જુલાઈ 2021માં જ્યારે પૂરનું પાણી શુભાંગી કાંબલેના ઘરમાં ઘૂસવા લાગ્યું ત્યારે તેઓ પોતાની ઘરવખરી (ઘરમાં જ) છોડીને બહાર નીકળી ગયા. જો કે બહાર નીકળતી વખતે તેમણે ઝડપથી બે નોટબુક પોતાની સાથે લઈ લીધી.
આવનારા અઠવાડિયાઓ અને મહિનાઓમાં 172 પાનાની એક એવી આ જ બે નોટબુક તેમને ઘણા (લોકોના) જીવ બચાવવામાં મદદરૂપ થવાની હતી.
એ જ સમય હતો જ્યારે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં તેમનું ગામ અર્જુનવાડ પહેલેથી જ બીજી ભયંકર આપત્તિ - કોવિડ -19 કેસોમાં ઝડપી વધારા - નો સામનો કરી રહ્યું હતું. અને શુભાંગીની નોટબુકના પાના પર આ ગામના કોરોનાવાયરસના કેસોને લગતી તમામ માહિતી - જેમકે (સંક્રમિત વ્યક્તિનો) સંપર્ક નંબર, સરનામું, પરિવારના અન્ય સભ્યોની વિગતો, તેમનો તબીબી ઈતિહાસ, આરોગ્ય નોંધ વગેરે - ખૂબ ચોકસાઈથી લખેલા હતા.
33-વર્ષના આ માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર (એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ - આશા) કહે છે, "[ગામમાં હાથ ધરવામાં આવેલા આરટી-પીસીઆર પરીક્ષણોના] કોવિડ રિપોર્ટ્સ પહેલા મારી પાસે આવતા." તેઓ ભારતના રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય અભિયાન (નેશનલ રુરલ હેલ્થ મિશન) 2005 હેઠળ નિયુક્ત દસ લાખ મહિલા સમુદાય આરોગ્ય સંભાળ કાર્યકરોમાંના એક છે. તેમની નોટબુકની મદદથી તેમણે શિરોલ તાલુકાની પૂર રાહત શિબિરમાં ખસેડવામાં આવેલ કોવિડ-પોઝિટિવ ગ્રામીણને શોધી કાઢ્યો હતો, આ વ્યક્તિને કારણે ઓછામાં ઓછા બીજા 5000 લોકોને વાયરસનું સંક્રમણ થવાનું જોખમ હતું.
તેઓ કહે છે, "પૂરના કારણે, ઘણા લોકોના ફોન સ્વિચ ઓફ હતા અથવા નેટવર્ક કવરેજની બહાર હતા." શુભાંગી પોતે 15 કિલોમીટર દૂર તેરવાડમાં પોતાની માતાને ઘેર રહેવા ગયા હતા. તેમણે તરત જ પોતાની હસ્તલિખિત નોંધો ફંફોસીને એ કેમ્પમાંના બીજા કેટલાક લોકોના ફોન નંબર શોધી કાઢ્યા. "ગમેતેમ કરીને હું દર્દીનો સંપર્ક સાધી શકી."
નજીકના અગર ગામમાં શરુ થયેલા કોવિડ સેન્ટરમાં તેમણે (એ દર્દી માટે) બેડની વ્યવસ્થા પણ કરાવી અને એ દર્દીને તાત્કાલિક ત્યાં ખસેડવામાં આવ્યો હતો. તેઓ કહે છે, "જો મેં નોટબુક (સાથે) ન લીધી હોત તો હજારો લોકો સંક્રમિત થયા હોત."
શુભાંગીએ પોતાના ગામ પર આવી પડેલી કોઈ મોટી આફત ટાળી હોય અથવા પોતાની ફરજને પોતાની જાત કરતા વધુ પ્રાથમિકતા આપી હોય એવું આ કંઈ પહેલી વાર નહોતું બન્યું. 2019 ના પૂર પછી (ઓગસ્ટમાં) પોતાના ધરાશાયી થઈ ગયેલા માટીના મકાનનું સમારકામ કરતા પહેલાં જ તેઓ કામ પર હાજર થઈ ગયા હતા. તેઓ કહે છે, "ગ્રામ પંચાયતના આદેશ મુજબ હું આખા ગામના નુકસાનનું સર્વેક્ષણ કરવામાં વ્યસ્ત હતી."
તે પછીના ત્રણ મહિનાથી વધુ સમય સુધી તેઓએ ગામમાં ફરીને પૂરમાંથી ઊગરી ગયેલા લોકો સાથે વાત કરી અને દરેક જગ્યાએ થયેલો વિનાશ જોયો. તેઓએ જે જોયું અને સાંભળ્યું તેનાથી તેઓ ખૂબ જ વ્યથિત થઈ ગયા; પોતે સર્વેક્ષણ કરેલ 1100 થી વધુ પરિવારોને થયેલા નુકસાનની નોંધ કરતા કરતા તેઓ ચિંતા અને માનસિક તાણ અનુભવવા લાગ્યા.
તેઓ કહે છે, "હું મારા માનસિક સ્વાસ્થ્યની અવગણના કરી રહી હતી, પણ તે સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો પણ ક્યાં હતો?"
એ વર્ષે પૂરના કારણે (થયેલ વિનાશ જોઈ) લાગેલા ગંભીર માનસિક આઘાતમાંથી તેઓ સ્વસ્થ થાય તે પહેલાં જ 2020 માં કોવિડ રાહત (કાર્યક્રમ) માં તેઓ મોખરાની હરોળમાં હતા. અને મહામારી ફાટી નીકળી હોવા છતાં જુલાઈ 2021 માં તેઓ પૂરથી અસરગ્રસ્ત લોકોની મદદ કરવા પાછા આવ્યા હતા. શુભાંગી કહે છે, “પૂર અને કોવિડ બેઉ એકસાથે અને પરિણામે ઊભી થયેલી આપત્તિ એટલી તો મોટી હતી કે જેની કલ્પના પણ ન થઈ શકે."
તેમના પોતાના માનસિક સ્વાસ્થ્યની સતત ઉપેક્ષાની અસરો આખરે વિવિધ રીતે દેખાવા લાગી.
એપ્રિલ 2022 માં તેમને ન્યુમોનિયા અને મધ્યમ સ્તરનો એનિમિયા (લોહતત્ત્વની ઉણપ) હોવાનું નિદાન થયું. તેઓ કહે છે, "મને આઠ દિવસથી તાવ હતો, પરંતુ કામને કારણે હું એ લક્ષણોને અવગણતી રહી." તેમનું હિમોગ્લોબિન ઘટીને 7.9 થઈ ગયું હતું, જે મહિલાઓ માટેના આદર્શ સ્તર (રક્તના પ્રતિ ડેસીલીટર દીઠ 12-16 ગ્રામ) કરતાં ઘણું ઓછું હતું અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
બે મહિના પછી ધીમે ધીમે તેઓ સાજા થઈ રહ્યા હતા ત્યારે તેમના ગામમાં ફરી એક વાર ભારે વરસાદ પડ્યો - અને પાણીનું સ્તર ઝડપથી વધતું જોઈને શુભાંગી ફરી એકવાર માનસિક તણાવ અનુભવવા લાગ્યા. તેઓ કહે છે, "એક સમય હતો જ્યારે અમે વરસાદની આતુરતાથી રાહ જોતા પરંતુ હવે દરેક વરસાદ સાથે અમને બીજા એક વધુ પૂરનો ડર લાગે છે. આ વર્ષે ઓગસ્ટમાં પાણી એટલું ઝડપથી વધી રહ્યું હતું કે હું ઘણા દિવસો સુધી સૂઈ શકી નહોતી." [આ પણ વાંચો: ડૂબવાને વાંકે જીવતી કોલ્હાપુરની ખેલાડીઓ ]
સતત સારવાર ચાલુ હોવા છતાં શુભાંગીનું હિમોગ્લોબિન સ્તર નીચું રહે છે; તેઓ ચક્કર આવવાની અને થાક લાગવાની ફરિયાદ પણ કરે છે. પરંતુ નજીકના ભવિષ્યમાં તેમને આરામ થવાની અથવા તેમના સાજા થવાની કોઈ શક્યતા દેખાતી નથી. તેઓ કહે છે, "એક આશા કાર્યકર તરીકે અમે લોકોને મદદ કરીએ એવી અમારી પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે પણ અમે પોતે જ સાવ તૂટી ગયા છીએ."
*****
શિરોલના ગણેશવાડી ગામના 38 વર્ષના આશા કાર્યકર છાયા કાંબલેને 2021ના પૂરની બધી જ વિગતો યાદ છે. તેઓ કહે છે, "રેસ્ક્યૂ બોટ અમારા ઘરની ઉપરથી પસાર થતી હતી."
શુભાંગીની જેમ જ છાયા પણ પાણી ઓસરવાનું શરુ થતાં જ ફરજ પર પાછા ફર્યા હતા; ઘરનું સમારકામ તેમણે પછીથી કરવાનું રાખ્યું હતું. તેઓ કહે છે, "અમે બધા [ગણવેશવાડીના છ આશા કાર્યકરો] પહેલા પેટા-કેન્દ્ર પહોંચ્યા." પૂરને કારણે કેન્દ્રના મકાનને ખૂબ નુકસાન થયું હોવાથી તેઓએ એક નિવાસી ડોકટરના ઘરમાં કામચલાઉ પેટા-કેન્દ્ર શરુ કર્યું.
"રોજેરોજ ન્યુમોનિયા, કોલેરા, ટાઇફોઇડ, ચામડીના રોગો, તાવ અને બીજા રોગોથી પીડિત ઘણા લોકો [પેટા કેન્દ્રમાં] આવતા." આ કામ આખો મહિનો ચાલ્યું હતું, એક પણ દિવસની રજા વિના.
છાયા કહે છે, "દરેકની આંખમાં આંસુ જોઈને તમને દુઃખ થાય છે. કમનસીબે, અમારા માટે કોઈ માનસિક આરોગ્ય સંભાળ સુવિધા પણ નથી. તો પછી અમે આમાંથી બહાર શી રીતે આવીશું?" તેમની બાબતમાં એમ જ બન્યું છે, તેઓ હજી સ્વસ્થ થયા નથી.
તેમના માનસિક તણાવનું સ્તર સતત વધતું ગયું અને ટૂંક સમયમાં તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. "કામના વધુ પડતા બોજને લીધે એમ થતું હશે એમ માની હું તેને અવગણતી રહી." થોડા મહિનામાં છાયાને અસ્થમાનું નિદાન થયું. તેઓ કહે છે, "ડોક્ટરે કહ્યું કે તેમને અસ્થમા થવાનું કારણ હતું જબરદસ્ત માનસિક તણાવ." માનસિક તણાવ અને અસ્થમા વચ્ચેના સંબંધની પુષ્ટિ કરતા પૂરતા અભ્યાસો ઉપલબ્ધ છે.
દવાઓથી છાયાને થોડી રાહત થઈ રહી છે, પરંતુ આબોહવામાં થતા ઝડપી પરિવર્તન અંગે તેમને સતત ચિંતા રહે છે. દાખલા તરીકે, આ વર્ષે માર્ચ-એપ્રિલના હીટવેવ દરમિયાન તેમને ચક્કર આવવા લાગ્યા હતા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી.
તેઓ યાદ કરે છે, "ફરજ પરનો એ સૌથી મુશ્કેલ સમય હતો. મને લાગ્યું કે મારી ચામડી બળી રહી છે." સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઉચ્ચ તાપમાન માનસિક કાર્યક્ષમતા ને, વ્યક્તિની વિચારવાની અને સમજવાની ક્ષમતાને અસર પહોંચાડી શકે છે, તેના કારણે આત્મહત્યાના દર , હિંસા અને આક્રમકતા માં વધારો થાય છે.
બીજા ઘણા આશા કાર્યકરો પણ છાયા જેવા જ લક્ષણોથી પીડાય છે. કોલ્હાપુર સ્થિત ક્લિનિકલ સાયકોલોજિસ્ટ શાલ્મલી રનમાલે-કાકડે કહે છે, “આ જરાય અસામાન્ય નથી. આ સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર [એસએડી] ના લક્ષણો છે."
એસએડી એ ઋતુમાં ફેરફારને કારણે આવતા ડિપ્રેશનનું એક સ્વરૂપ છે. ઉચ્ચ અક્ષાંશ પર આવેલા દેશોમાં આ લક્ષણો સામાન્ય રીતે શિયાળા સાથે સંકળાયેલા હોય છે, જયારે હવે ભારત જેવા ઉષ્ણકટિબંધીય દેશો માં પણ લોકો આ ડિસઓર્ડરથી પીડાતા હોવાથી એ અંગેની જાગૃતિ વધી છે.
શુભાંગી કહે છે, “આબોહવા બદલાવા માંડે એટલે હું માનસિક તણાવ અનુભવવા લાગું છું; મને ચક્કર આવે છે. આતા મલા અજિબાત સહન હોઈના ઝાલંય [હવે આ બધું મારાથીસહન થઈ શકતું નથી]. પૂરથી અરસગ્રસ્ત લગભગ દરેક આશા કોઈને કોઈ પ્રકારનો માનસિક તણાવનો અનુભવી રહી છે, અને એ તણાવ હવે તેમને લાંબી બીમારીઓ તરફ દોરી રહ્યો છે. અમે આટઆટલા લોકોના જીવ બચાવ્યા તે છતાંય સરકારે અમારે માટે કશું જ કર્યું નથી.
એવું નથી કે આરોગ્ય અધિકારીઓ આ સમસ્યાનો સ્વીકાર કરતા નથી. પરંતુ પ્રશ્ન એ છે કે આ સમસ્યાને હલ કરવાની દિશામાં તેઓ જે પગલાં લઈ રહ્યા છે એ શું પૂરતા છે, કે ખરેખર યોગ્ય પણ છે.
પૂરથી અસરગ્રસ્ત નજીકના હાતકણંગલે તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારી ડો. પ્રસાદ દાતાર કહે છે કે આ પ્રદેશમાં આરોગ્ય સંભાળ કાર્યકરો પૂર અને કોવિડના કારણે "વધુ પડતા કામના બોજ અને માનસિક તણાવ" નો સામનો કરી રહ્યા છે. તેઓ ઉમેરે છે, "તેમની આ મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરવા અમે દર વર્ષે આશા કાર્યકરો માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ."
જો કે કોલ્હાપુરના શિરોલ તાલુકામાં રહેતા આશા યુનિયનના નેતા નેત્રદીપા પાટીલ માને છે કે આ કાર્યક્રમોથી કોઈ ફાયદો થતો નથી. તેઓ ઉમેરે છે, "મેં અધિકારીઓને અમારી માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓ જણાવી ત્યારે આવી પરિસ્થિતિઓનો સામનો શી રીતે કરવો એ અમારે શીખવાની જરૂર છે એમ કહી તેમણે મારી વાત ઉડાવી દીધી."
રનમાલે-કાકડે કહે છે કે આશા કાર્યકરોને સતત તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ બનાવવા માટે તેમને ઉપચાર અને કાઉન્સેલિંગની જરૂર છે. તેઓ કહે છે, "મદદ કરનાર હાથને પણ મદદની જરૂર હોય છે. કમનસીબે, આપણા સમાજમાં આવું થતું નથી." વધુમાં તેઓ ઉમેરે છે કે આગલી હરોળના ઘણા આરોગ્ય સંભાળ કાર્યકરો 'બીજાની મદદ કરવામાં' એટલા તો વ્યસ્ત હોય છે કે ઘણીવાર તેમને તેમના પોતાના બર્નઆઉટ (વધુ પડતા અને લાંબા સમયના માનસિક તણાવને કારણે લાગતા માનસિક અને શારીરિક થાક), હતાશા અને ભાવનાત્મક બોજનો ખ્યાલ જ આવતો નથી.
તેઓ ઉમેરે છે કે અવારનવાર સર્જાતી (માનસિક) તણાવ ઊભી કરતી પરિસ્થિતિઓ, જેમ કે ઝડપથી બદલાતી સ્થાનિક આબોહવાની પેટર્ન, નો સામનો કરવા માટે વધુ સઘન અને ઝડપી (તબીબી) હસ્તક્ષેપ વારંવાર કરવાની જરૂર છે.
*****
કોલ્હાપુરમાં આશા કાર્યકરોના કથળી રહેલા માનસિક સ્વાસ્થ્યમાં બદલાતી આબોહવાની પેટર્ન મુખ્ય ભૂમિકા ભજવે છે.
દરેક આશા કાર્યકર ગામડામાં 1000 લોકો માટે 70 થી વધુ આરોગ્ય સંભાળ કાર્યોનું સંચાલન કરે છે, જેમાં સુરક્ષિત ગર્ભાવસ્થા અને સાર્વત્રિક રસીકરણ સુનિશ્ચિત કરવાના કામનો પણ સમાવેશ થાય છે - આશા કાર્યકરો પર (કામનું) ખૂબ ભારણ હોવા છતાં આ આરોગ્ય કર્મચારીઓને નજીવું મહેનતાણું ચૂકવાય છે અને એક રીતે તેમનું શોષણ થાય છે.
નેત્રદીપા જણાવે છે કે મહારાષ્ટ્રમાં આશાઓને દર મહિને 3500-5000 રુપિયાનું નજીવું મહેનતાણું ચૂકવવામાં આવે છે, અને તે પણ ઓછામાં છું ત્રણ મહિના મોડું. તેઓ વિસ્તારથી સમજાવે છે, "આજે પણ અમને સ્વયંસેવકો ગણવામાં આવે છે, પરિણામે અમને લઘુત્તમ વેતન અને અન્ય લાભો નકારવામાં આવે છે." આશા કાર્યકરોને સરકાર જેને 'પ્રદર્શન-આધારિત પ્રોત્સાહન (કામ આધારિત ભથ્થું)' કહે છે તે મળે છે, જેનો અર્થ એ છે કે તેઓને તેમના કાર્યક્ષેત્ર હેઠળના સમુદાયમાં અમુક કામ પૂરા થવા પર ચૂકવણી કરવામાં આવે છે. અહીં કોઈ નિશ્ચિત માનદ વેતનની જોગવાઈ નથી અને આ ભથ્થાની રકમ રાજ્યે-રાજ્યે બદલાય છે.
તેથી ઘણા આશા કાર્યકરો માત્ર સમુદાયની આરોગ્ય સંભાળની જરૂરિયાતોની કાળજી લેવાથી તેમને થતી આવક પર નભી શકતા નથી. શુભાંગીનો જ દાખલો લઈએ તો બે છેડા ભેગા કરવા તેમણે ખેત મજૂર તરીકે પણ કામ કરવું પડે છે.
તેઓ કહે છે, "2019 અને 2021ના પૂર પછી ત્રણ મહિના સુધી મને કામ ન મળ્યું કારણ ખેતરો બરબાદ થઈ ગયા હતા. બદલાતી આબોહવાને કારણે વરસાદનું અનુમાન પણ કરી શકાતું નથી. થોડા સમય માટે પણ વરસાદ પડે તો પણ તે ખેતી સંબંધિત કામ મેળવવાની અમારી આશાઓ સહિત બધા પર પાણી ફેરવી નાખે છે. જુલાઈ 2021 માં ભારે વરસાદ અને પૂરને કારણે કોલ્હાપુર સહિત મહારાષ્ટ્રના 24 જિલ્લાઓમાં 4.43 લાખ હેક્ટર પાકના વિસ્તારને અસર પહોંચી હતી.
2019 થી વારંવાર આવતા પૂર અને સંપત્તિના વિનાશ તેમજ ખેતી સંબંધિત કામના નુકસાનને કારણે શુભાંગીને જુદા જુદા શાહુકારો પાસેથી બધું મળીને 100000 રુપિયાની નાની-નાની, ઊંચા વ્યાજની લોન લેવાની ફરજ પડી હતી. તેમણે પોતાનું સોનું પણ ગીરવી મૂકવું પડ્યું હતું, અને જૂના મકાન ફરી બાંધવાનું પોસાય તેમ ન હોવાથી તેમને 10x15 ફીટની પતરાની ખોલીમાં આશરો લેવો પડ્યો હતો.
શુભાંગીના પતિ 37 વર્ષના સંજય કહે છે, “2019 અને 2021 બંનેમાં 30 કલાકથીય ઓછા સમયમાં પૂરના પાણી ઘરમાં ઘૂસી ગયા હતા. અમે કશું જ બચાવી શક્યા નહોતા.” ખેતમજૂર તરીકે હવે પૂરતું કામ મળી રહેતું નથી એટલે સંજયે કડિયાકામ કરવાનું શરૂ કર્યું છે.
તેમના પોતાના નુકસાન અને વેદનાઓ છતાં શુભાંગીએ આશા કાર્યકર તરીકેના તેમના કામની અવિરત જવાબદારીઓ પૂરી કરવા માટે વધુ સમય ફાળવવાનું ચાલુ રાખ્યું હતું.
પૂરના કારણે થયેલા નુકસાનના સર્વેક્ષણની સાથે સાથે આશાઓને પાણીજન્ય રોગોના ફેલાવાને રોકવા માટે પીવાના પાણીના સ્ત્રોતોને જંતુમુક્ત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. નેત્રદીપા કહે છે કે તેમના ઘણા કામ માટે તેમને ચૂકવણી પણ કરવામાં આવતી નથી. “પૂર પછીના આ તમામ રાહત કાર્ય કરવાના કારણે અમને ઘણી માનસિક સમસ્યાઓ થઈ, પરંતુ એ કામ માટે અમને કોઈ જ મહેનતાણું ચૂકવવામાં આવ્યું ન હતું. આ બધી મફતની મજૂરી હતી.”
શુભાંગી કહે છે, “અમારે એકેએક ઘેર જઈને કોઈને પાણીજન્ય અથવા વેક્ટર-જન્ય રોગોના લક્ષણો હોય તો તે નોંધવું પડ્યું હતું. આશાઓએ સમયસર સારવાર સુનિશ્ચિત કરીને ઘણા લોકોના જીવ બચાવ્યા હતા."
તેમ છતાં આ વર્ષે એપ્રિલમાં તેઓ બીમાર પડ્યા ત્યારે તેમને સરકાર તરફથી ઝાઝી મદદ મળી નહોતી. તેઓ કહે છે, “હું પોતે જાહેર આરોગ્ય સંભાળ કાર્યકર હોવા છતાં મારે ખાનગી દવાખાનામાં સારવાર લેવી પડી હતી અને 22000 રુપિયા ખરચવા પડ્યા હતા કારણ કે સાર્વજનિક હોસ્પિટલમાં માત્ર દવાઓ લખી આપતા હતા જ્યારે મને તાત્કાલિક દવાખાનામાં દાખલ કરવાની જરૂર હતી." તેમને સાર્વજનિક પેટા-કેન્દ્રમાંથી ફોલિક એસિડ અને આયર્ન સપ્લિમેન્ટ્સ મફત મળી રહે છે છતાં દર મહિને વધારાની દવાઓ પાછળ તેમણે 500 રુપિયા ખરચવા પડે છે.
આશા કાર્યકર તરીકે દર મહિને આશરે 4000 રુપિયા કમાતા છાયાને દવાઓ પાછળ 800 રુપિયા ખરચવા પડે છે, જે તેમને પોસાતું નથી. તેઓ કહે છે, “છેવટે અમે એ હકીકત સ્વીકારી લીધી છે કે અમે સામાજિક કાર્યકરો છીએ. કદાચ એટલે જ અમારે આટલું બધું સહન કરવું પડે છે."
2022 માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (ડબ્લ્યુએચઓએ) દૂર-દૂરના વિસ્તારોમાં રહેતા સમુદાયોને જાહેર આરોગ્ય પ્રણાલી સાથે જોડીને તમામ માટે આરોગ્ય સંભાળ સુલભ બનાવવા બદલ આશા કાર્યકરોને ગ્લોબલ હેલ્થ લીડર્સ એવોર્ડ થી સન્માનિત કર્યા. છાયા કહે છે, “અમને આનો ગર્વ છે, પરંતુ જ્યારે પણ અમે અમારા ઉપરી અધિકારીઓને મોડા અને નજીવા મહેનતાણા અંગે પૂછીએ છીએ ત્યારે તેઓ જવાબ આપે છે કે અમે માનવજાતની ઉત્કૃષ્ટ સેવા કરી રહ્યા છીએ, તેઓ અમને કહે છે - 'પેમેન્ટ ચંગલં નાહી મિળત, પણ તુમ્હાલા પુણ્ય મિળતં [તમને ઝાઝું મહેનતાણું નહિ મળતું હોય, પણ તમને લોકોના આશીર્વાદ મળે છે]."
જો કે ડબ્લ્યુએચઓ નીતિ સંક્ષિપ્ત આ આગલી હરોળના કાર્યકરોના માનસિક સ્વાસ્થ્ય પર આબોહવા પરિવર્તનની અસરના મહત્વના મુદ્દા તરફ ધ્યાન દોરે છે: "આત્યંતિક હવામાનની ઘટનાઓ પછી (આશા કાર્યકરોમાં) ડિપ્રેશન (હતાશા), ચિંતા અને માનસિક તણાવ સહિતની માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ જોવા મળી છે."
નેત્રદીપા કહે છે કે, કામ કરવાના સ્થળે બદતર થતી જતી પરિસ્થિતિઓ અને આશા કાર્યકરોની પરિસ્થિતિ પ્રત્યે ઉદાસીનતાની સાથે સાથે આબોહવાની ઘટનાઓથી આશાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પહોંચે છે. તેઓ કહે છે, "આ વર્ષે હીટવેવ્સમાં સર્વેક્ષણ કરતી વખતે અમારામાંના ઘણાએ ચામડીમાં ખંજવાળ, બળતરા અને થાકની ફરિયાદ કરી હતી. અમને કોઈ રક્ષણાત્મક સામગ્રી પણ આપવામાં આવી નહોતી."
પુણેની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રોપિકલ મિટિઓરોલોજી (આઈઆઈટીએમ) ના આબોહવા વિજ્ઞાની અને યુનાઈટેડ નેશન્સ ઈન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાયમેટ ચેઈન્જ અહેવાલમાં યોગદાન આપનાર રોક્સી કોલ એવા 'ક્લાયમેટ એક્શન પ્લાન' ની જરૂરિયાત પર ભાર મૂકે છે જેમાં ક્યારે અને કયા દિવસોમાં હીટ વેવ અથવા બીજી આત્યંતિક હવામાન પરિસ્થિતિઓ ઊભી થવાની સંભાવના છે એ સમયગાળાનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. તેઓ કહે છે, “આપણી પાસે આગામી કેટલાંક વર્ષોથી માંડીને કેટલાક દસકાઓ સુધીના આબોહવા વિષયક અનુમાનના આંકડાઓ છે. તેના આધારે કયા વિસ્તારોમાં, કયા દિવસે કાર્યકરોએ તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ એ ચોક્કસપણે શોધવાનું શક્ય છે. આ કોઈ મોટું કામ નથી. આ માટે જરૂરી માહિતી પહેલેથી આપણી પાસે ઉપલબ્ધ છે જ."
આ દિશામાં કોઈ સત્તાવાર નીતિ અથવા પ્રયાસની ગેરહાજરીમાં આશા કાર્યકરો આ પરિસ્થિતિનો સામનો કરવા માટે જાતે જ કોઈને કોઈ રસ્તો શોધી લેવા માટે મજબૂર છે. તેથી શુભાંગી તેમના દિવસની શરૂઆત હવામાનની આગાહી ચકાસીને કરે છે. તેઓ કહે છે, "હું મારી ફરજ તો છોડી ન શકું; પણ ઓછામાં ઓછું દિવસના હવામાનનો સામનો કરવા માટે મારી જાતને તૈયાર કરવાનો પ્રયાસ તો હું કરી જ શકું છું."
આ લેખ ઈન્ટરન્યૂઝના અર્થ જર્નાલિઝમ નેટવર્ક દ્વારા સમર્થિત શ્રેણીનો એક ભાગ છે, જે અંતર્ગત આ પત્રકારને સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન પ્રાપ્ત થયેલ છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક