૧૪ વર્ષીય સંધ્યા સિંહ કહે છે કે, “ભણવાનું પતી જાય પછી હું એક અધિકારી બનવા માંગુ છું – એક હોમગાર્ડ. એમનો ૧૬ વર્ષીય ભાઈ, શિવમ, સેનામાં નોકરી મેળવવાની આશા સેવી રહ્યો છે, અને જ્યારે તે તેની ઉંમરનો હતો ત્યારથી તે આ માટે ‘પ્રશિક્ષણ’ મેળવી રહ્યો છે. એમણે કહ્યું કે, “હું સવારે ૪ વાગે ઉઠું છું અને રોજ મારી કસરત કરું છું, હું સેનાના પ્રશિક્ષણ માટે ગમે તે પૂછું એનો મને યુટ્યુબ જવાબ આપી દે છે – જેમ કે [બાર ઉપર] કઈ રીતે લટકવું, પુશ-અપ કઈ રીતે કરવાનું, આ પ્રકારની વસ્તુઓ – અને હું એ કરું છું.”
તેઓ ઉત્તરપ્રદેશના ઝાલૌન જીલ્લાના બિનૌરા ગામમાં તેતાના ઘરના ધાબા પરથી મારી સાથે વાત કરી રહ્યા હતા. ભાઈ-બહેન ૨૧ માર્ચના રોજ આંધ્રપ્રદેશના કલીકીરી ગામમાં એમના માતા-પિતા કામ કરતા હતા, ત્યાં પરત આવી ગયાં હતાં. ૩૨ વર્ષીય રામદેકલી કહે છે કે, “જ્યારે અમે ઘેર પહોંચ્યા ત્યારે અહીંયાં કશું જ નહોતું, અને અમે કશું ય લઈને નહોતા આવ્યા. એ રાત્રે અમારે ભૂખ્યા પેટ સુવું પડ્યું હતું.”
૮ જુલાઈ ના રોજ, રામદેકલીએ મને ગર્વથી કહ્યું કે શિવમ તેની ધોરણ ૧૦ની પરીક્ષામાં ૭૧ ટકા ગુણથી પાસ થયો છે. જ્યારે મેં ૧૧ અને ૧૨માં ધોરણની પ્રવેશ પ્રક્રિયા વિષે પૂછ્યું તો એમનો સ્વર બદલાઈ ગયો. તેમણે સવાલ કર્યો કે, “અમારા બાળકો એ વાતને લઈને ચિંતિત છે કે તેઓ ઓનલાઈન શાળાઓમાં કઈ રીતે ભાગ લેશે. જો આપણે [આંધ્રપ્રદેશ] પરત ફરીશું, તો આપણો ફોન પણ સાથે રહેશે. યુપીમાં શિવમ ઓનલાઈન કઈ રીતે ભણશે? અને જો આપણે અહીંયાં રહીશું તો એમની ફી કઈ રીતે ભેગી કરીશું?”. ખાનગી શાળાઓમાં ભણવાવાળા બંને બાળકોમાં પ્રત્યેકની વાર્ષિક ફી ૧૫,૦૦૦ રૂપિયા છે.
થોડાક મહિનાઓ પહેલા, રામદેકલી અને એમના ૩૭ વર્ષીય પતિ બિરેન્દ્ર સિંહ, આંધ્રના ચિત્તોર જીલ્લાના કલીકીરી ગામમાં પાણીપુરીની ત્રણ લારીઓ ચલાવતા હતા. સંધ્યા તેમની સાથે રહેતાં હતાં, જ્યારે શિવમ જાલૌન જીલ્લાના બરદાર ગામમાં એના નાના સાથે રહેતો હતો. આ પરિવાર પાલ સમુદાયનો છે, જે વિચરતી જનજાતિમાં શામેલ છે.
એક ફોન શિવમ પાસે પણ છે (જેનો ઉપયોગ તે પોતાના માતા-પિતાથી દૂર રહેતી વખતે કરતો હતો), પરંતુ, આ પરિવાર હવે બે ફોનનું રિચાર્જ કરી શકે તેમ નથી. રામદેકલી કહે છે કે, “અમને એક ફોનનું રીચાર્જ કરવું પણ અઘરું પડી રહ્યું છે.”
બિરેન્દ્ર સિંહ ઉમેરે છે કે, “ઓછામાં ઓછું આંધ્રમાં વિજળી તો હતી. અહીંયાં અમે નથી જાણતા કે તે ક્યારે આવશે. ઘણી વાર વિજળી એટલા સમય માટે તો રહે છે કે ફોન ચાર્જ થઇ જાય. પરંતુ, અમુક વાર એટલી વાર માટે પણ નથી રહેતી.”
બિરેન્દ્રની આવકમાં કમી લોકડાઉન પહેલાંથી જ શરુ થઇ ગઈ હતી. ૨૪ માર્ચે – જ્યારે કેન્દ્ર સરકારે કોવિડ-૧૯ નો ફેલાવો રોકવા માટે દેશવ્યાપી લોકડાઉન જાહેર કર્યું – એના બે મહિના પહેલા તેઓ તેમની માતાના અંતિમ સંસ્કાર કરવા અને બીમાર પિતાની દેખભાળ કરવા માટે બિનૌર આવ્યા હતા.
સિંહ ૨૦ માર્ચે શિવમ સાથે આંધ્ર જવા માટે રવાના થયા હતા. રામદેકલી અને સંધ્યા પહેલેથી જ ત્યાં મોજૂદ હતાં. પછી લોકડાઉન શરુ થઇ ગયું.
૬ એપ્રિલે, બિરેન્દ્રને આંધ્રપ્રદેશમાં ઘણા નાગરિકોના સમૂહો દ્વારા સંચાલિત કોવિડ-૧૯ હેલ્પલાઇન પરથી ફોન આવ્યો. ત્યાર સુધી, આ પરિવાર રામદેકલીના ભાઈ, ઉપેન્દ્રસિંહ, કે જેઓ અનંતપુર જીલ્લાના કોક્કંતી ગામમાં રહેતા હતા, ત્યાં જતા રહ્યા હતા. ઉપેન્દ્ર પણ લારી લગાવીને ચાટ વેચતા હતા. હેલ્પલાઇન દ્વારા, નવ લોકોના આ સંયુક્ત પરિવારને એપ્રિલમાં બે વખત લોટ, દાળ, તેલ અને અન્ય આવશ્યક વસ્તુઓ મળી હતી.
રામદેકલી પૂછે છે કે, 'જો અમે [આંધ્રપ્રદેશ] પાછા ફરીશું તો ફોન પણ અમારી સાથે લઇ જઇશું. યુપીમાં શિવમ ઓનલાઈન કઈ રીતે ભણશે? અને જો અમે અહીંયાં રોકાઈશું તો એમની ફી કઈ રીતે ઉભી કરીશું?'
૧૩ એપ્રિલે બિરેન્દ્ર સિંહે મને ફોન પર કહ્યું કે, “અમુક સરકારી અધિકારીઓ આવ્યા અને અમને કહ્યું કે ૧-૨ દિવસમાં અમારો ગેસ પતી જશે. એમણે કહ્યું કે લાકડીઓ લાવીને કામ ચલાવી લો. અમને અમે ઘેર કઈ રીતે પરત ફરીશું, તે વિષે આંધ્રપ્રદેશ કે ઉત્તરપ્રદેશની સરકારો પાસેથી કે મોદીજીની સરકાર પાસેથી કોઈ જાણકારી નથી મળી.”
પરિવારે બીજી મે ના રોજ, સરકાર દ્વારા ચલાવવામાં આવનારી શ્રમિક ખાસ ટ્રેનોમાં સીટ બૂક કરવા માટે ફોર્મ ભર્યું હતું, અને છઠ્ઠી મે એ એમણે યાત્રા માટે જરૂરી મેડીકલ ટેસ્ટ પણ કરાવ્યો હતો. સિંહ કહે છે કે, “હું એક અઠવાડીયા પછી પાછો ગયો તો અધિકારીઓ એ કહ્યું કે અત્યાર સુધી તો અહેવાલ આવી જવો જોઈએ.” થોડાક સમય પછી એમણે ફરીથી પૂછ્યું; એક મહિનો વીતી ગયો. આ દરમિયાન, જે હેલ્પલાઇનથી એમને રેશન મળતું હતું એ ૧૦ મે ના રોજ બંધ થઇ ગઈ.
બિરેન્દ્રએ ૧૧ મે ના રોજ મને કહ્યું કે, “[લોકડાઉન] ની શરૂઆતમાં, અમારી પાસે ખાવાનું હતું, ત્યારે ઘણા નંબરો [એનજીઓ, નાગરિક સમૂહો અને અન્યો] ના મને ફોન આવ્યા કે શું અમારે રેશન જોઈએ છે? અમે સાચું બોલ્યા અને કહ્યું કે અમે બરાબર છીએ. હવે કોઈ અમને ફોન નથી કરી રહ્યું.”
પાંચ દિવસો બાદ, નવ સદસ્યોનો આ પરિવાર યુપીમાં આવેલ પોતાના ગામ તરફ પરત ચાલવા લાગ્યાં. એમાં ઉપેન્દ્ર અને એમનાં પત્ની રેખા દેવીનો દીકરો કાર્તિક પણ શામેલ હતો, જે એ વખતે ત્રણ વર્ષનો પણ નહોતો.
તેઓ ત્રણ દિવસમાં લગભગ ૩૬ કલાક ચાલ્યાં. બિરેન્દ્ર કહે છે કે, “મોટરસાયકલ પર સવાર લોકો ખોરાક આપી રહ્યા હતા.” સમુહમાં કારણ કે બાળકો પણ હતા, આ માટે તેમણે ઘણી વાર રસ્તામાં રોકાઇને બાજુમાં આવેલી દુકાનોના છાંયડામાં આરામ કરવો પડતો હતો. પોતાનો સામાન – મુખ્યત્વે કપડા – ઊંચકવા માટે પરિવારે કોક્કંતી ગામમાં એક સાયકલ ભાડે લીધી હતી. બિરેન્દ્રએ જણાવ્યું કે એમનો મોટા ભાગનો સામાન કલીકીરીમાં એમના રૂમમાં રાખેલો છે અને તેઓ નથી જાણતા કે મકાન માલિક એમના સામાન સાથે શું કરશે, કારણ કે એમણે માર્ચ મહિનાથી ભાડું નથી ચુકવ્યું.
પગપાળા ૧૫૦ કિલોમીટરથી પણ વધારે મુસાફરી કર્યા બાદ, પરિવાર યુપી જઈ રહેલા એક ટ્રક પર સવાર થઇ ગયો. ટ્રકમાં ૪૧ વયસ્ક લોકો અને અમુક બાળકો હતાં. પ્રત્યેક વ્યક્તિને મુસાફરી માટે ૨૫૦૦ રૂપિયા આપવા માટે કહેવામાં આવ્યું. બિરેન્દ્ર પાસે ફક્ત ૭૦૦૦ રૂપિયા હતા, જેમાંથી એમણે ચાર સીટોના પૈસા ચુકવવાના હોઇ પોતાના ઓળખીતાઓ પાસેથી બાકીના પૈસા ઉધાર લીધા. આઠ દિવસોની મુસાફરી દરમિયાન બિરેન્દ્રના પરિવારને પ્રતિદિન ખોરાક અને પાણી ઉપર ૪૫૦-૫૦૦ રૂપિયા ખર્ચ થતા હતા – એ પણ ત્યારે, કે જ્યારે ટ્રકનો ડ્રાઇવર ગાડી રોકવા માટે રાજી થાય.
લોકડાઉન પહેલા, બિરેન્દ્ર અને રામદેકલી મહિનાના ૨૦,૦૦૦ થી ૨૫,૦૦૦ રૂપિયા કમાતા હતા. તેઓ પાણીપુરીની ત્રણ લારીઓ લગાવતાં હતાં, અને ૨૦૧૯ના અંતમાં તેમણે પોતાના બે સગા (બંનેનું નામ રાહુલ પાલ) ને પોતાની બાજુમાં મુકવામાં આવતી લારીઓ પર કામે રાખ્યા હતા. (એક રાહુલ દિવાળીની આસપાસ યુપીમાં પોતાના ઘેર પરત ફર્યા, અને બીજો ડિસેમ્બરમાં.)
રામદેકલી અને બિરેન્દ્ર રોજ સવારે ૪ વાગે કામ શરુ કરી દેતાં હતાં અને લગભગ અડધી રાત્રે ઊંઘતા હતાં. ભાડું, ઘર ખર્ચ, વ્યાવસાયિક ખર્ચ, શાળાની ફી વગેરે ચૂકવ્યા પછી, તેમની પાસે ખુબજ ઓછું વધતું હતું. સિંહે મને ૨૬ જૂને કહ્યું કે, “અમારી પાસે વધારે પૈસા નહોતા. ઘેર પરત ફરવા માટે ૧૦,૦૦૦થી વધારે રકમ ભેગી કરવામાં મારી બચત પહેલાથી પણ ઓછી થઇ ગઈ.”
સંધ્યાએ કહ્યું કે, “મુસાફરીના બીજા કે ત્રીજા દિવસે, એટલો ભારે વરસાદ પડવા લાગ્યો કે, ટ્રક રોકવો પડ્યો. અમે પલળી ગયાં હતાં. અમારે ટ્રકની સફાઈ કર્યા બાદ એવી ભીનાશમાં મુસાફરી કરવી પડી હતી.” ઘણા લોકો લાંબા સમય સુધી ઉભા રહ્યા; તે એવા ભાગ્યશાળી લોકોમાંથી હતી જેમને બેસવા મળ્યું હતું.
બિનૌરા ગામમાં પોતાના ઘેર પહોંચીને એક અઠવાડીયા પછી સંધ્યાને તાવ આવી ગયો. “આવું એની સાથે ત્યારે થાય છે જ્યારે તે તણાવમાં હોય છે. એ ચિંતિત છે કે અત્યારે આપણે અહીંયાં છીએ, તો આંધ્રપ્રદેશમાં એનું ભણતર કેવું ચાલતું હશે. મારી દીકરી, ભણવામાં ખૂબ જ હોંશિયાર છે, તે અડધું કર્ણાટકા અને અડધું આંધ્રપ્રદેશ જાણે છે.” રામદેકલીએ તેલુગુ અને કન્નડમાં એમની દીકરીના પ્રવાહ વિષે કહ્યું.
વર્ષ ૨૦૧૮માં કલીકીરી ગામમાં આવ્યા પહેલાં, આ પરિવાર ૧૦ વર્ષ સુધી કર્ણાટકના ગડગ શહેરમાં રહ્યો. બિરેન્દ્ર કહે છે કે, “હું સાંજે ગલી-ગલી ફરીને ગોબી-મંચુરિયન [કોબિજની તળેલી ડીશ] વેચતો હતો. દિવસે, રામદેકલી સામગ્રી તૈયાર કરતાં હતાં. ઘણી વાર લોકો ખાધા પછી પૈસા નહોતા આપતા. પછી તેઓ ગાળો પણ આપતા હતા. હું, એમનાથી લડી નહોતો શકતો – હું બીજા ગામમાં હતો. ગમેતેમ કરીને અમે કામ ચલાવ્યું.”
૮ જુલાઈએ જ્યારે સિંહ સાથે મારી વાત થઇ હતી, ત્યારે એમના પરિવારને ઘેર પહોંચ્યાને એક મહિનો થઇ ગયો હતો. તેમણે મને કહ્યું કે, “હું [આંધ્રપ્રદેશ] પરત જવા માટે તૈયાર છું. પરંતુ, કોવિડ-૧૯ના બીમારોની સંખ્યામાં વધારો જોતા, મને ખબર નથી કે ગ્રાહક [પાણીપુરી ખાવા] આવશે કે નહીં.”
સ્ટ્રેન્ડેડ વર્કર્સ એક્શન નેટવર્ક નોંધે છે કે, બિરેન્દ્રની જેમ, ૯૯% સ્વ-નિયોજિત વ્યક્તિઓને (જેમાં રસ્તા પર લારી-ગલ્લાવાળા પણ શામેલ છે) લોકડાઉન દરમિયાન કોઈ કમાણી નથી થઇ. (આ નેટવર્ક ૨૭ માર્ચના રોજ બનાવવામાં આવ્યું હતું, જેથી સંકટમાં ફસાયેલા કોઈ પ્રવાસી શ્રમિક જો ફોન કરે તો તેમની મદદ કરી શકાય, અને તેમણે લગભગ ૧૭૫૦ ફોન પર આધારિત ત્રણ અહેવાલ પ્રકાશિત કર્યા છે.)
આ દરમિયાન, બિરેન્દ્ર નાના-મોટા કામ કરતા હતા, જેમ કે બિનૌરાના આસપાસ લોકોના કાચા ઘરોનું સમારકામ કરવું. આ કામથી તેઓ પ્રતિદિન ૨૦૦ રૂપિયા કમાતા હતા, અને કોઈ અઠવાડીયામાં તેમને ૨-૩ દિવસનું કામ મળી જતું, અમુકવાર તો એ પણ નથી મળતું. રામદેકલી ઘરનું કામ કરે છે – ખાવાનું બનાવવાનું, કપડા ધોવાનું, સફાઈ કરવાનું. તેમણે મને ૩૦ જુલાઈએ કહ્યું કે, “ઘરની બહાર કામ કરવું ઘણું કઠીન છે, કારણ કે મારે ઘૂંઘટ તાણવો પડે છે. પરંતુ, જ્યારે મને સમય મળે છે, હું જાઉં છું.”
એમણે કહ્યું કે, “અમે સડી રહ્યા છીએ, અહીંયાં બેકાર બેસી રહ્યા છીએ. અને લોનના ઢગલા થઇ રહ્યા છે. અમારે ફોનનું રીચાર્જ કરવા માટે પણ પૂછવું પડે છે.” બિરેન્દ્ર અંદાજો લગાવે છે કે, એમના ઉપર પરિવાર અને દોસ્તોનો ૩૦,૦૦૦થી પણ વધારે કર્જ છે, એ પણ ફક્ત લોકડાઉનના ખર્ચને લીધે. ૩૦ જુલાઈએ જ્યારે એમનું ગેસનું સિલીન્ડર પતી ગયું ત્યારે રામદેકલી કહે છે કે, “મારે ખાવાનું બનાવવા માટે પણ કોઈ બીજાના ઘેર જવું પડતું હતું. હવે અમે ફક્ત ખાવા માટે જ કમાઈ રહ્યા છીએ. પહેલાં આવું નહોતું.”
બિનૌરા ગામમાં પરિવાર પાસે લગભગ ૨.૫ એકર જમીન છે. બે મહિનાથી પણ વધારે વરસાદની વાટ જોયા પછી, ૨૯ જુલાઈએ સારો વરસાદ થયો, ત્યારે તેઓ તલની રોપણી કરી શક્યાં. બિરેન્દ્ર ભીંડા અને અડદની દાળ પણ ઉગાવી રહ્યા છે. જ્યારે તેઓ આંધ્રપ્રદેશમાં હતા ત્યારે તેમના કાકા જમીન વાવતા હતા, ગયા વર્ષે એમણે ઘઉં, રાઈ અને વટાણા ઉગાવ્યા હતા. આમાંથી અમુક ઉપજ તેઓ વેચી દે છે, બાકીની પરિવાર માટે રાખી લે છે.
બિનૌરા પહોંચ્યાના એક અઠવાડિયા પછી, બિરેન્દ્રએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના માટે નોંધણી કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. આનાથી કેન્દ્ર સરકાર તરફથી પ્રતિવર્ષ, પાત્રતા ધરાવતા નાના અને સીમાંત ખેડૂતોના બેંક ખાતાઓમાં સીધા ૬,૦૦૦ રૂપિયા મોકલવામાં આવે છે. પરંતુ, તેઓ નોંધણીની છેલ્લી તારીખ ચુકી ગયા હતા. જો કે, તેઓ રેશન માટે નોંધણી કરાવવામાં સફળ રહ્યા હતા.
અમે જ્યારે ૩૦ જુલાઈએ વાત કરી, ત્યારે બિરેન્દ્ર આ વર્ષની ખેતીની ઉપજ વિષે અનિશ્ચિત હતા: “જો વરસાદ ફરીથી વરસશે તો ઉત્પાદન સારું થશે. પરંતુ, વરસાદ ક્યારે થશે, અને ઉત્પાદન ક્યારે થશે, મને ખબર નથી.”
તેઓ પાણીપુરીનો એમનો ધંધો પાછો શરુ થવાની વાત જોઈ રહ્યા છે, અને કહે છે, “જેણે પાણીની જરૂરિયાત હોય, એણે પાણી જાતે જ શોધવું પડે. પાણી કોઇની પાસે સામેથી નથી આવતું.”
આ પત્રકાર એપ્રિલ અને મે 2020માં આંધ્રપ્રદેશ કોવિડ લોકડાઉન રીલીફ એન્ડ એક્શન કલેકટીવમાં એક સ્વયંસેવક હતાં, જેઓ આ લેખમાં ઉલ્લેખિત હેલ્પલાઈન ચલાવતા હતા.
છબી: ઉપેન્દ્ર સિંહ
અનુવાદક: ફૈઝ મોહંમદ