પૂર્ણિયા જિલ્લામાં મકાઈના વાવેતરના પટ્ટાના એક ભાગમાંથી પસાર થતો ડામરનો બનેલો મુખ્ય માર્ગ વર્ષના આ સમયે બંને બાજુ સોનાથી જડાયેલો છે. મકાઈના પાકની લણણી થઈ ગઈ છે, અને ખેડૂતોએ પોતાના ખેતરોની બાજુમાં રસ્તાની બાજુમાં સૂકવવા માટે મકાઈના પીળા દાણાની જાજમ પાથરી છે. ચંદવા-રૂપસપુર આદિવાસી ટોલા નજીક અમે સંથાલ પુરુષો અને મહિલાઓને ભેજ ઝડપથી ઊડી જાય એ માટે લાકડાના હળ જેવા સાધનથી અનાજ પલટાવતા જોઈએ છીએ. ક્યાંક એક ચોકીદાર નજર રાખતો હશે અને જે જમીનદારોના ખેતરોમાં આ આદિવાસીઓ પેઢીઓથી ભાગિયા તરીકે કામ કરી રહ્યા છે એ જમીનદારોનો હિસ્સો લેવા માટે ટૂંક સમયમાં તેમના દરવાજા પર આવીને ઊભો રહેશે. અને રાજ્યમાં જમીન અધિકાર સુધારાઓના વર્ષો પછી પણ આ આદિવાસીઓ તેમના પાકનો એક ભાગ એ જમીનદારોને ચૂકવે છે.
મુખ્ય રસ્તાથી થોડે દૂર ગામની નજીક તેમના પૂર્વજો પણ પાંચ દાયકા અગાઉના હત્યાકાંડ દરમિયાન તેમના મૃત્યુની યાદમાં બનાવેલા સ્મારક પરથી નજર રાખે છે. દરવાજાવાળા મેદાનની અંદર ઊંચા પ્લેટફોર્મ પર એક સફેદ થાંભલા પર 22 મી નવેમ્બર, 1971 ના રોજ તેમના જમીનદારો દ્વારા ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલા તમામ 14 લોકોના નામ સાથેની આરસની એક તકતી છે.
શિવનારાયણ કહે છે, “આખું ગામ સ્મશાન જેવું લાગતું હતું. દરેક ઘરમાંથી આક્રંદ સંભળાતું હતું અને ધુમાડો નીકળી રહ્યો હતો. લોકો અત્યંત શોકાતૂર હતા. તેમણે [જમીનદારોની ખાનગી સેનાએ] 45 ઘરોને બાળીને રાખ કરી દીધા હતા.” એક કિશોર તરીકે શિવનારાયણે જોયેલા હત્યાકાંડની યાદોને વર્ષો ઝાંખી કરી શક્યા નથી. બિહારમાં તેમના ભાગ્યમાં પણ હજી સમય બદલાયો નથી.
હવે 70 વર્ષના શિવનારાયણ મુર્મૂ કહે છે કે ત્યારે પણ, "તે જમીન માટેની લડાઈ હતી." એ હત્યાકાંડમાં તેમણે તેમના બે સંબંધીઓ ગુમાવ્યા હતા. "સૂર્ય આથમ્યો ન હતો." 2025 ની જુલાઈની એક સાંજે અમે તેમની સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેઓ એક બીજા સમયમાં સરી જાય છે. તેઓ કહે છે, "એ લોકો બંદૂકો, લાકડીઓ, કુહાડીઓ લઈને આવ્યા હતા અને અમારી વસાહતને ચારે બાજુથી ઘેરી લીધી હતી. તેઓએ અમારા આદિવાસી ઘરોને આગ ચાંપી દીધી હતી અને તેમના રસ્તામાં જે કોઈ આવ્યું તેમને ગોળી મારી દીધી હતી અને જીવતા બાળી નાખ્યા હતા."
પરંતુ શિવનારાયણ માટે આ આઘાત વધુ ઊંડો હતો અને ભૂતકાળમાં વધુ પાછળ જાય છે. આ હત્યાકાંડના લગભગ સાત વર્ષ પહેલાં જ્યારે તેઓ માંડ 10 વર્ષના હતા ત્યારે તેમના પિતા લખન લાલ હેમ્બ્રમની હત્યા કરવામાં આવી હતી. ફરી એકવાર તેનું કારણ હતું જમીન. "તેઓ શિક્ષિત હતા અને સંથાલ આદિવાસીઓના માલિકી હકો માટે લડવા માટે કોર્ટમાં જતા હતા. એક વખત તેઓ તેમને મળવા આવેલા જમીનદાર પક્ષના લોકોને મુકવા માટે ગયા હતા અને પછી પાછા ફર્યા નહોતા. ત્રણ દિવસ પછી તેમના ઘરથી લગભગ ચાર કિલોમીટર દૂર જંગલમાં તેમનો મૃતદેહ ગળું કાપેલી હાલતમાં મળી આવ્યો હતો." કોઈને દોષિત ઠેરવવામાં આવ્યા નહોતા.
પૂર્ણિયામાં થયેલા હત્યાકાંડના એક દાયકા પછી નીચલી અદાલતે એ કેસમાં 25 થી 30 જમીનદાર દોષિતોને 20 વર્ષની જેલની સજા ફટકારી હતી ત્યારે શિવનારાયણે વિચાર્યું હતું કે સમય બદલાઈ રહ્યો છે.
પરંતુ તેઓ માત્ર અડધી જ વાર્તા જાણે છે.















