ઓગસ્ટ ૨૦૨૦માં, પોતાના બીજા બાળકના જન્મ પછી અંજની યાદવ પિયરે ગયા હતા. તેઓ ત્યારપછી એમની સાસરીમાં પરત ગયા નથી. ૩૧ વર્ષીય અંજની પોતાના બંને બાળકો સાથે હવે પોતાના પિયરમાં રહે છે. એમનું પિયર બિહારના ગાયા જિલ્લામાં બોધગાયા બ્લોકના બકરૌર ગામમાં આવેલું છે. તેઓ પોતાના પતિના ગામનું નામ જણાવવા નથી માંગતા, જો કે ત્યાંથી એમના સાસરીયે જતા અડધો કલાક પણ નથી લાગતો.
“સરકારી હોસ્પિટલમાં મારી ડિલિવરીના બે દિવસ પછી, મારા ભાભીએ મને ખાવાનું બનાવવાનું અને ઘરની સફાઈ કરવાનું કહ્યું. તેઓ કહેતા હતા કે તેમણે પણ બાળકને જન્મ આપ્યા પછી આવી રીતે ઘરની જવાબદારી ઉઠાવી લીધી હતી. તેઓ મારાથી ૧૦ વર્ષ મોટા છે. ડિલિવરી દરમિયાન મને ઘણો રક્ત સ્ત્રાવ થયો હતો. એટલે સુધી કે બાળકના જન્મ પહેલા નર્સે મને કહ્યું હતું કે મને લોહીની ગંભીર અછત [તીવ્ર એનીમિયા] છે, અને મારે ફળ અને શાકભાજી ખાવા જોઈએ. જો હું મારી સાસરીમાં રોકાઈ હોત, તો મારી તબિયત વધારે બગડતી હોત.”
રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (એનએફએચએસ-૫) મુજબ, પાછલાં પાંચ વર્ષોમાં મોટાભાગના રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બાળકો અને સ્ત્રીઓમાં એનીમિયા, એટલે કે લોહીની અછત તીવ્ર થઇ ગઈ છે.
અંજની કહે છે કે એમના ૩૨ વર્ષીય પતિ સુખીરામ ગુજરાતના સુરતમાં એક કાપડ મિલમાં કામ કરે છે. તેઓ છેલ્લા દોઢ વર્ષથી ઘરે નથી આવ્યા. અંજનીના કહેવા મુજબ, “તેઓ મારી ડિલિવરી વખતે ઘરે આવવાના હતા, પણ એમની કંપનીએ એમને નોટિસ પાઠવી કે જો તેઓ બે દિવસથી વધારે રજા પાડશે, તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. કોરોના મહામારી પછી આર્થિક, ભાવનાત્મક, અને સ્વાસ્થ્યના સ્તરોમાં અમારા જેવા ગરીબોની હાલત વધારે કફોડી થઇ ગઈ છે. આમ, હું એકલી આ બધી મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી.”
તેમણે પારીને જણાવ્યું કે, “તેમની (પતિની) અનુપસ્થિતિમાં મારી હાલત કથળી રહી હોવાથી, મારે ત્યાંથી ભાગવું પડ્યું. ડિલિવરી પછીની કાળજી તો જવા જ દો, ઘર કામ કે પછી બાળકોની સંભાળ રાખવામાં પણ કોઈ મારી મદદ નહોતું કરતું.” અંજની યાદવને હજુ પણ એનીમિયાની બિમારી છે. જેવી કે આ રાજ્યમાં લાખો અન્ય મહિલાઓને છે.
એનએફએચએસ-૫ના એક અહેવાલ મુજબ, બિહારની ૬૪% સ્ત્રીઓ એનીમિયાનો શિકાર છે.
કોવીડ-૧૯ મહામારીના સંદર્ભમાં ૨૦૨૦ની ગ્લોબલ ન્યુટ્રીશન રીપોર્ટ મુજબ, “ભારતે સ્ત્રીઓમાં એનીમિયાની સમસ્યા દૂર કરવાના લક્ષ્યની દિશામાં કોઈ પ્રગતિ નથી કરી, અને દેશની ૧૫થી ૪૯ વયવર્ગની લગભગ ૫૧.૪% સ્ત્રીઓ એનીમિયાનો શિકાર છે.”
છ વર્ષ પહેલાં એમના લગ્ન પછી, અંજની મોટાભાગની ભારતીય પરિણીત સ્ત્રીઓની જેમ, નજીકના ગામમાં આવેલા એમના સાસરિયામાં રહેવા લાગ્યા. એમના પતિના પરિવારમાં એમના માતા-પિતા, બે મોટા ભાઈ, એમની પત્નીઓ, અને એમના બાળકો હતા. અંજની ૮ મા ધોરણ સુધી જ ભણેલા છે, અને એમના પતિ ૧૦ મા ધોરણ સુધી.
એનએફએચએસ-૫ મુજબ, બિહારમાં ૧૫-૧૯ વયવર્ગની કિશોરીઓમાં પ્રજનન દર ૭૭% છે. રાજ્યની તમામ મહિલાઓમાંથી 25 ટકાથી વધુનો બોડી માસ ઇન્ડેક્સ (BMI) સામાન્ય કરતાં ઓછો છે અને આ સર્વેક્ષણ મુજબ, ૧૫થી ૪૯ વર્ષની ૬૩ ટકા ગર્ભવતી સ્ત્રીઓ એનીમિયાનો શિકાર છે.
અંજની, બકરૌર સ્થિત એમના પિયરમાં એમના માતા, ભાઈ, એમના પત્ની, અને બે બાળકો સાથે રહે છે. એમના ૨૮ વર્ષીય ભાઈ અભિષેક, ગાયા શહેરમાં એક આંગડિયા તરીકે કામ કરે છે, તથા તેમના માતા એક ઘરેલું સહાયિકા તરીકે કામ કરે છે. તેઓ કહે છે, “બધું મળીને, અમારા પરિવારની માસિક આવક ૧૫,૦૦૦ રૂપિયા છે. જો કે, કોઈને મારા અહિયાં રહેવાથી તકલીફ નથી, પણ મને લાગે છે કે હું એમના માથે વધારાનો બોજ બની રહી છું.”
અંજની કહે છે, “મારા પતિ સુરતમાં એમના ત્રણ સહકર્મીઓ સાથે એક રૂમમાં રહે છે. હું વાટ જોઈ રહી છું કે તેઓ એટલા પૈસા બચાવી શકે કે અમે [સુરતમાં] અમારો પોતાનો એક રૂમ ભાડે લઈને સાથે રહી શકીએ.”
*****
અંજની કહે છે, “આવો, હું તમને મારી એક સહેલી પાસે લઇ જાઉં, જેના સાસુ એ તેનું જીવન હરામ કરી દીધું છે.” અંજની સાથે હું એમની સહેલી ગુડિયાના ઘરે ગઈ. વાસ્તવમાં, એ તેમના પતિનું ઘર છે. ૨૯ વર્ષીય ગુડિયા ચાર બાળકોની માતા છે. એમનો સૌથી નાનું બાળક દીકરો છે, પણ એમના સાસુ એમને નસબંધી કરાવવા દેતા નથી, કેમ કે તેઓ ઈચ્છે છે કે ગુડિયા હજુ એક દીકરો પેદા કરે. દલિત સમુદાયના ગુડિયા, તેમના પતિને પહેલા નામથી જ બોલાવવાનું પસંદ કરે છે.
એનએફએચએસ-૫ મુજબ છેલ્લા પાંચ વર્ષોમાં દેશના ઘણા રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્ત્રીઓ અને બાળકોમાં એનીમિયાની સમસ્યા વણસી છે
ગુડિયા પારીને જણાવે છે કે, “ત્રણ દીકરીઓ પછી મારા સાસુને એક દીકરો જોઈતો હતો. હવે જ્યારે મને દીકરો થયો, એટલે મને લાગ્યું કે હવે મારી જીંદગી સરળ થઇ જશે. પણ હવે તેઓ કહે છે કે તમારે ત્રણ દીકરીઓ છે, તો ઓછામાં ઓછા બે દીકરાઓ હોવા જ જોઈએ. તેઓ મને નસબંધી કરાવવા નથી દેતા.”
૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ, બિહારમાં બાળ જાતિ ગુણોત્તરમાં ગાયા જિલ્લો ત્રીજા સ્થાને છે, ૦-૬ વર્ષ ઉંમરના બાળકોમાં રાજયની ૯૬૦ની સરેરાશની સરખામણીમાં અહિં ૯૩૫ની સરેરાશ છે.
ગુડિયા, ટીન અને એસ્બેસ્ટોસની છતવાળા બે ઓરડાના ઘરમાં રહે છે, જેની દિવાલો માટીની છે અને તેમાં શૌચાલય પણ નથી. એમના ૩૪ વર્ષીય પતિ શિવસાગર, એમના માતા, અને એમના બાળકો આ જ નાનકડા ઘરમાં રહે છે. શિવસાગર એક સ્થાનિક ધાબા પર સહાયક તરીકે કામ કરે છે.
ગુડિયાના લગ્ન ૧૭ વર્ષની ઉંમરે થઇ ગયા હતા, અને તેઓ ક્યારેય પણ શાળાએ ગયા નથી. તેમણે અમને કહ્યું કે, “હું મારા પરિવારમાં પાંચ દીકરીઓમાં સૌથી મોટી હતી. મારા માતા-પિતાને મને શાળાએ મોકલવું પોસાય તેમ નહોતું. પણ મારી બે બહેનો અને એકનો એક ભાઈ શાળાએ જઈ શક્યા છે.”
ગુડિયાના ઘરના મુખ્ય રૂમનો દરવાજો ફક્ત ચાર ફૂટ પહોળી સાંકડી ગલીમાં અને સામેના પડોશીના ઘરના લગોલગ ખૂલે છે. રૂમની દિવાલ પર બે સ્કૂલ બેગ લટકેલી છે, જેમાં હજુ સુધી ચોપડીઓ ભરેલી છે. ગુડિયા જણાવે છે કે, “આ મારી મોટી દીકરીઓની ચોપડીઓ છે. એક વર્ષથી એમણે આ ચોપડીઓને હાથ સુદ્ધાં નથી લગાવ્યો.” દસ વર્ષની ખુશ્બુ અને આઠ વર્ષની વર્ષા અભ્યાસમાં પાછળ પડી રહ્યા છે. કોવીડ-૧૯ મહામારીના લીધે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત થઇ ત્યારથી હજુ સુધી શાળાઓ ખુલી નથી.
ગુડિયા કહે છે, “મારા બે બાળકોને તો દિવસમાં એકવાર મધ્યાહન ભોજનમાં પેટ ભરીને ખાવા મળે છે. પરંતુ, અમે અમને જે કંઈ મળે એના પર ગુજારો કરી રહ્યા છીએ.”
શાળાઓ બંધ હોવાથી એમના ઘેર ભૂખમરો વધ્યો છે. એમની બે દીકરીઓને હવે મધ્યાહન ભોજન ન મળતું હોવાથી, તેમના ઘરમાં ખાવાની તંગી વણસી છે. અંજનીના પરિવારની જેમ જ, ગુડિયાના પરિવારની પણ ન તો આજીવિકા સ્થિર છે, કે ન તો ખાદ્ય સુરક્ષા છે. ૭ સભ્યોનો આ પરિવાર એમના પતિની અસ્થાયી નોકરીથી થતી ૯,૦૦૦ રૂપિયાની આવક પર નભે છે.
૨૦૨૦ની ગ્લોબલ ન્યુટ્રીશન રીપોર્ટ મુજબ , “અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ વિશેષ રૂપે દયનીય સ્થિતિમાં છે, કેમ કે એમાંથી મોટાભાગના લોકો પાસે સામાજિક સુરક્ષા અને સારી સ્વાસ્થ્ય સેવાઓ સુધી પહોંચ નથી, તથા તેમણે ઉત્પાદનના સાધનો સુધીની પહોંચ પણ ગુમાવી દીધી છે. લોકડાઉન દરમિયાન આવકનો કોઈ સ્ત્રોત ન હોવાથી, ઘણા લોકો પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરવા અસમર્થ છે. એમાંથી મોટાભાગના લોકો માટે આજીવિકા બંધ થઇ જવાનો મતલબ છે કે ભૂખ્યા રહેવું, અથવા તો, ઓછો ખોરાક અને ઓછા પોષક તત્વો વાળો ખોરાક ખાવો.”
ગુડિયાનો પરિવાર આ અહેવાલમાં બતાવવામાં આવેલી હાલતનો જીવતો પુરાવો છે. એમણે ભૂખમરાની સાથે-સાથે જાતીય ભેદભાવનો પણ સામનો કરવો પડે છે. તેમના પતિની નોકરી અસુરક્ષિત છે અને એમનો પરિવાર પાસે કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સેવાઓ સુધી પહોંચ નથી.
*****
સૂરજ ડૂબી રહ્યો છે, અને બોધગાયા બ્લોકના મુસહર ટોળામાં જનજીવન સામાન્ય ઢબે ચાલી રહ્યું છે. દિવસભરનું તેમનું કામ પૂરું કરીને આ સમુદાય કે જે અનુસુચિત જાતિઓમાં સૌથી નીચલા ક્રમાંકમાં આવે છે, તેની સ્ત્રીઓ એક જગ્યાએ ભેગી થઇને વાતો કરી રહી છે, અને તેઓ બાળકોના કે પછી એકબીજાના માથામાંથી જૂ કાઢી રહી છે.
તેઓ બધા પોતાના નાનકડા ઘરના દરવાજા આગળ બેઠેલી છે, જે એક સાંકડી ગલીમાં છે અને તેની બંને તરફ ઊભરાઈ રહેલી ગટર છે. ૩૨ વર્ષીય માલા દેવી કહે છે, “અરે, મુસહર ટોળા વિષે લોકો આવું જ કહે છે ને? અમે કૂતરાં અને ભૂંડ સાથે રહેવા ટેવાયેલા છે.” જ્યારે તેઓ ૧૫ વર્ષના હતા ત્યારે તેમના લગ્ન થઇ ગયા હતા ત્યારથી તેઓ અહીં રહે છે.
તેમના ૪૦ વર્ષના પતિ લલ્લન આદીબાસી, ગાયા જિલ્લામાં એક ખાનગી ક્લિનિકમાં સફાઈ કામદાર છે. માલા કહે છે કે તેમની પાસે નસબંધી કરાવવાનો કોઈ રસ્તો નહોતો અને તેઓ હવે ઈચ્છે છે કે તેમને ચારના બદલે એક જ બાળક હોત તો કેટલું સારું હતું.
તેમનો સૌથી મોટો દીકરો શંભુ ૧૬ વર્ષનો છે અને ફક્ત તેને જ શાળામાં ભરતી કરવામાં આવ્યો છે. શંભુ હજુ નવમા ધોરણમાં છે. માલા દેવી પૂછે છે, “હું મારી દીકરીઓને ત્રીજા ધોરણથી આગળ ભણાવી શકી નથી. લલ્લનની માસિક આવક ફક્ત ૫,૫૦૦ રૂપિયા છે અને ઘરમાં અમે છ લોકો છીએ. તમને શું લાગે છે, આટલામાં અમારા બધાનો ખર્ચ પૂરો થઇ જાય?” માલાનું સૌથી મોટું બાળક પણ દીકરો અને સૌથી નાનું પણ. બાકીની બે દીકરીઓ છે.
અહીં પણ શાળાઓ બંધ હોવાને લીધે, ટોળાના જે બાળકો શાળાએ જતા હતા એ હવે ઘરોમાં બંધ છે. આનો અર્થ એ છે કે મધ્યાહન ભોજન બંધ થઇ ગયું છે અને ભૂખમરામાં વધારો થયો છે. એટલે સુધી કે સામાન્ય દિવસોમાં પણ આ સમુદાયના ખુબજ ઓછા બાળકો શાળાએ જાય છે. સામાજિક પૂર્વગ્રહો, અને આર્થિક દબાવનો અર્થ છે કે અન્ય સમુદાયોની સરખામણીમાં મુસહર ટોળાના બાળકો, ખાસ કરીને બાળકીઓનો શાળાનો અભ્યાસ વહેલા જ રોકાઈ જાય છે.
૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ, બિહારમાં મુસહર ટોળાની વસ્તી લગભગ ૨૭.૨ લાખ છે. અનુસુચિત જાતિઓમાં દુસાધ અને ચમાર પછી તેઓ ત્રીજા ક્રમાંકે છે. રાજ્યની ૧.૬૫ કરોડ દલિત વસ્તીમાં છઠ્ઠો ક્રમાંક મુસહર લોકો નો છે, પરંતુ બિહારની કૂલ ૧૦.૪૦ કરોડ વસ્તીમાં તેમનો હિસ્સો ફક્ત ૨.૬% જ છે.
૨૦૧૮ના ઓક્સફેમના એક અહેવાલ મુજબ, “લગભગ ૯૬.૩% મુસહર લોકો જમીન વિહોણા છે અને એમની વસ્તીનો ૯૨.૫% હિસ્સો ખેતમજૂર તરીકે કામ કરે છે. આ સમુદાય, જેને ઉંચી જાતિના હિંદુઓ હજુ પણ અછૂત માને છે, ૯.૮%ના સાક્ષરતા દર સાથે દેશભરની દલિત જાતિઓમાં સૌથી પાછળ છે. આ સમુદાયની સ્ત્રીઓમાં સાક્ષરતાનો દર ૧-૨% છે.”
જે બોધગાયામાં ગૌતમ બુદ્ધને જ્ઞાન મળ્યું હતું, ત્યાં સાક્ષરતાની આટલી ઓછી છે.
માલા પૂછે છે, “અમને તો જાણે બાળકો પેદા કરવા અને એમને ખવડાવવા માટે જ બનાવવામાં આવ્યા છે, પણ પૈસા વગર અમે આ કઈ રીતે કરી શકીએ?” તેઓ એમના સૌથી નાના બાળકને પાછલી રાત્રિના વધેલા ભાત એક વાટકામાં કાઢીને આપે છે. એમની આ અસહાયતા ગુસ્સો બનીને બહાર આવે છે, “અત્યારે મારી પાસે બસ આટલું જ છે, ખાવું હોય તો ખાઓ નહીં તો ભૂખ્યા મરો.”
સ્ત્રીઓના આ સમુહમાં ૨૯ વર્ષીય શિબાની આદિબાસી પણ છે. ફેફસાના કેન્સરના લીધે એમના પતિનું મૃત્યુ થયા પછી, તેઓ આઠ લોકોના પરિવારવાળા ઘરમાં પોતાના બે બાળકો અને એમના પતિના પરિવાર સાથે રહે છે. એમની પાસે આજીવિકાનો એકેય સ્ત્રોત નથી, અને આથી તેઓ ગુજારા માટે એમના પતિના ભાઈ પર નિર્ભર કરે છે. શિબાની પારીને જણાવે છે કે, “હું એમને મારા અને મારા બાળકો માટે શાકભાજી, દૂધ, કે ફળો લાવવાનું ન કહી શકું. તેઓ અમને જે કંઈ પણ ખાવા માટે આપે છે, અમે એનાથી સંતોષ માની લઈએ છીએ. મોટેભાગે અમારે માર-ભાત (મીઠા સાથે બનાવેલ પાણીપોચો ભાત) પર ગુજારો કરવો પડે છે.”
ઓક્સફેમનો અહેવાલ કહે છે, “બિહારની મુસહર વસ્તીનો લગભગ ૮૫% હિસ્સો, કુપોષણનો શિકાર છે.”
બિહારના અન્ય વિસ્તારોમાં અગણિત દલિત સ્ત્રીઓ અને માલા અને શિબાનીની વ્યથા લગભગ સરખી જ છે.
બિહારની અનુસુચિત જાતિઓની લગભગ ૯૩% વસ્તી , ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. રાજયના બધા જિલ્લાઓમાંથી, ગાયામાં દલિત વસ્તી સૌથી વધારે ૩૦.૩૯% છે. મુસહર, રાજ્યના ‘મહાદલિત’ સૂચીમાં આવે છે, જેઓ અનુસુચિત જાતિઓમાં સૌથી વધારે ગરીબ સમુદાય છે.
સામાજિક અને આર્થિક રીતે જોઈએ તો, અંજની, ગુડિયા, માલા, અને શિબાની અલગ-અલગ પરિસ્થિતિમાંથી આવે છે. પરંતુ, એ બધામાં અમુક વસ્તુઓ તો સમાન છે – તેમના પોતાના શરીર, સ્વાસ્થ્ય, અને જીવન પર તેમનું કંઈ નિયંત્રણ નથી. તે બધા અલગ-અલગ સ્તરે ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. અંજની પ્રસુતિના ઘણા મહિનાઓ પછી પણ એનીમિયાનો શિકાર છે. ગુડિયાએ નસબંધીનો વિચાર નેવે મૂકી દીધો છે. માલા અને શિબાની એ ઘણા સમય પહેલા જ જીવન સુધારવાની બધી આશાઓ છોડી દીધી છે – તેમના માટે જીવતા રહેવું પણ અઘરું છે.
આ લેખમાં લોકોની ગોપનિયતા જાળવી રાખવા માટે એમના નામ બદલી દેવામાં આવ્યા છે.
ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર લખો
જિજ્ઞાસા મિશ્રા ઠાકુર ફેમીલી ફાઉન્ડેશન વતી એક સ્વતંત્ર ગ્રાન્ટ મારફતે સાર્વજનિક સ્વાસ્થ્ય અને નાગરિક સ્વતંત્રતા વિષે પત્રકારિતા કરે છે. ઠાકુર ફેમીલી ફાઉન્ડેશને આ ખબરમાં કોઈ પણ સંપાદકીય નિયંત્રણ કર્યું નથી.
અનુવાદક : ફૈઝ મોહંમદ