એક સમય હતો કે જ્યારે તે રાજાની જ પ્રતિકૃતિ, એનો પડછાયો, મિત્ર, સહાયક, અને સલાહકાર હતો. તેઓ એકબીજા સાથે કેટકેટલી વાતો કરતાં, શું પ્રેમની અને શું ખાવાનાની. તે પોતે દરબારનો જીવ હતો. ખબર નહિ એની ભૂલ ક્યાં થઇ. આ બધું ક્યારે બન્યું? જેલની અંધારી કોટડીમાં, વિદૂષક એના રાજા સાથેના સંબંધોએ અચાનક લીધેલા અવળા વળાંક વિષે ફરી ફરી વિચારી રહ્યો. શા માટે મહારાજ આજે નારાજ હતા? શું હવે તેઓ એટલા દૂર થઇ ગયા હતા કે એને કારણ સુદ્ધાં આપવાની જરૂર એમને નોહતીલાગતી? તેના નસીબે મારેલી હાસ્યાસ્પદ પલટી પર તે હસી શક્યો નહીં.
પરંતુ રાજધાનીમાં ખાસ્સી ઊથલપુથલ થઇ હતી. એ પ્લેટોનું રિપબ્લિક હતું, કે ઓશનિયા, કે ભારત, એ અગત્યનું જ નોહ્તું. અગત્યનો હતો રાજાનું ફરમાન, જે મુજબ હવે તમામ પ્રકારના સ્મિતને દરેક જગ્યાએથી ભૂંસી નાખાવાનો હુકમ હતો. વ્યંગ, રમૂજ, હાસ્યનાટકો, જોક્સ, સિટકોમ, ઠઠ્ઠાચિત્રો, અને વક્રોક્તિ, લિમરિક્સ અને વિનોદી શબ્દશેષ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
છૂટ હતી તો માત્ર મહાકાવ્યોની (જે અધિકૃત તેમજ હાસ્ય સિપાઈઓ દ્વારા યોગ્ય રીતે ચકાસાયેલાં હોય) અને કાં તો ખરા ઇશ્વરોની મહાપ્રશંસા કરતા હોય કાં સત્તાવાર રીતે પ્રમાણિત દેશભક્તિના નાયકોનું મહિમાગાન. આ સિવાય રાજ્ય દ્વારા પ્રાયોજિત ઇતિહાસ અને સાચા નેતાઓના જીવનચરિત્ર સ્વીકાર્ય હતાં. પરંતુ મનને ઉત્તેજિત કરી મૂકે અથવા જુસ્સો અંદર ભરી દે તેવું કંઈપણ મનોરંજન માટે યોગ્ય ન હતું. હાસ્ય ફક્ત બુદ્ધિવિહિનો માટે હતું - એનો સંપૂર્ણપણે નાબૂદ કરવાનું હતું, કોર્ટરૂમમાંથી, સંસદ ગૃહમાંથી, થિયેટરમાંથી, પુસ્તકોમાંથી, ટેલિવિઝનમાંથી, ફોટોગ્રાફ્સમાંથી, બાળકોના ચહેરાઓ પરથી.
હાહાહા..xxxxx
ગાંડાતૂર બળદની જેમ
અંધારું ગામમાં ધસી આવે છે -
મા ડૉક્ટરને બોલાવે છે.
"કોઈ ખરાબ, અમાનુષી રાક્ષસી ચેતનાએ,
મારા બાળક પર કબજો કરી લીધો છે."
ડૉક્ટરનો અધ્ધર શ્વાસે સાંભળે છે.
આકાશ ગરજે છે.
"તેના હોઠ થોડા છૂટા પડેલા અને ખેંચાયેલા
છે,
ગાલના સ્નાયુઓમાં પણ તાણ દેખાય છે,
અને તેના દાંત દેખાય એવા ,
સફેદ મોગરાના ફૂલોની જેમ ચમકી રહ્યા છે. "
ડૉક્ટર ડરથી ધ્રૂજે છે.
"હાસ્ય સિપાઈઓને જલ્દી બોલાવો," તે કહે છે.
"રાજાને જાણ કરો," તે કહે છે.
નિર્બળ ને થાકેલી મા રડે છે.
તે રડવા સિવાય બીજું શું કરી શકે.
રડી લે વ્હાલી મા.
એ શ્રાપ, એ વિચિત્ર રોગ -
તારા પુત્રને પણ ઝપટમાં લઇ બેઠો છે.
તેના ઘર પછવાડે રાત ઘેરાઈ રહી છે,
નિહારીકાઓમાં તારાઓ ચમકે છે
અને વિસ્ફોટતાં અતિદીપ્ત નવતારાઓમાં ફેરવાય છે.
રાજા એની અસાધારણ છાતીને
બે શૈયા પર ફેલાવી ભર ઊંઘમાં છે
"ગામમાં એક બાળક હસ્યો છે, મહારાજ!"
તેઓ તેને જાણ કરે છે.
આકાશ ગરજે છે!
ધરતી ધ્રૂજે છે!
રાજા ઊંઘમાંથી સફાળો બેઠો થાય છે.
દયાળુ, પરમાર્થી.
"મારા દેશ પર આ કેવો શાપ ઉતર્યો છે?"
રાજા નિસાસો નાખે છે -- ઉદાર, પરમાર્થી.
એક લોહીતરસી તલવાર મ્યાનમાં ઝળકે છે.
દેશ માટે, તેણે તલવાર ઉગામવી જ રહી -
યુવાન હોય કે વૃદ્ધ, બધાંના હાસ્યનો નાશ કરવો રહ્યો
રાજાએ વિચાર્યું, દયાળુ, પરમાર્થી.
માતાની એક આંખમાં
ચમકે છે રૂપેરી તલવાર,
ને બીજામાં તેના દીકરાનું સ્મિત.
પરિચિત અવાજો
શરીર છેદાયાના
પરિચિત અવાજો
અરણ્ય રુદનના
પરિચિત અવાજો
મહારાજના જયજયકારના
સવારની કિરમજી હવામાં ભળે છે.
અધખુલ્લા હોઠ લઈને ઉગે છે સૂરજ
તણાયેલા ગાલના સ્નાયુઓ, ખુલ્લા દાંત.
શું આ ઝળહળતું સ્મિત છે -
સાવ નાજુક, ને તો ય આટલું પ્રબળ
સાવ સૂક્ષ્મ ને તો ય નિશ્ચિત રેખાઓમાં ઉભરતું,
શું આ સ્મિત છે જે
તેના ચહેરા પર વિલસી રહ્યું છે?
અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા