એ ડિકન્સની કોઈ નવલકથામાંથી નીકળી આવેલા કિરદાર જેવા લાગે છે. 71 વર્ષના એસ કંડસામી તરછોડાયેલા ઘરોની હાર વચ્ચે પોતાના ઓટલા પર બેસી એક સૂના ગામમાં, જ્યાં એ જન્મ્યા ને ઉછર્યા, એમના જીવનની પાનખર વિતાવે છે. એમની આ સાંજનું મિનાક્ષીપુરમમાં કોઈ સહભાગી નથી. જે છેલ્લા પચાસ કુટુંબો હતા -- વિક્રોક્તિ તો જુઓ, એમનું પોતાનું કુટુંબ સુદ્ધાં-- પાંચ વરસ થાયે ગામ છોડી ચાલ્યા ગયા છે.
આ ગામમાં એમનું એકલવાયું જીવન પ્રેમ,વિયોગ, આશા, અને નિરાશાની એક વાર્તા કહે છે. પાંગળી કરી નાખે એવી પાણીની તંગીને પહોંચી ના વળતા મીનાક્ષીપુરમના બીજા બધા લોકો ગામ છોડી ચાલ્યા ગયા. પણ કંડસામી અડગ હતા, "મારી પત્ની વીરલક્ષ્મી એ જે ઓરડામાં એના છેલ્લા શ્વાસો લીધા એ જ ઓરડામાં મારે મારી જિંદગીના છેલ્લા વર્ષો ગાળવા છે." એમના સગાવહાલાઓ કે મિત્રો પણ એમને ચલિત ના કરી શક્યા.
"મારા પોતાના કુટુંબ પહેલા બાકીના બધા ચાલ્યા ગયા," એમને કહ્યુ. પાંચ વરસ પહેલા જયારે એમનો બીજો છોકરો પણ લગ્ન કરી ને જતો રહ્યો ત્યાર પછી કંડસામી તમિળનાડુના તૂતકૂડીના શ્રીવૈકુંઠમ તાલુકાના આ ગામના એકમાત્ર રહેવાસી રહી ગયા. પાણીથી ત્રસ્ત જિલ્લાઓમાં મીનાક્ષીપુરમ સૌથી વધારે અસરગ્રસ્ત હતું.
"મને નથી લાગતું બધા કુંટુંબો બહુ દૂર ગયા હોય. લગભગ દસેક તો શેકકરકફૂડી ગામમાં જઈ વસ્યા છે." માંડ ત્રણ કિલોમીટર દૂર એ ગામમાં પણ પાણીની તંગી છે, કદાચ એમના ગામમાં હતી એથી ઓછી. એ ગામની પરિસ્થિતિ થોડી વધારે સારી છે ને એ થોડું વધારે જીવંત પણ છે. પ્રવૃતિઓથી એ ગામ એટલું જ ધમધમતું છે જેટલું મીનાક્ષીપુરમ શાંત છે. કોઈને પણ પૂછો આ તરછોડાયેલા ગામે જવાનો રસ્તો તો એ માણસ મૂંઝાઈ જવાનો. એક ચાની કીટલી વાળો ખાસ્સો અવાક થઇ ગયેલો; કહે કે, "તમારે ત્યાં મંદિરે જવું છે? બીજું તો ત્યાં કશુંય નથી."
તૂટફૂડી ગામના પર્યાવરણના કાર્યકર્તા પી પ્રભુના કહેવા મુજબ, "તૂટફૂડીનો સરેરાશ વરસાદ (708 મીમી )એ આખા રાજ્યના સરેરાશ વરસાદથી (904 મીમી) હંમેશ ઓછો રહ્યો છે, પણ જિલ્લાના લોક એમની પાણીની જરૂરિયાત માટે તામ્રપર્ણી નદીના ભરોસે રહેતા. પરંતુ છેલ્લા કેટલાય વરસથી પાણીને ઔદ્યોગિક એકમો તરફ વાળી દેવાય છે. હું એવું નહીં કહું કે હવે એ સાવ બંધ થઇ ગયું છે, પણ એના પર થોડો કાપ મૂકાયો છે અને એનાથી લોકોને લાભ થયો છે. ગ્રામીણ વિસ્તારો તો હજુય તરસ્યા છે અને ભૂગર્ભજળ બધું પ્રદૂષિત છે."
2011 ની વસ્તીગણતરી પ્રમાણે ગામમાં 1,135 લોકો હતા. કેટલાય હિજરત કરી ગયા પછીય, "છ વર્ષ પહેલાંય લગભગ 50 કુટુંબો હતા" કંડસામીએ કહ્યું. એક જમાનામાં એમની પાસે પાંચ એકર જમીન હતી જેમાં એ જુવાર બાજરી ને કપાસ ઉગાડતા. એમના ખેત ઉપજાઉ હતા પણ વર્ષો પહેલા વેચી કાઢ્યા: "એ જમીનને કારણે જ હું મારા છોકારોને ભણાવી, પરણાવી શક્યો." એમના બધા છોકારાં -- બે છોકરા ને બે છોકરીઓ-- તૂતકૂડીના બીજા, સારી સ્થિતિવાળા ગામોમાં રહે છે.
"મારી પાસે કોઈ પૈસા માંગતું નથી. જમીન જયારે મારી હતી ત્યારે એણે મને જે કંઈ આપ્યું એને કારણે હું મરીશ ત્યારે કોઈ દોષભાવ વિના" કંડાસામી ઉમેરે છે. "જો ખેતીમાં ઉપજ હોત તો મેં મારી જમીન ના વેચી હોત. પણ ધીરે ધીરે એ બધું બગડતું ગયું. પાણી ખૂટી ગયાં. લોકો પાસે જીવવું હોય તો સ્થળાંતર કરવા સિવાય કોઈ ઉપાય ના બચ્યો."
61 વર્ષના એક દાયકાથી ય પહેલા ઘર છોડીને જવાવાળા પહેલવહેલા રહેવાસી પેરૂમલ સામી કહે છે, "પાણીનો મોટો પ્રશ્ન હતો." તામિલનાડુની સત્તાધારી પાર્ટી AIADMKના મીનાક્ષીપુરમથી પદાધિકારી રહી ચૂકેલા પેરુમલ સામી હવે આશરે 40 કિમી દૂરના તૂતકૂડી શહેરમાં રહી એમનો નાનો ધંધો ચલાવે છે. એમના ગામમાં હતા ત્યાર કરતાં એમની આજની પરિસ્થિતિ વધુ સારી છે. "ત્યાં ખેતરમાંથી કઈ મળતર જ નોહ્તું. જેમતેમ બે પૈસા કમાઈએ એમાં હું મારા કુટુંબની સારસંભાળ કેમની કરું?" એમનું ઘર પણ અવાવરું પડ્યું છે. ગામની વાત કરતા એ કહે છે કે "હવે મારા માટે એનું કંઈ મહત્વ નથી, ખરેખર."
ઘણા જૂના રહીશોને હજુય ગામથી લગાવ છે. ગામમાં બે મંદિર છે જે ગામ છોડી ગયેલા લોકોને ગામ સાથેની જોડતી એક માત્ર કડી છે. મીનાક્ષીપુરમ જવાના રસ્તામાં વૈષ્ણવ મંદિરનું એક પાટિયું આવે છે -- કાર્ય સિદ્ધિ શ્રીનિવાસ પેરૂમલ કોઇલ. આમ જુઓ તો એનો અર્થ થાય છે શ્રીનિવાસ પેરૂમલ મંદિર જે શરુ કરેલા કાર્યમાં સિદ્ધિ કે સફળતા આપાવે છે. જોકે કંડાસામીની પોતાની પ્રાર્થનાઓ કોઈના કાને પડતી નથી. એ એક આશાનું તરણું પકડીને બેઠા છે કે જે લોકો છોડી ગયા છે તે પાછા આવશે. જો એ લોકો હંમેશને માટે પાછા ફરે તો એ ચમત્કાર હશે. હજુ સુધીતો ભગવાને કૃપા કરી નથી.
પરંતુ એમના કુટુંબ દ્વારા સાંભાળવામાં આવતા ગામના શિવ મંદિર પરાશક્તિ મરીયામ્મન કોઇલના ઉત્સવમાં ભાગ લેવા લોકો ઘણી વાર પાછા આવે છે. આ મહિનામાં જ થોડા દિવસો પહેલા 65 લોકો એ મંદિરના વાર્ષિકોત્સવઃ માં હાજરી આપવા મીનાક્ષીપુરમ આવેલા. "અમે એ બંને માટે અહીંયા રસોઈ બનાવી. બધાને માટે," કહેતા કંડસામીએ હવે સૂના રસોડા તરફ આંગળી ચીંધી. "એ દિવસ બહુ ધમાલ રહી. બાકી હું બે ત્રણ દિવસે એક વાર રાંધુ અને પછી ગરમ કરીને ખાઉં."
તો એમનો ગુજારો કેમનો ચાલે છે? એમની પાસે હવે કોઈ જમીન નથી, એમના ઘર સિવાય બીજી મિલકત નથી, નથી બેન્કમાં મૂડી અને નથી હાથમાં ઝાઝા પૈસા. 1,000 રૂપિયાનું પેન્શન પણ નથી. તમિળનાડુ નિરાશ્રિત વૃદ્ધાવસ્થા પેન્શન યોજના હેઠળ એ પેન્શનના અધિકારી નથી-- કારણ એમના બે દીકરા તૂતકૂડીમાં ડ્રાઈવરનું કામ કરી કમાય છે. (અરજદાર તો પણ ના અસ્વીકૃત થાય જો એની પાસે પોતાની રૂપિયા 5000 કે વધુની કે ઝૂંપડી કે ઘર હોય).
એમનો કોઈ નિયમિત મુલાકાતી હોય તો એ એમનો નાનો દીકરો બાલક્રિશ્નન; જે એમને દર મહિને 1500 જેવા રૂપિયા આપે છે. આમાંથી એમના કહેવા પ્રમાણે, "રોજના 30 રૂપિયા બીડી પાછળ જાય ને બાકીના હું કરિયાણામાં વાપરું." અને થોડાકમાંથી એ એમના સ્કૂટરમાં વચ્ચે વચ્ચે પેટ્રોલ પૂરાવે. એ સ્કૂટર એમને ગામ છોડીને ગયેલા એમના એક મિત્રે ભેટ આપેલ. કંડસામી કહે છે, "મારે કોઈ મોટા ખર્ચ નથી." એ સ્કૂટર પર એમની થોડીઘણી ખરીદી કરવા દર બે ત્રણ દિવસે શેકકરકફૂડી જાય છે. જેટલી વાર એ ત્યાં જાય એટલી વાર એ બે ત્રણ કલાક એ ગામમાં ગાળીને આવે છે.
અહીંયા ઘરે સરકારે એમને આપેલું ટીવી એમને સાથ આપે છે. અને એમના ઘરના બીજા બે શાહી સભ્યો-- રાજા ને રાની-- એમની એકલતાના વ્યાપ પર અંકુશ રાખે છે. "આ શેરીના કૂતરાં આવ્યે થોડા વરસ થયા. એમને કોઈક રીતે ખબર છે કે હું અહીં એકલો છું. હું એમને રાજા ને રાની કહી બોલવું છું. એમને માટે ખાવાનું પણ બનાવું છું. કોઈ બીજા માટે ખાવાનું બનાવવું બહુ સારું લાગે છે." એ હસે છે.
એક જમાનાના ફળદ્રુપ મીનાક્ષીપુરમની અને એમના પોતાના ખેતરોની સ્મૃતિઓ એમના મનમાં હજુ હેમખેમ છે. "એ જમાનામાં ચોખા મુખ્ય ખોરાક નહોતો. અમે બાજરી ખાતા." એ યાદ કરે છે. લોકો અડદની દાળ પણ ઉગાડતા. પણ આજે આ ગામમાં માત્ર ખાલી ખેતરો ને તરછોડાયેલા ઘરો છે.
કંડાસામીના ઘરમાં જીવનની નિશાનીઓ બહુ ઓછી છે, સિવાય એમનું સ્કૂટર, સ્લીપર્સ, અને આમતેમ પડેલા કપડાં. જીર્ણ દીવાલ ઉપર કુટુંબના કોઈ ફોટા નથી. એ બધા, એમની મૃત પત્ની સુધ્ધાંના ફોટા એમના દીકરા બાલક્રિશ્નન પાસે સાચવવા રાખ્યા છે. બે કેલેન્ડર છે, એકમાં સ્વર્ગસ્થ મુખ્યમંત્રી જયલલિતાનો ફોટો છે. જોકે એ વાત એમની નથી કરતા, પણ સ્વર્ગસ્થ એમ જી રામચન્દ્રનની કરે છે. "હું કાયમ એમનો ભક્ત રહેવાનો," એ કહે છે. કોઈપણ રાજકીય પક્ષના ચૂંટણી પ્રચારકો મીનાક્ષીપુરમ આ એકમાત્ર મતદાતાને વિનવવા આવ્યા નથી; પરંતુ એને લીધે કંડસામી મત આપીને એમની એમજીઆર પ્રત્યેની વફાદારી બતાવવામાંથી પાછા પડ્યા નથી.
દર અઠવાડિયે એ પરાશક્તિ મંદિર માં પૂજા કરે છે એમ માનીને કે એક દિવસ આ ગામ એના સ્વર્ણકાળ તરફ પાછું જશે. છેવટે, હવે પરિસ્થિતિ સુધરી છે. કંડસામીના પોતાના ઘરમાં એમના માટે પૂરતું પાણી છે. "ગયે વર્ષે ટીવીવાળાએ મારો ઇન્ટરવ્યૂ લીધો પછી કર્મચારીઓનું એક આખું ધાડું મારે ઘેર આવેલું. એમણે મને તાબડતોડ પાણીનું કનેક્શન અપાવેલું અને એ પછી કોઈ તકલીફ નથી." પણ શક્ય છે કે એમની પાસે વધારે પાણી હોય કારણ ગામમાં બીજું કોઈ રહુયું જ નથી.
તૂતકૂડીના જિલ્લા કલેક્ટર સંદીપ નંદુરાઈ કહે છે કે એમનું વ્યવસ્થાતંત્ર મીનાક્ષીપુરમ પાછા ફરવા માંગતા લોકોને માટે મદદ કરવા તૈયાર છે. "પાણીની હવે કોઈ સમસ્યા નથી. હોય તો પણ અમે નિયમિત પુરવઠો પહોંચાડવા તૈયાર છીએ. હું માત્ર એવું અનુમાન કરી શકું કે જે કોઈ પણ ગામ છોડીને ગયા છે કે સારી રોજીરોટીની શોધમાં ગયા છે ને કોઈ સારી જગ્યાએ સ્થાયી થયા છે. સ્વાભાવિક છે કે એ સૌને હવે પાછા ના ફરવું હોય." દરમ્યાનમાં ઘરના ઓટલે કંડસામી કલાકો ના કલાકો એ સૂના રસ્તા ને નિર્જન ખેતરોને જોતા બેસી રહે છે, કોઈ ચમત્કારની આશામાં.
અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા