ગ્રામીણ ભારતમાં અસંખ્ય લોકો અપંગતા સાથે અથવા ભિન્ન ક્ષમતા સાથે જીવે છે. અપંગતા જન્મજાત હોઈ શકે છે, ઉપરાંત સમાજની અથવા સરકારની કાર્યવાહી અથવા નિષ્ક્રિયતાને કારણે પણ અપંગતા આવી શકે છે - ઉદાહરણ તરીકે, ઝારખંડમાં યુરેનિયમની ખાણો નજીક હોવાને કારણે હોય કે પછી મરાઠવાડામાં પડતા સતત દુષ્કાળ, જે લોકોને ફ્લોરાઇડયુક્ત ભૂગર્ભજળ પીવા માટે મજબૂર કરે છે તેને કારણે હોય. ક્યારેક અપંગતા બીમારી અથવા તબીબી બેદરકારીનું પરિણામ હોય છે - રક્તપિત્તના કારણે લખનૌમાં કચરો એકઠો કરવાનું કામ કરતા પાર્વતી દેવીએ પોતાની આંગળીઓ ગુમાવી દીધી છે, જ્યારે મિઝોરમના દેબહાલ ચકમાએ અછબડાના હુમલા પછી દ્રષ્ટિ ગુમાવી દીધી હતી, અને પાલઘરની પ્રતિભા હિલિમે ગેંગ્રીન થતા પોતાના ચારે ય અવયવો (બંને હાથ અને બંને પગ) ગુમાવ્યા હતા. કેટલાક માટે, અપંગતા બૌદ્ધિક હોય છે - શ્રીનગરમાં નાનકડા મોહસીન સેરેબ્રલ પાલ્સીથી પીડાય છે, જ્યારે મહારાષ્ટ્રમાં પ્રતીકને ડાઉન્સ સિન્ડ્રોમ હોવાનું નિદાન થયું હતું. આવા ઘણા કિસ્સાઓમાં, ગરીબી, અસમાનતા, અપૂરતી આરોગ્યસંભાળ સેવાઓ અને ભેદભાવને કારણે પડકારો વધી જાય છે. અપંગતા સાથે જીવતા વિવિધ રાજ્યોના લોકો વિશેની પારી વાર્તાઓ અહીં પ્રસ્તુત છે