સૂરજ જટ્ટી હજી કિશોર વયે પણ નહોતા પહોંચ્યા જ્યારે તેમણે તેમના પિતાને કહ્યું હતું કે તેઓ ભારતીય સેનામાં જોડાવા માંગે છે. તેમના પિતા, શંકર, જેઓ પોતે એક નિવૃત્ત સૈનિક હતા, તેમના પુત્રને પ્રેરણા આપવામાં સફળ રહ્યા હોવાના વિચારથી ગર્વ અનુભવવા લાગ્યા.

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના પલુસ શહેરમાં એક અકાદમીમાં તાલીમ સત્ર દરમિયાન 19 વર્ષીય સૂરજ કહે છે, “મારા માટે, મારા ઘરનું વાતાવરણ જોતાં તે એક સ્વાભાવિક પસંદગી હતી. મને યાદ છે ત્યાં સુધી, મેં આના સિવાય ક્યારેય બીજું કશું વિચાર્યું જ ન હતું.” શંકર તેમના પુત્રના નિર્ણયથી ખૂબ ખુશ હતા. તે એક પિતાને મળી શકે તેવી સર્વોત્તમ મંજૂરી હતી.

એક દાયકા કરતાં પણ ઓછા સમય પછી, શંકર હવે તેમના પુત્રની પસંદગી વિશે એટલા નિશ્ચિત નથી. એક લાગણીશીલ અને ગર્વ અનુભવતા પિતામાંથી, વર્ષો જતાં તેઓ ક્યાંક શંકાસ્પદ બની ગયા છે. આ પરિવર્તન 14 જૂન, 2022ના રોજ થયું હતું. આ દિવસે જ સંરક્ષણ મંત્રી રક્ષામંત્રી રાજનાથે એક પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું હતું કે, “અગ્નિપથ યોજના હેઠળ, ભારતીય યુવાનોને સશસ્ત્ર દળોમાં અગ્નિવીર તરીકે સેવા કરવાની તક આપવામાં આવશે.”

આ યોજનાની શરૂઆત પહેલાં, 2015-2020 વચ્ચે સશસ્ત્ર દળોમાં ભરતીની પાંચ વર્ષની સરેરાશ 61,000  સૈનિકો હતી. જ્યારે 2020માં મહામારી ફાટી નીકળી ત્યારે ભરતી બંધ કરવામાં આવી હતી.

અગ્નિપથ યોજના “યુવાન, તંદુરસ્ત અને વૈવિધ્યસભર” લશ્કરી દળ માટે ભારતીય સેનામાં લગભગ 46,000 યુવાનો અથવા અગ્નિવીરની ભરતી કરશે. સરકારી અખબારી યાદી અનુસાર, નોંધણી માટે પાત્ર વય 17.5 થી 21 વર્ષની વચ્ચે નક્કી કરવામાં આવી હતી, જે સંભવિતપણે દળોની સરેરાશ વયમાં 4 થી 5 વર્ષનો ઘટાડો કરે છે.

લશ્કરમાં આજીવન ભરતીની કારકિર્દીથી વિપરીત, આ નોકરીનો કાર્યકાળ માત્ર ચાર વર્ષ માટે જ હોય છે, જેના અંતે 25 ટકા ટુકડીને સશસ્ત્ર દળોના નિયમિત કેડરમાં નોકરી મળશે.

PHOTO • Parth M.N.
PHOTO • Parth M.N.

ડાબેઃ સાંગલીના પલુસ શહેરમાં યશ અકાદમીમાં યુવકો અને યુવતીઓ સંરક્ષણ સેવાઓમાં જોડાવા માટે તાલીમ લઈ રહ્યા છે. સૈન્યની આજીવન કારકિર્દીથી વિપરીત, અગ્નિપથ ભરતી યોજના ચાર વર્ષ માટે જ હોય છે, જેના અંતે 25 ટકા ટુકડીને સશસ્ત્ર દળોના નિયમિત કેડરમાં નોકરી આપવામાં આવશે. જમણેઃ ભૂતપૂર્વ સૈનિક અને કુંડલમાં સૈનિક ફેડરેશનના પ્રમુખ શિવાજી સૂર્યવંશી (વાદળી રંગમાં) કહે છે, ‘એક સૈનિકને તૈયાર થવા માટે ચાર વર્ષ એ બહુ ઓખો સમય છે’

એક ભૂતપૂર્વ સૈનિક અને સાંગલીના કુંડલ શહેરમાં સૈનિક ફેડરેશનના પ્રમુખ 65 વર્ષીય શિવાજી સૂર્યવંશી માને છે કે આ યોજના દેશ હિતની વિરુદ્ધ છે. તેઓ કહે છે, “એક સૈનિકને તૈયાર થવા માટે ચાર વર્ષ એ બહુ ઓખો સમય છે. જો તેમને કાશ્મીર અથવા અન્ય કોઈ સંઘર્ષગ્રસ્ત વિસ્તારમાં તૈનાત કરવામાં આવે, તો તેમના અનુભવનો અભાવ અન્ય પ્રશિક્ષિત સૈનિકોને પણ જોખમમાં મૂકી શકે છે. આ યોજના રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકે છે.”

સૂર્યવંશી કહે છે કે, આમાં નોંધણી કરાવનારાઓ માટે પણ આ અપમાનજનક છે. તેઓ ઉમેરે છે, “જો કોઈ અગ્નિવીર ફરજ પર મૃત્યુ પામે છે, તો તેમને શહીદનો દરજ્જો પણ મળતો નથી. આ શરમજનક બાબત છે. જો કોઈ ધારાસભ્ય [રાજ્યના ધારાસભ્ય] અથવા સાંસદ [સંસદ સભ્ય] એક મહિના માટે હોદ્દો સંભાળે, તો પણ તેમને તે ધારાસભ્યો જેટલા જ લાભો મળે છે જેઓ તેમનો સંપૂર્ણ કાર્યકાળ પૂરો કરે છે. તો પછી સૈનિકો સાથે ભેદભાવ કેમ?”

આ વિવાદાસ્પદ યોજનાની જાહેરાત થયા પછી સમગ્ર ભારતમાં વ્યાપક વિરોધ જોવા મળ્યો હતો; ઉમેદવારો અને ભૂતપૂર્વ સૈનિકો બધાંએ તેને વખોડી નાખી હતી.

2024ની સામાન્ય ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર તેમાં સુધારા પર વિચાર કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીને હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ભારે નુકસાન થયું હતું, આ રાજ્યોના લોકો સશસ્ત્ર દળોમાં મોટી સંખ્યામાં ભરતી માટે પામવા માટે જાણીતા છે. બે વર્ષ પછી, પશ્ચિમ મહારાષ્ટ્રમાં આ યોજના પ્રત્યેનો મોહભંગ એકદમ સ્પષ્ટ છે — જો કે, ઐતિહાસિક રીતે આ વિસ્તાર સશસ્ત્ર દળોમાં મોટી સંખ્યામાં ભરતી માટે પણ જાણીતો છે. અહીં અમુક ગામ તો એવા છે કે જેમણે દરેક ઘરમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને સેનામાં મોકલ્યો છે.

જટ્ટી આવા જ એક પરિવારના છે. તેઓ બેચલર ઓફ આર્ટ્સની પદવી મેળવી રહ્યા છે અને તેના છેલ્લા વર્ષમાં છે. જો કે, જ્યારથી તેમણે અગ્નિવીર બનવાની તાલીમ માટે અકાદમીમાં પ્રવેશ મેળવ્યો છે, ત્યારથી તેમના અભ્યાસને ફટકો પડ્યો છે.

PHOTO • Parth M.N.
PHOTO • Parth M.N.

કાદ મીમાં શારીરિક તાલીમમાં તીવ્ર વર્કઆઉટ્સનો સમાવેશ થાય છેઃ દોડ , પુશ-અપ્સ , લાદી પર પેટે ચાલવું, અને લેપ સમાપ્ત કરતી વખતે કોઈ અન્ય વ્યક્તિને પીઠ પર ઊંચકીને લઈ જ વી

તેઓ કહે છે, “હું સવારે ત્રણ કલાક અને સાંજે ત્રણ કલાક શારીરિક તાલીમ માટે વિતાવું છું. તે થકવી નાખનારું છે, અને પછી મારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા જરાય તાકાત બાકી નથી રહેતી. જો હું પસંદગી પામું, તો મારે પરીક્ષા પહેલાં જતા રહેવું પડશે.”

તેમની તાલીમમાં તીવ્ર વર્કઆઉટ્સનો સમાવેશ થાય છેઃ દોડ, પુશ-અપ્સ, લાદી પર પેટે ચાલવું, અને લેપ સમાપ્ત કરતી વખતે કોઈ અન્ય વ્યક્તિને પીઠ પર ઊંચકીને લઈ જવી. દરેક સત્રના અંતે, તેમનાં કપડાં પરસેવે રેબઝેબ થઈ થાય છે અને માટીવાળાં થઈ જાય છે. પછી તેઓ થોડા કલાકોમાં ફરીથી આ કસરતનું પુનરાવર્તન કરે છે.

આ શિસ્તબદ્ધ તાલીમનું એક વર્ષ અને અગ્નિવીર તરીકેની પસંદગીથી જટ્ટીને અગ્નિવીર તરીકે દર મહિને 21,000 રૂપિયા મળશે, જે ચોથા વર્ષમાં વધીને 28,000 રૂપિયા થશે. જો તેઓ તેમની બેચમાંથી ભરતી કરાયેલા 25 ટકા લોકોમાં સામેલ ન થાય, તો તેઓ અગ્નિપથ યોજના અનુસાર તેમના કાર્યકાળના અંતે 11.71 લાખ રૂપિયા મેળવશે.

તે સમતે તેઓ 23 વર્ષના પણ થઈ જશે, નોકરી શોધતા હશે અને તે મળવાની તકો સુધારવા માટે તેમની પાસે કોઈ સ્નાતકની પદવી નહીં હોય.

જટ્ટી કહે છે, “એટલે જ મારા પિતાને મારી ચિંતા છે. તેઓ મને તેના બદલે પોલીસ અધિકારી બનવાનું કહી રહ્યા છે.”

ભારત સરકારે કહ્યું હતું કે 2022ના ઉદ્ઘાટન વર્ષમાં 46,000 અગ્નિવીરની ભરતી કરવામાં આવશે — તેથી તેમાંથી 75 ટકા અથવા 34,500 યુવાનો 2026માં અંધકારમય ભાવિ સાથે ઘરે પરત ફરશે, અને બધાની શરૂઆત પહેલેથી જ કરવી પડશે.

2026 સુધી ભરતી માટેની મહત્તમ મર્યાદા 1,75,000 છે. પાંચમા વર્ષમાં ભરતીનો આંકડો વધારીને 90,000 અને તે પછીના વર્ષથી 125,000 કરવાનો લક્ષ્યાંક છે.

PHOTO • Parth M.N.
PHOTO • Parth M.N.

ડાબેઃ અગ્નિપથ યોજનાની જાહેરાત થયા પછી સમગ્ર ભારતમાં વ્યાપક વિરોધનો સામનો કરવો પડ્યો હતો, અને ઉમેદવારો અને ભૂતપૂર્વ સૈનિકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જમણે: પાલુસમાં યશ એકેડેમી ચલાવતા પ્રકાશ ભોરે માને છે કે આ યોજના ગ્રામીણ ભારતમાં રોજગારીની કટોકટીને વધુ ખરાબ કરશે કારણ કે તેને એવી રીતે ઘડવામાં આવી છે કે યુવાનોને ઘણી વાર તેમનો સ્નાતક સુધીનો અભ્યાસ પણ પૂર્ણ કર્યા પહેલાં ફરજ પર હાજર જવું પડે છે

વધતા દેવા, પાકના ઘટતા ભાવ, ધિરાણનો અભાવ અને આબોહવા પરિવર્તનની વિનાશક અસરોને કારણે હજારો ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ખેડૂત પરિવારોના બાળકો માટે લાંબા સમયગાળા માટેની સ્થિર આવકવાળી નોકરી મેળવવી વધુ મહત્ત્વપૂર્ણ છે.

પાલુસમાં યશ એકેડેમી ચલાવતા પ્રકાશ ભોરે માને છે કે આ યોજના ગ્રામીણ ભારતમાં રોજગારીની કટોકટીને વધુ ખરાબ કરશે કારણ કે તેને એવી રીતે ઘડવામાં આવી છે કે યુવાનોને ઘણી વાર તેમનો સ્નાતક સુધીનો અભ્યાસ પણ પૂર્ણ કર્યા પહેલાં ફરજ પર હાજર જવું પડે છે. તેઓ કહે છે, “નોકરીનું બજાર આમ પણ આશાસ્પદ નથી. અને એમાંય કોઈ ડિગ્રી ન હોય તો બાળકો માટે તે વધુ ખરાબ થઈ જશે. ચાર વર્ષના કાર્યાકાળ પછી ઘરે પરત ફર્યા પછી, તેઓ કાં તો સોસાયટીની બહાર કાં તો એટીએમ પર સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરશે.

તેઓ ઉમેરે છે, કોઈ પણ તેમની સાથે લગ્ન કરવા માંગશે નહીં. “કન્યાનો પરિવાર સ્પષ્ટપણે પૂછે છે કે શું સંભવિત પતિ પાસે કાયમી નોકરી છે કે તે ‘ચાર વર્ષનો સૈનિક’ છે. નિરાશ યુવાનોના એક સમૂહની કલ્પના કરો, કે જેઓ હથિયારોનો ઉપયોગ કરવા માટે પ્રશિક્ષિત છે અને તેમને બીજું કંઈ આવડતું નથી. હું વધુ કંઈ કહેવા માંગતો નથી પણ તે એક ડરામણું ચિત્ર છે.”

સેનામાં 17 વર્ષ ગાળ્યા પછી 2009થી સાંગલીમાં તાલીમ અકાદમી ચલાવી રહેલા મેજર હિમ્મત ઓહલ કહે છે કે આ યોજનાએ ખરેખર યુવાનોમાં સેનામાં જોડાવાનો જઝ્બો ખતમ કરી નાખ્યો છે. તેઓ કહે છે, “2009થી દર વર્ષે અમારી અકાદમીમાં 1,500-2,000 બાળકો નોંધાતા હતા. અગ્નિવીર પછી, તે સંખ્યા ઘટીને 100 થઈ ગઈ છે. આ એક ધરખમ ઘટાડો છે.”

આવા સંજોગોમાં, જેઓ હજુ પણ જોડાય છે તેઓ જટ્ટીની જેમ તેમની બેચના ટોચના 25 ટકા લોકોમાં હોવાની આશામાં જોડાય કરે છે. કાં પછી, તેમની પાસે રિયા બેલદારની જેમ કોઈ ભાવનાત્મક કારણ છે.

બેલદાર સાંગલીના નાના શહેર મિરાજના એક સીમાંત ખેડૂતોનાં પુત્રી છે. તેઓ બાળપણથી જ તેમના કાકાની નજીક છે અને તેમને ગૌરવ અપાવવા માંગે છે. તેઓ કહે છે, “તે ભારતીય સેનામાં સેવા આપવા માંગતા હતા. તે એક સપનું હતું જેને તેઓ ક્યારેય પૂરું કરી શક્યા ન હતા. હું ઈચ્છું છું કે તેઓ મારા દ્વારા તેમનું સપનું પૂરું કરે.”

PHOTO • Parth M.N.
PHOTO • Parth M.N.

સૈન્યમાં જોડાવાની ઇચ્છા ધરાવતી યુવતીઓએ લોકોની અભદ્ર ટિપ્પણીઓ વેઠવી પડે છે. સાંગલીના એક નાનકડા શહેર મિરાજના એક સીમાંત ખેડૂતોની પુત્રી અને અકાદમી તાલીમમાં તાલીમ લઈ રહેલાં રિયા બેલદાર કહે છે, 'હું પાછી આવીને છોકરીઓ માટે એક અકાદમી શરૂ કરવા માંગુ છું'

તેઓ ઓહલ હેઠળ અકાદમીમાં તાલીમ લઈ રહ્યાં છે, અને તેમણે એક છોકરી હોવા છતાં સૈન્યમાં જોડવાની ઇચ્છા ધરાવવા બદલ તેમના પડોશીઓએ કરેલી અભદ્ર ટિપ્પણીઓને અવગણી છે. તેમની મજાક ઉડાવવામાં આવી છે અને તેની ઠેકડી ઉડાવવામાં આવી છે. બેલદાર કહે છે, “પણ મેં તેમના પર ધ્યાન નથી આપ્યું કારણ કે મારા માતા-પિતા મારી સાથે ઊભા હતા.”

આ 19 વર્ષીય યુવતી સ્વીકારે છે કે અગ્નિપથ યોજના તેમના માટે આદર્શ નથી. “તમે દરરોજ તાલીમ પામો છો, તમે તમારા ટીકાકારોનો સામનો કરો છો, તમે તમારા શિક્ષણને જોખમમાં મૂકો છો, તમે ગણવેશ પહેરો છો. અને માત્ર ચાર વર્ષમાં તે બધું તમારી પાસેથી છીનવી લેવામાં આવે છે અને આગળ કોઈ ભવિષ્ય રહેતું નથી. તે ખૂબ જ અયોગ્ય છે.”

જો કે, બેલદાર તેમનો ચાર વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા પછી શું કરશે તેની યોજના ધરાવે છે. તેઓ કહે છે, “હું પાછી આવીને છોકરીઓ માટે એક અકાદમી શરૂ કરવા માંગુ છું અને હું અમારી ખેતીની જમીનમાં શેરડીની ખેતી કરીશ. જો મને ચાર વર્ષ પૂર્ણ કર્યા પછી પણ કાયમી ભરતી ન મળે, તો પણ હું કહી શકું છું કે મેં એક વખત સેનામાં સેવા આપી હતી અને મારા કાકાનું સપનું પૂરું કર્યું હતું.”

બેલદારની જેમ જ અકાદમીમાં તાલીમ લેતા કોલ્હાપુર શહેરના 19 વર્ષીય ઓમ વિભુતેએ વધુ વ્યવહારુ અભિગમ પસંદ કર્યો છે. તેઓ દેશની સેવા કરવાની આશા સાથે અગ્નિપથ યોજનાની જાહેરાત પહેલાં ઓવલની અકાદમીમાં જોડાયા હતા. પરંતુ બે વર્ષ પહેલાં તેમણે પોતાની યોજના બદલી દીધી હતી. તેઓ કહે છે, “હું હવે પોલીસ અધિકારી બનવા માંગુ છું. તે તમને 58 વર્ષની ઉંમર સુધી નોકરીની સુરક્ષા આપે છે, અને પોલીસ દળમાં સેવા આપવી એ પણ રાષ્ટ્રીય હિતમાં જ છે. મને સૈનિક બનવું ગમ્યું હોત, પરંતુ અગ્નિપથ યોજનાએ મારું મન બદલી નાખ્યું.”

વિભુતે કહે છે કે ચાર વર્ષ પછી ઘરે પાછા આવી જવાના વિચારથી તેઓ ખૂબ જ ચિંતિત હતા. તેઓ પૂછે છે, “મારે પાછું આવવાનું થયું, તો હું કરીશ શું? મને સારી નોકરી કોણ આપશે? આપણા ભવિષ્ય વિશે આપણે વાસ્તવિક બનવું રહ્યું.”

ભૂતપૂર્વ સૈનિક સૂર્યવંશી કહે છે કે અગ્નિપથ યોજનાનું સૌથી મોટું પરિણામ એ છે કે તેણે મહત્ત્વકાંક્ષી સૈનિકોમાં દેશપ્રેમને ઓછો કરી દીધો છે. તેઓ કહે છે, “હું કેટલાક વિચલિત કરનારા અહેવાલો સાંભળી રહ્યો છું. જ્યારે યુવકોને ખ્યાલ આવે છે કે તેઓ ટોચના 25 ટકામાં સામેલ નથી, ત્યારે તેઓ મહેનત કરવાનું જ બંધ કરી દે છે અને તેમના વરિષ્ઠોની આજ્ઞાનો અનાદર કરે છે. હું તેમને દોષ નથી આપતો. તમે શા માટે તમારા જીવનને જોખમમાં મૂકશો, તમે શા માટે તમારા લોહી અને પરસેવો એવી નોકરીમાં રેડશો જે તમને ચાર વર્ષમાં કાઢી મૂકવાની હોય? આ યોજનાએ સૈનિકોને કરાર કામદારો જેવા કરી મૂક્યા છે.”

અનુવાદ: ફૈઝ મોહંમદ

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Editor : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad