“છેલ્લા ચાર−પાંચ મહિનાથી ઝારિયા ગામમાં મારા ઘેર વીજળી જોડાણ કાપી નાખવામાં આવ્યું છે. હું અને મારા બે ભાઈ−બહેનો ટોર્ચના અજવાળે થોડું ઘણું ભણીએ છીએ, પરંતુ ટોર્ચ ફક્ત અડધો−પોણો કલાક ચાલે છે ને તેને ફરીથી ચાર્જ કરવી પડે છે.”
સોમવારી બાસ્કે સંતાલ આદિવાસી સમુદાયની 13 વર્ષની છોકરી છે, અને તે ભાટીન મિડલ સ્કૂલમાં 8મા ધોરણમાં ભણે છે અને તેનો શાળા સુધીનો અભ્યાસ પૂરો કરવા માટે કટિબદ્ધ છે: “મારે અભ્યાસ કરવો છે [ઔપચારિક શિક્ષણ મેળવવું છે]. મારું બસ આ જ સપનું છે.”
ઝારિયા ગામ જાદુગોડા બ્લોકમાં 1,000થી વધુ વસ્તી ધરાવતું એક ગામ છે. અહીંનો સાક્ષરતા દર 59 ટકા છે − જે ઝારખંડની 66.41 ટકાની સરેરાશ કરતાં ઓછો છે. પૂર્વીય સિંહભૂમ જિલ્લામાં આવેલા આ ગામમાં ફક્ત એક જ શાળા આવેલી છે, તેથી સોમવારીએ શાળાએ જવા માટે ઘરથી ચાર કિલોમીટર દૂર જવું પડે છે.
જ્યારે આ પત્રકારે નજીકના ગામ ખરિયા કોચાની મુલાકાત લીધી હતી, ત્યારે સોમવારીએ આ પત્રકાર માટે સબર ભાષામાંથી હિન્દીમાં દુભાષિયા તરીકે કામ કરીને ઝારખંડ જિલ્લાના પૂર્વીય સિંહભૂમ વિસ્તારના સબર આદિવાસીઓથી વાત કરવામાં આ પત્રકારની મદદ કરી હતી. તેની માતૃભાષા સંતાલી ઉપરાંત, સોમવારી સબર, હો, હિન્દી અને બાંગ્લા ભાષાઓ પણ જાણે છે.
હિન્દીમાં વાત કરતી વખતે, તે કહે છે કે તેણે ટોર્ચ ચાર્જ કરવા માટે તેના ગામ ઝારિયાથી લગભગ એક કિમી દૂર ખરિયા કોચા આવ−જા કરવું પડે છે.
*****
“અમારા ઘરનું વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું, કારણ કે અમે બિલ નહોતાં ચૂકવી શક્યાં. વીજળી વિભાગવાળાઓએ મારા દાદા ગુરાઇ બાસ્કેના નામે 16,745 રૂપિયાનું બિલ મોકલી દીધું હતું. અમે તેટલા પૈસા ક્યાંથી લાવતા?”
“આથી, અમારા ઘરનું વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું.”
“મારા ગામમાં અમુક ઘરોમાં વીજળીનું જોડાણ છે, પરંતુ જો તેમને ટોર્ચ કે મોબાઈલ ચાર્જ કરવાનું કહીએ તો તેઓ ગુસ્સે થાય છે. તેથી, હું ટોર્ચ ચાર્જ કરવા માટે બાજુના ગામ ખરિયા કોચામાં જાઉં છું. હું તે ગામના કોઈપણ એક સાબર આદિવાસીના ઘેર ટોર્ચ ચાર્જિંગમાં લગાવીને ઘેર પાછી આવી જાઉં છું.”
‘મારી માતા માલતી બાસ્કે ઘરકામ કરે છે, અને દરરોજ ઘરનું ભોજન પકવવા માટે લાકડાં લેવા જંગલમાં જવું પડે છે. તેમની ગેરહાજરીમાં, હું ઘરની સંભાળ રાખું છું તેથી અમુકવાર શાળા છૂટી જાય છે’
“તે પછી હું પપ્પા કે કાકા બજારમાંથી પરત ફરે તેની રાહ જોઉં છું, જેથી હું તેમની સાઇકલનો ઉપયોગ કરી શકું. ટોર્ચને સંપૂર્ણ ચાર્જ થવામાં 3−4 કલાકનો સમય લાગે છે. મને એકવાર સાઇકલ મળી જાય એટલે હું તરત ટોર્ચ લેતી આવું છું. અમારે દરરોજ સવારે તેને ચાર્જ કરવા મથામણ કરવી પડે છે, નહિતર અમે અભ્યાસ કરી શકતાં નથી. મારી મોટી બહેન રત્ની બાસ્કે દસમા ધોરણમાં ભણે કરે છે અને મારો નાનો ભાઈ જીતુ બાસ્કે ત્રીજા ધોરણમાં છે.”
“ઘણીવાર અમે ટોર્ચ ચાર્જ કરવા માટે ખરિયા કોચા નથી જઈ શકતાં. એ વખતે અમારે તેની બેટરી બચાવીને વાપરવી પડે છે, અથવા મીણબત્તીથી કામ ચલાવવું પડે છે.”
*****
ભાટીન મિડલ સ્કૂલમાં ભાટીન અને ઝારિયા જેવા અન્ય નજીકના ગામોમાંથી 234 વિદ્યાર્થીઓ ભણવા આવે છે, જેમાંથી મોટાભાગના આદિવાસી સમુદાયના છે. શાળાના આચાર્ય દિનેશ ચંદ્ર ભગત કહે છે, “જે દિવસે શાળામાં મધ્યાહન ભોજનમાં ઇંડા અથવા ફળો આપવામાં આવે છે ત્યારે સૌથી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ આવે છે.”
ઝારખંડ સરકાર, ઝારખંડ શિક્ષા પરિયોજના પરિષદ અંતર્ગત સરકારી શાળામાં ભણનારી બધી છોકરીઓ અને એસસી, એસટી, બીપીએલ હેઠળના પરિવારોના બાળકોને મફત ગણવેશ આપે છે. ધોરણ 1−5 ના દરેક બાળકને શાળાનો ગણવેશ, પગરખાં અને મોજાંની જોડી ખરીદવા માટે 600 રૂપિયા આપવામાં આવે છે. ધોરણ 6−8ના વિદ્યાર્થીઓને તેમના કપડાં માટે 400 રૂપિયા, સ્વેટર માટે 200 રૂપિયા અને જૂતા અને મોજાની જોડી માટે 160 રૂપિયા અપાય છે.
આ યોજના હેઠળ પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા સીધા તેમના બેંક ખાતામાં જમા થાય છે. જો કે, તે શાળાના આચાર્યે કહ્યું હતું કે તેમના માત્ર 60 ટકા વિદ્યાર્થીઓને જ ગણવેશ ખરીદવા માટે આ પૈસા મળ્યા છે.
ઝારિયા ગામની 94.39 ટકા વસ્તી સંતાલ, મુંડા, તાંતી અને લોહાર સમુદાયોની સંબંધ ધરાવે છે, અને તેમાં સંતાલ આદિવાસીઓની બહુમતી છે. ગામના મોટાભાગના લોકો દૈનિક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, જ્યારે કે જે પરિવારો પાસે જમીન છે તેઓ ખેતી કરીને જાતે જ પોતાના ખોરાક માટે અનાજ ઉગાડે છે.
“મારા પિતા, દિવારામ બાસ્કે દૈનિક મજૂર છે અને તેમને સામાન્ય રીતે ભૂગર્ભ કેબલ માટે ખોદવાનું કામ મળે છે. જે દિવસે તેમને કામ મળે છે તે દિવસે તેઓ 300−350 રૂપિયા કમાય છે. અમારો પરિવાર તેમના વેતન પર નિર્ભર છે. અમારી પાસે મારા પિતાજીની માલિકીની લગભગ સાત વીઘા જમીન છે, પરંતુ તે ખૂબ જ ખડકાળ હોવાથી તેમાં વધારે ઉપજ થતી નથી.”
“મારી માતા માલતી બાસ્કે ઘરકામ કરે છે, અને દરરોજ ઘરનું ભોજન પકવવા માટે લાકડાં લેવા જંગલમાં જવું પડે છે. તેમની ગેરહાજરીમાં, હું ઘરની સંભાળ રાખું છું તેથી અમુકવાર શાળા છૂટી જાય છે. મારી માતા બબલુ કાકાની નાસ્તાની દુકાન માટે રસોઈ પણ બનાવે છે. વેચાણના આધારે તેઓ એક દિવસમાં 50−60 રૂપિયા કમાઈ શકે છે. જ્યારે મારા પિતાને વેતનનું કામ નથી મળતું, ત્યારે તેઓ બબલુ કાકાને મદદ કરે છે. બબલુ કાકાથી અમારે લોહીનો સંબંધ નથી, બલ્કે તેઓ અમારા સમુદાયના પણ નથી, પણ તેઓ અમારા પરિવારનો જ એક હિસ્સો છે.”
શાળા શિક્ષણ પરના અહેવાલ વર્ગખંડમાં અંધકાર: ઝારખંડમાં શાળાકીય કટોકટી અનુસાર, કોવિડ−19 દરમિયાન, સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા 87 ટકા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોનની પહોંચ ન હતી. અર્થશાસ્ત્રી જીન ડ્રેઝે પારીને જણાવ્યું હતું કે, “કોવીડ મહામારી દરમિયાન વંચિત અને આદિવાસી વિદ્યાર્થીઓને શાળા−શિક્ષણ પ્રણાલી દ્વારા લાચાર છોડી દેવામાં આવ્યા હતા. બધું જ સંપૂર્ણ રીતે ઓનલાઈન શિક્ષણના ભરોસે છોડી દેવામાં આવ્યું હતું, જે ગરીબ બાળકો સાથે અન્યાય હતો.”
*****
“ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો હતો, અને મને ચિંતા હતી કે હું અમારી શાળા દ્વારા આયોજિત નાતાલના પ્રવાસમાં કઈ રીતે જઈશ? મને જમશેદપુરના ડિમના ડેમ પર મારી સહેલીઓ સાથે જવાનો ખૂબ શોખ હતો. પરંતુ અમારે તેના માટે 200 રૂપિયા આપવાના હતા, જે મારા પરિવારને પરવડી શકે તેમ નહોતું. એટલા માટે મેં મારા માતા−પિતા પાસે પૈસા નહોતા માંગ્યા. મને કોઈ ખેતરમાં અનાજ કાપવાના દરરોજ 100 રૂપિયા મળતા હતા, અને આ બે દિવસ મજૂરી કરીને મેં 200 રૂપિયા એકઠા કર્યા અને પ્રવાસ માટે પૈસા આપ્યા. શાળાની સહેલીઓ સાથે ડિમના ડેમ જઈને મેં ખૂબ મજા કરી હતી.”
“કોરોના મહામારી વખતે અમારી શાળા બંધ હતી, અને તે ગયા વર્ષે જ ખૂલી હતી. લોકડાઉન દરમિયાન હું સારી રીતે ભણી શકી ન હતી, અને ગઈ પરીક્ષામાં મારે ખૂબ ઓછું પરિણામ આવ્યું હતું. પરંતુ આ વખતે હું સખત મહેનત કરી રહી છું અને સારા ગુણ લાવવા ઈચ્છું છું.”
“જ્યારે મારી પરીક્ષા પૂરી થઈ જશે, ત્યારે આગળ ભણવા માટે મારે જાદુગોરા જવું પડશે. જાદુગોરા મારા ગામથી લગભગ 7−8 કિલોમીટર દૂર છે. ત્યાંની હાઈસ્કૂલમાં મારું નામ દાખલ કરવામાં આવશે.”
“હું મોટી થઈને વકીલ કે પોલીસ અધિકારી બનવા માંગુ છું.”
અનુવાદક: ફૈઝ મોહંમદ