આ વિડિયોમાં સંતો તાંતી ગાય છે, "આસામ આપણી આસપાસ ચોપાસમાં છે." 25 વર્ષના આ યુવાને આ ઝુમુર શૈલીના સંગીતમાં આ ગીતના શબ્દો સ્વરબદ્ધ કર્યા છે. આ ગીતમાં આસામની ટેકરીઓ અને પહાડોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને સંતો પોતાનું ઘર કહે છે. તાંતી આસામના જોરહાટ જિલ્લામાં સિકોટ્ટાના ચાના બગીચાના ઠેકિયાજુલી વિભાગમાં રહે છે અને સાયકલ રિપેર કરવાની દુકાનમાં કામ કરે છે; તેઓ તેમનું સંગીત નિયમિતપણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.
ઝુમુર એક લોકપ્રિય સ્થાનિક સંગીત શૈલી છે અને તાંતી એ ગીતમાં ઢોલની થાપ અને વાંસળીની ધૂનનો ઉલ્લેખ કરે છે. આ ગીતો સદરી ભાષામાં ગવાય છે અને વિવિધ આદિવાસી જૂથો દ્વારા રજૂ કરવામાં આવે છે, આ આદિવાસીઓ આસામના ચાના બગીચાઓમાં કામ કરવા માટે મધ્ય, દક્ષિણ અને પૂર્વ ભારતમાંથી - બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાથી - સ્થળાંતર કરીને અહીં આવેલા છે.
વખત જતાં આ આદિવાસી જૂથો એકબીજા સાથે અને સ્થાનિક સમુદાયો સાથે ભળી ગયા. સામૂહિક રીતે તેમનો ઉલ્લેખ 'ટી ટ્રાઈબ્સ' તરીકે કરવામાં આવે છે, આજે આસામમાં તેમની કુલ સંખ્યા અંદાજે સાઈઠ લાખ છે. તેમના મૂળ રાજ્યમાં તેમને અનુસૂચિત જનજાતિ તરીકે માન્યતા અપાઈ હોવા છતાં, અહીં તેમને તે દરજ્જો નકારવામાં આવ્યો છે. તેમાંથી લગભગ 12 લાખ આદિવાસીઓ રાજ્યના 1000 જેટલા ચાના બગીચાઓમાં કામ કરે છે.
આ વીડિયોમાંના નર્તકો: સુનિતા કર્માકર, ગીતા કર્માકર, રૂપાલી તાંતી, લાખી કર્માકર, નિકિતા તાંતી, પ્રતિમા તાંતી અને અરોતિ નાયક - ચાના બગીચાના કામદારો છે.
સંતો તાંતીના બીજા વીડિયો જોવા અને તેમના જીવન વિશે વાંચવા માટે સપ્ટેમ્બર, 2021માં પારી (PARI) પર પ્રકાશિત થયેલ Santo Tanti’s songs of sadness, work and hope જુઓ.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક