ગીતા દેવી તેમની બાજુમાં ઊભેલી તેની સહેલી સકુની તરફ પ્રેમથી જોતાં કહે છે, “અમે જ્યાં પણ જઈએ ત્યાં અમે સાથે જ જઈએ છીએ.”
આ જોડી નજીકના જંગલમાં સાલ (શોરિયા રોબસ્ટા) નાં પાંદડાં ભેગાં કરે છે, જેમાંથી તેઓ દોના (બાઉલ) અને પત્તલ (પ્લેટ) બનાવીને તેને પલામુ જિલ્લાના મુખ્યાલય એવા ડાલ્ટનગંજ શહેરમાં વેચે છે.
ગીતા અને સકુની દેવી છેલ્લાં 30 વર્ષથી કોપે ગામની નાની નેસ નદીટોલામાં પાડોશીઓ છે. ઝારખંડ રાજ્યના ઘણા ગ્રામજનોની જેમ ગીતા અને સકુની પણ તેમની આજીવિકા માટે જંગલ પર નિર્ભર છે.
તેઓ જંગલમાં સાતથી આઠ કલાક વિતાવે છે, અને જ્યારે ઢોર ચરીને ઘર તરફ પ્રયાણ કરે ત્યારે તેઓ પણ ઘર તરફ જવા નીકળે છે. તેમને પૂરતાં પાંદડાં એકઠા કરવામાં બે દિવસ જેટલો સમય લાગે છે. દિવસ દરમિયાન કલાકો ઝડપથી પસાર થાય છે, તેઓ ટૂંકા વિરામ લે છે, અને તેમના પરિવારો વિશે વાત કરે છે અને સ્થાનિક સમાચારો વિશે ચર્ચા કરે છે.
દરરોજ સવારે, ગીતા તેમનાં પાડોશીનો “નીકલીહે” અવાજ સાંભળવાની આતુરતાથી રાહ જુએ છે. થોડી ક્ષણો પછી તેઓ બન્ને પ્લાસ્ટિકની બોટલ, એક નાની કુહાડી અને જૂના કાપડના ટુકડા સાથે જૂના સિમેન્ટની બોરીથી બનેલી થેલી લઈને નીકળી જાય છે. તેઓ ઝારખંડમાં પલામુ વાઘ અભ્યારણ્યના બફર ઝોનમાં આવેલા હેહેગારા જંગલ તરફ આગળ વધે છે.
આ બે સહેલીઓ જુદા જુદા સમુદાયોમાંથી આવે છે − ગીતા ભુઈયા દલિત છે અને સકુની ઓરાઓન આદિવાસી સમુદાયનાં છે. જેમ જેમ ચાલીને આગળ વધીએ છીએ તેમ, ગીતા અમને ચેતવતાં કહે છે, “અહીં એકલાં ન આવતાં. અહીં ક્યારેક જંગલી પ્રાણીઓનો ભેટો થઈ જાય છે. અમે અહીં તેંદુઆ (ચિત્તા) જોયા છે! અહીં સાપ અને વીંછીઓનો ખતરો પણ વધી રહ્યો છે,” અને, સકુની ઉમેરે છે, “ઘણી વખત અમે હાથીઓનો પણ સામનો કર્યો છે.” પલામુ વાઘ અભયારણ્યમાં 73 ચિત્તા અને લગભગ 267 હાથીઓ છે (2021 વન્યજીવ વસ્તી ગણતરી મુજબ).






















