તમિળમાં પુલી એટલે વાઘ, તેમનામાં રહેલી શક્તિના સ્ત્રોતને ન્યાય આપતાં તેમના દાદાએ તેમનું નામ પુલી પાડ્યું હતું – હજુ પણ કે. ભાનુમતી એ જ નામથી બંદર પર જાણીતાં છે. તેમણે અહીં દરિયા કિનારે કામ કર્યું છે, છેલ્લાં 40 વર્ષથી કચરો ભેગો કરી, છૂટો પાડી, માછલીના અવશેષો વેચી પોતાનું ગુજરાન ચલાવતાં. પરંતુ તમિળનાડુમાં કુડ્ડલોરના માછીમારી બંદર પર કામ કરતી પુલી અને બીજી અનેક મહિલાઓ સરકારી નીતિઓ મુજબ કામદાર ગણાતી નથી અને તેથી તેમને સરકારની સામાજિક સલામતીની યોજનાઓનો લાભ મળતો નથી.
“હું લગભગ 35 વર્ષની હતી ત્યારે અહીં આવી અને માછલી હરાજીનું કામ શરૂ કર્યું હતું.” પુલીએ કહ્યું. હાલ તેઓ 75 વર્ષનાં છે. જૂના કુડ્ડલોર નગરની ઉત્તરે આવેલ બંદરના કિનારે બોટ લાંગરે એની સાથે હરાજી કરનારાઓ વેપારીઓ પાસેથી ખરીદી કરવા બોલી લગાવે છે. જો તેમણે બોટમાં રોકાણ કર્યું હોય તો તેમને વેચાણના 10 ટકા રકમ મળે છે. (વીસેક વર્ષ અગાઉ એ રકમ માત્ર પાંચ ટકા જ હતી). વર્ષો પહેલાં પુલી જ્યારે બંદર પર આવ્યાં ત્યારે તેમનાં સગાંઓએ તેમને આ કામ શીખવાડ્યું હતું અને તેમને બે બોટ વહાણમાં રોકાણ કરવા માટે રૂ. 50,000 ધીર્યા હતા - જે રકમ તેમણે રોજ ભારે જહેમત ઉઠાવીને લાંબા સમય સુધી કામ કરીને ચૂકવી દીધી. પુલી વૃદ્ધ થતાં ગયાં એટલે એમણે હરાજી કરવાનું બંધ કર્યું અને તેમણે એ કામ પોતાની દીકરીને સોંપ્યું.
સતત વ્યસ્ત રહેતું આ બંદર જાત જાતના અવાજોથી ધમધમતું હોય છે – હરાજી કરનારાઓની બોલીઓ, વેપારીઓની ચહલપહલ, પકડેલા કેચને ઉતારતાં મજૂરોની બૂમો, બરફ ભાંગતા મશીનોના અવાજ, આવતા જતા ખટારાના એન્જીનના આવાજ, ધંધો કરતા વેપારીઓની બૂમો. કુડ્ડલોર જિલ્લામાં પુલીના ગામ સોથીકુપ્પમ ઉપરાંત નજીકનાં બીજાં ચાર ગામોના માછીમારો દ્વારા વપરાતું આ મોકાનું માછીમારીનું બંદર છે. ‘કેન્દ્રીય દરિયાઈ માછીમારી સંશોધન સંસ્થા’ એમ નોંધે છે કે લગભગ એક દાયકા અગાઉ આ પાંચ ગામોમાં મળીને 256 યાંત્રિક અને 822 મોટરવાળી બોટ હતી. (જો કે, અત્યારે એ અંગે આંકડાકીય માહિતી મળતી નથી.)
“મેં મારો કઝાર નો ધંધો પણ ત્યારે જ (બંદર પર કામ કરવાનું શરૂ કર્યું એ સમયે જ) શરૂ કર્યો હતો.” માછલીનો કચરો ભેગો કરવાના અને વેચવાના (ભીંગડાં, માથું અને પૂંછડી શ્રીમ્પના છીપ અને બીજું બધું) અને ફેંકી દેવાયેલી માછલીઓ (જેવી કે સીશેલ, શ્રીમ્પ, સ્ક્વિડ, અને બીજી નાની માછલીઓ)ના પોતાના ધંધા વિષે વાત કરતાં પુલી કહે છે. તમિળમાં એને કાઝીવુ મીન કહે છે અને બોલચાલની ભાષામાં કઝાર કહે છે. પુલી આ બંદરે જે દસ મહિલાઓ કામ કરે છે તેમાંની એક છે, જે સૌ માછલીનો આ કચરો ભેગો કરીને મરઘાં-બતકાંનો ખોરાક બનાવનારા ઉત્પાદકોને વેચે છે. નામક્કલ જેવા નજીકના જિલ્લામાં એનો મોટો ઉદ્યોગ છે. તેમણે જ્યારે ધંધો શરૂ કર્યો ત્યારે એક કિલોગ્રામ કઝાર ના સાત રૂપિયા મળતા હતા, આજે માછલીના રૂ. 30, માછલીના માથાના રૂ. 23 અને કરચલાના કઝાર ના રૂ. 12 મળે છે.
તેઓ જ્યારે 16 વર્ષનાં હતાં ત્યારે તેમનું લગ્ન નાગપટ્ટીનમના એક માછીમાર સાથે થયું હતું. તેમને ચાર સંતાનો છે, પણ તેમના પતિ કુપ્પુસ્વામી બહુ જ હિંસક હતાં. એટલે તેમના પિતા સોથીકુપ્પમ જે પંચાયતના સરપંચ હતા તેમણે પુલીને બાળકો સાથે પોતાના ઘેર પાછાં બોલાવી લીધાં. ત્રણ વર્ષ પછી તેમણે પોતાનાં માતા ગુમાવ્યાં. તેઓ પણ હરાજી કરનાર તરીકે કામ કરતાં હતાં. પુલી કહે છે કે, “પછી મારાં સગાંઓએ મને હરાજીનું કામ શરૂ કરવાનું કહ્યું. મારે પણ બાળકો માટે પૈસાની જરૂર તો હતી જ.”
તેઓ બંદર ઉપર સાંજે 4.00થી 6.00 દરમ્યાન માછલીમાં મીઠું ભરી, પેક કરી, વેચતા હોય છે. કઝારને પહેલે જ દિવસે મીઠાથી ભરવામાં આવે છે કે જેથી તેની વાસ ઓછી થઈ જાય. બીજે દિવસે તેને સૂકવવામાં આવે છે અને મેશ બેગમાં પેક કરવામાં આવે છે જે પુલી બંદરેથી ચાર રૂપિયામાં ખરીદે છે, તો ક્યારેક તેઓ શણની બનેલી મીઠાની કોથળીઓનો ફરી ઉપયોગ કરે છે જેની કિંમત 15 રૂપિયે નંગ હોય છે.
પુલીના જણાવ્યા મુજબ કઝારની એક બેગ 25 કિલોગ્રામની હોય છે. અગાઉ એ એક અઠવાડિયામાં ચાર-પાંચ થેલી વેચતાં હતાં, પણ કોરોના મહામારીને કારણે અને રિંગસિન નેટ ઉપરના પ્રતિબંધને લીધે માછલી પકડવાનું ઘટી ગયું છે અને તેનો વેપાર ઓછો થઈ ગયો છે. તે અત્યારે નામક્કલના ખરીદારોને રોજની બે થેલી વેચે છે. તેમાંથી તે અઠવાડિયાના રૂ. 1250 કમાય છે.
કુડ્ડલોર બંદર પર કામ કરતી મહિલાઓ -- હરાજી કરનારી, વેપાર કરનારી, માછલીઓ સૂકવનારી , કે કઝાર છૂટી પાડનારી -- એમની રોજની ક્માઈની અનિશ્ચિતતા વિષે વાત કરે છે. માછીમારોના ગામની ઘણી યુવતીઓને હવે આ માછીબજારથી દૂર રહેવું હોય છે. પરિણામે, વૃદ્ધ મહિલાઓ જ આ કામ કરતી જોવા મળે છે.
પુલી કહે છે કે, “હું કઝાર માટે એક રૂપિયો પણ આપતી નથી. હું તો એ બંદર પર માછલી કાપતી સ્ત્રીઓ પાસેથી મેળવું છું.” દરરોજ સવારે ચાર વાગ્યે તે ગ્રાહકોની જરૂરિયાત મુજબ માછલી પરનાં ભીંગડા ને અંદરના ભાગ છોલતી વિક્રેતાઓ અને અન્ય લોકો પાસેથી માછલીનો કચરો ભેગો કરવાનું શરૂ કરે છે. પુલી કઝાર માટે પૈસા આપતી નથી, પણ તે કોઈક વાર વિક્રેતાઓને અને માછલી કાપનારને ઠંડા પીણાં ખરીદી આપે છે. “હું તેમને ત્યાં સફાઈ કરવાંમાં મદદ કરું છું. તેમની સાથે વાતો કરું છું અને સમાચાર જાણું છું.”
કુડ્ડાલોર બંદર પરની મહિલાઓ માછલીના માર્કેટિંગ અને પ્રોસેસિંગ સાથે સીધી રીતે રોકાયેલી છે અને માછીમાર કામદારોને બરફ, ચા અને રાંધેલા ખોરાકનું વેચાણ કરવા જેવા અનેક બીજા કામોમાં આડકતરી રીતે સહાયરૂપ છે. રાષ્ટ્રીય મત્સ્યોદ્યોગ નીતિ 2020 કહે છે કે માછલી પકડવામાં આવે પછીની તમામ મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિઓમાં મહિલાઓનો હિસ્સો 69 ટકા છે. જો આ કામની ગણતરી કરવામાં આવે તો મત્સ્યઉદ્યોગને મુખ્યત્વે મહિલાઓના ક્ષેત્ર તરીકે જોવામાં આવશે.
2020ની સરકારી નીતિ સહકારી મંડળીઓ, વિવિધ યોજનાઓ અને કામની સ્થિતિ સુધારવા માટેના અન્ય પગલાં દ્વારા માછીમારીમાં મહિલાઓની ભાગીદારી વધારવાની જરૂરિયાતને સ્વીકારે છે. જો કે, આવી યોજનાઓ સામાન્ય રીતે માછલી પકડવામાં આવે તે પછીનાં જે કામોમાં રોકાયેલી મહિલાઓના રોજબરોજના પ્રશ્નોને બદલે યાંત્રિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
મત્સ્યઉદ્યોગમાં સંકળાયેલી મહિલાઓને મદદ કરવાના પગલાંને બદલે, દરિયાકાંઠાના પરિવર્તનનો, મૂડીપ્રધાન મત્સ્યપાલન ઉદ્યોગ, અને નિકાસને પ્રોત્સાહન તરફી નીતિના દબાણે તેઓને વધુને વધુ હાંસિયામાં ધકેલી દીધાં છે. આ ફેરફારો આ ક્ષેત્રમાં મહિલાઓના યોગદાનને તો ભાગ્યે જ ધ્યાનમાં લે છે. બીજી અનેક રીતે પણ તેઓ છેવાડે ધકેલાઈ ગઈ છે, જેવા કે મોટી માળખાગત સવલતોના વિકાસમાં થતા મૂડીરોકાણ, અને 1972માં ‘દરિયાઈ પેદાશ નિકાસ વિકાસ સત્તામંડળ’ની સ્થાપનાને લીધે વધેલી નિકાસ, અને નાના પાયા પરની માછીમારીને મળતા પ્રોત્સાહનનો અભાવ. 2004માં સુનામી આવ્યું પછી નવી બોટ અને સાધનસામગ્રીમાં મોટું રોકાણ થતું ગયું અને આ બધાને વધુ વેગ મળ્યો છે.
સમય જતાં વધુ ને વધુ સ્થાનિક મહિલાઓ માછલી પકડ્યા પછીની
કામગીરીમાંથી બાકાત થઈ ગઈ છે. કુડ્ડલોર બંદર પરની
મહિલાઓ કહે છે કે તેમની પાસે વેચાણ, કાપણી, સુકવણી અને કચરો દૂર કરવા જેવું તેમનું કામ
કરવાની પૂરતી જગ્યા પણ નથી. બહુ જ થોડી મહિલા વેપારીને બરફની ખાલી પેટીઓ સરકારી
સંસ્થાઓ દ્વારા આપવામાં આવી છે અને બહુ જ થોડાં ગામોમાં અને નગરોમાં બજારમાં
તેમને માટે જગ્યા ફાળવવામાં આવી હોય છે. ઘણી વાર, પરિવહનની સવલતોને અભાવે તેમણે માછલી
વેચવા માટે બહુ લાંબે સુધી ચાલતાં જવું
પડે છે.
“એક નાના ઝૂંપડામાં હું અહીં બંદર પર જ રહું છું. એટલે હું મારી કામની જગ્યાએથી નજીક છું.” એમ પુલી કહે છે. પરંતુ જ્યારે વરસાદ પડે છે ત્યારે એ ત્રણ કિલોમિટર દૂરના તેમના દીકરા મુથુને ઘેર જતાં રહે છે. 58 વર્ષનો મુથુ પણ બંદર ખાતે માછીમારી કરે છે, પોતાની મા માટે રોજ ભોજન લઈને આવે છે. તેમને માસિક રૂ. 1000 વૃદ્ધાવસ્થા પેન્શન મળે છે. પુલી તેમની લગભગ બધી કમાણી તેમના બે દીકરા અને બે દીકરીઓને આપી દે છે. તેઓ ચારેય લગભગ 40થી 50 વર્ષની વયનાં છે અને કુડ્ડલોર જિલ્લામાં માછીમારી ક્ષેત્રમાં જ કામ કરે છે. “હું શું મારી સાથે લઈ જવાની છું?” પુલી કહે છે: “કશું જ નહિ.”
યુ. ધિવ્યુથિરન , નિકોલસ બાઉટ્સ , તારા લોરેન્સ , અજીત મેનન , પી. અરુણ કુમાર , ભગત સિંહ અને અન્ય લોકોના સમર્થનથી જેમણે આ સંશોધન અને દસ્તાવેજીકરણમાં યોગદાન આપ્યું છે.
અનુવાદ: હેમન્તકુમાર શાહ