મેં તેમને 2011 માં કહ્યું હતું, આમ જુઓ તો તમારી યુનિવર્સીટીનો એક હિસ્સો એવા ગામની જમીન પર સ્થિત છે કે જેના રહેવાસીઓ વખતોવખત વિસ્થાપિત થયા હતા. જો કે એ કોઈપણ રીતે તમારી ભૂલ અથવા જવાબદારી નથી. પરંતુ તમારે એ વાત સ્વીકારવી રહી.
તેમણે વાત સ્વીકારી તો ખરી - જો કે મને આતુરતાથી અને ધ્યાનથી સાંભળતા ઓડિશાની સેન્ટ્રલ યુનિવર્સિટી, કોરાપુટના વિદ્યાર્થીઓ માટે તે વાત થોડી આઘાતજનક હતી - તે વિદ્યાર્થીઓ મુખ્યત્વે જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશન વિભાગના હતા. અને ચીકાપરની વાતે તેમને વિક્ષુબ્ધ કરી મૂક્યા હતા. એક ગામ જે નિયમહીન રીતે ત્રણ ત્રણ વખત વિસ્થાપિત થયું હતું. દરેક વખતે ‘વિકાસ’ના નામે.
અને મારું મન સરી પડ્યું 1993 ના અંતમાં - 1994 ની શરૂઆતના સમયમાં. જ્યારે ગડબા આદિવાસી (તેના પૌત્ર સાથે સૌથી ઉપર મુખ્ય ફોટામાં) મુક્તા કદમે મને કહ્યું હતું કે 1960 ના દાયકામાં ચોમાસાની તોફાની રાત્રે કેવી રીતે તેઓને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. ઘોર અંધારામાં અને વરસતા વરસાદમાં તેઓ માથા પર પોતાનો સરસામાન ઉપાડી તેમના પાંચ બાળકોને પોતાની આગળ ધકેલી જંગલમાં દોરી ગયા હતા. “અમને સમઝાતું નોહ્તું કે જવું ક્યાં. બસ સા’બ લોકોએ અમને જતા રહેવાનું કહ્યું એટલે અમે ત્યાંથી નીકળી ગયા. સમય ડરાવી મૂકે એવો હતો.”
તેઓ [એમને ખદેડી મૂકનારા] હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) MIG ફાઈટર પ્રોજેક્ટ માટે રસ્તો બનાવી રહ્યા હતા. એક એવો પ્રોજેક્ટ જે ઓડિશામાં ક્યારેય પૂરેપૂરો આવવાનો ન હતો અથવા થવાનો ન હતો. પરંતુ તેમને એ જમીન ક્યારેય પાછી આપવામાં ન આવી. વળતર? દાયકાઓથી ચીકાપરના વિસ્થાપિતોના ન્યાય માટે સંઘર્ષ ચાલુ રાખાનાર એક દલિત અને કાર્યકર જ્યોતિર્મય ખોરા કહે છે, "મારા પરિવાર પાસે 60 એકર જમીન હતી. અને ઘણા વર્ષો પછી અમને મળ્યા માત્ર 15000 રુપિયા [કુલ] વળતર તરીકે - 60 એકર માટે.” વિસ્થાપિતઓ ફરી એક વાર તેમનું ગામ ફરીથી બનાવ્યું, સરકારની નહીં પણ તેમની પોતાની માલિકીની જમીન પર. ભૂતકાળની સુખદ યાદોને ને સંભારતા આ ગામને પણ તેઓ 'ચીકાપર' કહે છે.
ચીકાપરના ગડાબા, પરોજા અને ડોમ (દલિત સમુદાય) ગરીબ ન હતા. તેમની પાસે મોટા હિસ્સામાં જમીનો અને પશુધનના રૂપમાં થોડી સંપત્તિ હતી. પરંતુ તેઓ મુખ્યત્વે આદિવાસી હતા અને કેટલાક દલિત હતા. પરિણામે તેઓ વિસ્થાપન માટેના બલિના બકરા બન્યા. આદિવાસીઓ (કહેવાતા) વિકાસ માટે બળજબરીપૂર્વકના વિસ્થાપનનો સૌથી વધુ ભોગ બન્યા છે. 1951 અને 1990 ની વચ્ચે સમગ્ર ભારતમાં 'પરિયોજનાઓ' દ્વારા 25 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા હતા. (અને 90 ના દાયકામાં રાષ્ટ્રીય નીતિના મુસદ્દામાં એ સ્વીકારાયું હતું કે તેમાંથી લગભગ 75 ટકા "હજુ પણ પુનર્વસનની રાહ જોઈ રહ્યા હતા.")
તે સમયગાળામાં રાષ્ટ્રીય વસ્તીના લગભગ 7 ટકા આદિવાસીઓ હતા, પરંતુ તમામ પરિયોજનાઓમાં વિસ્થાપિત થયેલ લોકોમાં આદિવાસીઓનો હિસ્સો 40 ટકાથી વધુ હતો . મુક્તા કદમ અને ચીકાપરના બીજા રહેવાસીઓ માટે માટે હજી આગળ ઉપર વધુ ખરાબ પરિસ્થિતિ ઊભી થવાની બાકી હતી. 1987માં તેમને ફરીથી ચીકાપર-2 ની બહાર ફેંકી દેવામાં આવ્યા - નેવલ મ્યુનિશન્સ ડેપો અને અપર કોલાબ પરિયોજના માટે. આ વખતે મુક્તાએ મને કહ્યું, "હું મારા પૌત્ર-પૌત્રીઓને આગળ હાંકતી ત્ત્યાંથી પણ નીકળી ગઈ." તેમણે બીજી જગ્યાએ ફરી એકવાર નવેસરથી જીવન શરુ કર્યું, તમે તેને ચીકાપર-3 કહી શકો.
1994 ની શરૂઆતમાં જ્યારે હું ત્યાં ગયો હતો અને રોકાયો હતો, ત્યારે તેમને ત્રીજી વખત (જગ્યા) ખાલી કરવાની નોટિસો મળી હતી, કદાચ પોલ્ટ્રી ફાર્મ માટે અથવા કદાચ મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ ડેપો માટે. ખરેખર વિકાસ દ્વારા ચીકાપરનો પીછો કરવામાં આવી રહ્યો હતો. પરિણામે તે વિશ્વનું એકમાત્ર એવું ગામ બનશે કે જેણે ભૂમિદળ, હવાઈદળ અને નૌકાદળનો સામનો કર્યો હોય - અને હારી ગયું હોય.
મોટે ભાગે મૂળ HAL માટે લેવામાં આવેલી જમીનનો સત્તાવાર રીતે જણાવાયેલ હેતુ માટે ક્યારેય ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. પરંતુ તેમાંની કેટલીક જમીન અને તેઓ જે બીજી વિવિધ જગ્યાઓ પર સ્થાયી થયા હતા તે જગ્યાઓ (એ જગ્યાઓના) મૂળ માલિકો સિવાય બીજા તમામને જુદા જુદા ઉપયોગો માટે વહેંચી દેવામાં આવી હતી. 2011 માં અને ખબર પડી કે તે જમીનના કેટલાક ભાગો ઓડિશાની સેન્ટ્રલ યુનિવર્સિટીની સંસ્થાઓ અથવા તેની સાથે સંકળાયેલ સંસ્થાઓને ભાગે આવ્યા હતા. જ્યોતિર્મય ખોરાની ન્યાય માટેની - અને વિસ્થાપિત પરિવારના સભ્યોને ઓછામાં ઓછું HALમાં કોઈક ને કોઈક નોકરી અપાવવા માટેની - લડત ચાલુ હતી.
આ લેખનું વધુ વિગતવાર સંસ્કરણ, બે ભાગોમાં, મારા પુસ્તક 'એવરીબડી બડી લવ્સ અ ગુડ ડ્રોટ' ('Everybody Loves a Good Drought') માં પ્રતુત કરાયું છે, પરંતુ તે 1995 સુધીની જ વાત છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક