સવારના 6 વાગ્યા છે અને સરન્યા બલરામન ગુમડીપુંડી ખાતેના તેમના ઘેરથી નીકળી રહ્યાં છે. ચેન્નાઈ નજીક તિરુવલ્લુર જિલ્લાના આ નાનકડા શહેરમાં રેલવે સ્ટેશન પર, તેઓ તેમનાં ત્રણ બાળકો સાથે લોકલ ટ્રેનમાં ચઢે છે. લગભગ બે કલાક પછી તેઓ 40 કિલોમીટર દૂર ચેન્નાઈ સેન્ટ્રલ સ્ટેશને પહોંચે છે. અહીંથી, આ માતા અને તેમનાં બાળકો શાળાએ પહોંચવા માટે લોકલ ટ્રેન દ્વારા વધુ 10 થી 12 કિલોમીટરની મુસાફરી કરે છે.
સાંજે 4 વાગ્યે, આનાથી અવળી દિશામાં મુસાફરી થાય છે, અને તેઓ ઘેર પાછાં ફરે ત્યાં સુધીમાં સાંજના 7 વાગી જાય છે.
ઘરથી શાળા અને શાળાથી ઘરની 100 કિલોમીટરથી વધુની આ મુસાફરી અઠવાડિયામાં પાંચ વખત કરવામાં આવે છે. સરન્યા માટે આ એક સિદ્ધિ છે, જેવું કે તેઓ સમજાવે છે: “અગાઉ [તેમના લગ્ન પહેલાં], મને ખબર નહોતી કે બસ કે ટ્રેનમાં જવા માટે ક્યાંથી ચડવું. અથવા તો ક્યાં નીચે ઉતરવું.”
સરન્યા ના જીવનમાં કોઈ પડકાર હોય તો તેમનાં ત્રણ બાળકો છે, જે બધાં દૃષ્ટિની ક્ષતિ સાથે જન્મ્યાં હતાં. તેઓ કહે છે કે જ્યારે સૌપ્રથમવાર તેઓ શાળાએ જવા માટે નીકળ્યાં ત્યારે તેમની સાથે એક મામી (ઘરડાં સ્ત્રી) તેમને રસ્તો બતાવવા માટે આવ્યાં હતાં. તેઓ તેમનાં બાળકો સાથેની મુસાફરીને યાદ કરતાં કહે છે, “બીજા દિવસે, જ્યારે મેં તેમને મારી સાથે ફરીથી આવવા કહ્યું, ત્યારે તેમણે કહ્યું કે તેમને કામ છે. હું રડી પડી. મુસાફરી માટે મારે ઘણા સંઘર્ષો કરવા પડ્યા હતા.”
તેમણે નિશ્ચય કર્યો હતો કે તેઓ તેમના ત્રણ બાળકોને ઔપચારિક શિક્ષણ અપાવીને રહેશે, પરંતુ ઘરની નજીક દિવ્યચક્ષુ બાળકો માટે કોઈ શાળા ન હતી. તેઓ યાદ કરીને કહે છે, “અમારા ઘરની નજીક એક મોટી શાળા [ખાનગી] છે. હું ત્યાં ગઈ અને તેમને પૂછ્યું કે શું તેઓ મારા બાળકોને પ્રવેશ આપશે. તેમણે મને કહ્યું કે જો તેઓ તેમને પ્રવેશ આપશે તો શાળાનાં અન્ય બાળકો પેન્સિલ કે અન્ય ધારદાર વસ્તુ વડે તેમની આંખોમાં ઘા કરી શકે છે, અને તે માટે તેઓ જવાબદાર રહેશે નહીં.”
સરન્યાએ શિક્ષકોની સલાહ લીધી, અને દિવ્યચક્ષુ બાળકો માટેની શાળાની શોધમાં નીકળી પડ્યાં. ચેન્નાઈમાં દિવ્યચક્ષુ બાળકો માટે માત્ર એક જ સરકારી શાળા છે, જે તેમના ઘરથી 40 કિલોમીટર દૂર પૂનમલ્લીમાં (જેને પૂનમલ્લે તરીકે પણ લખાય છે) માં આવેલી છે. તેમનાં પડોશીઓએ સૂચવ્યું કે આના બદલે તેમણે તેમના બાળકોને શહેરની ખાનગી શાળાઓમાં દાખલ કરવાં જોઈએ; તેથી તેમણે તે શાળાની મુલાકાત લેવાનું નક્કી કર્યું.
તે દિવસોને યાદ કરીને તેઓ કહે છે, “મને ક્યાં જવું તે ખબર નહોતી પડતી. જે યુવતીએ “લગ્ન પહેલાં ઘરમાં ઘણો સમય વિતાવ્યો હતો” તે હવે શાળાઓની શોધમાં બહાર ભટકી રહી હતી. તેઓ ઉમેરે છે, “લગ્ન પછી પણ, મને ખબર નહોતી કે એકલી મુસાફરી કેવી રીતે કરવી.”
દક્ષિણ ચેન્નાઈના એક વિસ્તાર અડ્યારમાં, સરન્યાએ સેન્ટ લૂઈસ ઈન્સ્ટિટ્યૂટ ફોર ડેફ એન્ડ ધ બ્લાઈન્ડ શોધી કાઢી; તેમણે તેમના બન્ને પુત્રોને અહીં દાખલ કર્યા. પછી, તેમણે તેમની પુત્રીને નજીકના જીએન ચેટ્ટી રોડ પર આવેલ લિટલ ફ્લાવર કોન્વેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં દાખલ કરી. આજે, તેમનો સૌથી મોટો દીકરો, એમ. મેશક આઠમા ધોરણમાં ભણે છે, બીજા નંબરનો દીકરો એમ. મનસે છઠ્ઠા ધોરણમાં ભણે છે, અને સૌથી નાની દીકરી, એમ. લેબના ત્રીજા ધોરણમાં ભણે છે.
પરંતુ તેમને શાળામાં રાખવાનો અર્થ છે થકવી નાખનારી, તણાવપૂર્ણ અને ઘણીવાર આઘાતજનક લાંબી ટ્રેનની મુસાફરીઓ કરવી. મોટા છોકરાને ચેન્નાઈ સેન્ટ્રલ સ્ટેશન પર જતી વખતે રસ્તામાં ઘણીવાર મૂર્છા આવી જાય છે. તેઓ કહે છે, “મને ખબર નથી કે તેનું શું થશે… તેને ઘણીવાર ખેંચ આવે છે. હું તેને મારા ખોળામાં છૂપાવી દઉં છું, જેથી કોઈ તેને જુએ નહીં. થોડા સમય પછી, હું તેને ઊંચકીને લઈ જાઉં છું.”
તેમના બાળકો માટે રેસિડેન્શિયલ સ્કૂલિંગ એ વિકલ્પ નહોતો. તેમના મોટા પુત્રને નજીકથી દેખરેખની જરૂર હોય છે. તેઓ કહે છે, “તેને દિવસમાં ત્રણથી ચાર વખત ખેંચ [એપીલેપ્ટીક સીઝર] આવે છે.” અને ઉમેરે છે, “જો હું હાજર ન હોઉં તો મારો બીજો દીકરો ખાતો નથી.”
*****
સરન્યા 17 વર્ષની વયે પહોંચ્યાં તે પહેલાં જ તેમના મામા મુથુ સાથે તેમનાં લગ્ન થયાં હતાં. તમિલનાડુમાં પછાત વર્ગ (બી.સી.) તરીકે સૂચિબદ્ધ રેડ્ડી સમુદાયમાં જન્મ સમયે સગપણ થવું સામાન્ય બાબત છે. તેઓ કહે છે, “મારા પિતા કૌટુંબિક બંધન તોડવા માંગતા ન હતા, તેથી તેમણે મારા મામા સાથે મારા લગ્ન કરાવી દીધા. હું સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. મારે ચાર તાઈ મામ્મન [મામાઓ] હતા, જેમાં મારા પતિ સૌથી નાના હતા.”
તેઓ 25 વર્ષની વયે પહોંચ્યાં ત્યાં સુધીમાં, સરન્યા દૃષ્ટિની ક્ષતિ સાથે જન્મેલાં ત્રણ બાળકોનાં માતા હતાં. તેઓ કહે છે, “મેં મારા પ્રથમ પુત્રને જન્મ આપ્યો ત્યાં સુધી મને ખબર નહોતી કે બાળકો આ રીતે [દૃષ્ટિવિહીન] જન્મી શકે છે. તેનો જન્મ થયો ત્યારે હું 17 વર્ષની હતી. તેની આંખો ઢીંગલીની આંખો જેવી દેખાતી હતી. આવી હાલત તો મેં ફક્ત ઘરડા લોકોની જ જોઈ હતી.”
તેમણે બીજા પુત્રને જન્મ આપ્યો ત્યારે તેઓ 21 વર્ષનાં હતાં. સરન્યા કહે છે, “મેં વિચાર્યું કે ઓછામાં ઓછું બીજું બાળક તો સામાન્ય જન્મશે, પરંતુ પાંચ મહિનામાં મને સમજાયું કે આ બાળકને પણ આંખો નથી.” જ્યારે બીજું બાળક બે વર્ષનું હતું, ત્યારે સરન્યાના પતિને અકસ્માત થયો અને તેઓ કોમામાં સરકી ગયા હતા. જ્યારે તેઓ સ્વસ્થ થયા, ત્યારે તેમના પિતાએ તેમને મદદ કરીને ટ્રક માટે નાની મિકેનિકની દુકાન શરૂ કરાવી હતી.
તેમના પતિના અકસ્માતના બે વર્ષ પછી સરન્યાએ પુત્રીને જન્મ આપ્યો. તેઓ કહે છે, “અમને લાગ્યું કે તે કદાચ સ્વસ્થ જન્મશે…” તેઓ ઉતાવળે ઉમેરે છે, “લોકોએ મને કહ્યું કે મારે ત્રણેય બાળકો આવા જન્મ્યા તેનું કારણ એ છે કે મેં લોહીના સંબંધમાં લગ્ન કર્યા છે. કાશ હું આ પહેલાં જાણતી હોત.”
તેમના મોટા પુત્રને મગજની બીમારી છે અને તેઓ તેના તબીબી ખર્ચ પર મહિને 1,500 રૂપિયા ખર્ચ કરે છે. તે પછી તેમના બન્ને દીકરાઓની શાળાની વાર્ષિક ફી 8,000 રૂપિયા છે. તેમની દીકરીની શાળા ફી વસૂલતી નથી. તેઓ કહે છે, “મારા પતિ અમારી સંભાળ રાખતા હતા. તેઓ રોજના 500 કે 600 રૂપિયા કમાતા હતા.”
2021માં જ્યારે તેમના પતિનું હૃદય રોગના હુમલાથી મોત નિપજ્યુ, ત્યારે સરન્યા તે જ વિસ્તારમાં આવેલા તેમના માતાપિતાના ઘેર રહેવા જતાં રહ્યાં. તેઓ કહે છે, “હવે, મારા માતાપિતા જ મારો એકમાત્ર આધાર છે. મારે આ [બાળકોના ઉછેરનું કામ] એકલીએ જ કરવું પડશે.”
સરન્યાના પિતા પાવરલૂમ ફેક્ટરીમાં કામ કરે છે અને જ્યારે તેઓ આખો મહિનો કામ કરી શકે ત્યારે મહિને 15,000 રૂપિયા કમાય છે. તેમનાં માતાને શારીરિક રીતે અક્ષમ વ્યક્તિઓ માટેનું માસિક 1,000 રૂપિયાનું પેન્શન મળે છે. તેઓ કહે છે, “મારા પિતા વૃદ્ધ થઈ રહ્યા છે. તેઓ મહિનાના બધા દિવસોએ કામ પર જઈ શકતા નથી, અને તેથી અમારો ખર્ચ ઉઠાવી શકતા નથી.” સરન્યા કહે છે, “મારે હંમેશાં બાળકો સાથે રહેવું પડે છે, તેથી હું કામ મેળવી શકતી નથી.” એક સ્થાયી સરકારી નોકરી હોય તો તેમને ચોક્કસપણે મદદ મળી રહે, અને તેમણે આ માટે ઘણી અરજીઓ દાખલ કરી છે, પરંતુ તેનાથી કંઈપણ થયું નથી.
સરન્યા દરરોજ તેમની સમસ્યાઓનો સામનો કરવા માટે સંઘર્ષ કરે છે, ત્યારે તેઓ આત્મહત્યાના વિચારો સામે પણ લડે છે. તેઓ કહે છે, “હું મારી દીકરીના લીધે જીવતી છું. તે મને કહેશે, ‘અમારા પિતા અમને છોડી ગયા છે. ઓછામાં ઓછું આપણે થોડાક વર્ષો જીવશું અને પછી જતા રહીશું.”
તમિળ ભાષામાં લખાયેલો આ લેખ એસ સેંથલીર દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત થયો છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ