વી. તર્મા કહે છે, "અમારું જીવન એક જુગાર છે. છેલ્લા બે વર્ષ અમે કઈ રીતે કાઢ્યા છે તે માત્ર ઈશ્વર જ જાણે છે. લોક કલામાં મારા 47 વર્ષોમાં છેલ્લા બે વર્ષમાં પહેલી વાર એવું બન્યું કે અમારી પાસે ખાવા માટે ય કંઈ નહોતું."
60 વર્ષના તર્મા અમ્મા તમિલનાડુના મદુરાઇ શહેરમાં રહેતા એક કિન્નર મહિલા લોક કલાકાર છે. તેઓ ઉમેરે છે, "અમારે કોઈ નિશ્ચિત પગાર નથી. અને આ કોરોના [મહામારી] માં અમે આજીવિકા મેળવવાની રહીસહી તકો પણ ગુમાવી દીધી."
મદુરાઇ જિલ્લાના કિન્નર લોક કલાકારો માટે વર્ષના પહેલા છ મહિના નિર્ણાયક હોય છે. આ સમયગાળા દરમિયાન ગામો સ્થાનિક ઉત્સવોનું આયોજન કરે છે અને મંદિરો સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે. પરંતુ લોકડાઉન દરમિયાન મોટા જાહેર મેળાવડા પરના પ્રતિબંધોને કારણે રાજ્યના કિન્નર મહિલા કલાકારોને ગંભીર અસર પહોંચી છે. સ્ટેટ ઓર્ગેનાઇઝેશન ફોર ટ્રાન્સ વુમન ઈન ડ્રામા એન્ડ ફોક આર્ટના સેક્રેટરી 60 વર્ષના તર્મા અમ્મા (લોકો સામાન્ય રીતે તેમને આ નામે ઓળખે છે) ના અંદાજ પ્રમાણે રાજ્યમાં 500 કિન્નર મહિલા કલાકારો છે.
તર્મા અમ્મા મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ભાડાના રૂમમાં ફૂલ વેચવાનું કામ કરતા તેમના એક ભત્રીજા અને ભત્રીજાના બે બાળકો સાથે રહે છે. મદુરાઇ શહેરમાં - જ્યાં તેમના માતાપિતા દાડિયા મજૂર તરીકેનું કામ કરતા હતા ત્યાં - ઉછરતા હતા ત્યારે તેઓ બીજા કિન્નર વ્યક્તિઓને મંદિરોમાં અને નજીકના ગામોમાં તહેવારોમાં રજૂઆત કરતા જોતા.
તેમણે 14 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું. તર્મા અમ્મા કહે છે, "શ્રીમંત લોકો અમને તેમના પરિવારમાં/પરિવારજનની અંતિમવિધિમાં ગાવા માટે બોલાવતા." (તેઓ તેમના સમુદાયનો ઉલ્લેખ કરતી વખતે કિન્નર વ્યક્તિઓ માટેના તમિલ શબ્દ તિરુનાંગઈનો ઉપયોગ કરે છે.) “અમને ઓપ્પારી [મરશિયા] ગાવા માટે અને મારડી પાટુ [છાતી કૂટવા] માટે પૈસા આપવામાં આવતા. આ રીતે મેં લોક કલામાં પ્રવેશ કર્યો.”
તે દિવસોમાં ચાર કિન્નર કલાકારોના સમૂહને 101 રુપિયા અપાતા. માર્ચ 2020 માં લોકડાઉન શરૂ થયું ત્યાં સુધી તર્મા અમ્માએ ક્યારેક ક્યારેક આ કામ કરવાનું ચાલુ રાખ્યું હતું, ત્યાં સુધીમાં વ્યક્તિદીઠ આવક 600 રુપિયા થઈ ગઈ હતી.
1970 ના દાયકામાં તેઓ અનુભવી કલાકારો પાસેથી તાલટુ (હાલરડાં) અને નાતુપુરા પાટુ (લોક ગીતો) ગાવાનું પણ શીખ્યા. અને સમય જતાં કાર્યક્રમો જોઈને સ્ટેપ્સ શીખીને તેમણે ગ્રામીણ તમિલનાડુના ઉત્સવોમાં ભજવવામાં આવતી પરંપરાગત નૃત્ય-નાટિકા રાજા રાણી આટ્ટમમાં રાણીની ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું.
તર્મા અમ્મા યાદ કરે છે, "1970 ના દાયકામાં મદુરાઇમાં ચારેય પાત્રો [આ નૃત્ય-નાટિકમાં] રાજા, રાણીઓ અને રંગલા જેવો પોશાક પહેરેલા પુરુષો દ્વારા ભજવવામાં આવતા." તેઓ કહે છે કે તેમણે બીજી ત્રણ કિન્નર મહિલાઓ સાથે મળીને એક ગામમાં પહેલી વાર રાજા રાણી આટ્ટમમાં ચારેય પાત્રો કિન્નર મહિલાઓ દ્વારા ભજવવામાં આવ્યા હોય તેવો કાર્યક્રમ રજૂ કર્યો હતો.
સ્થાનિક શિક્ષકોના માર્ગદર્શનથી તેઓ માથા પર ઘડો સંતુલિત કરીને રજૂ કરાતું નૃત્ય કરગટ્ટમ પણ શીખ્યા. તેઓ કહે છે, "આનાથી મને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અને સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમોમાં રજૂઆત કરવાની તક મળી."
પાછળથી તેમણે માડુ આટ્ટમ (જેમાં નર્તક ગાય જેવો પોશાક પહેરીને લોક સંગીત પર નૃત્ય કરે છે), મૈયિલ આટ્ટમ (મોરના પોશાકમાં રજૂ કરાતું નૃત્ય), અને પોઇ કાલ કુદુરઈ આટ્ટમ (ખોટા પગવાળા ઘોડાનું નૃત્ય) સહિત અન્ય કલા સ્વરૂપોમાં પોતાની કુશળતા વિસ્તૃત કરી. તામિલનાડુના ઘણા ગામોમાં આ કાર્યક્રમો યોજાયા. તર્મા અમ્મા કહે છે, "ચહેરા પર પાવડર [ટેલ્કમ પાવડર] લગાડીને અમે અમારી રજૂઆત રાત્રે 10 વાગ્યે શરૂ કરીએ અને બીજા દિવસે સવારે 4 કે 5 સુધી સતત ચાલ્યા કરે."
જાન્યુઆરીથી જૂન-જુલાઇ સુધીના સૌથી વ્યસ્ત મહિનાઓમાં વિવિધ આમંત્રણો અને અલગ અલગ સ્થળોએથી તેઓ મહિને કુલ 8000 થી 10000 રુપિયા કમાતા. બાકીના વર્ષમાં તર્મા અમ્મા મહિને 3000 રુપિયા સુધી જ કમાઈ શકતા.
મહામારીના પગલે આવેલા લોકડાઉનોએ એ બધું બદલી નાખ્યું. તેઓ કહે છે, "એયલ ઇસી નાટક માનરામ, તમિલનાડુના સભ્ય હોવાનો કંઈ લાભ ન થયો." આ - તામિલનાડુ સંગીત, નૃત્ય, નાટક અને સાહિત્ય કેન્દ્ર (તમિલનાડુ સેન્ટર ફોર મ્યુઝિક, ડેન્સ, ડ્રામા એન્ડ લિટ્રેચર)- રાજ્યના કળા અને સંસ્કૃતિ નિયામક (ડિરેક્ટોરેટ ઓફ આર્ટ્સ એન્ડ કલ્ચર) નું એકમ છે. “પુરુષ અને મહિલા લોક કલાકારો સરળતાથી પેન્શન માટે અરજી કરે છે, પણ કિન્નર વ્યક્તિઓ માટે તે ખૂબ જ મુશ્કેલ છે. મારી અરજીઓ ઘણી વખત ફગાવી દેવામાં આવી છે. અધિકારીઓ મને ભલામણો લઈ આવવાનું કહે છે. મને ખબર નથી હું કોની પાસેથી ભલામણો લઈ આવું? જો મને થોડા લાભો મળ્યા હોત તો તે મને આવા મુશ્કેલ સમયમાં મદદરૂપ થાત. અમે માત્ર રેશનના ચોખા રાંધીએ છીએ, શાકભાજી ખરીદવા માટે પણ પૈસા નથી.”
*****
મદુરાઈ શહેરથી 10 કિલોમીટરથી ઓછા અંતરે વિલાંગુડી શહેરમાં મેગી પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ગયા વર્ષ સુધી તેઓ મદુરાઇ અને અન્ય જિલ્લાઓમાં મુસાફરી કરીને કુમ્મી પાટુ ગાઈને આજીવિકા રળતા હતા. તેઓ વાવણી પછી બીજ અંકુરિત થાય તેની ઉજવણી કરવા આ પરંપરાગત ગીતો રજૂ કરતી જિલ્લાની કેટલીક કિન્નર મહિલાઓમાંથી છે.
30 વર્ષના મેગી (તેઓ આ નામ વાપરે છે) કહે છે, “હું કિન્નર મહિલા હોવાથી મારે [મદુરાઇ શહેરમાં આવેલું મારું] ઘર છોડવું પડ્યું [તેમના માતાપિતા નજીકના ગામોમાં ખેતમજૂર તરીકે કામ કરતા હતા]. તે સમયે હું 22 વર્ષની હતી. એક મિત્ર મને મુલાઇપરી ઉત્સવમાં લઇ ગયો, ત્યાં મેં કુમ્મી પાટુ શીખવાનું શરૂ કર્યું. ”
મેગી કહે છે કે વિલાંગુડીની શેરીમાં જ્યાં તેઓ બીજી 25 કિન્નર મહિલાઓના સમુદાય સાથે રહે છે તેમાંથી માત્ર બે જ કુમ્મી પાટુ ગાય છે. દર વર્ષે જુલાઇમાં તમિલનાડુમાં ઉજવાતા 10 દિવસના મુલાઇપરી ઉત્સવ દરમિયાન આ ગીત વરસાદ, જમીનની ફળદ્રુપતા અને સારા પાક માટે ગામની દેવીઓને પ્રાર્થનારૂપે અર્પણ કરાય છે. મેગી કહે છે, “ઉત્સવમાં અમને ઓછામાં ઓછા 4000 થી 5000 રૂપિયા ચૂકવાય છે. અને અમને મંદિરોમાં પ્રદર્શન કરવાની કેટલીક બીજી તકો મળે, પરંતુ તે કંઈ નક્કી ન હોય."
પરંતુ જુલાઈ 2020 માં ઉત્સવ યોજાયો ન હતો અને આ મહિને પણ યોજાયો નથી. અને ગયા વર્ષે માર્ચમાં લોકડાઉન શરૂ થયું ત્યારથી મેગીએ ઘણા ઓછા કાર્યક્રમો માટે મુસાફરી કરી છે. તેઓ કહે છે, "આ વર્ષે અમને લોકડાઉન પહેલા જ મદુરાઇના એક મંદિરમાં [માર્ચના મધ્યમાં] ત્રણ દિવસ રજૂઆત કરવાની તક મળી હતી."
હવે જુલાઈમાં આમંત્રણો અને કાર્યક્રમોની મોસમ પૂરી થતા મેગી અને તેના સહકાર્યકરોને આ વર્ષના બાકીના ભાગમાં ભાગ્યે જ કોઈ કામની તકો મળશે.
તેઓ કહે છે કે ગયા વર્ષે લોકડાઉન શરૂ થયું ત્યારથી સ્વયંસેવકોએ કિન્નર કલાકારોને ક્યારેક-ક્યારેક રેશન આપ્યું છે. અને મેગી ડિરેક્ટોરેટ ઓફ આર્ટ એન્ડ કલ્ચરની કચેરીમાં સભ્ય તરીકે નોંધાયેલા હોવાથી તેમને આ વર્ષે મે મહિનામાં સરકાર તરફથી 2000 રુપિયા મળ્યા છે." તેઓ કહે છે. "અફસોસની વાત છે કે બીજા ઘણા લોકોને આવું કંઈ નથી મળ્યું."
મેગી કહે છે કે સામાન્ય રીતે તેજીની મોસમ ગણાય તે મહિનાઓ દરમિયાન પણ લોકડાઉન પહેલા જ આમંત્રણો ઘટી રહ્યા હતા. “વધુ ને વધુ પુરુષો અને મહિલાઓ કુમ્મી ગીતો શીખી રહ્યા છે, અને મંદિરના કાર્યક્રમોમાં તેમને પસંદગી આપવામાં આવે છે. ઘણા સ્થળોએ અમે કિન્નર હોવાને કારણે ભેદભાવનો સામનો કરીએ છીએ. અગાઉ આ કલા સ્વરૂપ લોક કલાકારો સુધી મર્યાદિત હતું અને ઘણી કિન્નર મહિલાઓ તેની સાથે સંકળાયેલી હતી પરંતુ તેની વધતી લોકપ્રિયતા સાથે અમારે માટેની તકો ઓછી થઈ રહી છે.
*****
મદુરાઇ શહેરથી આશરે 100 કિલોમીટર દૂર પુડુકોટ્ટાઇ જિલ્લાના વિરાલિમલાઇ નગરમાં વર્ષા પણ 15 થી વધુ મહિનાઓથી સંઘર્ષ કરી રહી છે. દૈનિક જરૂરિયાતો ખરીદવા માટે પણ પૈસા ન હોવાને કારણે તેમણે તેમના નાના ભાઈ પર આધાર રાખવો પડ્યો હતો. તેમના નાના ભાઈ મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરીને સ્થાનિક કંપનીમાં કામ કરે છે.
મદુરાઈ કામરાજ યુનિવર્સિટીમાં લોક કલાના અનુસ્નાતક અભ્યાસક્રમના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 29 વર્ષના વર્ષા મહામારી પહેલા ઉત્સવોમાં અને મંદિરોમાં રાત્રે લોક નૃત્યો કરીને આજીવિકા રળતા અને દિવસ દરમિયાન અભ્યાસ કરતા - તેઓ માંડ 2-3 કલાક આરામ કરતા.
તેઓ કહે છે કે કટ્ટા કાલ આટ્ટમ રજૂ કરનાર તેઓ પહેલા કિન્નર મહિલા છે (તેમણે મને સ્થાનિક અખબારમાં પ્રકાશિત એક લેખ મોકલ્યો હતો જેમાં આ વાતનો ઉલ્લેખ છે), તે નૃત્ય માટે કલાકારો લાકડાના બે લાંબા પગ બાંધે છે અને સંગીત પર નૃત્ય કરે છે. આ નૃત્યમાં શારીરિક સંતુલન જાળવવા માટે ઘણો અનુભવ અને કુશળતા જરૂરી છે.
વર્ષાની પ્રતિભા તાપ્પટ્ટમ સહિત અન્ય વિવિધ નૃત્ય સ્વરૂપો સુધી વિસ્તરેલી છે, તાપ્પટ્ટમમાં કલાકારો મુખ્યત્વે દલિતો દ્વારા વગાડવામાં આવતા પરંપરાગત ઢોલ ટપ્પુના તાલ પર નૃત્ય કરે છે. પરંતુ તેઓ કહે છે કે દૈવીગા નાદનમ (દેવીનું નૃત્ય) તેમને ખૂબ ગમે છે. તેઓ તમિલનાડુમાં એક લોકપ્રિય લોક કલાકાર છે, અને તેમના કાર્યક્રમો મુખ્ય તમિલ ટેલિવિઝન ચેનલો પર પ્રસારિત કરવામાં આવ્યા છે. સ્થાનિક સંસ્થાઓ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા છે, અને કાર્યક્રમ રજૂ કરવા તેમણે બેંગલુરુ, ચેન્નઈ અને દિલ્હી સહિત દેશભરના શહેરોમાં પ્રવાસ ખેડ્યો છે.
વર્ષા (તેઓ આ નામ વાપરવાનું પસંદ કરે છે) 2018 માં સ્થપાયેલ કિન્નર મહિલા કલાકારોના જૂથ અર્ધનારી કલાઈ કુલુના સ્થાપક સભ્ય પણ છે, જેના સાત સભ્યો મદુરાઈ જિલ્લાના વિવિધ ગામોમાં રહે છે. કોવિડની પહેલી અને બીજી લહેર પહેલા જાન્યુઆરીથી જૂન સુધીમાં તેઓને ઓછામાં ઓછા 15 કાર્યક્રમો માટે આમંત્રણો મળતા. વર્ષા કહે છે, "અમે [દરેક જણ] દર મહિને ઓછામાં ઓછા 10000 રૂપિયા કમાઈ શકતા."
તેઓ ઉમેરે છે, "મારી કલા જ મારું જીવન છે. અમે કાર્યક્રમ કરીએ તો જ અમે ખાવા ભેગા થઈએ. પહેલા છ મહિના દરમિયાન અમે જે કંઈ કમાતા હતા તેના પર જ અમે પછીના છ મહિના કાઢતા.” તેમને માટે અને બીજી કિન્નર મહિલાઓ માટે તેમની કમાણી હંમેશા તેમના દૈનિક ખર્ચને પહોંચી વળવા માંડ પૂરતી રહી હતી. તેઓ કહે છે, "બચત થઈ શકે એ માટેના પૂરતા પૈસા ક્યારેય ન હતા. બચત કરવી મુશ્કેલ છે કારણ કે અમારે પોશાક, મુસાફરી અને ખોરાક પર પણ ખર્ચા કરવા પડે. અમે લોન મેળવવા માટે પંચાયત કચેરીનો સંપર્ક કરીએ તો અમારી અરજી ફગાવી દેવામાં આવે છે. અમે [પૂરતા દસ્તાવેજોના અભાવે] કોઈપણ બેંકમાંથી લોન મેળવી શકતા નથી. અત્યારે તો એવી હાલત છે કે કોઈ ફક્ત 100 રુપિયા આપે તો પણ અમે કાર્યક્રમ આપવા તૈયાર છીએ. ”
વર્ષા 10 વર્ષના હતા અને 5 મા ધોરણમાં હતા ત્યારે તેમને પોતાની 'કિન્નર' તરીકેની ઓળખનો ખ્યાલ આવ્યો, અને 12 વર્ષની ઉંમરે તેમણે મંચ પર પહેલી વાર લોક નૃત્ય રજૂ કર્યું - જે તેઓ સ્થાનિક ઉત્સવો દરમિયાન રજૂ થતા નૃત્યો જોઈને શીખ્યા હતા. લોક નૃત્યની ઔપચારિક તાલીમ તો તેમને છેક યુનિવર્સિટીના લોક કલા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યા પછી જ મળી.
વર્ષા કહે છે, "મારા પરિવારે મને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો અને મારે 17 વર્ષની ઉંમરે ઘર છોડવું પડ્યું. લોક કલા પ્રત્યેના મારા ઊંડા રસને કારણે જ [સમય જતા] મારા પરિવારે મારો સ્વીકાર કર્યો." વર્ષા તેમના માતા [જે અગાઉ ખેત મજૂર હતા] અને નાના ભાઈ સાથે વિરાલિમલાઇ ગામમાં રહે છે.
તેઓ કહે છે, “પણ હું છેલ્લા બે વર્ષથી સાવ ઘરે બેઠી છું [માર્ચ 2020 માં પહેલા લોકડાઉન પછી અમને [મિત્રો સિવાય] કોઈના તરફથી કોઈ મદદ મળી નથી. મેં મદદ માટે એનજીઓનો અને વ્યક્તિઓનો સંપર્ક કર્યો છે. ગયા વર્ષે જેઓ અમને મદદ કરી શક્યા હતા તેઓ પણ આ વર્ષે મદદ કરી શક્યા નથી. ગ્રામીણ વિસ્તારોમાં કિન્નર લોક કલાકારોને સરકાર તરફથી પણ કોઈ આર્થિક સહાય મળી નથી. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કોઈ જ કામ વગર કોઈના પર આધાર રાખ્યા વિના અમારા નિભાવની વ્યવસ્થા અમારે જાતે જ કરવી પડશે. અમે તો જાણે કોઈને દેખાતા જ નથી. ”
આ લેખ માટેની મુલાકાતો ફોન પર લેવામાં આવી હતી.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક