જેટલાં ખવાય એટલા ખાઓ ટામેટાં-- તે ય સાવ મફતમાં. પણ એ માટે આ સીઝનમાં તમારે ગાય હોવું ઘટે. ને બીજી કોઈ સીઝનમાં બકરી હોવાના ફાયદા છે.
અનંતપુરના ટમેટા માર્કેટ યાર્ડ પાસેની આ જમીન જ્યારે પણ આ ફળ અથવા શાકભાજીના ભાવમાં ઘટાડો થાય છે (ટમેટાં એ ફળ છે જેને પોષણશાસ્ત્રીઓ શાકભાજી માને છે, એમ એનસાયક્લોપેડિયા બ્રિટાનિકા કહે છે) ત્યારે ઉકરડા તરીકે કામ કરે છે. જે ખેડૂતો નજીકના ગામોમાંથી તેમની ઉપજ વેચવા માટે લાવે છે તેઓ સામાન્ય રીતે તેમના ન વેચાયેલા ટમેટાં અહીં ફેંકી દે છે. અહીંયા સામાન્ય રીતે બકરીઓની ભીડ લાગેલી રહે છે. પી. કદીરપ્પા કહે છે કે, "પણ જો બકરીઓ વરસાદ દરમિયાન ટમેટા ખાય તો તેમને ફ્લૂ થઇ જાય છે." તેઓ ભરવાડ છે જે તેમના બકરાને ચરાવવા અહીં પોતાના ગામ બુક્કરયસમુદ્રમથી લાવે છે જે અહીંથી માત્ર પાંચ કિલોમીટર દૂર છે અને આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં જ પડે છે.
આ થોડી નવાઈ લાગે તેવી વાત છે કે બકરીઓ ગાય કરતાં વધુ નાજુક બંધારણ ધરાવે છે - અને ફલૂથી પણ સંક્રમિત થાય છે. અનંતપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને તેથી બકરીઓને તેમના મનગમતાં ફળ ખાવા મળ્યા નથી. જોકે, તેઓ નજીકમાં જ નીંદણ અને ઘાસ ચરતા હતા, કદાચ તેઓ તેમના મોટા હરીફો તરફ ઈર્ષાભરી નજરે જોતા હતા. ભરવાડો સામાન્ય રીતે ખેડૂતોને, તેમના પશુઓને મળતા આ તૈયાર જમણવાર માટે કંઈ ચૂકવતા નથી, કારણ કે ઘણીવાર દરરોજ હજારો ટમેટાં અહીં એમનેમ ફેંકી દેવામાં આવે છે.
અનંતપુરના બજારમાં ટમેટાના ભાવમાં સામાન્ય રીતે 20 થી 30 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે વધઘટ થયાં કરે છે. ટમેટા શહેરના રિલાયન્સ માર્ટમાં સૌથી સસ્તા મળે છે. માર્ટના એક કર્મચારી કહે છે, "અમે એક સમયે માત્ર 12 રૂપિયા કિલોના ભાવે ટમેટા વેચ્યા હતા." એક શાકભાજી વેપારી માર્ટ વિશે કહે છે, "તેમની પાસે પોતાના વેપારી છે, પરંતુ અમે માર્કેટ યાર્ડમાં ખરીદી કરીએ છીએ અને સામાન્ય રીતે દિવસના અંતે જે માલ ખરાબ થઈ રહ્યો હોય છે તે ફેંકી દઈએ છીએ."
જો કે, આ તો એ ભાવ છે કે જે ભાવે ગ્રાહકો બજારમાંથી ટમેટા ખરીદે છે. ખેડૂતોને તો ખૂબ દયનીય રકમ મળે છે - રૂ. 6 કિલોથી લઈને મહત્તમ રૂ. 20 સુધી, અને તે આધારિત છે એ વાત પર કે માલ ક્યારે માર્કેટમાં આવ્યો છે અને તેમાં વિવિધતા કેટલી છે. ઉંચી કિંમત મળવી એ એક દુર્લભ વાત છે અને તે કિંમત એક કે બે દિવસથી વધુ ચાલતી નથી. વિક્રેતાઓ જે જોખમ લે છે તે ખેડૂત સાથેની તેમની નિકટતા અથવા તેમના વચ્ચેના અંતર સાથે જોડાયેલું છે. સૌથી વધુ જોખમ અલબત્ત ખેડૂતનું છે. સૌથી ઓછું મોટી મોટી કંપનીઓનું છે જે આ પ્રદેશમાંથી ટમેટાઓ ખરીદે છે.
એક વાર તો એક વેપારીએ ભાવ ઘટતા 600 રૂપિયામાં એક આખો ખટારો ભરીને ટમેટાઓ ખરીદી લીધા અને પછી તેને માર્કેટની નજીક જ વેચી દીધા. "10 રૂપિયા આપો અને જોઈએ તેટલા ટમેટા લઇ જાઓ," વેપારી બૂમો પાડી પાડીને ટમેટા વેચી રહ્યો હતો. આ વાત થેલીઓ વાળા માટે હતી તેઓ માટે હતી. જેમની પાસે મોટી બેગ હતી તેમની માટે 20 રૂપિયા ચૂકવીને મોટી થેલી ભરીને ટમેટા લઇ જવાની જોગવાઈ હતી. હું માનું છું કે તે દિવસે તેને ઘણો ફાયદો થયો.
જે દિવસે મેં આ ફોટો પાડ્યો હતો, તે દિવસે અનંતપુર શહેરમાં વેપારીઓએ 20-25 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ટમેટા વેચ્યા હતા. રિલાયન્સ માર્ટે એક કિલોની કિંમત 19 રૂપિયા નક્કી કરી હતી. અહીં દુકાનો માં નેસ્લે અને હિન્દુસ્તાન લીવર જેવી બહુરાષ્ટ્રીય બ્રાન્ડના ટમેટાના સૉસનો (ચટણીઓ) જથ્થો રહે છે, તેઓ કદાચ અનંતપુરમાં ટમેટાની બનાવટો વેચવામાં સૌથી વધુ નફો કરનારા વેપારી છે. આ સૉસ કદાચ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં) બનાવવામાં આવે છે (જેને ઘણી સરકારી સહાય મળે છે).
સહાય, જેની જરૂરત ખરેખર જમીન સાથે જોડાયેલ ટમેટાના ખેડૂતોને છે, પણ તેમને મળતી નથી. આ દરમિયાન, જ્યારે ભાવમાં ઘટાડો થાય છે, ત્યારે ગાયો આ ફેંકેલા ટમેટાના ઢગલાનું રસભર્યું ભોજન તૈયાર રહે છે.
અનુવાદ: જાહ્નવી સોધા