'કેપ્ટન ભાઉ' (રામચંદ્ર શ્રીપતિ લાડ)
સ્વાતંત્ર્ય સેનાની અને તૂફાન સેનાના વડા
22 મી જૂન,
1922- 5 મી ફેબ્રુઆરી, 2022
અંતે તેઓ જે રાષ્ટ્ર માટે લડ્યા હતા તે રાષ્ટ્ર દ્વારા સન્માનિત થયા વિના અને તે રાષ્ટ્રમાં પ્રસિદ્ધિ મેળવ્યા વિના જ તેમણે ચિરવિદાય લીધી પરંતુ 1940 ના દાયકામાં પોતાના સાથીઓ સાથે વિશ્વના સૌથી શક્તિશાળી સામ્રાજ્યને લલકારનાર આ અદ્ભુત માનવી વિશે જેઓ જાણતા હતા તેવા હજારો લોકો પાસેથી ઊંડો આદર મેળવીને તેઓ મૃત્યુ પામ્યા. રામચંદ્ર શ્રીપતિ લાડ સુપ્રસિદ્ધ નાના પાટીલની આગેવાની હેઠળની ભૂગર્ભ કામચલાઉ સરકાર 'પ્રતિ સરકાર'નો મહત્વનો ભાગ હતા, આ પ્રતિ સરકારે 1943માં સતારા બ્રિટિશ સામ્રાજ્યથી અલગ થયાની જાહેરાત કરી હતી.
પરંતુ કેપ્ટન ભાઉ (ભૂગર્ભ પ્રવૃત્તિઓ કરવા માટે તેમણે સ્વીકારેલું ઉપનામ) અને તેમના યોદ્ધાઓ એટલેથી અટક્યા નહોતા. ત્રણ વર્ષ સુધી, 1946 સુધી, તેઓએ અંગ્રેજોને પડકાર્યા હતા અને એ પ્રતિ સરકારે લગભગ 600 ગામડાઓ પર સત્તા જમાવી હતી અને ત્યાંથી જ તેઓ તેમની સમાંતર સરકાર ચલાવતા હતા. એક અર્થમાં જોઈએ તો 5 મી ફેબ્રુઆરીના રોજ તેમનું મૃત્યુ એ એક એવી સરકારનો અંત દર્શાવે છે જેણે રાજને લલકાર્યું હતું.
કેપ્ટન 'ભાઉ' (મોટા ભાઈ) એ પ્રતિ સરકારના ભૂગર્ભ સશસ્ત્ર દળ - 'તુફાન સેના' અથવા વંટોળ સેનાની પ્રહાર પાંખનું નેતૃત્વ કર્યું હતું. તેમના અંગત નાયક જી.ડી. બાપુ લાડ સાથે મળીને તેમણે 7 મી જૂન 1943 ના રોજ મહારાષ્ટ્રના શેણોલીમાં બ્રિટિશ રાજના અધિકારીઓના પગાર લઈ જતી પુણે-મિરાજ સ્પેશિયલ ગુડ્સ ટ્રેન (ખાસ માલગાડી) પરના હુમલાનું નેતૃત્વ કર્યું હતું. એ ટ્રેનમાંથી તેમણે લૂંટેલા પૈસા અછત અને દુષ્કાળના એ વર્ષમાં મુખ્યત્વે ભૂખ્યા ખેડૂતો અને શ્રમિકોને મદદ કરવા માટે ખર્ચવામાં આવ્યા હતા.
દાયકાઓ પછી જ્યારે તેમને અને પ્રતિ સરકારને કોઈ જાણતું ય નહોતું કે કોઈ યાદ પણ કરતું નહોતું ત્યારે પારી (PARI) એ કેપ્ટન ભાઉ ને ફરીથી શોધી કાઢ્યા અને તેમની વાર્તા અમને કહેવા જણાવ્યું. તે વખતની વાતચીત દરમિયાન તેમણે સ્વતંત્રતા અને આઝાદી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો. ભારત સ્વતંત્ર છે. પરંતુ તેમણે કહ્યું કે આઝાદી હજી પણ માત્ર થોડા લોકોનો જ ઈજારો છે. અને "આજે તો જે માણસ પાસે પૈસા છે તેનું રાજ ચાલે છે... સસલું ઝાલ્યું છે એ જ શિકારી છે - આપણી આઝાદીના આ હાલ છે."
નવેમ્બર 2018 માં 100000 થી વધુ ખેડૂતો સંસદ તરફ કૂચ કરી ગયા ત્યારે તેમણે એ ખેડૂતોને પારીના ભરત પાટીલ મારફત એક વીડિયો સંદેશ મોકલ્યો હતો. 96 વર્ષની ઉંમરે એ વૃદ્ધ યોદ્ધાએ ખેડૂતોને કહ્યું હતું, " મારી તબિયત સારી હોત તો આજે હું તમારી સાથે કૂચ કરતો હોત."
જૂન 2021 માં મેં નક્કી કર્યું કે હું ફરી એક વાર તેમને મળી આવું અને ખાતરી કરી લઉં કે મહામારીમાંથી તેઓ ઉગરી ગયા છે. તેમના જન્મદિવસ પર મારા સહકર્મી મેધા કાળે સાથે હું તેમને શુભેચ્છા પાઠવવા ગયો હતો. પારી વતી અમે તેમને માટે જન્મદિવસની ભેટો લઈ ગયા હતા: એક સરસ નહેરુ જેકેટ (તેમને પહેલેથી જેકેટનો શોખ હતો), હાથ વડે કોતરણી કરેલી હાથ-લાકડી અને અમે લીધેલા તેમના ફોટાનું આલ્બમ. છેલ્લે 2018 માં હું તેમને મળ્યો ત્યારથી આજે તેઓ સાવ લેવાઈ ગયા હતા એ જોઈ મને આઘાત લાગ્યો. એ વૃદ્ધ યોદ્ધા અશક્ત હતા, સુસ્ત હતા, એકાદ શબ્દ ય માંડ બોલી શકતા હતા – પણ તેમને ભેટો ગમી હતી. તેમણે તરત જ જેકેટ પહેરી લીધું હતું – સાંગલીના સૂરજની કાળઝાળ ગરમીમાં પણ. અને એ હાથ-લાકડી પોતાના ઢીંચણ પર મૂકીને તેઓ એ ફોટો આલ્બમમાં ખૂંપી ગયા હતા.
અમને ત્યારે જ ખબર પડી કે તેમણે તેમના સાત દાયકાથી વધુ સમયના જીવનસાથી અણનમ કલ્પના લાડને એક વર્ષ અગાઉ ગુમાવ્યા હતા. અને એ ઘટનાથી આ વૃદ્ધ સજ્જન ભાંગી પડ્યા હતા, તેમના માટે આ ખોટ અસહ્ય હતી. અમે ત્યાંથી નીકળ્યા ત્યારે મને ખ્યાલ આવી ગયો હતો કે તેમનો પોતાનો અંત પણ હવે બહુ દૂર નહીં હોય.
દીપક લાડે મને એ જણાવવા ફોન કર્યો કે: "તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેમણે એ જ નેહરુ જેકેટ પહેર્યું હતું." કોતરણીવાળી એ હાથ-લાકડી પણ તેમની બાજુમાં જ હતી. દીપક કહે છે કે અધિકારીઓએ ભાઉ માટે સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કારનું વચન આપ્યું હતું, પરંતુ તે ક્યારેય સાકાર ન થયું. જોકે પોતાના કેપ્ટનની અંતિમ યાત્રા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.
પારીના અસ્તિત્વના 85 મહિનામાં અમે 44 રાષ્ટ્રીય અને વૈશ્વિક પુરસ્કારો જીત્યા છે. પરંતુ હું માનું છું કે કેપ્ટન ભાઉ ઉપર બનાવેલી ફિલ્મ તેમના પોતાના વતન કુંડલમાં બતાવવામાં આવી તે પછી તેમના તરફથી કરાયેલી અમારી પ્રશંસાથી વધીને અમારે મન મોટો પુરસ્કાર બીજો કોઈ નથી. 2017 માં તેમણે દીપક લાડ દ્વારા અમને આ સંદેશ મોકલ્યો હતો:
"પ્રતિ સરકારનો આખો ઈતિહાસ મરી પરવાર્યો હતો જ્યાં સુધી પી. સાંઈનાથ અને પારીએ તેને પુનર્જીવિત નહોતો કર્યો. આપણા ઈતિહાસનું એ મહાન પ્રકરણ સાવ ભૂંસાઈ ગયું હતું. અમે સ્વતંત્રતા અને આઝાદી માટે લડ્યા હતા, પછી વર્ષો વીતતા ગયા, અને અમારું યોગદાન ભૂલાઈ ગયું. અમને ક્યાંય પાછળ છોડી દેવાયા. સાંઈનાથ ગયા વર્ષે મારી વાર્તા માટે અમારે ઘેર આવ્યા. મારી સાથે તેઓ શેણોલીમાં બ્રિટિશ ટ્રેન પરના અમારા મહત્ત્વપૂર્ણ હુમલાના સ્થળ પર આવ્યા, (રેલવેના) પાટા પરની બરોબર એ જગ્યાએ જ્યાં અમે લડ્યા હતા.
“આ ફિલ્મ અને મારા અને મારા સાથી લડવૈયાઓ વિશેના લેખથી સાંઈનાથ અને પારીએ પ્રતિ સરકારની એ યાદોને અને પ્રતિ સરકારે કઈ રીતે લોકો માટે લડત આપી હતી એ હકીકતને જીવંત કરી છે. તેઓએ અમારું ગૌરવ અને સન્માન પુન:સ્થાપિત કર્યું છે. તેઓએ અમને આપણા સમાજની ચેતનામાં પુનઃસ્થાપિત કર્યા છે. આ અમારી સાચી વાર્તા હતી."
“એ ફિલ્મ જોઈને હું ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. અગાઉ મારા પોતાના ગામના મોટાભાગના યુવાનો હું કોણ છું અથવા મારી ભૂમિકા શું છે તે અંગે કંઈ જ જાણતા ન હતા. પરંતુ આજે પારી પર આ ફિલ્મ અને લેખ આવ્યા પછી યુવા પેઢી પણ મને નવા આદરથી જુએ છે અને હવે તેઓ જાણે છે કે મેં અને મારા સાથીઓએ ભારતને મુક્ત રાષ્ટ્ર બનાવવામાં ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ અને લેખ દ્વારા મારા જીવનના છેલ્લા અને અંતિમ વર્ષોમાં અમારું સન્માન પુનઃસ્થાપિત થયું છે."
તેમના અવસાન સાથે ભારતે તેના અત્યાર સુધીના સૌથી મહાન સ્વાતંત્ર્ય સૈનિકોમાંના એકને ગુમાવ્યા છે - આ મહાન સ્વાતંત્ર્ય સૈનિકો દેશની સ્વતંત્રતા માટે વ્યક્તિગત લાભનો વિચાર કર્યા વિના લડ્યા હતા, અને (એ લડતમાં) તેઓ જે જોખમો ઉઠાવી રહ્યા હતા તેના વિશે તેઓ સંપૂર્ણ સભાન હતા
2017 માં એ પ્રથમ મુલાકાતના એક વર્ષથી વધુ સમય બાદ ભરત પાટીલે મને કુંડલમાં ખેડૂત આંદોલનમાં કૂચ કરી રહેલા એ વૃદ્ધ માણસ (કેપ્ટન ભાઉ) નો ફોટો મોકલ્યો. જયારે હું બીજી વખત કેપ્ટન ભાઉને મળ્યો ત્યારે મેં તેમને પૂછ્યું કે તે વખતે બહાર ભરતડકામાં તેઓ શું કરી રહ્યા હતા? હવે તેઓ શેને માટે લડી રહ્યા હતા? સ્વાતંત્ર્ય સંગ્રામની યાદો તાજી કરતાં તેમણે કહ્યું હતું:
“તે વખતે પણ હું ખેડૂતો અને કામદારો માટે લડી રહ્યો હતો, સાંઈનાથ. અને આજે પણ ખેડૂતો અને કામદારો માટે જ લડું છું."
આ પણ વાંચોઃ “કેપ્ટન મોટા ભાઇ” અને વીજળીવેગી આક્રમક સેના અને પ્રતિ સરકારનો આખરી જયજયકાર
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક