકારા પર નિર્ભર છે. અમે વિનાશનો સામનો કરી રહ્યા છીએ. એક સમયે અમે એક ટંકમાં જેટલું ખાતા હતા એટલામાંથી જ અત્યારે અમે ત્રણ ટંક ખાઈએ છીએ. શિકારાવાળા ભૂખે મરશે તો શિકારા ચાલશે કઈ રીતે?”
તેમની બાજુમાં બેઠેલા નેહરુ પાર્કના આબી કરપોરા મહોલ્લાના ૬૦ વર્ષના વલી મોહમ્મદ ભટ કહે છે કે, “છેલ્લું એક વર્ષ અમારા બધા માટે દુઃખદાયક રહ્યું. ગયા વર્ષે આર્ટિકલ ૩૭૦ રદ કરતા પહેલા તેમણે એક માર્ગદર્શિકા જાહેર કરીને પર્યટકોને હાંકી કાઢ્યા અને બધું બંધ થઈ ગયું. અને ત્યારબાદ કોરોનાવાયરસ લોકડાઉન આવ્યું અને એણે તબાહ કરી નાખ્યા.” ભટ ઓલ જે એન્ડ કે શિકારા ઓનર્સ એસોસિએશનના અધ્યક્ષ છે. તેમના કહેવા મુજબ આ એસોસિએશનમાં દાલ અને નિગીન સરોવરના ૩૫ નાના-મોટા ઘાટના ૪૦૦૦ થી પણ વધારે શિકારાવાળા નોંધાયેલા છે.
તેમના અંદાજ મુજબ કુલ નુકસાન તો કરોડો રુપિયાનું છે. ભટ કહે છે કે, મોસમની પરાકાષ્ઠા વખતે, તેમના એસોસિએશનના પ્રત્યેક સભ્ય રોજના ઓછામાં ઓછા ૧૫૦૦-૨૦૦૦ રુપિયા કમાતા. “ચાર મહિનાની [એપ્રિલ-મે થી ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીની] મોસમમાં શિકારાવાળા આખું વર્ષ ચાલે એટલા પૈસા કમાઈ લેતા હતા, અને કોરોનાવાયરસ લોકડાઉનને કારણે આ બધું છીનવાઈ ગયું છે. લગ્નપ્રસંગ કે પછી અન્ય ખર્ચ, આ બધું [પર્યટન] ની મોસમ દરમિયાન થયેલી આવક પર આધારિત હતું.”
આ કપરા મહિનાઓમાં ગુજારો કરવાના પ્રયત્નોમાં અબ્દુલ રઝ્ઝાક દારના 40-45 વર્ષના બે દીકરાઓની જેમ કેટલાક શિકારાવાળાના પરિવારોએ વેતન આધારિત મજૂરી કરવાનું શરૂ કર્યું છે. દાર કહે છે કે, “તેઓ પણ શિકારાવાળા તરીકે કામ કરતા હતા, પણ પરિસ્થિતિ જોતાં મેં તેમને નીંદણ દૂર કરવાની યોજનામાં જોડાવા કહ્યું.”
તેઓ જે એન્ડ કે લેક્સ એન્ડ વોટર વેઝ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા હાથ ધરાયેલ કામનો ઉલ્લેખ કરી રહ્યા છે. નીંદણ દૂર કરવાનું કામ મોસમી હોય છે, જયારે નિયમિત રીતે ફરતા શિકારાઓની ગેરહાજરીમાં નીંદણ વધે છે ત્યારે જ તેની જરૂરિયાત ઊ ભી થાય છે. નીંદણ દૂર કરવા માટે મશીનોનો પણ ઉપયોગ થાય છે અને ક્યારેક સ્થાનિક ઠેકેદારો મારફત મજૂરોને કામે લગાડાય છે.
દાલ સરોવરના નેહરૂ પાર્કના ૩૨ વર્ષના શબ્બીર એહમદ પણ મધ્ય જુલાઈ મહિનાથી આ જ કામ કરે છે. તેઓ ઉનાળાના ચાર મહિનામાં પડોશી લદાખમાં કાશ્મીરી હસ્તકળા અને શાલ વેચતી દુકાન ચલાવતા હતા અને મહિને લગભગ ૩૦૦૦૦ રુપિયા કમાતા હતા. તેઓ શિયાળા દરમિયાન આ જ વસ્તુઓ વેચવા ગોવા કે કેરાલા જતા હતા. જયારે ૨૨ મી માર્ચે લોકડાઉન જાહેર થયું ત્યારે એમણે પાછા ફરવું પડ્યું. મહિનાઓ સુધી કામ વગર રહ્યા બાદ તેઓ પણ તેમના નાના ભાઈ 28 વર્ષના શૌકત એહમદ સાથે સરોવરનું નીંદણ દૂર કરવાની યોજનામાં જોડાઈ ગયા.
શબ્બીર કહે છે કે, “અમે ચાર ચિનારી નજીક દાલ સરોવરમાંથી નીંદણ કાઢી અને તેને રસ્તા નજીક ટ્રક સુધી લઈ જઈએ છીએ, અને ત્યાંથી તેઓ તેને ટ્રકમાં નાખીને લઈ જાય છે. એક ટ્રીપ દીઠ અમને બે જણ વચ્ચે ૬૦૦ રુપિયા મળે અને એમાંથી અમે ચલાવીએ છીએ તે મોટી કાર્ગો બોટનું ભાડું 200 રુપિયા છે. અમે નીંદણ લઈને કેટલા રાઉન્ડ લઈ શકીએ છીએ એ અમારા પર નિર્ભર છે, પણ વધુમાં વધુ બે જ ટ્રીપ શક્ય છે. પાણીમાંથી નીંદણ બહાર કાઢવામાં ઘણી મહેનત કરવી પડે છે. અમે વહેલી સવારે ૬ વાગ્યે ઘેરથી નીકળીએ અને બપોરે ૧ વાગે પાછા ફરીએ. અમે બે ટ્રીપ કરવાનો પ્રયત્ન કરીએ જેથી અમે થોડાક પૈસા કમાઈ શકીએ.”
શબ્બીર કહે છે કે, આ પહેલાં તેમણે ક્યારેક આટલો કઠિન શારીરિક શ્રમ ક્યારેય કર્યો નથી. સરોવરમાં આવેલા ટાપુઓ પર તેમના કુટુંબના ખેતીની જમીનના થોડા નાના છૂટાછવાયા ટુકડા છે, પરંતુ તેમાં તેમના પિતા, માતા અને તેમનો ભાઈ થોડાઘણા પાક ઉગાડે છે.
શબ્બીર કહે છે કે, “લોકડાઉન શરૂ થયા પછી લાંબા સમય સુધી અમે કંઈ કામ કર્યું નહોતું. જ્યારે આજીવિકા મેળવવાનો કોઈ વિકલ્પ ન રહ્યો ત્યારે મેં દાલ સરોવરમાં આ નીંદણનું કામ શરૂ કર્યું. અમે આ શારીરિક શ્રમના કામ કરતા અમારો પર્યટનનો વ્યવસાય વધારે પસંદ કરીએ છીએ કારણ કે અમે આખી જીંદગી એ જ કામ કર્યું છે. પણ હાલ પર્યટન બંધ હોવાથી અમારી પાસે ટકી રહેવા માટે આ એક જ રસ્તો હતો. અત્યારે તો અમે અમારો ઘર ખર્ચ કાઢી શકીએ તો પણ એ મોટી વાત છે.”
શબ્બીર કહે છે કે તેમના પરિવારે ખર્ચ અડધો કરી દેવો પડ્યો હતો. "અમે અમારા માલ [શાલ, ચામડાની બેગ અને જેકેટ્સ, કોસ્મેટિક્સ અને અન્ય વસ્તુઓ] નો ઉપયોગ કરી શકતા નથી – અત્યારે કોઈ અમારી પાસેથી ખરીદશે નહીં અને અત્યારે તે કંઈ કામનું નથી. વધુમાં, અમારે માથે ખૂબ દેવું છે [ખાસ તો શાખ/ક્રેડિટ પર ખરીદેલા માલનું]. ”
શબ્બીર ઈચ્છે છે કે સરકાર દાલના ટાપુઓ પર રહેતા લોકોની તકલીફો સમજે. “જો તેઓ અહીં આવીને સર્વેક્ષણ કરે, તો તેઓ અહીંની સમસ્યાઓ જોઈ શકે. અહીં ઘણા એવા પરિવારો છે જેમની પાસે કંઈ કામ નથી. કેટલાક કુટુંબના સભ્યો બીમાર છે અથવા તો કોઈ કમાનાર નથી. જો સરકાર અહીં આવીને આ બધું જુએ અને આવા લોકો માટે પૈસાની વ્યવસ્થા કરી શકે તો તે મોટી રાહત હશે.”
તેઓ સરોવરમાં રહેતા લોકોની પરિસ્થિતિ ને શ્રીનગર શહેરની પરિસ્થિતિ વચ્ચેનો તફાવત સમજાવતા કહે છે કે શહેરમાં વિકલ્પો આટલા સીમિત નથી. “દાલમાં પર્યટન સિવાય અમે ખાસ બીજું કંઈ કરી શકતા નથી. વધુમાં વધુ અમે [હોડીઓમાં ટાપુના એક મહોલ્લાથી બીજા મોહલ્લા સુધી હંકારીને] શાકભાજી વેચી શકીએ. શહેરના લોકોને જેવા કામ મળી શકે એવા કામ અહીં ન કરી શકીએ, કે ન તો વસ્તુઓ વેચવા માટે લારી-ગલ્લા બનાવી શકીએ છીએ. જો પર્યટન ફરીથી શરૂ થશે, તો અમને કામ મળી રહેશે, પરંતુ હાલ તો અમે સંઘર્ષ કરી રહ્યા છીએ.”
બોટ પર શાકભાજી વેચવાનું પણ સરળ નથી. બટપોરા કલાનના બી.એ. ના વિદ્યાર્થી 21 વર્ષના અંદાલિબ ફૈયાઝ બાબા કહે છે કે, “મારા પિતા ખેડૂત છે. તેઓ મહિનાઓ સુધી કશું કમાયા નથી, કારણ કે તેઓ ઘરની બહાર નીકળી શકતા નહોતા. બધા જ શાકભાજી બગડી ગયા અને તેઓ તેમના ગ્રાહકોને થોડા જ વેચી શક્યા. પરિણામે મારા પરિવારને ખૂબ જ તકલીફ પડી, કારણ કે મારા પિતા ઘરના એક માત્ર કમાનાર સભ્ય છે.” અંદાલિબના નાના ભાઈ અને બે બહેનો બધા જ વિદ્યાર્થીઓ છે, અને તેમની માતા ગૃહિણી છે. “અમારે શાળાની પૂરેપૂરી ફી ભરવી પડી, મારી કોલેજની ફી પણ. અને જો અચાનક કોઈ સંકટ આવે, તો અમારે કિનારે [શ્રીનગર] પહોંચવા માટે સરોવર પાર કરવું પડે છે.”
જે લોકો શહેરમાં રહે છે પણ સરોવર પર્યટન પર આધાર રાખે છે, તેઓએ પણ ભારે કપરા મહિનાઓનો સામનો કરવો પડ્યો છે. તેમાંના એક શ્રીનગરના શાલીમાર વિસ્તારના મોહંમદ શફી શાહ છે. તેઓ છેલ્લા ૧૬ વર્ષથી પર્યટનની મોસમમાં ઘાટથી લગભગ ૧૦ કિલોમીટર દૂર શિકારા ચલાવે છે અને સારા દિવસોમાં ૧૦૦૦-૧૫૦૦ રુપિયા કમાય છે. પણ છેલ્લા એક વર્ષથી તેમના શિકારા પર ખાસ કોઈ પ્રવાસી આવ્યા નથી. તેઓ કહે છે કે, “જ્યારથી તેમણે આર્ટિકલ ૩૭૦ રદ કર્યો ત્યારથી અમારી પાસે કામ નથી, અને આ કોરોના વાયરસ લોકડાઉન પછી પરિસ્થિતિ વધુ વિકટ બની છે."
પુનર્વસવાટ ઝુંબેશનો ઉલ્લેખ કરતા તેઓ ઉમેરે છે કે, “હું દાલ માં રહેતો હતો, પણ સરકારે અમને ત્યાંથી કાઢી મુક્યા. હું અહીં શાલીમારથી રોજ [રસ્તે જતા વાહનવાળાને વિનંતી કરીને તેના વાહનમાં બેસીને કોઈની સાથે] અહીં આવું છું. શિયાળામાં હું કામ કરવા બહાર ગયો હતો [ગોવામાં બીચ ઉપર હસ્તકળાની વસ્તુઓ વેચવા] પણ લોકડાઉન પછી ૫૦ દિવસ સુધી ત્યાં ફસાઈ ગયો અને ધંધો પણ મંદ પડી ગયો. હું મે મહિનાના અંતમાં અહીં આવ્યો અને એક અઠવાડિયા સુધી કવોરનટાઈન થઈ ગયો... ”
દાલ સરોવરમાં દરેક ઘાટના શિકારાવાળાઓ એક સંગઠન બનાવે છે – તે બધા ઓલ જમ્મુ અને કાશ્મીર ટેક્ષી શિકારા ઓનર્સ યુનિયન અંતર્ગત આવે છે - અને દરેક શિકારા દ્વારા કમાયેલ પૈસા ભેગા કરે છે. પછી તેઓ આ આવકને બધા સભ્યો વચ્ચે સરખા ભાગે વહેંચે છે. જે ઘાટમાં શફી કામ કરે છે ત્યાં લગભગ ૧૫ શિકારા છે
“જો કોઈ સ્થાનિક માણસ આવે, જો કે એવું ભાગ્યે જ બને છે, તો અમે તેમને શિકારમાં ફેરવીએ છીએ અને ૪૦૦-૫૦૦ રુપિયા કમાઈએ છીએ, જે પછી આ ટેક્ષી સ્ટેન્ડના ૧૦-૧૫ જણ વચ્ચે વહેંચાઇ જાય છે અને વ્યક્તિદીઠ અમારે ભાગે ૫૦ રુપિયા જ આવે છે. એટલામાંથી મને શું મળે? અમારી પાસે શિકારા સિવાય કમાણીનું બીજું કોઈ સાધન નથી. હું મારું ઘર કઈ રીતે ચલાવીશ? શું એ બરબાદ નહીં થઇ જાય?”
શફી કહે છે કે તેમણે તેમનું શિકારા ટેક્ષી લાઇસન્સ પર્યટન વિભાગને સુપરત કર્યું હતું, કારણ કે તેમણે સાંભળ્યું હતું કે સરકાર દરેક શિકારાવાળાને ત્રણ મહિના સુધી દર મહીને ૧૦૦૦ રૂપિયા આપશે, પરંતુ તેમને કશું મળ્યું નથી.
બુલવર્ડ રોડ પાસે, સરોવરની અંદર, આશરે 50 વર્ષના અબ્દુલ રશીદ બદયારી તેમની ખાલી હાઉસબોટ ‘એક્રોપોલીસ’ ના આગળના ભાગ પર આરામ કરી રહ્યા છે – તેમાં હાથ-કારીગરીવાળી લાકડાની દીવાલો, મોંઘા સોફા અને પરંપરાગત ખાતમબંદ શૈલીમાં શણગારેલું છાપરું છે. છેલ્લા એક વર્ષથી વધારે સમયથી એમાં કોઈ ગ્રાહક આવ્યો નથી.
બદયારી કહે છે કે, “હું પુખ્ત થયો ત્યારથી હાઉસબોટ ચલાવું છું. મારા પહેલા મારા પિતા અને દાદા પણ આ જ કામ કરતા હતા અને મને આ બોટ તેમની પાસેથી વારસામાં મળી છે. પણ હવે અમારા માટે બધું જ બંધ થઇ ગયું છે, છેલ્લા બે લોકડાઉન પછી કોઈ ગ્રાહક આવ્યો નથી. મારો છેલ્લો ગ્રાહક આર્ટિકલ ૩૭૦ પહેલા આવ્યો હતો. કોરોનાવાઈરસ લોકડાઉનથી મને ઝાઝો ફરક નથી પડ્યો, કારણ કે આમ પણ પર્યટકો ભાગ્યે જ આવતા હતા. બધું નુકસાનમાં ચાલી રહ્યું છે, અમારી મિલકત પણ સડી રહી છે.”
બદયારીનો પાંચ સભ્યોનો પરિવાર તેમની હાઉસબોટમાં આવતા પર્યટકો પર નભતો હતો. તેઓ કહે છે કે, “હું એક રાતના ૩૦૦૦ રૂપિયા ભાડું વસૂલતો હતો. સીઝનમાં મારી બોટ ભરેલી રહેતી. ફેરિયાઓ ને બીજાઓ મારી હાઉસબોટમાં રહેતા પર્યટકોને માલ વેચતા અને શિકારાવાળા પણ મારા ગ્રાહકોને સરોવરમાં ફેરવીને કમાતા. હવે એ બધા પાસે પણ કોઈ કામ રહ્યું નથી. મારી પાસે જે કંઈ બચત હતી એમાંથી હું ખર્ચ કરું છું અને મેં લોન પણ લીધી છે.” બદયારીએ એક કર્મચારી રાખ્યો હતો, જે હાઉસબોટની સંભાળ રાખતો હતો, પણ તેનો પગાર આપી ન શકવાને કારણે તેમણે તેને છૂટો કરવાની ફરજ પડી હતી. તેઓ કહે છે કે, “ભવિષ્ય આશાસ્પદ નથી લાગતું, હું નથી ઇચ્છતો કે મારો દીકરો આ કામ કરે.”
આ મહિનાઓમાં કેટલાક લોકોએ સંઘર્ષ કરી રહેલા શિકારાવાળાઓ અને વેપારીઓને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે; આ બધામાં અબ્દુલ મજીદ ભાટ (લેકસાઈડ ટુરિસ્ટ ટ્રેડર્સ એસોસિએશનના અધ્યક્ષ) નો પણ સમાવેશ થાય છે. તેઓ કહે છે કે, “અમારા એસોસિએશનના સભ્યો માટે આપાતકાલીન સ્થિતિ માટે આશરે ૬ લાખ રૂપિયાનું ટ્રસ્ટ હતું, અમે તે બધું સૌથી વધુ નબળા લોકોને આપી દીધું કે જેઓ હતા જેથી તેઓ તેમના ઘર ચલાવી શકે.”
ભાટ કહે છે કે તેઓ સીઝન અનુસાર 10 માણસોને નોકરીએ રાખતા હતા અને દરેક માણસને ૧૦૦૦૦-૧૫૦૦૦ રુપિયા આપતા હતા. તેઓ કહે છે કે, “એમાંથી મોટા ભાગના લોકોને મારે છુટા કરવા પડ્યા કેમ કે હું એમને પગાર ચૂકવી શકતો નહોતો. મેં મારા પરિવાર સાથે મળીને વિચાર કર્યા પછી એમાંથી જેઓ ખૂબ જ ગરીબ હતા એમને રાખ્યા. અમે જે ખાઈએ એ અમે એમને પણ આપીએ છીએ. બાકી હું એક પણ માણસને નોકરીએ રાખી શકું એમ નથી. છેલ્લા પાંચ મહિનામાં મેં અમુક સ્થાનિક ગ્રાહકો ને ૪૦૦૦થી પણ ઓછા રુપિયાનું વેચાણ કર્યું છે.”
ભાટ કહે છે કે તેમણે કુટુંબનું ધ્યાન રાખવા માટે અને દેવું ચુકવવા માટે બેન્કમાંથી લોન લીધી છે. તેઓ ઉમેરે છે, “મારે એના પર પણ વ્યાજ ચુકવવું પડે છે. મારા બે દીકરા અને ત્રણ પિત્રાઈ મારી સાથે કામ કરે છે [એમને બે દીકરીઓ છે; એક ગૃહિણી છે અને બીજી ઘરના કામમાં મદદ કરે છે]. મારો દીકરો બી.કોમ. સ્નાતક છે અને મારો અંતરાત્મા તેને શારીરિક શ્રમનું કામ કરવા જવા દેવા તૈયાર નહોતો, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે એણે પણ હવે જવું પડશે.”
ભાટ કહે છે કે સરકારમાંથી કોઈ દાલ સરોવરના દુકાનદારો અને શિકારાવાળાઓ તરફ ધ્યાન આપતું નથી. તેઓ ઉમેરે છે કે, “અમારા નુકસાનનું મૂલ્યાંકન કરવા કોઈ આવ્યું નહોતું.” હવે લોકડાઉન હટાવી લેવામાં આવ્યું છે એટલે સ્થાનિકો સામાન્ય રીતે શહેરની દુકાનોની મુલાકાત લે છે. “પણ કોઈ પણ સ્થાનિક દાલમાં કાશ્મીરી કલાની દુકાને આવતું નથી. દાલનો દુકાનદાર ૧૦૦ ટકા નુકસાનમાં છે.”
ભાટ ઉમેરે છે કે, જુલાઈમાં હસ્તકળા વિભાગના નિયામકની કચેરીમાંથી એક અધિકારીએ તેમને આર્થિક સહાય મેળવવા માટે તેમના રજીસ્ટ્રેશન ઓનલાઈન જમા કરાવવાનું કહ્યું હતું, પણ કંઈ થયું નહિ. ભાટ ઉમેરે છે કે, “ત્યારબાદ અમને રાજ્ય સરકાર કે પછી કેન્દ્ર સરકાર તરફથી કોઈ આશા નથી. હડતાલ અને કર્ફ્યુના લાંબા ચક્રોએ અનિશ્ચિતતામાં વધારો જ કર્યો છે. મેં મારા બાળકોને કહ્યું કે દાલનું અને આપણા બધાનું ભવિષ્ય ધૂંધળું લાગે છે...”
અનુવાદક: ફૈઝ મોહંમદ