આ લેખ પારીની ક્લાઈમેટ ચેન્જ (વાતાવરણના ફેરફારો) ને લગતા લેખોની શૃંખલામાંથી, જેને ૨૦૧૯ની એનવાયરનમેન્ટ રિપોર્ટિંગ ની શ્રેણીમાં રામનાથ  ગોયેન્કા એવોર્ડ ૨૦૧૯ એનાયત થયો છે.

કડલ ઓસાઈ રેડિયો સ્ટેશન પર એ યશવંત બોલી રહ્યા છે,  "11 વાગીને 40 મિનિટ થઇ છે, હવે તમે સાંભળશો  પવનની ગતિ વિષે. છેલ્લા એક અઠવાડિયાથી કે એક મહિનાથી "કચ્ચન કાઠું" (દક્ષિણી પવનો)એ ઘણું જોર પકડ્યું છે. તે એક કલાકના 40 થી 60 કિલોમીટર જેટલી ભારે ગતિમાં વહી રહ્યા છે.  આજે જાણે માછીમારોને મદદ કરવાના હોય એમ કલાકના 15 કિલોમીટરની ગતિએ ચાલી રહ્યા છે."

તામિલનાડુના રામનાથપુરમ જિલ્લાના પમ્બન દ્વીપના માછીમારો માટે આ ખૂબ સારા સમાચાર છે. "એનો અર્થ છે કે એ  લોકો હવે કોઈ ભય વગર દરિયામાં જઈ શકશે," યશવંત પોતે માછીમાર છે અને અમને સમજાવે છે. એ આ વિસ્તારના સમુદાયો માટેના પાસેના રેડિયો સ્ટેશન - કડલ ઓસાઈ (દરિયાનો અવાજ) નો રેડિયોજોકી પણ છે.

રક્તદાન અંગેના કાર્યક્રમના ખાસ પ્રસારણની પહેલા યશવંત હવામાનના વર્તારા રેલાવતા અંતમાં કહે છે, "તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ છે. પાણી ખૂબ પીજો અને તડકાથી દૂર રહેજો."

આવી સાવચેતી જરૂરી છે, કારણ પંબનમાં હવે 1996માં, જયારે યશવંતનો જન્મ થયેલો ત્યારે જોવા મળતા એના કરતા કંઈક વધારે ગરમીના દિવસો જોવા મળે છે.  એ સમયે ટાપુ પર વર્ષના 162 દિવસ તાપમાનનો પારો 32 સેન્ટીગ્રેડ કે એથી ઉપર જતો. એમના પિતાજી એન્થની સામી વાસનો હજુય પૂરા સમયના માછીમાર તરીકે કામ કરે છે. એમનો જન્મ 1973માં થયેલો, તે સમયે આવા દિવસો વર્ષમાં 125 થી વધુ જોવા ના મળતા. આજની તારીખે ન્યૂ યોર્ક ટાઇમ્સની વેબસાઈટ પર જુલાઈમાં મૂકવામાં આવેલા વાતવરણ અને વૈશ્વિક ઉષ્ણતા માપવાના દ્વીમાર્ગીય સાધન મુજબ એક વર્ષમાં આવા ગરમીના દિવસો ઓછામાં ઓછા 180 જેટલા હોય છે.

એટલે યશવંત અને એના મિત્રો માત્ર હવામાન જ નહિ પણ વાતાવરણના ઘણા મોટા પ્રશ્નો પણ સમજવાનો પ્રયત્ન કરે છે. એમના પિતા અને  દ્વીપના સૌથી મોટા બે શહેર પંબન અને રામેશ્વરમના એમના સાથી માછીમારો, લગભગ 83,000ની વસ્તી, બદલાતા વાતાવરણની સમજ માટે એમના તરફ વળે છે.

PHOTO • A. Yashwanth
PHOTO • Kadal Osai

આર જે યશવંત એમના પિતા અને એમની હોડી સાથે (જમણે): "અમે દરિયામાં પવન અને હવામાન બધાની ગણતરી કરીને જતા. પણ આજકાલ અમારી કોઈ ગણતરીઓ ખરી નથી ઉતરતી."

"હું દસ વરસનો હતો ત્યારથી માછીમારીનું કામ કરું છું," એવું એન્થની સામી કહે છે. "દરિયો તો ઘણો બદલાઈ ગયો છે (ત્યારે હતો એના પ્રમાણમાં). પહેલા અમે દરિયામાં પવન અને હવામાન બધાની ગણતરી કરીને જતા. પણ આજકાલ અમારી કોઈ ગણતરીઓ ખરી નથી ઉતરતી। બદલાવ એટલા બધા ભયંકર છે, કે આપણું મગજ કામ ના કરે. પહેલા કરતાં ગરમી ય ઘણી વધી છે.  પહેલા અમે દરિયામાં જતા ત્યારે આટલી ગરમી નોહતી. આજકાલ ગરમીનો પણ કેર ઘણો છે."

ઘણીવાર સામી જે દરિયાની વાત કરે છે તે માત્ર અશાંત જ નહીં જીવલેણ પણ થઇ જાય છે. જેવો 4થી જુલાઈએ થયેલો, જયારે યશવંત - જે એની અનુકૂળતાએ એના પિતાની સાથે દરિયામાં માછલી પકડવા જાય છે -- રાતના 9 વાગ્યા પછી તોફાની દરિયામાં ચાર માણસો રસ્તો ભૂલ્યાના ખબર લઇ આવેલો.  કડલ ઓસાઈ એ સમયે બંધ થઇ ગયેલું હતું -- એના પ્રસારણનો સમય સવારના 7 થી સાંજના 6 વાગ્યાનો છે-- પણ આર જે  (રેડીઓ જોકી) એ મુશ્કેલીમાં મુકાયેલા માછીમારો તરફ ધ્યાન દોરતાં પ્રસારણ સેવા શરુ કરી. "અમારે ત્યાં એક આર જે તો હંમેશા હોય જ, ઓફિસ બંધ થઇ જાય પછી પણ." એમ રેડિયો સ્ટેશનના ગાયત્રી ઉસ્માન કહે છે. અને બીજા બધા કર્મચારીઓ પાસે જ રહે છે. "એટલે અમે ક્યારેય પણ મુશ્કેલીમાં પ્રસારણ સેવા શરુ કરી શકીએ છીએ."  એ દિવસે કડલ ઓસાઈના કરાચારીઓએ અવિરત ત્વરાથી પોલીસને, કિનારાના સેવકોને, સામાન્ય માણસને અને બીજા માછીમારોને આગાહ કરવાનું કામ કર્યું.

થોડી ઊંઘ વગરની રાતો પછી માંડ બે માણસોને બચાવી શકાયા. "એ લોકો તૂટેલી વલ્લમ (હોડી) પકડીને રહેલા. બીજા બે જણે અડધે રસ્તે છોડી દીધી, એમના હાથ દુખવા લાગેલા," ગાયત્રી એ કહ્યું. એ લોકો છોડતા છોડતા એમના સાથીઓને કહી ગયા કે એમના કુટુંબના લોકોને એમનો પ્રેમ પહોંચાડે અને એમને સમજાવે કે એમનાથી આથી વધુ સમય પકડી રાખવું અશક્ય હતું. 10 જુલાઈએ એમના શરીર કિનારે ઘસડાઈ આવ્યાં.

54 વર્ષના સેસુરાજ કે એમને એમની હોડી પરથી મળેલાં તખલ્લુસ પ્રમાણે 'કેપ્ટ્ન રાજ' કહે છે કે "પહેલાં જેવો સમય નથી." વાત પર ભાર મૂકતાં એ કહે છે કે જયારે એ નવ વર્ષના હતા ને દરિયામાં જવાનું શરુ કરેલું ત્યારે "દરિયો વધારે હમદિલ હતો. અમને ખબર રહેતી કેવો માલ હાથ લાગશે, હવામાન કેવું હશે  અત્યારે તો બંનેની કંઈ ખબર નથી પડતી"

જુઓ વિડિઓ: અંબા ગીત "કેપ્ટ્ન રાજ"ના અવાજમાં

"હવે પહેલા જેવું નથી રહ્યું," એ કે સેસુરાજ કે 'કેપ્ટ્ન રાજ' બળાપો કાઢે છે. વાત પર ભાર મૂકતાં એ કહે છે કે "દરિયો વધારે હમદિલ હતો… અમને ખબર રહેતી કેવો માલ હાથ લાગશે, હવામાન કેવું હશે  અત્યારે તો બંનેની કંઈ ખબર નથી પડતી"

બધા બદલાવથી રાજ ઘણો મૂંઝાયેલો છે, પણ એની તમામ મૂંઝવણના જવાબો કડલ ઓસાઈ પાસે નથી, ને છે તો પૂરેપૂરા નથી.  નેસક્કરણગાલની એક બિનરાજકીય સંસ્થા દ્વારા15 ઓગસ્ટ 2016માં એની શરૂઆત થઇ ત્યારથી આ સ્ટેશન દરિયાના હવામાનમાં થતા ફેરફારો અને વાતાવરણમાં થઇ રહેલા બદલાવ વિશેના કાર્યક્રમો પ્રસારિત કરે છે.

ગાયત્રી કહે છે, "કડલ ઓસાઈ પરનો એક રોજનો કાર્યક્રમ છે સમુત્તિરમ પાળગુ (દરિયાને ઓળખો). એનો હેતુ છે દરિયાનું સરંક્ષણ.  અમે જાણીએ છીએ કે આ મોટા પ્રશ્નો લાંબા ગાળે સમુદાયના લોકોને અસર કરશે. સમુત્તિરામ પાળગુ એ વાતાવરણના બદલાવો વિશેના સંવાદને ચાલુ રાખવાનો અમારો પ્રયાસ છે. કઈ કઈ વસ્તુઓ દરિયાના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને એને કઈ રીતે દૂર કરી શકાય એ વિષે અમે વાત કરીએ છીએ (જેમકે, વિશાળકાય મોટી જાળવાળી હોડીઓ દ્વારા થતો માછલીઓનો મોટાપાયે શિકાર, કે ડીઝલ અને પેટ્રોલથી થતું દરિયાના પાણીનું પ્રદૂષણ). આમારા શ્રોતાઓ અમારા કાર્યક્રમ દરમ્યાન અમને કોલ કરે છે ને એમના અનુભવો વિષે વાત કરે છે.  ઘણીવાર તેઓ પોતાની ભૂલો વિષે પણ વાત કરે છે અને એ ફરી નહિ કરવાનું વચન આપે છે."

"જ્યારથી એની શરૂઆત થઇ ત્યારથી કડલ ઓસાઈની ટીમ અમારા સંપર્કમાં છે" એવું ક્રિસ્ટી લીમા, એસ. સ્વામીનાથન સંશોધન સંસ્થાનના સંચાર સંચાલક  કહે છે, જેઓ રેડિયો સ્ટેશનને સહાય કરે છે. "અમારા તજજ્ઞોને તેઓ એમના કાર્યક્રમમાં આમંત્રે છે. પરંતુ મે મહિનાથી અમે એમની સાથે વાતાવરણના ફેરફારો અંગે જાણકારી ફેલાવવાનું કામ પણ શરુ કર્યું છે. આવું કામ કડઈ ઓસાઈ દ્વારા કરવું વધુ સરળ છે કારણ એક સમુદાયના રેડિયો તરીકે તેઓ પંબનમાં ખૂબ જાણીતા છે."

સ્ટેશને મે અને જૂન મહિનામાંજ વાતાવરણ ફેરફારોને લગતા વિષયો ઉપર "કડલ ઉરુ અતિસયમ, અત્તાઈ કાપત્તુ નામ અવસિયમ" (દરિયો એક અજાયબી, ચાલો એનું રક્ષણ કરીએ) નામે ચાર કાર્યક્રમો પ્રસારિત કર્યા છે. એમએસએસઆરએફના તટવર્તી પ્રદેશ સંશોધન વિભાગના તજજ્ઞોએ આ કાર્યક્રમોમાં હાજરી આપી છે. "આવા કાર્યક્રમો બહુ મહત્વના છે કારણ જયારે આપણે વાતાવરણના બદલાવો વિષે વાત કરીએ છીએ ત્યારે આપણે મોટા ભાગે ઉચ્ચ કક્ષાના તજજ્ઞો પુરતી જ સીમિત રહે છે," એવું સેલ્વમ કહે છે. "જે લોકો આ બધા બદલાવોની અસર રોજબરોજની જિંદગીમાં અનુભવે છે એ સૌ સામાન્ય માણસના નીચલા સ્તરે પણ  આ ચર્ચા થવી જોઈએ."

PHOTO • Kavitha Muralidharan
PHOTO • Kadal Osai

ડાબેથી:  પંબનસ્ટ્રીટ પર ધમધમતા માછલીના બજાર તરફ પડતી કડલ ઓસાઈની ઓફિસ। જમણે: ડી રેડીમર, સ્ટેશનના 11 કર્મચારીઓ જે હજુ પણ દરિયામાં જાય છે તેમાંના એક.

મે 10ના એક કાર્યક્રમે પંબનના લોકોમાં આ ટાપુ પરના એક મહત્વના  ફેરફાર વિષે વધુ સમજણ ઉભી કરી છે. બે દશકા પહેલા લગભગ 100 કુટુંબો 2065 મીટરના રામેશ્વરમ શહેરને ભારતના મુખ્ય ભૂખડ સાથે જોડતા પંબનપુલ પાસે રહેતા. દરિયાની વધતી જતી સપાટીને કારણે એમને એ જગ્યા છોડી બીજે વસવાટ કરવાની ફરજ પડી.  કાર્યક્રમના આ ભાગમાં સેલ્વમ શ્રોતાઓને સમજાવે છે કે કેવી રીતે વાતાવરણ ફેરફારો આવી પરિસ્થિઓમાં વધારો કરે છે.

શું તજજ્ઞો, કે શું માછીમારો, કે શું સ્ટેશનના પત્રકારો, બધા જ ફેરફારોને લગતી સમસ્યાઓને  વધારે પડતી સરળ બનાવી દેવાનું કે પછી એકમાત્ર કારણ આપી એને સમજવાનું પ્રલોભન ટાળે છે. પરંતુ એ સૌ માનવીય હસ્તક્ષેપને કારણે આ પ્રકારની કટોકટીને જે ઇંધણ મળે છે એ તરફ આંગળી ચીંધવાનું ચુકતા નથી. કડલ ઓસાઈનું ધ્યેય સમુદાયને ઉત્તરની શોધમાં, એક દરિયાઈ શોધસફર પર મોકલવાનું છે.

સેલ્વમ સમજાવે છે કે, "પંબન એ દ્વીપની ઈકો-સિસ્ટમ છે અને તેથી જ વધારે સંવેદનશીલ છે.  પણ રેતની ટેકરીઓ આ દ્વીપને અમુક પ્રકારના વાતાવરણના ફેરફારોથી રક્ષણ આપે છે. ઉપરાંત, શ્રીલંકાનો દરિયાકિનારો આ ટાપુને ચક્રવાતોથી પણ ઘણે અંશે રક્ષણ આપે છે.

પરંતુ દરિયાની સમૃદ્ધિની થઇ રહેલી ક્ષતિ સાચી છે અને વાતાવરણીય અને બિન-વાતાવરણીય પરિબળો એ માટે જવાબદાર છે, તેઓ ઉમેરે છે. પકડાતી માછલીઓની ઘટતી સંખ્યાનું મોટું કારણ ઘણું ખરું મોટી જાળવાળી હોડીઓમાં થતો વધુ પડતો શિકાર છે. માછલીઓના ઝૂંડની હિલચાલ દરિયાની વધતી જતી ઉષ્ણતામાં વેરવિખેર થઇ જાય છે.

PHOTO • Kadal Osai
PHOTO • Kavitha Muralidharan

ડાબેથી: એમ સૅલસ એમના જેવી જ પંબન દ્વીપની માછીમાર સમુદાયની સ્ત્રીઓની મુલાકાત લઇ રહ્યા છે. જમણે: ગાયત્રી ઉસ્માન, રેડિયો સ્ટેશનના મુખ્ય અધિકારી જે  સમુદાયના આ મંચને એક નિશ્ચિત દિશા આપી રહ્યા છે.

કડલ ઓસાઈના આરજે, બી  મધુમિતા, જે પોતે પણ માછીમાર સમુદાયના છે, તેઓ 24 મેના એક કાર્યક્રમમાં સમજાવે છે, "ઓરલ, સીરા, વેળકંબન જેવી જાતો હવે લુપ્ત થઇ ગઈ છે. કેટલીક છે જેવી કે પાલ સુરા, કાલવેતિ, કોમ્બન સુરા જે હજુ મળે છે પણ ઘણી ઓછી સંખ્યામાં. નવાઈની વાત જુઓ કે 'માઠી' નામની માછલી જે એક સમયે કેરળમાં પુષ્કળ પ્રમાણમાં મળતી તે હવે આમારી બાજુ મોટી સંખ્યામાં મળે છે."

એક ઉંમરલાયક સ્ત્રી લીના (એમનું આખું નામ નથી મળી શક્યું) એ એ જ કાર્યક્રમમાં કહે છે, “બીજી એક જાત છે મંડાઇકાલુગૂ, જે હવે જોવા જ નથી મળતી પણ બે દશકા પહેલા ઢગલાબંધ મળતી હતી. એ યાદ કરે છે એનો જમાનો જેમાં એ લોકો એ માછલીના મોં ખોલીને એમાંથી એના ઈંડા કાઢીને એ ખાતા.  આ આખી વાત નવા જમાનાના યુવાન એમ સહેલાસ, જે પોતે પણ માછીમાર સમુદાયના છે (અને એમ કોમની ડિગ્રી ધરાવતા કડલ ઓસાઈના લાંબાગાળાના સૂત્રધાર અને નિર્માતા છે) એમને  ગળે નથી ઉતરતી.

લીના કહે છે, "1980 સુધી અમને કટ્ટાઈ, સીલા, કોમ્બન સૂર, અને બીજી કેટલીય જાતની માછલીઓ પુષ્કળ પ્રમાણમાં મળતી. આજે હવે અમે એને ડિસ્કવરી ચેનલમાં શોધીએ છીએ. મારા દાદા (જે મશીનવાળી હોડી નહિ વપરાતા) કહેતા કે મશીનનો અવાજ માછલીઓને દૂર ભગાડી મૂકે છે. અને પેટ્રોલ અને ડીઝલ પાણીને ઝેરીલું બનાવે છે અને માછલીઓનો સ્વાદ બદલી નાખે છે."  એ જમાનામાં, એ યાદ કરે છે, સ્ત્રીઓ દરિયો ખૂંદી, થોડે અંદર જઈ ખાલી જાળ નાખીને માછલીઓ પકડી શકતી, કિનારાની ઘણી પાસે. હવે કિનારાની પાસે માછલી મળવાનું બંધ થતાં સ્ત્રીઓનું દરિયામાં જવાનું જ ઓછું થઇ ગયું.

મે 17ના એક કાર્યક્રમમાં પરંપરાગત માછલી પકડવાની રીતો અને અદ્યતન પ્રક્રિયાઓ વિષે પણ વાત થઇ હતી -- અને કેવી રીતે આ બંનેનો સમન્વય કરીને દરિયાઈ જીવોનું સરંક્ષણ કરી શકાય.  "માછીમારોને દરિયાના કિનારા પાસે એક પાંજરું બનાવીને એમ મત્સ્યઉછેર માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. સરકાર આ પાંજરા પદ્ધતિને સહાય આપે છે કારણ એ નષ્ટ થઇ જતી દરિયાઈ સમૃદ્ધિના પ્રશ્ને સંબોધે છે," એવું ગાયત્રી કહે છે.

PHOTO • Kadal Osai

માછીમારોના સમુદાય સાથે તાલ મેળવતાં

પંબનના 28 વર્ષના માછીમાર એન્ટોની ઈનિંગો આ પદ્ધતિનો પ્રયોગ કરવા માગે છે. "પહેલાં માછલીઓની સાથે ડૂગોંગ (દરિયાઈ સસ્તન પ્રાણી) પકડાય તો અમે એને પાછા દરિયામાં નહોતા જવા દેતા.  પણ કડલ ઓસાઈના કાર્યક્રમ પછી અમે શીખ્યા કે વાતાવરણના પરિવર્તનો અને માનવીય પ્રવૃત્તિઓએ કેવી રીતે આ જાતિને લગભગ નષ્ટ કરી છે. હવે અમે અમારી મોંઘી જાળ કાપીને પણ એમને પાછા દરિયામાં જવા દઈએ છીએ. એવું જ દરિયાના કાચબાનું છે."

ગાયત્રી કહે છે કે, "જો અમારી પાસે તજજ્ઞો છે જે વાતાવરણના ફેરફારોની માછલીઓ પર થતી અસરો વિષે વાત કરે છે, તો અમારી પાસે માછીમારો પણ છે જે અમારો સંપર્ક કરે છે ને કહે છે કે આ વાતો કેટલી સાચી છે."

"માછલીઓ અદ્રશ્ય થતી” સહેલાસ કહે છે, “તો અમે ભગવાનને ને પ્રકૃતિને દોષ દેતા. અમારા કાર્યક્રમો દ્વારા અમે સમજાયું છે કે તમામ દોષ તો અમારો જ છે,". એમની જેમ કડલ ઓસાઈના તમામ કર્મચારીઓ માછીમારોના સમુદાયના છે, સિવાય ગાયત્રી. એ પાવરધા સાઉન્ડ ઈન્જીનીર  છે, અને એક દોઢ વર્ષથી સમુદાયના આ મંચ સાથે અને એને નિશ્ચિત દિશા આપવાના ધ્યેય સાથે જોડાયેલા છે.

કડલ ઓસાઈની સીધીસાદી ઓફિસ પંબન સ્ટ્રીટ પાસે છે, જ્યાં લગભગ રોજ માછલી બજાર ધમધમતું હોય છે.  એના ભૂરા પાટિયા પર નામની સાથે લખેલું એક ધ્યેયસૂત્ર છે, નમત્તુ માનનેત્રાતુક્કાના વાનોલી (એક રેડિયો આપણા વિકાસનો). અંદર એફ એમ સ્ટેશન છે અને એનો  અત્યાધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો। એ લોકો કાર્યક્રમના ભાગ પાડે છે બાળકો માટે, સ્ત્રીઓ માટે, માછીમારો માટે---અને કાર્યક્રમોની વચમાં દરિયામાં જતા માછીમારોને માટે અંબા ગીતો વગાડે છે. સ્ટેશનના 11 કર્મચારીઓમાંથી હવે માત્ર યશવંત અને ડી રેડીમેર દરિયામાં જાય છે.

કેટલાય વર્ષો પહેલા યશવંતનું કુટુંબ તુંતુકુડીથી પંબન આવીને વસેલું. એ કહે છે, "માછીમારીના ધંધામાં ત્યાં બહુ કમાણી નહોતી. મારા પિતાજીને માછલી પકડવામાં ઘણી મુશ્કેલી રહેતી." રામેશ્વરમ પ્રમાણમાં સારું હતું, પણ "વર્ષો જતા ત્યાં પણ માછલીઓ ઓછી થતી ગઈ. કડલ ઓસાઈએ મને એ સમજાવ્યું કે એ બધી નિષ્ફળતાઓમાં કોઈ કાળી વિદ્યાનો હાથ નહોતો પણ એ કાળી વિદ્યા તે આપણેજ નોતરેલો પ્રકૃતિનો વિનાશ હતો.”

એ લાભની ગણતરીઓના વળગણથી ચિંતિત છે. "કેટલાક વડીલો એવું હજુય મને છે કે એ લોકો ગરીબ છે કારણ એમના બાપદાદાએ માછલીઓ ઓછી પકડેલી. એમને થાય એટલો વધારે  નફો કરવો છે, દરિયાના શોષણની પરવા વગર. અમારા જેવા જુવાન લોકો આવી પ્રવૃતિઓના ગેરફાયદા વિષે હવે થોડું સમજે છે અને એટલે અમે એ કાળી વિદ્યા દૂર કરવા પ્રયત્નશીલ છીએ."

એ લાભની ગણતરીઓના વળગણથી ચિંતિત છે. "કેટલાક વડીલો એવું હજુય મને છે કે એ લોકો ગરીબ છે કારણ એમના બાપદાદાએ માછલીઓ ઓછી પકડેલી… એમને થાય એટલો વધારે  નફો કરવો છે, દરિયાના શોષણની પરવા વગર.

જુઓ વિડીયો: આર જે યશવંત પંબનના હવામાનનો અહેવાલ આપે છે.

હજુપણ સમુદાયના લોકોના પરાંપરાગત જ્ઞાનમાંથી ઘણુંબધું શીખવા મળે છે. મધુમિતા કહે છે, "તજજ્ઞો ઘણીવાર એ જ જ્ઞાનને પ્રમાણિત કરે છે અને આપણને યાદ કરાવે છે કે આપણે એને સમજવાની ને વાપરવાની જરૂર છે. આમારું રેડિયો સ્ટેશન પરાંપરાગત જ્ઞાનને આદર અને એક મહત્વનો મંચ બંને આપે છે. બદલામાં, અમારા સમુદાયના લોકો કાર્યક્રમોમાં પ્રસારિત અભિપ્રાયોનો ઉપયોગ કરે છે."

પંબન દેશી હોડીના માછીમારોના સંગઠનના અધ્યક્ષ એસ પી રયપ્પન સહમત થાય છે કે, "અમે હંમેશા દરિયાઈ જીવનના શોષણ અને એના ખતરાઓ વિષે વાત કરી છે. કડલ ઓસાઈ દ્વારા માછીમારોના સમુદાયમાં જે જાગરૂકતા લાવવામાં આવી છે તે વધારે પ્રભાવકારક છે, અમારા ઘણા લોકો હવે ડૂગોંગ અને દરિયાઈ કાચબાને ખાતર એમની ઈમ્પોર્ટેડ જાળીઓને જતી કરે છે."  સહેલાસ અને મધુમિતા માને છે કે એક દિવસ એવો પણ આવશે કે એમનું રેડિયો સ્ટેશન મંડાઇકાલુગૂને દ્વીપના પાણીમાં પાછી લાવશે.

ઘણાં સામુદાયિક રેડિયો સ્ટેશનોની જેમ એમની પ્રસારણ સેવાનો વિસ્તાર 15 કિલોમીટર સુધી સીમિત છે. પણ પંબનના લોકોએ કડલ ઓસાઈને પ્રેમથી વધાવી લીધું છે-- "અને અમારી પાસે શ્રોતાઓ તરફથી રોજના દસ કાગળ આવે છે," ગાયત્રી કહે છે. "જયારે અમે રેડિયો સ્ટેશન શરુ કર્યું  ત્યારે લોકોને નવાઈ લગતી કે અમે કોણ છીએ અને આ "વિકાસ" જેની અમે વાત કરીએ છીએ તે શું છે. પણ હવે એ લોકોને અમારામાં શ્રદ્ધા છે."

એ લોકો માત્ર વાતાવરણમાં એમની શ્રદ્ધા ગુમાવી રહ્યા છે

આવરણ ચિત્ર: 8 જૂને પંબનમાં યુ એનના વિશ્વ દરિયાઇ દિવસની ઉજવણીમાં હાથમાં કડલ ઓસાઈનું પાટીયું લઇ ઊભા રહેલ બાળકો

PARIનો વાતાવરણના ફેરફારો વિષે રાષ્ટ્રીય અહેવાલો એકત્રિત કરવાંનો આ પ્રયાસ સામાન્ય માણસોના આવાજમાં અને એમના જીવનના અનુભવોને લક્ષમાં રાખી નિરૂપવાની પહેલ કરવા બદલ આપતી UNDPની સહાયનો ભાગ છે.

આ લેખ ફરી પ્રકાશિત કરવો છે? મહેરબાની કરીને સંપર્ક કરો: [email protected] અને  cc મોકલો: [email protected]

અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા

Reporter : Kavitha Muralidharan

कविता मुरलीधरन, चेन्नई की एक स्वतंत्र पत्रकार और अनुवादक हैं. वह 'इंडिया टुडे' (तमिल) की संपादक रह चुकी हैं, और उससे भी पहले वह 'द हिंदू' (तमिल) के रिपोर्टिंग सेक्शन की प्रमुख थीं. वह पारी के लिए बतौर वॉलंटियर काम करती हैं.

की अन्य स्टोरी कविता मुरलीधरन
Editor : P. Sainath

पी. साईनाथ, पीपल्स ऑर्काइव ऑफ़ रूरल इंडिया के संस्थापक संपादक हैं. वह दशकों से ग्रामीण भारत की समस्याओं की रिपोर्टिंग करते रहे हैं और उन्होंने ‘एवरीबडी लव्स अ गुड ड्रॉट’ तथा 'द लास्ट हीरोज़: फ़ुट सोल्ज़र्स ऑफ़ इंडियन फ़्रीडम' नामक किताबें भी लिखी हैं.

की अन्य स्टोरी पी. साईनाथ
Series Editors : P. Sainath

पी. साईनाथ, पीपल्स ऑर्काइव ऑफ़ रूरल इंडिया के संस्थापक संपादक हैं. वह दशकों से ग्रामीण भारत की समस्याओं की रिपोर्टिंग करते रहे हैं और उन्होंने ‘एवरीबडी लव्स अ गुड ड्रॉट’ तथा 'द लास्ट हीरोज़: फ़ुट सोल्ज़र्स ऑफ़ इंडियन फ़्रीडम' नामक किताबें भी लिखी हैं.

की अन्य स्टोरी पी. साईनाथ
Series Editors : Sharmila Joshi

शर्मिला जोशी, पूर्व में पीपल्स आर्काइव ऑफ़ रूरल इंडिया के लिए बतौर कार्यकारी संपादक काम कर चुकी हैं. वह एक लेखक व रिसर्चर हैं और कई दफ़ा शिक्षक की भूमिका में भी होती हैं.

की अन्य स्टोरी शर्मिला जोशी
Translator : Pratishtha Pandya

प्रतिष्ठा पांड्या, पारी में बतौर वरिष्ठ संपादक कार्यरत हैं, और पारी के रचनात्मक लेखन अनुभाग का नेतृत्व करती हैं. वह पारी’भाषा टीम की सदस्य हैं और गुजराती में कहानियों का अनुवाद व संपादन करती हैं. प्रतिष्ठा गुजराती और अंग्रेज़ी भाषा की कवि भी हैं.

की अन्य स्टोरी Pratishtha Pandya