રાતના 2 વાગ્યા હતા, ચારે તરફ ઘોર અંધારું હતું. અને અમે તમિલનાડુમાં રામનાથપુરમ (ઘણી વખત બોલચાલમાં રામનાદ તરીકે ઓળખાતા) જિલ્લાના દરિયાકિનારે ‘મિકેનાઇઝ્ડ બોટ’ ના બિરુદ સાથે ગર્વથી દરિયો ખેડતા જહાજ પર સવાર હતા.
'મિકેનાઈઝ્ડ બોટ' મૂળભૂત રીતે જર્જરિત, કંઈક અંશે પ્રાચીન જહાજ હતું જેમાં લેલેન્ડ બસ એન્જિન લગાવવામાં આવ્યું હતું (જે 1964માં પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું, પરંતુ માછીમારી માટે ઉપયોગમાં લેવા માટે તેમાં કેટલાક ફેરફારો કરાયા હતા - અને 1993માં જ્યારે મેં આ સફર કરી ત્યારે હજી પણ ઉપયોગમાં હતું). મારી સાથેના તમામ માછીમારો સ્થાનિકો હતા. તેઓ જાણતા હતા કે અમે બરાબર ક્યાં છીએ પરંતુ હું તો પૂરી મૂંઝવણમાં હતો. હું માત્ર એટલું કહી શકું કે અમે બંગાળની ખાડીમાં ક્યાંક-એક જગ્યાએ હતા.
અમે લગભગ 16 કલાકથી દરિયામાં જ હતા અને વચ્ચે વચ્ચે તોફાની દરિયાનો અનુભવ પણ કરી ચૂક્યા હતા. પરંતુ તેમ છતાં પાંચે ય માછીમારોના ચહેરા પરનું સ્મિત જરાય ઓછું થયું નહોતું, તે બધાની અટક ‘ફર્નાન્ડો’ છે – અહીંના માછીમાર સમુદાયમાં આ અટક ખૂબ જ સામાન્ય છે.
એક ફર્નાન્ડોએ પકડેલી લાકડીના છેડે કાપડનું ચીંથરું કેરોસીનમાં ડૂબાડીને સળગાવેલું હતું. 'મિકેનાઇઝ્ડ બોટ' માં આ સિવાય પ્રકાશનો કોઈ સ્ત્રોત નહોતો/લાઈટની બીજી કોઈ વ્યવસ્થા નહોતી. હું ચિંતિત હતો. આ અંધકારમાં હું ફોટોગ્રાફ્સ શી રીતે લઈશ?
માછલીઓએ મારી સમસ્યા હલ કરી દીધી.
ફોસ્ફોરેસન્સથી (ને મને બરોબર ખબર નથી બીજું પણ કંઈ હોય તો) ચમકતી માછલીઓ જાળીઓમાં પકડાઈ અને માછીમારની બોટના જે ભાગમાં તેમને રાખવામાં આવી હતી તે ખૂણો અજવાળી દીધો. કેમેરાની ફ્લેશ સીધી માછલીઓ પર ન પડે તે રીતની ફ્લેશની ચોક્કસ પ્રકારની ગોઠવણે બાકીનું કામ પૂરું કર્યું. હું ફ્લેશનો ઉપયોગ કર્યા વિના પણ થોડા ફોટા લઈ શક્યો (અમસ્તું પણ મને ફ્લેશ(નો ઉપયોગ કરવાનું) બહુ પસંદ નથી).
એકાદ કલાક પછી મને જિંદગીમાં ક્યારેય ખાધી નહોતી એટલી તાજી માછલી પીરસવામાં આવી. પતરાનો જૂનો મોટો તળિયે કાણાં પાડેલો એક પોલો ડબ્બો ઊંધો કરીને તેની ઉપર આ માછલી રાંધવામાં આવી હતી. ડબ્બાની નીચે અને અંદર તેઓએ કોઈક રીતે આગ પ્રગટાવી હતી. 1993માં રામનાદના દરિયા કિનારે મેં કરેલી આવી ત્રણ સફરમાંની આ એક હતી, અમે બે દિવસ માટે દરિયામાં બહાર હતા. દરેક સફર વખતે મેં જોયું કે માછીમારો આદિમ સાધનો સાથે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ અસાધારણ કાર્યક્ષમતા સાથે અને સૌથી અગત્યનું તો હંમેશ ખુશખુશાલ રહીને કામ કરતા હતા.
દરિયાઈ સુરક્ષા રક્ષકો દ્વારા અમને બે વાર રોકવામાં આવ્યા, બધાની તપાસ કરવામાં આવી - આ એલટીટીઇનો યુગ હતો અને શ્રીલંકા માત્ર થોડા કિલોમીટર દૂર હતું. દરિયાઈ સુરક્ષા રક્ષકે મહાપરાણે મારી ઓળખનો પુરાવો સ્વીકાર્યો. મારી પાસે માત્ર રામનાદના કલેક્ટરનો એક પત્ર હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમને ખાતરી છે કે હું એક માન્ય પત્રકાર છું. આ પત્ર સિવાય મારી પાસે એક પ્રમાણિક પત્રકાર હોવાનો બીજો કોઈ પુરાવો નહોતો.
આ દરિયાકાંઠાના મોટાભાગના માછીમારો દેવામાં ડૂબેલા છે અને ખૂબ ઓછા મહેનતાણા સાટે કામ કરે છે. આ મહેનતાણું કેટલીક રોકડ અને કેટલીક માછલીઓના રૂપમાં મળતું હોય છે. હું જેઓને મળ્યો તેમાંથી સૌથી વધુ શિક્ષિત 6 ઠ્ઠા ધોરણ સુધી ભણેલ હતા. તેઓ જે ઘણા મોટા જોખમો ઉઠાવે છે તેના પ્રમાણમાં તેમને મળતું મહેનતાણું નજીવું છે, જો કે તેઓ (ઉદાહરણ તરીકે) જે પ્રોન (ઝીંગા જેવું કવચવાળું દરિયાઈ પ્રાણી) પકડે છે તેની જાપાનમાં ઘણી કિંમત છે. વિચિત્રતા એ છે કે આ પ્રકારની 'મિકેનાઇઝ્ડ' કલામાં રોકાયેલા પુરુષો અને પરંપરાગત બિન-મિકેનાઇઝ્ડ માછીમારી જહાજો અથવા દેશી હોડીઓ ચલાવતા પુરુષો, જેમની સાથે તેમને અવારનવાર ઝઘડો થાય છે તેમની વચ્ચે ઝાઝો વર્ગભેદ નથી. બધા સામાન્ય રીતે સમાન સામાજિક-આર્થિક સ્તરે હોય છે.
બંને ગરીબ છે અને થોડાક લોકો પાસે જ બોટ છે. હકીકતમાં 'મિકેનાઇઝ્ડ' કલામાં રોકાયેલામાંથી લગભગ કોઈની જ પાસે બોટ નથી. અમે વહેલી સવારે દરિયામાંથી વધુ માછલીઓ પકડી - અને પછી કિનારા તરફ પાછા વળ્યા. ફર્નાન્ડોના ચહેરા પર સ્મિત હતું. તેમના અસ્તિત્વના અર્થશાસ્ત્રને સમજવાનો પ્રયાસ કરતી વખતે મારો મૂંઝાયેલો ચહેરો જોઈને આ વખતે તેઓ કદાચ વધારે હસતા હતા.
એ (અમારા અસ્તિત્વનું અર્થશાસ્ત્ર) સરળ છે, તેમાંના એકે કહ્યું: "કોઈ બીજાને કરોડપતિ બનાવવા માટે અમે સંઘર્ષ કરીએ છીએ.
આ લેખનું ટૂંકું સંસ્કરણ 19 મી જાન્યુઆરી, 1996ના રોજ ધ હિંદુ બિઝનેસલાઈનમાં પ્રકાશિત થયું હતું.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક