જ્યારે એક ઘરાક ભાવતાલ કરી રહ્યો હતો ત્યારે પ્રકાશ કોકરેએ કહ્યું કે, “આ ૩૫૦ રૂપિયા છે. કોરોનાને લીધે, અમે પહેલાથી જ કશું કમાઈ શકતા નથી.” તેમણે ઘેટાનું એક સફેદ નર બચ્ચું ત્રાજવા પર મુક્યું અને ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોની માંગ પર અડગ, બે ઘરાકોને કહ્યું “ત્રણ કિલો.” પશુને એના નવા માલિકને સુપરત કરતા તેમણે કહ્યું, “આ ખુબજ ઓછી કિંમત છે, પરંતુ મારે પૈસાની જરૂર છે.”
જ્યારે હું જૂનના છેલ્લા અઠવાડિયામાં બપોરના સમયે વાડા તાલુકાના એક વિસ્તાર દેસાઈપાડાના એક ખુલ્લા મેદાનમાં તેમના પરિવારને મળી ત્યારે તેમણે મને કહ્યું કે, “જવા દો, આપણે શું કરી શકીએ?” એ સમયે કોવીડ-૧૯ લોકડાઉનને ત્રણ મહિના પૂર્ણ થઇ ગયા હતા.
પ્રકાશનો પરિવાર ધનગર સમુદાયના, અન્ય છ ભરવાડ પરિવારો સાથે મહારાષ્ટ્રના પાલઘર જીલ્લામાં એક મેદાનમાં બે દિવસથી રોકાયેલો હતો. અમુક મહિલાઓ, પશુઓના બચ્ચાઓ ભાગી ન જાય તે માટે નાઇલોનની જાળીઓ લગાવી રહી હતી. અનાજ, એલ્યુમીનીયમના વાસણો, પ્લાસ્ટીકની ડોલ અને અન્ય વસ્તુઓથી ભરેલી બોરીઓ મેદાનમાં ચારે બાજુ ફેલાયેલી હતી. થોડાક બાળકો ઘેટાના બચ્ચાઓ સાથે રમી રહ્યા હતા.
ઘેટા, બકરા અને એમના બચ્ચાઓને વેચવા – પ્રકાશે હમણાં થોડી જ વાર પહેલા સસ્તા ભાવે વેચ્યા તેમ – એ ધનગરના આ સમૂહ માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. આ સાત પરિવારો પાસે કૂલ મળીને ૨૦ ઘોડા સહિત, લગભગ ૫૦૦ જનાવર છે. તેઓ ઘેટા ઉછેરીને તેને રોકડ કિંમત અથવા અનાજ ના સાટામાં વેચે છે. બકરીઓને મોટેભાગે પોતાના કુટુંબ માટે તેમના દુધના ઉપયોગના કારણે રાખી મૂકવામાં આવે છે, અને અમુક વખત માંસના વેપારીઓને પણ વેચી દેવામાં આવે છે. ક્યારેક તેમના જનાવર ખેતરોમાં ચરે તો એમના ખાતરના બદલામાં તે ખેતરના માલિક આ પરિવારોને થોડાક દિવસો માટે ખોરાક, પાણી અને રહેઠાણ આપે છે.
ભરવાડોના સમૂહના ૫૫ વર્ષીય મુખી, પ્રકાશ કહે છે કે, “અમે ફક્ત મેંઢા [નર ઘેટા] વેચીએ છીએ અને માદા ઘેટા અમારી પાસે રાખીએ છીએ. ખેડૂતો અમારી પાસેથી ઘેટા ખરીદે છે કારણ કે તે એમની જમીનોમાં ચરવા માટે ઉપયોગમાં આવે છે. એમનું ખાતર માટીને ઉપજાઉ બનાવે છે.”
મહારાષ્ટ્રમાં વિચરતી જાતિ તરીકે સૂચિત થયેલ ધનગર સમુદાયના આ સાત પરિવાર ખરીફ પાકની લણણી પછી, નવેમ્બર આસપાસ પોતાની વાર્ષિક યાત્રાની શરૂઆત કરે છે. (ભારતમાં લગભગ ૩૬ લાખ ધનગર છે – મહારાષ્ટ્ર સિવાય મુખ્યત્વે બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઓડીશા અને પશ્ચિમ બંગાળમાં.)
મુસાફરીની શરૂઆત કર્યા બાદ આ સાત પરિવાર – લગભગ ૪૦ લોકો – દરેક ગામમાં એકાદ મહિના માટે રોકાય છે, જ્યાં તેઓ સામાન્ય રીતે ૨-૩ દિવસોમાં, તાડપત્રીથી પોતાનું રહેઠાણ બનાવતા, એક ખેતરમાંથી બીજા ખેતરમાં જાય છે. ગામ વસાહતથી દૂર, મુસાફરી દરમિયાન તેઓ મોટેભાગે વનવિસ્તારમાં રોકાય છે.
પ્રકાશ અને તેમના સાથી, મૂળ રૂપે અહમદનગર જિલ્લાના ધવલપુરી ગામના છે. પરંતુ રાજ્યભરમાં તેમની વાર્ષિક મુસાફરી જૂન મહિનામાં નાસિક જિલ્લામાં પૂરી થાય છે, જ્યાં તેઓ ચોમાસાના મહિના જુદાજુદા ગામોમાં વિતાવે છે, અને પડતર જમીન પર અસ્થાયી ઝુંપડીમાં રહે છે.
પરંતુ ૨૫ માર્ચે કોવીડ-૧૯ લોકડાઉન શરૂ થયા પછી, કોકરે કબીલા માટે તેમના સામાન્ય રસ્તાઓ પર ચાલવું પણ મુશ્કેલ થઇ પડ્યું. પ્રકાશ કહે છે કે, “અમે દરરોજ લગભગ ૩૦ કિલોમીટર ચાલીએ છીએ, પરંતુ આ લોકડાઉન દરમિયાન લોકોએ અમને તેમની જમીન પર પણ રહેવાની અનુમતિ ના આપી.”
વાડા તાલુકા પહોંચ્યા પહેલા, આ બધા પરિવાર ૪૦ દિવસો સુધી પાલઘરના વનગામના એક ખેતરમાં રોકાયા હતા, જે વાડાથી લગભગ ૫૫ કિલોમીટર દૂર છે, અને લોકડાઉનમાં ઢીલ થવાની રાહ જોતા રહ્યાં. જૂનમાં, જ્યારે ચળવળ સામાન્ય થઇ, ત્યારે તેમણે યાત્રા ફરીથી ચાલુ કરી. પ્રકાશ કહે છે કે, “અમારે અમારા જનાવરના લીધે નીકળ્વું પડ્યું, જેથી પોલીસ અમને હેરાન ન કરે. લોકો પણ ઈચ્છતા હતા કે અમે તેમના ગામોમાંથી ચાલ્યા જઈએ.”
તેઓ એપ્રિલની એક ઘટના યાદ કરે છે, જ્યારે વનગામના કેટલાક લોકો તેમના પરિવારને ખખડાવતા હતા. “તેઓ કહેતા હતા કે અમે તેમની જમીન પર આવીને જીવ જોખમમાં નાખીએ છીએ અને અમને ઘરે રહેવા જણાવ્યું. પરંતુ અમે કાયમ આવી જ રીતે રહેતા આવ્યા છીએ. મારા પિતા અને એમના પિતા, અમે બધા, અમારા જનાવર સાથે ફરતા રહીએ છીએ. અમે ક્યારેય પણ એક સ્થળે રોકાયા નથી. અમારી પાસે ઘરે રહેવા માટે ઘર જ નથી.”
પરંતુ, લોકડાઉને તેમના મનમાં પોતાનો સ્થાયી ઘર હોવાની ઝંખના જગાવી દીધી. પ્રકાશે કહ્યું કે, “આના લીધે અમારો જીવન મુશ્કેલ થઇ ગયો, જો ઘર હોત તો સરળતા રહેત...”
લોકડાઉન દરમિયાન, પરિવહનની કોઈ વ્યવસ્થા ન હોવાને લીધે, ધનગર પરિવારોને અન્ય સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો. ભરવાડો માટે મેડીકલ સેવાઓ સામાન્ય સમયે પણ સુલભ નથી હોતી કેમ કે તેઓ કાયમ મુસાફરી કરતા હોય છે અથવા તો મોટેભાગે એવા વિસ્તારોમાં રહે છે જ્યાં સંચાર અપૂરતૂં હોય છે. જૂન મહિનાની મધ્યમાં પ્રકાશે કહ્યું કે, “અમારા ભાઈની દીકરી અને તેના બાળકે જીવ ગુમાવ્યાં. તે ગર્ભવતી હતી.”
સૂમન કોકરે નજીકના નળથી પાણી લેવા ગઈ હતી, ત્યારે જ તેને એક સાપે ડંખ માર્યો. પછી સમૂહના બીજા સદસ્યોએ તેને શોધી. તેમને રિક્ષા ન મળતા તેમણે ખાનગી વાહન મંગાવ્યું. પાલઘરની હોસ્પિટલોએ તેમને ત્યાં કોવીડ-૧૯ના વધારે દર્દીઓ હોવાથી દાખલ ના કરી. પ્રકાશે કહ્યું કે, “તેને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ લઇ જવામાં અમારે કલાકો વીતી ગયા, પરંતુ કોઈએ તેને દાખલ ન કરી. રાત્રે અમે ઉલ્હાસનગર [લગભગ ૧૦૦ કિલોમીટર દૂર] જવાનું ચાલુ કર્યું, પણ રસ્તામાં જ એની મોત થઇ ગઈ. ત્યાંની હોસ્પિટલે અમને બે દિવસ પછી તેનો મૃતદેહ આપ્યો.”
સુમનના ૩૦ વર્ષીય પતિ સંતોષ કહે છે કે, “મારા દીકરાઓ [જેમની ઉંમર ૩ અને ૪ વર્ષ છે] મને પૂછે છે કે તેમની આઈ ક્યાં ગઈ? હું એમને શું કહું? મારું [અજાત] બાળક અને પત્ની મૃત્યુ પામ્યા છે. હું આ તેમને કઈ રીતે કહું?”
ભરવાડો મહામારીમાં રાખવાની સાવચેતી વિષે જાણે છે, પરંતુ વનવિસ્તારોમાં કાયમ ખરાબ મોબાઈલ નેટવર્કના લીધે સમાચાર અને અન્ય મહત્ત્વની સૂચનાઓથી અવગત નથી રહેતા. ઝઈ કોકરે એ મને કહ્યું, “અમે રેડિયો સાંભળીએ છીએ, એમણે અમને હાથ ધોવાનું અને માસ્ક પહેરવાનું કહ્યું હતું. જ્યારે અમે ગામમાં જતા હતા ત્યારે અમે પદર [સાડીના પલ્લું] થી અમારો ચહેરો ઢાંકી લેતા હતા.”
તે દિવસે, પાલઘરમાં તેમના પડાવ દરમિયાન પ્રકાશની ૨૩ વર્ષીય ભત્રીજી ઝઈ, પથ્થરના અસ્થાયી ચુલા પર લાકડાની આગથી જુવારની ભાખરી શેકી રહી હતી ને તેનો એક વર્ષનો દીકરો દાનેશ નજીકમાં રમી રહ્યો હતો. “અમને ફક્ત એકજ વખત ખાવા મળશે તો પણ વાંધો નથી, પણ મહેરબાની કરીને અમારા જનાવરનો ખ્યાલ રાખો,” તેમણે એ બનાવને યાદ કરતા કહ્યું, જ્યારે વનગામના લોકોએ ધનગરોને ત્યાંથી ચાલી જવા કહ્યું હતું. “જો તમારામાંથી કોઈ અમને એવી જગ્યા આપી શકે, કે જ્યાં અમારા ઘેટાઓ સલામત રહી શકે, તો અમે ત્યાં ખુશીથી રહેશું. ભલેને એ જગ્યા કોઈ જંગલમાં કેમ ન હોય. અમે અમારું ધ્યાન રાખી લઈશું, પણ અમારા ઘેટાઓને ચારા અને પાણીની જરૂર છે.”
લોકડાઉન પહેલા, સાત પરિવારો મળીને એક અઠવાડિયામાં લગભગ ૫-૬ ઘેટા વેચી શકતા હતા – જો કે ઘણીવાર તેઓ અઠવાડિયામાં એક જ પ્રાણી વેચી શકતા – અને ક્યારેક-ક્યારેક સધ્ધર ખેડૂતો તેમની પાસેથી જથ્થામાં જનાવર ખરીદતા હતા, પ્રકાશ કહે છે. તેઓ સામાન્ય રીતે, દર મહીને ૧૫ બકરીઓ વેચતા હતા, અને સામુહિક કમાણી સાથે-સાથે ખર્ચનો પણ હિસાબ રાખતા હતા. પ્રકાશે કહ્યું કે, “અમે બધા એક જ પરિવાર છીએ, અને અમે બધા સાથે રહીએ છીએ.”
લોકડાઉન દરમિયાન, આ વેચાણ ઘટી ગયું – કેટલી ખોટ થઈ તે પ્રકાશને યાદ નથી, પણ તેઓ કહે છે કે તેમણે તેમની બચતથી કામ ચલાવ્યું – જો કે ચોખા પહેલા ૫૦ રૂપિયે કિલો મળતા હતા એ હવે ૯૦ રૂપિયે કિલો મળે છે, અને ઘઉંની કિંમત ૩૦ રૂપિયે પ્રતિ કિલોથી વધીને ૬૦ રૂપિયે પ્રતિ કિલો થઇ ગઈ છે. ઝઈ કહે છે કે, “અહિયાં [વાડા] ની બધી દુકાનો અમને લુંટી રહી છે, તેઓ અમને મોટી કિંમતે અનાજ વેચે છે. હવે અમારે અમારું રાશન આગળના વિસામા સુધી સાચવવાનું છે. આજકાલ અમે દિવસમાં ફક્ત એક જ વાર જમણ જમીએ છીએ.”
આ પરિવારોનું કહેવું છે કે એમને સરકાર તરફથી પણ થોડુક રાશન મળ્યું હતું. પ્રકાશે કહ્યું કે, “અમને [એહમદનગરના અધિકારીઓ તરફથી] સાત પરિવારો માટે ૨૦ કિલો ચોખા મળ્યા હતા. તમે જ કહો કે ૨૦ કિલો અમારા આટલા બધા માણસો માટે કઈ રીતે પૂરતું હોય? અમે અમારા ગામમાં [ધવલપુરીમાં, જ્યાં આ પરિવાર કોઈ કોઈ વાર મુલાકાતે જાય છે] સસતા ભાવે [પી.ડી.એસ. માંથી] અનાજ ખરીદી શકતા હતા, પણ બીજી જગ્યાએ અમારે પૂરી કિંમત આપવી પડે છે...”
મુસાફરી દરમિયાન પરિવારોનો આ સમૂહ પોતાના ઘોડાઓ પર લગભગ એક મહિનાનું રાશન લઈને ચાલે છે. પ્રકાશે કહ્યું કે, “ક્યારેક-ક્યારેક જંગલોમાં રહેવાના કારણે તેલ જલદી પૂરું થઇ જાય છે અથવા તો ક્યારેક ચોખા ૧૫ દિવસોમાં જ વપરાઈ જાય છે. ત્યારે અમારે બાજુના ગામોમાં જઈને સામાન લેવો પડે છે.”
પ્રકાશની ૩૦ વર્ષીય બહેન જગન કોકરેએ કહ્યું કે, “અને આ રોગના [કોવીડ-૧૯] લીધે, અમારા બાળકો પણ અમારી સાથે મુસાફરી કરી રહ્યા છે. એમને અત્યારે તો શાળામાં હોવું જોઈતું હતું.” સામાન્ય રીતે, ફક્ત નાના બાળકો જ પોતાના માં-બાપ સાથે મુસાફરી કરતા હોય છે, જ્યારે ૬-૮ વર્ષના બાળકો ધવલપૂરીની સ્થાનિક શાળાઓમાં (આશ્રમશાળાઓ) રહે. ફક્ત ઉનાળા દરમિયાન શાળાઓ બંધ થઇ જાય, ત્યારે જ મોટા બાળકો મુસાફરીમાં શામેલ થાય. જગને કહ્યું કે “મારો દીકરો હવે ઘેટાઓની રખેવાળી કરે છે. હું કરી પણ શું શક્તી હતી? કોરોનાને લીધે આશ્રમશાળાઓ બંધ થઇ ગઈ છે, માટે અમારે તેને પણ અમારી સાથે લાવવો પડ્યો.”
જગનના બે દીકરા, સની અને પ્રસાદ, ધવલપૂરીમાં ૯માં અને ૭માં ધોરણમાં ભણે છે; તેમની ૬ વર્ષની દીકરી તૃપ્તિ હજુ સુધી શાળાએ નથી જતી અને ઘોડા પર સામાન લાદવામાં પોતાની માની મદદ કરે છે. જગને કહ્યું કે, “અમે નથી ઇચ્છતા કે અમારા બાળકો અમારી જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકે અને તેમની પાસે રહેવાનું કોઈ યોગ્ય ઠેકાણું ના હોય. મુસાફરી કરવી અઘરી છે, પણ અમે તે જનાવર માટે કરીએ છીએ.”
જૂનના અંતમાં જ્યારે હું એમને મળી હતી, ત્યારે આ સાતે પરિવારો પાલઘરથી નીકળવાની તૈયારી કરી રહ્યા હતા. પ્રકાશે કહ્યું હતું કે, “અમારા ઘેટા આ વિસ્તારમાં થતા વરસાદને સહન નહીં કરી શકે. અહિંની માટી ચીકણી છે અને તેમને બીમાર કરી દે છે. માટે અમારે નાસિક પરત જવું છે, જ્યાં વરસાદ ઓછો હોય છે.”
થોડાક સમય પહેલા જ્યારે અમે તેમની સાથે ફોન પર વાત કરી, ત્યારે આ ભરવાડો નાસિક જીલ્લાના સિન્નાર તાલુકામાં મુસાફરી કરી રહ્યા હતા, એ જ માર્ગ પર, જેના પર તેઓ પેઢીઓથી ચાલતા આવ્યા છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ