21 વર્ષના આશા બસ્સી કહે છે, "મારે મારી માતા સાથે ગઈકાલે રાત્રે જ આ બાબતને લઈને ઝગડો થયો હતો." તેઓ સમજાવે છે, "છેલ્લા સાડા ત્રણ વર્ષથી મારા માતા-પિતા મને ભણવાગણવાનું છોડીને લગ્ન કરી લેવાનું કહે છે."

યવતમાળશહેરમાં સાવિત્રી જ્યોતિરાવ સમાજકાર્ય મહાવિદ્યાલયમાં છેલ્લા વર્ષના વિદ્યાર્થિની આશા સોશિયલ વર્કમાં સ્નાતકની પદવી માટેનો અભ્યાસ કરી રહ્યા છે.

તેમના પરિવારમાંથી ઔપચારિક શિક્ષણ મેળવનાર તેઓ સૌથી પહેલા જ છે. તેઓ કહે છે, "જે છોકરીઓ વહેલા લગ્ન કરી લે છે તેમના વખાણ થાય છે," તેઓ ઉમેરે છે, "પરંતુ મારે ભણવું છે, મારું ભણતર જ મને મુક્તિ અપાવી શકશે."

આશા મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના જેવલી ગામના છે અને રાજ્યમાં બિન-સૂચિત જનજાતિ (વિમુક્ત જાતિ) તરીકે સૂચિબદ્ધ મથુરા લભાન સમુદાયના છે. તેમના માતા-પિતા ખેડૂતો છે અને જેવલીમાં તેમની જમીન પર સોયા, કપાસ, ઘઉં અને બાજરી ઉગાડે છે.

પરિવાર તેમના ચાર બાળકો - ત્રણ દીકરીઓ અને એક દીકરાના ઉછેર માટે ખેતી પર નિર્ભર છે. આશા સૌથી મોટી દીકરી છે અને યવતમાળ શહેરમાં તેમના મામા-મામી પાસે રહીને સ્નાતકની પદવી માટેનો અભ્યાસ કરે છે.

આશાના માતા-પિતાએ કેટલાક સ્થાનિક શિક્ષકોના આગ્રહથી તેઓ 7 વર્ષના હતા ત્યારે તેમના ઘરની નજીકની જિલ્લા પરિષદ (ઝેડપી) શાળામાં તેમનું નામાંકન કરાવ્યું હતું. આશાએ ત્યાં 3 જા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો, ત્યારબાદ તેઓ જેવલીથી 112 કિલોમીટર દૂર યવતમાળ શહેરમાં રહેવા ગયા હતા. ત્યાં તેમણે મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ સાથે સંલગ્ન શાળામાં અભ્યાસ કર્યો હતો અને છેવટે નજીકની કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.

Savitri Jyotirao Samajkarya Mahavidyalaya in Yavatmal city where Asha is pursuing her Bachelor’s Degree in Social Work
PHOTO • Akshay Gadilkar
Savitri Jyotirao Samajkarya Mahavidyalaya in Yavatmal city where Asha is pursuing her Bachelor’s Degree in Social Work
PHOTO • Akshay Gadilkar

યવતમાળ શહેરનું સાવિત્રી જ્યોતિરાવ સમાજકાર્ય મહાવિદ્યાલય જ્યાં આશા સોશિયલ વર્કમાં તેમની સ્નાતકની પદવી માટેનો અભ્યાસ કરી રહ્યા છે

આશા કહે છે, “અમારા સમુદાયની છોકરીઓ સામાન્ય રીતે 7 મા ધોરણ 7 સુધી ભણે છે, ત્યારબાદ ધીમે ધીમે તેમને શાળાઓ છોડાવી દેવામાં આવે છે. બહુ ઓછી છોકરીઓ કોલેજમાં જાય છે."  ત્રણ વર્ષ પહેલા આશાની નાની બહેનના પણ લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા.

આશા કહે છે, “અમારો સમુદાય રૂઢિચુસ્ત છે." છોકરીઓ પ્રેમલગ્ન કરી લેશે અથવા બીજી જાતિના છોકરા સાથે પરણી જશે તો? એવો સામાજિક ડર પણ ઘણીવાર છોકરીઓને લગ્ન કરી લેવા માટે કરાતા દબાણમાં વધારો કરે છે. આશા સમજાવે છે, "જો કોઈ છોકરી તેના સાથી સાથે ભાગી જાય તો તેની બહેનપણીઓને પણ શાળામાંથી ઊઠાડી લેવામાં આવે છે. મારા સમુદાયની કોઈ છોકરીએ તેની જાતિની બહાર લગ્ન કર્યા હોય એવું મારા ધ્યાનમાં નથી."

આશા કહે છે કે કોવિડ -19 મહામારી દરમિયાન લગ્ન કરવાનું દબાણ વધી ગયું હતું, એ દરમિયાન આશા પણ જેવલી ગામમાં તેમને ઘેર પાછા આવ્યા હતા. તેઓ ભવિષ્યમાં જેમની સાથે તેમના લગ્ન થઈ શકે એવા કેટલાક પુરુષોને મળ્યા પણ હતા. આશા કહે છે, "મહામારી દરમિયાન મારા વિસ્તારની 21 વર્ષથી ઓછી ઉંમરની 30 થી વધુ છોકરીઓના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા."

જેવલીમાં છોકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતી ન હોવાથી મોડા લગ્ન કરવા માટે શિક્ષણને ભાગ્યે જ એક માન્ય કારણ માનવામાં આવે છે. આશા ઉમેરે છે, "મારી નાની બહેનના લગ્ન થઈ ગયા છે અને મારા લગ્ન થયા નથી, તેથી લોકો મને શંકાની નજરે જુએ છે."

આશા કહે છે, "[મારા ભણતર માટે] હું જે કંઈ કરું છું, તે બધું હું જાતે જ કરું છું." તેમની નિરાશા સ્પષ્ટ છે. તેમના પરિવારમાં ઉચ્ચ શિક્ષણ મેળવનાર તેઓ સૌથી પહેલા હોવાથી તેમને પરિવારમાં કોઈના તરફથી ખાસ માર્ગદર્શન મળતું નથી. તેમના પિતા, બલસિંગ બસ્સીએ 11 મા ધોરણ સુધીનો અને તેમની માતા વિમલે 5 મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. આશા કહે છે, “હજી આજે પણ હું ભણીગણીને કંઈક બનું એવી ખાસ કોઈ અપેક્ષા તેઓ રાખતા નથી કારણ કે હું છોકરી છું." તેઓ ઉમેરે છે શિક્ષણ મેળવવું એ તેમને માટે “લોટાયચા કામ” બની ગયું છે – એક એવું કામ જે પુષ્કળ શારીરિક અને માનસિક સંઘર્ષ માગી લે છે.

આશા કહે છે, “મારા ઘરમાંથી કોઈએ મારા ભણતરમાં રસ લીધો નહોતો. કાશ, મારી માતાએ મને કહ્યું હોત, "તુ કર, મી તુઝ્યા પાઠીશી આહે" [તું તારે ભણ, હું તને મદદ કરવા તૈયાર છું]." પરંતુ આશા કહે છે કે તેમની માતા તો તેઓ આગળ શિક્ષણ મેળવે એ બાબતના સૌથી કડક/મોટા ટીકાકાર છે.

Asha in her college library (left). She has been inspired by the struggle of Savitribai Phule for women's right to education
PHOTO • Akshay Gadilkar
Asha in her college library (left). She has been inspired by the struggle of Savitribai Phule for women's right to education
PHOTO • Akshay Gadilkar

આશા તેમની કોલેજના પુસ્તકાલયમાં (ડાબે). મહિલાઓના શિક્ષણના અધિકાર માટે સાવિત્રીબાઈ ફુલેના સંઘર્ષમાંથી તેમને પ્રેરણા મળી છે

જેવલીની સૌથી નજીકની કોલેજ ગામથી 12 કિલોમીટર દૂર બિટ્ટરગાંવ ગામમાં છે. આશા કહે છે, “દીકરીઓ શાળાએ એકલી જાય-આવે તો માતા-પિતાને તેમની સલામતી બાબતે ચિંતા રહે છે. તેથી છોકરીઓ સામાન્ય રીતે જૂથમાં શાળાએ જાય છે અને જૂથમાં જ પાછી ફરે છે." મજબૂત શૈક્ષણિક માળખાકીય સુવિધાઓ છોકરીઓના શિક્ષણમાં કેવી રીતે મદદ કરે છે એ વાત તરફ ધ્યાન દોરાતા તેઓ કહે છે, "જો એક છોકરી શાળાએ જવાનું બંધ કરે તો બીજા માતા-પિતા પણ તેમની દીકરીને ભણવાનું છોડી દેવાનું કહે છે કારણ કે સાથે જવા-આવવાવાળું કોઈ રહેતું નથી."

આશા યાદ કરે છે કે શાળા માટે યવતમાળ શહેરમાં રહેવા જવાનું તેમને માટે સરળ નહોતું. તેઓ મથુરા લભાન બોલી બોલતા હતા જે તેમની શાળામાં શિક્ષણના માધ્યમ તરીકે વપરાતી મરાઠીથી અલગ હતી. પરિણામે વર્ગમાં અથવા શાળાના કાર્યક્રમોમાં ભાગ લેવાનું મુશ્કેલ હતું. આશા કહે છે, “મારા સહાધ્યાયીઓ મારી બોલીની મજાક ઉડાવતા હતા. મને ડર રહેતો કે જો હું વર્ગમાં મારી બોલીમાં બોલીશ તો તેઓ મારા પર હસશે”.

આ ખચકાટ આશાની શાળાકીય પ્રગતિમાં અવરોધરૂપ બન્યો હતો. “6 ઠ્ઠા ધોરણ સુધી હું માત્ર મરાઠી મૂળાક્ષરો જ લખી શકતી હતી, આખા વાક્યો નહીં. 5 મા ધોરણ સુધી તો હું કુત્રા [કૂતરો] અને માંજર [બિલાડી] જેવા સાવ સામાન્ય શબ્દો પણ વાંચી શકતી નહોતી”.

પરંતુ 10 મા ધોરણ માટેની મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ સિનિયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ (એસએસસી) ની પરીક્ષામાં આશાએ 79 ટકા મેળવ્યા ત્યારે તેમની તમામ શંકાઓ ધીમે ધીમે દૂર થઈ ગઈ હતી અને પોતે આગળ અભ્યાસ કરવા માગે છે એ વાત વિશ્વાસપૂર્વક તેમના મામાને સમજાવવામાં તેઓ સફળ રહ્યા હતા. 12 મા ધોરણમાં તેમણે 63 ટકા ગુણાંક મેળવ્યા હતા.

આશાની શૈક્ષણિક સિદ્ધિઓ તેમની આસપાસના લોકો માટે હજી પણ ખાસ મહત્વ ધરાવતી નથી - "મારા માતા-પિતા ક્યારેય ગર્વથી કહી શકતા નથી કે તેમની દીકરી શહેરમાં સ્નાતકની પદવી માટે અભ્યાસ કરી રહી છે કારણ કે અમારા સમાજમાં ભણવા પાછળ સમય અને શક્તિ ખર્ચવાનું યોગ્ય મનાતું નથી."

વહેલા લગ્ન કરાવી દેવાનું વલણ છોકરીઓના શિક્ષણ માટેના તમામ ઉત્સાહને ખતમ કરી દે છે. આશા પૂછે છે, "16 વર્ષની ઉંમરે તેમના લગ્ન થઈ જ જવાના છે એ વાત નક્કી હોય તો છોકરીઓ શિક્ષણ મેળવવા માટે મહેનત શા માટે કરે?"  તેમ છતાં આશાની મહત્વાકાંક્ષાઓ મજબૂત છે. શિક્ષણને કારણે પોતાને થનારા લાભ અંગેની સભાનતાને કારણે સુક્ષિતતા અનુભવતા આશા કહે છે, "હું સુરક્ષિત ભવિષ્યનું સ્વપ્ન જોઈ શકું છું તેનું કારણ માત્ર શિક્ષણ જ છે."

Asha with Professor Ghanshyam Darane (left) who has been her mentor. ' Even though my relatives deem a degree in Social Work inferior, it has been very rewarding for me,' she says
PHOTO • Akshay Gadilkar
Asha with Professor Ghanshyam Darane (left) who has been her mentor. ' Even though my relatives deem a degree in Social Work inferior, it has been very rewarding for me,' she says
PHOTO • Akshay Gadilkar

પ્રોફેસર ઘનશ્યામ દરને (ડાબે) સાથે આશા, જેઓ આશાના માર્ગદર્શક છે. આશા કહે છે, 'મારા સંબંધીઓ સોશિયલ વર્કમાં મેળવેલી પદવીને ઊતરતી કક્ષાની ગણતા હોવા છતાં મારે માટે તો એ ખૂબ જ લાભદાયી રહી છે'

આશાને વાંચવાનો શોખ છે. સરિતા આવાડ લિખિત હમરાસ્તા નાકારતાના અને સુનિતા બોર્ડે લિખિત ફિન્દ્રી તેમના કેટલાક મનપસંદ પુસ્તકો છે, જે વંચિત મહિલાઓના જીવનમાંથી એકત્ર કરાયેલ લખાણો છે. તેઓ વિમેન સ્ટડીઝમાં અનુસ્નાતકની પદવી મેળવવા માગે છે અને સોનીપતની અશોકા યુનિવર્સિટીમાં યંગ ઈન્ડિયા ફેલો તરીકે પસંદ થઈ ચૂક્યા છે.

યવતમાળ શહેરમાં રહેવા જવાથી આશાના આત્મવિશ્વાસમાં ઘણો વધારો થયો હતો. તેઓ કહે છે, "મારા સંબંધીઓ સોશિયલ વર્કમાં મેળવેલી પદવીને ઊતરતી કક્ષાની ગણતા હોવા છતાં મારે માટે તેઓ એ ખૂબ જ લાભદાયી રહી છે."  જેવલીમાં આશાના મથુરા લભાન સમુદાયના લોકોની વસાહતોને સામૂહિક રીતે તાંડે કહેવામાં આવે છે. આ વસાહતો સામાન્ય રીતે મુખ્ય વસાહતોથી દૂર આવેલી હોય છે. આશા કહે છે, "આ અલગતાને કારણે અમારે માટે આધુનિક, પ્રગતિશીલ વિચાર સાથે જોડાયેલા રહેવાનું મુશ્કેલ બને છે." કોલેજમાં આશાના શિક્ષકોએ, ખાસ કરીને મરાઠી ભણાવતા પ્રોફેસર ઘનશ્યામ દરનેએ, તેમને ખંતથી માર્ગદર્શન આપ્યું હતું.

આશા કહે છે, "એવું મનાય છે કે મહિલાઓ કંઈપણ હાંસલ કરવા સક્ષમ નથી." આ માન્યતાથી આશા ઉદાસ થવા કરતાં વધુ તો ગુસ્સે ભરાય છે. તેઓ કહે છે, "હું આ માન્યતાને બદલવા માગુ છું. એકવાર હું કંઈક બની જાઉં એ પછી હું મારા ગામમાં પાછી આવીને છોકરીઓ માટે પ્રગતિશીલ પરિવર્તન લાવવા માગુ છું. હું (પરિસ્થિતિથી) ભાગવા માગતી નથી."

પરંતુ પહેલા તો આશાએ આગામી લગ્નસરાની મોસમનો સામનો કરવો પડશે જે દરમિયાન લગ્ન કરી લેવાનું દબાણ માત્ર વધશે જ. આશા કહે છે, "(મારી વાત પર) અડગ રહેવા માટે મારે ઘણી તાકાતની જરૂર પડશે".

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Akshay Gadilkar

Akshay Gadilkar is currently pursuing his Master’s Degree in Development Studies at Tata Institute of Social Sciences, Mumbai.

Other stories by Akshay Gadilkar
Editor : Dipanjali Singh

Dipanjali Singh is an Assistant Editor at the People's Archive of Rural India. She also researches and curates documents for the PARI Library.

Other stories by Dipanjali Singh
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik