રેખાને લગભગ 10 દિવસ પહેલા એ વાત સમજાઈ ગઈ હતી કે લગ્ન કરવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ નથી. તેણે એક 15 વર્ષીય કિશોરીથી બને તેટલો પ્રતિકાર કર્યો પરંતુ તેના માતાપિતાએ તેની વાતને ગંભીરતાથી લીધી ન હતી. તેની માતા ભાગ્યશ્રી કહે છે, "તે ખૂબ રડી અને કહ્યું કે તે વધુ ભણવા માંગે છે."
ભાગ્યશ્રી અને તેમના પતિ, અમર, બંને તેમના 30 ના દાયકાના અંતમાં, તેમના બાળકો સાથે મહારાષ્ટ્રના બીડ જિલ્લાના એક ગરીબ ગામમાં રહે છે. દર વર્ષે નવેમ્બર મહીનાની આસપાસ, તેઓ શેરડી કાપવા માટે પશ્ચિમ મહારાષ્ટ્ર અથવા કર્ણાટકમાં સ્થળાંતર કરે છે. ખેતરોમાં છ મહિનાની કઠોર મજૂરી પછી, તેઓ બંને મળીને રૂ 80,000 માંડ કમાઈ શકે છે. તેમની પાસે જમીન ન હોવાને કારણે, શેરડી કાપવી એ આ માતંગ જાતિના દલિત પરિવાર માટે આવકનું એકમાત્ર સાધન છે.
જ્યારે પણ તેમના માતાપિતા સ્થળાંતર કરતા, ત્યારે રેખા અને તેના 12 અને 8 વર્ષના ભાઈભાંડુ તેમની દાદીની સંભાળમાં રહેતા (ગયા વર્ષે મે મહિનામાં તેમના દાદીનું અવસાન થયું). તેઓ ગામની બહાર સરકારી શાળામાં ભણ્યા. પરંતુ જ્યારે કોરોનાના કારણે માર્ચ 2020 માં શાળાઓ બંધ કરવાની ફરજ પાડી ત્યારે 9મી ધોરણમાં ભણતી રેખાને ઘરે જ રહેવું પડ્યું. 500 થી વધુ દિવસો પછી પણ, બીડની શાળાઓ આજે પણ બંધ છે.
ભાગ્યશ્રી કહે છે, "અમને સમજાયું કે શાળાઓ હમણાં ખુલવાની નથી. જ્યારે શાળા ખુલ્લી હતી, ત્યાં શિક્ષકો અને બાળકો હતા. ગામમાં ભીડભાડ રહેતી. શાળા બંધ હોવાને કારણે, અમે તેની સલામતીની ચિંતાને કારણે તેને એકલી મૂકી શકીયે નહીં. ”
તેથી ભાગ્યશ્રી અને અમરે ગયા વર્ષે જૂનમાં 22 વર્ષના આદિત્ય સાથે રેખાના લગ્ન કર્યા. તેમનો પરિવાર 30 કિલોમીટર દૂર ગામમાં રહે છે અને તેઓ પણ મૌસમી સ્થળાંતર કરનારાં કામદારો છે. નવેમ્બર 2020 માં, જ્યારે શેરડી કાપવાની સીઝન શરૂ થવાની હતી, ત્યારે રેખા અને આદિત્ય પશ્ચિમ મહારાષ્ટ્રમાં સ્થળાંતર કરીને ગયા અને પાછળ શાળાના રજિસ્ટરમાં રેખાનું માત્ર નામ રહી ગયું.
રેખા જેવડી કિશોરીઓ અને તેનાથી પણ નાની છોકરીઓને કોરોનાના કારણે લગ્નમાં ધકેલી દેવામાં આવી રહી છે. માર્ચ 2021 માં પ્રકાશિત થયેલ યુનિસેફનો રિપોર્ટ, શીર્ષક COVID-19: બાળલગ્ન સામે થયેલ પ્રગતિ માટે ખતરો , ચેતવણી આપે છે કે દાયકાના અંત સુધીમાં વૈશ્વિક સ્તરે 10 મિલિયન (1 કરોડ) વધુ છોકરીઓને બાળવધૂ બનવાનું જોખમ રહેશે. શાળા બંધ, વધતી ગરીબી, માતા-પિતાના મૃત્યુ અને કોવિડ -19 ના પરિણામે અને અન્ય પરિબળોને કારણે "લાખો છોકરીઓ માટે પહેલેથી જ મુશ્કેલ પરિસ્થિતિને વધુ કપરી બનાવી છે," એવું રિપોર્ટ નોંધે છે.
યુનિસેફના અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે કે, છેલ્લા 10 વર્ષમાં, બાળકો તરીકે લગ્ન કરેલી યુવતીઓનું પ્રમાણ 15 ટકા ઘટી ગયું છે અને વિશ્વભરમાં આશરે 25 મિલિયન બાળલગ્નો ટાળવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં પણ તાજેતરના વર્ષોમાં થયેલી આ પ્રગતિ માટે કોરોના મહામારી ખતરો બની ગઈ છે.
મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે એપ્રિલ 2020 થી જૂન 2021 સુધી રાજ્યમાં 780 બાળલગ્ન અટકાવ્યા હતા
2015 થી 2020 વચ્ચે મહારાષ્ટ્રમાં મહિલાઓમાં વહેલા કરાવામાં આવતા લગ્નમાં 4 ટકાનો ઘટાડો થયો હતો. 2015-16 નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ( એનએફએચએસ - 4 ) માં જાણવા મળ્યું કે 20-24 વર્ષની 26 ટકા મહિલાઓ 18 વર્ષની ઉંમરની - મહિલાઓ માટે લગ્નની કાયદાકીય લઘુત્તમ ઉંમરની-- થાય તે પહેલા તેમના લગ્ન કરવામાં આવ્યા હતા. 2019-20ના સર્વે દરમિયાન આ આંકડો ઘટીને 22 ટકા થયો ( NFHS-5 ). તે જ સમયગાળા દરમિયાન, 25-29 વય જૂથના માત્ર 10.5 ટકા પુરુષો 21 વર્ષ - પુરુષો માટે લગ્નની કાયદાકિય લઘુત્તમ ઉંમરના થયા તે પહેલા લગ્ન કરવામાં આવ્યા હતા.
જો કે, મહામારી દરમિયાન બાળ અને કિશોર લગ્નો વધી રહ્યા હોવાના પુરાવા હોવા છતાં, સરકારે તેમને અટકાવવા માટે સક્રિય પગલાં લીધા નથી. બીડમાં 34 વર્ષીય કાર્યકર્તા તત્વશીલ કાંબલે કહે છે કે, જ્યારે બાળકો અને યુવાનોની વાત આવે છે, ત્યારે રાજ્ય સરકાર ઓનલાઇન વર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે ફક્ત એવા બાળકો માટે છે કે જેમના માતા-પિતાને સ્માર્ટફોન અને સારા ઈન્ટરનેટ કનેક્શન જેવી અન્ય સુવિધાઓ પરવડી શકે.
મહારાષ્ટ્રમાં માત્ર 18.5 ટકા ગ્રામીણ પરિવારો પાસે ઈન્ટરનેટ સુવિધા હતી, 2017-18ના રાષ્ટ્રીય સેમ્પલ સર્વેના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે. ગ્રામીણ મહારાષ્ટ્રમાં લગભગ 17 ટકા વ્યક્તિઓ (5 વર્ષ અને તેથી વધુ ઉંમરના) પાસે "ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની ક્ષમતા" હતી, પરંતુ મહિલાઓમાં આ પ્રમાણ માત્ર 11 ટકા જ હતું.
ઈન્ટરનેટના અભાવમાં જીવતા મોટાભાગના બાળકો હાંસિયામાં ધકેલાયેલા સમુદાયોના છે, જ્યાં ગરીબી અને ભૌતિક અસુરક્ષા પહેલાથી જ છોકરીઓને વહેલા લગ્નમાં ધકેલી રહ્યા હતા. અને શાળાઓ બંધ થવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે, જે બીડમાં સ્પષ્ટ છે.
બીડમાં 20-24 વર્ષની આશરે 44 ટકા મહિલાઓએ 2019-20માં જણાવ્યું હતું કે તેઓ 18 વર્ષના થાય તે પહેલા તેમના લગ્ન કરવામાં આવ્યા હતા (NFHS-5). આ પાછળનું મુખ્ય કારણ જિલ્લામાં દુષ્કાળ અને કૃષિ સંકટને કારણે સ્થળાંતર કામ - ખાસ કરીને શેરડી કાપવા જેવા મોસમી કામ પર લોકોની નિર્ભરતા છે.
શેરડી કાપવા માટે કામદારોની ભરતી કરનારા કોન્ટ્રાક્ટરો પરણિત યુગલોને કામે રાખવાનું પસંદ કરે છે કારણ કે નોકરી માટે બે લોકો સાથે મળીને કામ કરે છે - એક શેરડી કાપવા માટે અને બીજો બંડલ બનાવવા અને ટ્રેક્ટર પર લાવવા માટે. દંપતીને એક એકમ તરીકે ગણવામાં આવે છે, જે તેમને આ રીતે ચૂકવણી કરવાનું સરળ બનાવે છે અને બે બિન-સંબંધિત કામદારો વચ્ચે સંઘર્ષ ટાળે છે. એક છોકરી લગ્ન કર્યા પછી તેના જીવનસાથી સાથે મુસાફરી કરી શકે છે અને કમાઈ શકે છે. આ રીતે, માતાપિતાને લાગે છે કે, તે તેના પતિ સાથે સલામત રહેશે, અને સાથે તેમનો આર્થિક બોજ પણ હળવો થશે.
મહામારીમાં આર્થિક રીતે સંઘર્ષ કરી રહેલા માતાપિતાએ તેમના બાળકને ઘરે રહેવાની વાત પર બે રીતે પ્રતિક્રિયા આપી છે, તત્વશીલ કાંબલે કહે છે, “જો તે છોકરો હોય, તો તેને બાળ મજૂરી માટે ધકેલવામાં આવે છે. એક છોકરી માટે, તેના બાળ લગ્ન કરાવી દેવામાં આવે છે.” બાળ કલ્યાણ સમિતિ, એક વૈધાનિક સંસ્થા જે જરૂરિયાતમંદ બાળકોની સંભાળ અને રક્ષણનું કામ કરે છે, તેના સભ્ય તરીકે, કાંબલેએ બીડમાં ઘણા બાળ લગ્ન અટકાવવામાં મદદ કરી છે.
બીડ તાલુકાની બાળ સુરક્ષા સમિતિ જે બાળ લગ્ન અને બાળ મજૂરી અટકાવવા માટે કામ કરે છે તેના સભ્ય અશોક તાંગડે સાથે મળીને, માર્ચ 2020 માં કોવિડ -19 ફાટી નીકળ્યા બાદ કાંબલેએ 100 થી વધુ બાળલગ્ન અટકાવ્યા છે. 53 વર્ષના, તાંગડે કહે છે, "આટલાં અમે અટકાવી શક્યા છીએ. કેટલાં અમારાથી છૂટી ગયા એ અમને ખબર નથી."
મહામારીમાં લોકોની ઘટેલ ખરીદ શક્તિ વહેલા લગ્નનું કારણ બની રહી છે. તાંગડે કહે છે, "છોકરાના માતા -પિતા વધારે દહેજ માટે આગ્રહ કરતા નથી." તેમણે ઉમેર્યું કે, લગ્ન સસ્તામાં થઈ જાય છે. "તમે ફક્ત નજીકના કુટુંબના સભ્યોને આમંત્રિત કરી જવાબદારી માંથી છૂટી શકો છો કારણ કે હવે મોટા મેળાવડાને મંજૂરી નથી."
બીજી બાજુ, મહામારીથી વધતા મૃત્યુદરની આશંકાને કારણે, માતાપિતા તેમની પુત્રીના ભવિષ્ય વિશે ચિંતા કરે છે કે જો તેઓ મૃત્યુ પામ્યા હોય તે સ્થિતિમાં તેમની દીકરીનું શું થશે. “આ બધા કારણોએ બાળલગ્ન વધારવામાં ફાળો આપ્યો છે. કેટલીક છોકરીઓ જે માત્ર 12 વર્ષની છે તેમના પણ લગ્ન કરવી દેવામાં આવ્યા છે, ”તાંગડે કહે છે.
મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે એપ્રિલ 2020 થી જૂન 2021 સુધી રાજ્યમા 780 બાળલગ્ન નોંધ્યા અને અટકાવ્યા હતા. બીડના 40 બાળ લગ્નોની સત્તાવાર ગણતરી તરફ ધ્યાન દોરતા તાંગડે અને કાંબલેએ કહ્યું કે આ આંકડો એક સંકુચિત આંકડો છે. તે કરતા ઘણા વધુ લગ્નો તો તેમણે જ તે સમયગાળામાં બીડમાં અટકાવ્યા છે.
સંકુચિત આંકડાઓ પણ મહામારી દરમિયાન બાળ અને કિશોરાવસ્થાના લગ્નમાં થયેલા વધારાને ચિંતાનો વિષય બનાવે છે. જાન્યુઆરી 2019 થી સપ્ટેમ્બર 2019 સુધી, રાજ્ય સરકારના ડેટા અનુસાર, મહારાષ્ટ્રમાં 187 બાળ વિવાહ અટકાવવામાં આવ્યા હતા. આ કોવિડ -19 ફાટી નીકળ્યા બાદ અટકાવેલા બાળલગ્નના માસિક સરેરાશના આંકડામાં 150 ટકાનો વધારો થયો છે.
કાંબલે અને તાંગડે બાળ લગ્ન રોકવા માટે માહિતી આપનારાઓ પર આધાર રાખે છે. "ગામમાં આશા કાર્યકરો અથવા ગ્રામ સેવકો અમને સૂચના આપે છે," કાંબલે કહે છે. “પરંતુ તેઓ ઘણીવાર ડરતા હોય છે કારણ કે તેઓ એક જ ગામમાં રહે છે. જો લગ્ન કરનારા પરિવારોને ખબર પડે, તો તેઓ માહિતી આપનારનું જીવન મુશ્કેલ બનાવી શકે છે.
ગામની અંદરની દુશ્મનાવટો પણ આમાં ભાગ ભજવે છે, તાંગડે ઉમેરે છે, “કેટલીકવાર, હરીફ જૂથ સાથે જોડાયેલી વ્યક્તિ માહિતી જાહેર કરશે. તો ક્યારેક, એક છોકરો જે તે છોકરી સાથે પ્રેમમાં છે જેના લગ્ન કરાવામાં આવી રહ્યા છે તે અમને જાણ કરશે. ”
માહિતી લગ્ન અટકાવવા માટે માત્ર પ્રથમ પગલું છે. આમાં સામેલ પરિવારો છટકી જવા માટે વિવિધ માધ્યમોનો પ્રયાસ કરે છે, ઘણી વાર રાજકીય પ્રભાવનો પણ ઉપયોગ કરે છે. "અમને ડરાવવામાં આવ્યા છે અને અમારા પર હુમલાઓ પણ કરવામાં આવ્યા છે," કાંબલે કહે છે. “લોકોએ અમને લાંચ આપવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ અમે હંમેશા પોલીસને એલર્ટ કરીએ છીએ. કેટલાક લોકો ઝડપથી માની જાય છે. બીજા લડાઈ આપ્યા વિના માનતા નથી. ”
ઓક્ટોબર 2020 માં, કાંબલે અને તાંગડેને 16 વર્ષીય સ્મિતાના લગ્ન થવાના એક દિવસ પહેલા તે વિષયે જાણ થઈ. તે દિવસે, તેઓ ધાર્મિક વિધિઓ શરૂ થાય તે પહેલાં - બીડ શહેરથી લગભગ 50 કિલોમીટર દૂર - લગ્ન સ્થળ પર પહોંચ્યા. પણ તેના પિતા વિઠ્ઠલે લગ્ન રોકવાની ના પાડી. "તેમણે બૂમ પાડી, 'તે મારી દીકરી છે, અને હું તેની સાથે જે ઇચ્છું તે કરી શકું છું,' “ તાંગડે કહે છે. “શું ચાલી રહ્યું છે તેની ગંભીરતાને સમજવામાં તેને થોડો સમય લાગ્યો. અમે તેને પોલીસ સ્ટેશન લઈ ગયા અને તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી."
સ્મિતા એક તેજસ્વી વિદ્યાર્થીની હતી, તેના કાકા કિશોર કહે છે. "પરંતુ તેના માતાપિતા શાળાએ ગયા નહોતા તેથી તેઓ શિક્ષાનું મહત્વ ક્યારેય સમજ્યા નહીં. તેઓ મહામારીને કારણે દિવસમાં બે સમયના ભોજન માટે સંઘર્ષ કરી રહ્યા હતા. ” વિઠ્ઠલ અને તેની પત્ની, પૂજા, બંને તેમના 30ના દાયકામાં, ઈંટોના ભઠ્ઠામાં કામ કરે છે અને 4 મહિનામાં મળીને માંડ 20,000 રૂપિયાની કમાણી કરે છે. કિશોર વાત સમજાવતા કહે છે કે “મજૂરી કામ મળવું અઘરું થઈ ગયું હતું. સ્મિતાના લગ્નનો અર્થ તેમને માટે દરરોજ એક વ્યક્તિના બે સમયના ભોજનની ચિંતા ઓછી થવી બની ગયો."
કાંબલે અને તાંગડે માટે એક મોટો પડકાર એ છે કે પરિવાર ફરીથી લગ્ન ગોઠવવાનો પ્રયાસ ન કરે તેની ખાતરી કરવી. "શાળાના શિક્ષકો અમને જણાવતા જો બાળ લગ્નના પ્રયાસ સાથે સંકળાયેલી છોકરી શાળામાં આવવાનું બંધ કરે અને અમે તેમાં તાપસ કરતા પણ શાળા બંધ થવાથી તે કામ કપરું બની ગયું છે.”
વિઠ્ઠલને દર બે મહિને પોલીસ સ્ટેશનમાં જાણ કરવાનું કહેવામાં આવ્યું છે. "અમે તેના પર વિશ્વાસ કરી શક્યા નહીં," તાંગડે કહે છે, કારણ કે તેઓને ચિંતા છે કે તે તેની સગીર પુત્રીના ફરીથી લગ્ન કરવાનો પ્રયાસ કરી શકે છે.
સ્મિતા તેના લગ્ન રોકાયા તે બાદ ત્રણ મહિના સુધી કિશોર સાથે રહેવા ગઈ હતી. તે સમય દરમિયાન તે અસામાન્ય રીતે શાંત હતી, તેના કાકા કહે છે. “તે વધારે બોલતી નહોતી અને પોતાનામાં જ રહેતી. તે તેનું કામ કરતી, અખબારો વાંચતી અને ઘરકામમાં અમને મદદ કરતી. તે આટલા વહેલા પરણવા ક્યારેય તૈયાર નહોતી.”
મહિલાઓના સ્વાસ્થ્ય પરના અભ્યાસોએ બાળલગ્નની માતૃ મૃત્યુદર પર થતી અસર સહિત, વહેલા લગ્નની પ્રતિકૂળ અસરોનું દસ્તાવેજીકરણ કર્યું છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્નું ભારતમાં બાળ લગ્નનું આંકડાકીય વિશ્લેષણ , 2011 ની વસ્તી ગણતરીના આધારે નોંધે છે કે, 10 થી 14 વર્ષની છોકરીઓ ગર્ભાવસ્થા અને બાળજન્મ દરમિયાન 20-24 વયની સ્ત્રીઓ કરતાં પાંચ ગણ્યા વધારે મૃત્યુ પામે છે. જો તેમની માતા ગર્ભાવસ્થા પહેલા અથવા દરમિયાન કુપોષિત હોય તો બાળકો પણ કુપોષિત જન્મે છે.
રેખાના દાખલામાં, શારીરિક નબળાઇના કારણે, જે કુપોષણની નિશાની છે, તેના સાસરિયાઓએ તેને તેના માતાપિતાને ઘર પરત મોકલી હતી. ભાગ્યશ્રી કહે છે, "જાન્યુઆરી 2021 માં, તે તેના પતિ સાથે ગયા પછીના બે કે ત્રણ મહિના પછી જ, ઘરે પરત આવી."
શેરડી કાપવી અને તેના માથા પર 25 કિલોથી વધુ વજનના બંડલ લઈ જવાનું કામ પોતે ખૂબ ઓછું વજન ધરાવતી રેખા માટે મુશ્કેલ હતું. “તે કમરતોડ ભારે કામ ન કરી શકી. તેની તેના પતિની આવક પર અસર પડી.”ભાગ્યશ્રી કહે છે. "તેથી તેના સાસરિયાઓએ તેને છૂટાછેડા આપી તેને પરત મોકલી."
પરત ફર્યા બાદ રેખાએ ઘરે થોડો સમય વિતાવ્યો. “પરંતુ જ્યારે કોઈ છોકરી લગ્ન કર્યાના થોડા મહિના પછી ઘરે પરત આવે છે, ત્યારે ગામના લોકો પ્રશ્નો પૂછે છે. તેથી તે મોટાભાગે તેની કાકી સાથે રહેતી હતી,”તેની માતા કહે છે.
શેરડી કાપવાની બીજી સિઝન નજીક આવી રહી છે અને ભાગ્યશ્રી અને અમર સ્થળાંતર માટે તૈયાર થઈ રહ્યા છે, રેખાના ભવિષ્યનું ફરી એકવાર આયોજન કરવામાં આવી રહ્યું છે. ફરક માત્ર એટલો છે કે રેખા આ વખતે પ્રતિકાર નથી કરી રહી - તે ફરીથી લગ્ન કરવા સંમત થઈ ગઈ છે.
ગોપનીયતાને જાળવવા માટે અહિંયા બાળકો અને તેમના સંબંધીઓના નામ બદલવામાં આવ્યા છે.
આ લખાણ પત્રકારને સ્વતંત્ર પત્રકારત્વ માટે પુલિત્ઝર કેન્દ્ર દ્વારા સમર્થિત શ્રેણીનો ભાગ છે.
અનુવાદક: જાહ્નવી સોધા