આ પેનલ ગ્રામીણ મહિલાઓ દ્વારા કરવામાં આવતા વિવિધ કામોની વિશાળ શ્રેણી દર્શાવતા વિઝિબલ વર્ક, ઈનવિઝિબલ વુમન, ફોટો પ્રદર્શન નો એક ભાગ છે. આ તમામ ફોટોગ્રાફ્સ પી. સાંઈનાથ દ્વારા 1993 અને 2002 ની વચ્ચે ભારતના 10 રાજ્યોમાંથી લેવામાં આવ્યા હતા. ઘણા વર્ષો સુધી દેશના વિવિધ ભાગોમાં ફરી ચૂકેલ આ મૂળ પ્રદર્શનનું પારી (PARI) એ અહીં સર્જનાત્મક રીતે ડિજિટાઈઝેશન કરેલ છે.
કાદવ, માતાઓ, 'માનવ કલાકો'
આંધ્રપ્રદેશના વિઝિયાનગરમમાં ભૂમિહીન મજૂરોને સવારે 7 વાગ્યા પહેલા મળવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેની પાછળનો વિચાર હતો દિવસભર તેઓ શું કામ કરે છે તે જોવા-જાણવાનો. જોકે અમે મોડા હતા. 7 વાગ્યા સુધીમાં તો મહિલાઓ ત્રણ કલાક કામ કરી ચૂકી હતી. જેમ કે તાડના વૃક્ષો વચ્ચેથી પસાર થઈને ખેતરોમાં આવતી મહિલાઓ અથવા તેમની સાથી મહિલાઓ કે જેઓ પહેલેથી જ કામના સ્થળે પહોંચી ગઈ છે અને કાંપવાળા તળાવના તળિયે જમા થયેલ કાદવ હટાવી રહી છે.
મોટાભાગની મહિલાઓએ રસોઈ, વાસણો સાફ કરવાનું, કપડાં ધોવાનું અને બીજા કેટલાક ઘરેલુ કામકાજ પૂરા કરી લીધા હતા. તેઓએ બાળકોને શાળાએ મોકલવા માટે તૈયાર પણ કર્યા હતા. પરિવારના તમામ સભ્યોને ખવડાવ્યું હતું. અલબત્ત મહિલાઓએ હંમેશની જેમ એ બધા ખાઈ લે એ પછી છેક છેલ્લે ખાધું હતું. એ સ્પષ્ટ છે કે સરકારની એમ્પ્લોયમેન્ટ એશ્યોરન્સ સાઈટ (સરકારના રોજગારની બાંયધરી આપતા કામના સ્થળો) પર પુરૂષોની સરખામણીએ મહિલાઓને ઓછું મહેનતાણું આપવામાં આવે છે.
એ પણ સ્પષ્ટ છે કે અહીં પુરુષો અને મહિલાઓ બંને માટે લઘુત્તમ વેતન અધિનિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. કેરળ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોને બાદ કરતા આખા દેશમાં આ જ પરિસ્થિતિ છે. તદુપરાંત દરેક જગ્યાએ મહિલા શ્રમિકોને પુરૂષોની સરખામણીએ અડધું કે બે તૃતીયાંશ ભાગનું મહેનતાણું જ ચૂકવવામાં આવતું હોવાનું જણાય છે.
દિવસેને દિવસે મહિલા ખેતમજૂરોની સંખ્યા વધી રહી છે ત્યારે તેમનું મહેનતાણું ઓછું રાખવાથી જમીન માલિકોને ફાયદો થાય છે. તેનાથી જમીન માલિકોના વેતન ખર્ચમાં ઘટાડો થાય છે. ઠેકેદારો અને જમીન માલિકો દલીલ કરે છે કે મહિલાઓ પ્રમાણમાં સહેલાં કામો કરે છે અને તેથી તેમને ઓછું મહેનતાણું મળે છે. જોકે રોપણીનું કામ જોખમી અને મુશ્કેલ છે. તેવું જ લણણીના કામનું પણ છે. આ બંને કામોમાં મહિલાઓને અનેક બીમારીઓના જોખમનો સામનો કરવો પડે છે.
રોપણીનું કામ એ હકીકતમાં કુશળતા માગી લેતું કામ છે. રોપા પૂરતા ઊંડા ન રોપાય અથવા ચોક્કસ અંતરે ન રોપાય તો નિષ્ફળ જઈ શકે છે. જમીન યોગ્ય રીતે સમતળ કરવામાં આવી ન હોય તો છોડનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી. રોપણી વખતે મોટાભાગનો સમય ઘૂંટણથી ઢીંચણ સમાણા પાણીમાં કમરેથી બેવડ વળેલા રહીને કામ કરવું પડે છે. તેમ છતાં તેને અકુશળ કામ ગણવામાં આવે છે અને ઓછું મહેનતાણું ચૂકવવામાં આવે છે. કારણ? કારણ ફક્ત એટલું જ કે એ કામ મહિલાઓ કરે છે.
મહિલાઓને ઓછું મહેનતાણું આપવા પાછળની બીજી દલીલ એ છે કે તેઓ પુરુષો જેટલું કામ કરી શકતા નથી. પરંતુ એવો કોઈ પુરાવો નથી કે મહિલા દ્વારા લણવામાં આવેલ ડાંગરનું પ્રમાણ પુરુષ દ્વારા લણવામાં આવેલ ડાંગરની સરખામણીએ ઓછું હોય છે. જ્યાં જ્યાં મહિલાઓ પુરૂષો જેવા જ કામ કરે છે ત્યાં દરેક જગ્યાએ મહિલાઓને ઓછું મહેનતાણું આપવામાં આવે છે.
જો મહિલાઓ ખરેખર ઓછી કાર્યક્ષમ હોત તો જમીનદારો આટલી બધી મહિલાઓને કામ પર રાખત ખરા?
1996 માં આંધ્ર પ્રદેશ સરકારે માળીઓ, તમાકુ તોડનારા અને કપાસ ચૂંટનારાઓ માટે લઘુત્તમ વેતન નક્કી કર્યું હતું. રોપણી અને લણણીનું કામ કરતા શ્રમિકોને મળતા મહેનતાણાની સરખામણીમાં આ ઘણું વધારે હતું. આમ ભેદભાવ ઘણીવાર ખૂબ જ સ્પષ્ટ અને 'સત્તાવાર' હોય છે.
એનો અર્થ એ કે મહેનતાણાના દરોને ઉત્પાદકતા સાથે ઝાઝી લેવાદેવા નથી. મહેનતાણાના દરો ઘણીવાર લાંબા સમયથી ચાલ્યા આવતા પૂર્વગ્રહો પર આધારિત હોય છે. તો ઘણીવાર આધારિત હોય છે ભેદભાવની વર્ષો-જૂની પ્રણાલી પર. અને તેને સાવ સામાન્ય ગણીને અપાતી સહજ સ્વીકૃતિ પર.
ખેતરો અને કામના બીજા સ્થળોએ મહિલાઓ તનતોડ કાળી મજૂરી કામ કરે છે તે તો દેખીતું છે. પરંતુ બીજું કામ બધું કરવા છતાં તેમના બાળકોની સંભાળ લેવાની મુખ્ય જવાબદારી સાંભળ્યા વિના તેમનો છૂટકો જ નથી. ઓડિશાના મલકાનગિરીમાં આ આદિવાસી મહિલા તેમના બે બાળકોને લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવ્યા છે (જમણે નીચે). આ માટે તેઓ ઉબડખાબડ રસ્તે કેટલાય કિલોમીટરનું અંતર કાપીને આવ્યા છે અને મોટાભાગના રસ્તે તેમના દીકરાને ઊંચકીને ચાલ્યા છે. અને તે પણ મુશ્કેલ ડુંગરાળ ઢોળાવ પર કલાકોના કલાકો કામ કર્યા પછી.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક