નર્તક ઈતવારી રામ મછિયા બૈગા કહે છે, “અમે દસરા નાચ [નૃત્ય] કરવા જઈ રહ્યા છીએ." છત્તીસગઢ બૈગા સમાજના પ્રમુખ ઈતવારીજી ઉમેરે છે, "આ [નૃત્ય] દસરા [દશેરા]થી શરૂ થાય છે અને ત્રણ-ચાર મહિના, ફેબ્રુઆરી-માર્ચ સુધી સુધી ચાલે છે. દસરા ઉજવ્યા પછી અમે અમારા જેવા જ બીજા બૈગા ગામોની મુલાકાત લઈએ છીએ અને આખી રાત નૃત્ય કરીએ છીએ,”
બાસઠ-તેસઠ વર્ષના આ નર્તક અને ખેડૂત કબીરધામ જિલ્લાના પંડ્રિયા બ્લોકના અમાનિયા ગામમાં રહે છે. ઈતવારીજી મંડળીના બીજા સભ્યો સાથે રાયપુરમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય ઉત્સવમાં ભાગ લેવા પહોંચ્યા છે.
બૈગા સમુદાય એ છત્તીસગઢના સાત પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઈબલ ગ્રુપ (પીવીટીજી) માંથી એક છે. આ સમુદાય મધ્યપ્રદેશમાં પણ રહે છે.
ઈટવારી જી ઉમેરે છે, “સામાન્ય રીતે લગભગ 30 લોકો દસરા નાચ કરે છે, અને અમારી પાસે પુરુષ અને મહિલા બંને નર્તકો છે. ગામમાં નર્તકોની સંખ્યા સેંકડોમાં જઈ શકે છે." તેઓ કહે છે કે જો કોઈ પુરુષ મંડળી કોઈ ગામની મુલાકાત લે તો તેઓ એ ગામની મહિલા મંડળી સાથે નૃત્ય કરશે. બદલામાં યજમાન ગામની પુરુષ મંડળી મહેમાન જૂથના ગામની મુલાકાત લેશે અને ત્યાં મહિલા મંડળી સાથે નૃત્ય કરશે.
તે જ જિલ્લાના કવર્ધા બ્લોકના અનિતા પંડ્રિયા કહે છે, “અમને ગાવામાં અને નાચવામાં હંમેશા આનંદ આવે છે." તેમણે પણ નૃત્ય ઉત્સવમાં ભાગ લીધો હતો અને તેઓ ઈતવારીજીની મંડળીના સભ્ય હતા.
નૃત્યમાં ગીત સ્વરૂપે પૂછવામાં આવેલા પ્રશ્નોનો સમાવેશ થાય છે અને તેના જવાબ પણ એ જ રીતે આપવામાં આવે છે.
બૈગા નૃત્ય એ તમામ બૈગા ગામોમાં જોવા મળતી જૂની પરંપરા છે. તે પ્રવાસીઓને આકર્ષે છે, અને લોકપ્રિય સ્થળોએ વીઆઈપી લોકોનું મનોરંજન કરવા માટે અનેક વાર નૃત્ય મંડળીઓને બોલાવવામાં આવે છે, પરંતુ સમુદાયનું કહેવું છે કે તેઓને પ્રસ્તુતિઓ માટે પૂરતું મહેનતાણું આપવામાં આવતું નથી.
કવર ફોટો: ગોપીકૃષ્ણ સોની
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક