કુસુમતાઈ સોનાવણે, જેમની ઓવી 15 માર્ચ, 2017ના રોજ પારીપર બર્ન બર્ન યુથ બિકોઝ એ યન્ગ વુમન ઇઝ બ્લમેડ લેખમાં પ્રદર્શિત કરવામાં આવી હતી, તેઓ પણ નંદગાંવમાં રહે છે. તેઓ કહે છે, “શાહુ અને હું બાળપણની સખીઓ હતી, અમે કોલવણ ગામમાં સાથે શાળાએ જતાંહતાં, ભલે અમે ફક્ત પહેલા ધોરણ સુધી જ ભણ્યા.”તે બંને સગાંપણ હતાં– શાહુબાઈના પતિ કુસુમતાઈના પિતરાઈ ભાઈ છે. સખીઓ અને બહેનોની જેમ, તેઓ એકબીજા સાથે સમય વિતાવતાં હતાં. લાકડાના સાંબેલા વડે ખાંડણીમાં અનાજ ખાંડતી વખતે તેઓ જુદા જુદા સૂરનો અભ્યાસ કરતાં અને નવા સૂર વિશે વિચારતાં. પછી આ સૂરોનો ઉપયોગ ઘંટી પર અનાજમાંથી લોટ દળતી વખતે ઓવી ગાવા માટે થતો. કુસુમતાઈ કહે છે, “અમે બન્નેએક કિલો ચોખા કે ચણા દળવા માટે લાવતા અને સાથે બેસીને ગ્રાઇન્ડમિલ સૉંગ્સ ગાતાં.”
શાહુબાઈએ ગ્રાઇન્ડમિલ સૉંગ્સના ડેટાબેઝ માટે 401 ગીતો ગાયાં હતાં, જેમાંથી લગભગ 170 ગીતો ઓક્ટોબર 1999માં રેકોર્ડ કરવામાં આવ્યાં હતાં. આ ગીતો ગ્રામીણ મહારાષ્ટ્રની 110,000થી વધુ ઓવીના ડેટાબેઝનો એક ભાગ છે. આ પ્રોજેક્ટ હવે પારી પર ઉપલબ્ધ છે, અને પારીની એક ટીમ ગાયકોને મળવા, ફોટોગ્રાફ લેવા અને વિડિયો રેકોર્ડ કરવા માટે અનેક ગામોની ફરી મુલાકાત લઈ રહી છે.
આ આવૃત્તિમાં દશેરા વિશેની ત્રણ ઓવી શામેલ છે. આ તહેવાર નવરાત્રિના નવ દિવસોના અંતનું પ્રતિક છે – દસમો દિવસ, જે અસત્ય પર સત્યના વિજયની ઉજવણી કરે છે, જ્યારે દેવી દુર્ગા મહિષાસુર રાક્ષસ પર વિજય મેળવે છે. મહાભારતમાં કહેવાયું છે કે પાંડવોએ આ દિવસે તેમના એક વર્ષના અજ્ઞાતવાસને પૂર્ણ કર્યો હતો. રામાયણમાં, આ જ દિવસે ભગવાન રામ દ્વારા રાવણનો વધ થયો હતો.
આ તહેવાર અને અન્ય કેટલાક હિન્દુ તહેવારો દરમિયાન, પરંપરાગત રિવાજોનું પાલન કરતા ઘરોમાં મહિલાઓ પરિવારના પુરુષોનું એક સરળ વિધિ દ્વારા સન્માન કરે છે. સ્ત્રી ફૂલો, કંકુ (લાલ સિંદૂર માટેનો મરાઠી શબ્દ) અને પ્રગટાવેલી કપાસની વાટ સાથે તેલનો દીવો ધરાવતી થાળી લઈ જાય છે. જ્યારે પુરુષ ખુરશી પર અથવા ફર્શ પર નીચા લાકડાના પાટલા પર બેસે છે, ત્યારે તે સ્ત્રી તેમના કપાળ પર કંકુ લગાવે છે અને દીવાવાળી થાળીને ઘડિયાળની દિશામાં થોડીવાર ફેરવે છે, જેનાથી દીવાનો પ્રકાશ તેમના ચહેરા પર પડે છે. આ વિધિને મરાઠીમાં ‘ઓવાળણે’કહેવાય છે. કેટલાક તહેવારોના પ્રસંગોએ બાળકો અથવા સ્ત્રીઓનું પણ આ રીતે સન્માન કરવામાં આવે છે. આ ત્રણ કડીઓમાં ‘વવાળૂ’ (ઓવાળૂ) શબ્દ આ જ વિધિનો ઉલ્લેખ કરે છે.