સંપાદકની નોંધ:
આ ગીત (અને વીડિયો) એ લાંબા સમયથી પ્રખ્યાત ઈટાલિયન લોક વિરોધ ગીત બેલ્લા ચાઓ (ગુડબાય બ્યુટિફુલ - અલવિદા સુંદરી) નું અદભૂત પંજાબી અનુકૂલન છે. મૂળ ઇટાલિયન ગીત 19 મી સદીના અંતમાં ઉત્તર ઇટાલીની પો વેલીમાં મહિલા ખેડુતો દ્વારા રચવામાં આવ્યું હતું. ઘણા વર્ષો પછી ઈટાલિયન ફાશીવાદ વિરોધી આંદોલનકારોએ આ ગીતના શબ્દો બદલીને તેનો ઉપયોગ મુસોલિનીની સરમુખત્યારશાહી સામેના તેમના સંઘર્ષમાં કર્યો હતો. ત્યારથી આ ગીતના વિવિધ સંસ્કરણો ફાશીવાદના વિરોધમાં સ્વતંત્રતા અને પ્રતિકારના પ્રતીક તરીકે વિશ્વભરમાં ગવાય છે.
પૂજન સાહિલે આ ગીત પંજાબીમાં રજૂ કર્યું છે અને ખૂબ સુંદર રીતે ગાયું છે. અને કારવાં-એ-મોહબ્બતની મીડિયા ટીમ દ્વારા આ વીડિયોનું સુંદર ફિલ્માંકન, સંપાદન અને નિર્માણ કરવામાં આવ્યું છે. હર્ષ મંદરના નેતૃત્વ હેઠળ શરુ કરાયેલ કારવાં-એ-મોહબ્બત અભિયાન ભારતના બંધારણના સાર્વત્રિક મૂલ્યો એકતા, સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયને સમર્પિત છે.
છેલ્લા કેટલાક સપ્તાહોથી દિલ્હી-હરિયાણા, પંજાબ અને દેશના અન્ય ભાગોમાં, કેન્દ્ર સરકાર દ્વારા - કૃષિ રાજ્યની સૂચિનો વિષય હોવા છતાં - સપ્ટેમ્બરમાં સંસદમાં પસાર કરાયેલા - ખેડૂતોનું ભારે અહિત કરનારા - ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ સતત અને વ્યાપક વિરોધ ચાલુ છે. નીચે દર્શાવેલ વીડિયો અને ગીત આ આંદોલન ચલાવતા ખેડૂતોની જેમ જ એ કાયદાઓને રદ કરવાની માંગણી કરે છેઅનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક