ભૂલની કોઈ ગુંજાઈશ જ નથી.
અમન તેમના ગ્રાહકના કાનમાં કાળજીપૂર્વક પાતળી સોયની ધાર જવા દે છે ત્યારે તેમની આંખો સજાગ હોય છે. તેની ધારને ઓછી તીક્ષ્ણ કરવા માટે તેના ફરતે રૂ લગાડેલું હોય છે. તેઓ ખૂબ જ ચિવટતાથી કામ કરે છે, જેથી કરીને ચામડીને કે કાનના પડદાને નુકસાન ન થાય. તેઓ યાદ કરાવે છે, “માત્ર કાનના મેલને જ દૂર કરવાનો હોય છે.”
તેઓ પીપળાના છાંયડામાં પારી સાથે વાત કરી રહ્યા છે ત્યારે તેમની બાજુમાં તેમના ઓજારોની એક કાળી થેલીમાં એક સિલાઈ (સોય જેવું ઓજાર), ચિમટી (ટ્વીઝર્સ) અને રૂ જેવા છે. આ સિવાય તેમના થેલામાં જડીબુટ્ટીઓમાંથી બનાવેલ ઔષધીય તેલની બોટલ પણ છે, જેના વિષે તેઓ કહે છે કે આ કાન સાફ કરવા માટે તેમના પરિવારનું ખાનગી હથિયાર છે.
“સિલાઈ સે મેલ બહાર નિકાલતે હૈ ઔર ચિમટી સે ખીંચ લેતે હૈ [સિલાઈથી કાનના પડદાને સાફ કરું છું, અને ટ્વીઝરથી મેલ બહાર કાઢું છું]” ઔષધીય તેલનો ઉપયોગ ત્યારે જ થાય છે જ્યારે કોઈના કાનમાં ગઠ્ઠો થયેલો દેખાય. “અમે ચેપની સારવાર નથી કરતા, પરંતુ ફક્ત કાનનો મેલ કાઢીએ છીએ અને કોઈને ખંજવાળ થતી હોય તો તેને દૂર કરીએ છીએ.” તેઓ ઉમેરે છે, જો લોકો પોતાની મેળે ગમેતેમ કરીને તેને સાફ કરવાનો પ્રયાસ કરે, તો તેનાથી તેમના કાનને નુકસાન થાય છે, અને આ ખંજવાળ ચેપમાં ફેરવાઈ શકે છે.
16 વર્ષની ઉંમરે અમને તેમના પિતા વિજય સિંહ પાસેથી કાન સાફ કરવાની કળા શીખી હતી. તેઓ કહે છે કે હરિયાણાના રેવાડી જિલ્લાના રામપુરામાં આ કામ તેમનું ખાનદાની કામ (પારિવારીક વ્યવસાય) છે. અમને તેમના પરિવારના લોકો પર હાથ અજમાવીને તેની શરૂઆત કરી હતી. તેઓ કહે છે, “પહેલા છ મહિના સુધી, અમે સિલાઈ અને ચિમટીથી પરિવારના સભ્યોના કાન સાફ કરવાની તાલીમ મેળવીએ છીએ. જ્યારે તે કોઈપણ જાતની ઇજા કે પીડા પહોંચાડ્યા વિના આવડી જાય, એટલે અમે કામની શોધમાં ઘરની બહાર નીકળીએ છીએ.”
અમન તેમના પરિવારમાં કાન સાફ કરનારાઓની ત્રીજી પેઢીના કારીગર છે. જ્યારે તેઓ કેટલું ભણેલા છે તે વિષે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેમણે ક્યારેય નિશાળનું પગથિયું નથી જોયું, અને તેઓ પોતાને અંગુઠા છાપ [અભણ] ગણાવે છે. તેઓ ઉમેરે છે, “પૈસા બડી ચીઝ નહીં હૈ. કીસીકા કાન ખરાબ નહીં હોના ચાહીયે. [પૈસા એ મોટી વાત નથી. જે ખરેખર મહત્ત્વનું છે તે છે અમારું કામ કરતી વખતે કોઈને ઈજા ન પહોંચે.]”
તેમના પરિવાર સિવાય તેમના પ્રથમ ગ્રાહકો હરિયાણાના ગુડગાંવના લોકો હતા, તે પછી તેઓ દિલ્હી જતા રહ્યા. અમન કહે છે કે એક સમયે તેઓ એક વાર કાન સાફ કરવાના 50 રૂપિયા વસૂલતા અને દિવસના 500−700 રૂપિયા કમાણી કરતા. “હવે હું ભાગ્યે જ રોજના 200 રૂપિયા કમાઉં છું.”
દિલ્હીના ડૉ. મુખર્જી નગરમાં આવેલા તેમના ઘરથી તેઓ ગીચ ટ્રાફિકમાં ચાર કિલોમીટર ચાલીને ગ્રાન્ડ ટ્રંક રોડ પર આવેલા અંબા સિનેમા ખાતે પહોંચે છે. એકવાર ત્યાં પહોંચ્યા પછી, અમન ભીડમાં સંભવિત ગ્રાહકો શોધવાનું શરૂ કરે છે, ખાસ કરીને જેઓ સવારનો શો જોવા માટે આવ્યા હોય તેમને. તેઓ કહે છે કે તેમની લાલ પાઘડી એ કાન સાફ કરનારની ઓળખ છે: “જો અમે તેને નહીં પહેરીએ તો લોકોને કેવી રીતે ખબર પડશે કે કાન સાફ કરનાર ત્યાંથી પસાર થઈ રહ્યો છે?”
અંબા સિનેમા આગળ લગભગ એક કલાક સુધી રાહ જોયા પછી, અમન દિલ્હી યુનિવર્સિટીના ઉત્તર સંકુલની નજીક લગભગ 10 મિનિટની દૂરી પર આવેલી કમલા નગરની ગલીઓમાં જવા લાગે છે. તે બજાર વિદ્યાર્થીઓ, વ્યસ્ત વિક્રેતાઓ અને કામની તલાશમાં દૈનિક મજૂરોથી ધમધમી રહ્યું છે. અમન માટે, આ દરેક વ્યક્તિ એક સંભવિત ગ્રાહક છે, તેથી તેઓ આસપાસ પૂછે છે, “ભૈયા, કાન સાફ કરાએંગે? બસ દેખ લેને દિજીયે [ભાઈ, તમે તમારા કાન સાફ કરાવવા માંગો છો? મને ફક્ત તેમના પર એક નજર કરવા દો].”
તેઓ બધા તેમને અવગણે છે.
તેઓ પાછા અંબા સિનેમા આગળ જવાનું નક્કી કરે છે કારણ કે હવે 12:45 વાગ્યા છે અને બીજો શો શરૂ થવાનો સમય થઈ ગયો છે. આખરે તેમને એક ગ્રાહક મળે છે.
*****
મહામારી દરમિયાન, જ્યારે કામની તકો ખાસ કરીને ઓછી હતી, ત્યારે અમને લસણ વેચવાનું શરૂ કર્યું હતું. તેઓ કહે છે, “હું સવારે 7:30 વાગ્યા સુધીમાં નજીકની મંડી [હોલસેલ માર્કેટ]માં પહોંચી જતો હતો અને 1,000 રૂપિયામાં 35−40 કિલો લસણ ખરીદતો હતો. જેને હું 50 રૂપિયે કિલોના ભાવે વેચતો હતો. તેમાંથી હું લગભગ દરરોજ 250−300 રૂપિયા બચત કરી શકતો હતો.”
પરંતુ હવે અમનને લસણ વેચવાનું કામ ફરી શરૂ કરવામાં કોઈ રસ નથી, કારણ કે તેઓ કહે છે કે તેમાં ઘણી મહેનત પહોંચે છે, “મારે દરરોજ સવારે મંડીમાં જવું પડતું, લસણ ખરીદવું પડતું, તેને ઘરે લાવીને પછી તેને સાફ કરવું પડતું. તેમાં હું મોડી રાત્રે 8 વાગે ઘરે પહોંચતો હતો.” જ્યારે કાન સાફ કરવાના કામમાં, તેઓ સાંજે 6 વાગ્યા સુધીમાં ઘરે પાછા આવી જાય છે.
પાંચ વર્ષ પહેલાં જ્યારે અમન દિલ્હી રહેવા ગયા હતા, ત્યારે તેમણે ડૉ. મુખર્જી નગરમાં બંદા બહાદુર માર્ગ ડેપો પાસે 3,500 રૂપિયામાં એક મકાન ભાડે લીધું હતું. તેઓ હજુ પણ તેમનાં 31 વર્ષીય પત્ની હીના સિંહ, અને 10 વર્ષથી નાની વયનાં તેમનાં ત્રણ બાળકો: નેગી, દક્ષ અને સુહાન સાથે ત્યાં જ રહે છે. તેમના મોટા પુત્રો સરકારી શાળામાં ભણે છે અને તેમના પિતાને આશા છે કે તેઓ ભણીગણીને સેલ્સમેન બનશે અને તેમણે કાન સાફ કરનાર તરીકે કામ નહીં કરવું પડે, કારણ કે, “ઇસ કામમેં કોઈ મૂલ્ય નહીં હૈ. ના આદમી કી, ના કામ કી. ઇન્કમ ભી નહીં હૈ. [આ વ્યવસાયમાં કોઈનું માન નથી જળવાતું; ન તો માણસનું કે ન તો કામનું].”
અમન કહે છે, “દિલ્હીના કમલા નગર બજારની ગલીઓમાં, તમામ વર્ગના લોકો રહે છે. જ્યારે હું તેમને પૂછું છું કે શું તેમણે તેમના કાન સાફ કરાવવા છે? તો તેઓ જવાબ આપે છે કે તેમને કોવિડ થઈ જશે. પછી તેઓ કહે છે કે જો તેમને જરૂર પડશે તો તેઓ ડૉક્ટરની મુલાકાત લઈ લેશે.”
“પછી હું તેમને શું કહું? હું કહું છું, ‘ઠીક છે, તમારા કાન સાફ ન કરાવો’.”
*****
ડિસેમ્બર 2022માં અમનનો દિલ્હીના આઝાદપુરમાં બાઇક સાથે અકસ્માત થયો હતો. જેના કારણે તેમના ચહેરા અને હાથ પર ઈજાઓ થઈ હતી. તેમના જમણા અંગૂઠામાં ખરાબ રીતે ઈજા થઈ હતી, જેના કારણે તેમના માટે કાન સાફ કરવાનું કામ અઘરું થઈ પડ્યું હતું.
સદનસીબે, ઇજાઓ માટેની દવા કારગર સાબિત થઈ છે. તેઓ પ્રસંગોપાત કાન સાફ કરે તો છે, પરંતુ વધુ સ્થિર આવક માટે તેમણે દિલ્હીમાં વિવિધ પ્રસંગોમાં ઢોલ વગાડવાનું શરૂ કર્યું છે, અને એક પ્રસંગના તેઓ 500 રૂપિયા લે છે. અમન અને હીનાને એક મહિના પહેલાં એક બાળકી પણ થઈ હતી, અને તેઓ કહે છે કે તેમણે તેમના પરિવારને ટેકો આપવા માટે વધુ કામ શોધવું જરૂરી છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ