જ્યારે કારચુંગ મોન્પાનાં લગ્નોમાં ગાય છે, ત્યારે તેમને તેમની સેવાઓના બદલામાં રાંધેલું ઘેટાનું માંસ મળે છે. એવું કહેવામાં આવે છે કે તેમનું સંગીતમય પ્રદર્શન લગ્ન સમારંભમાં મૂલ્યવર્ધન કરે છે, અને કન્યાના પરિવાર તરફથી તેમને આમંત્રણ પાઠવવામાં આપે છે.
જ્યારે મોન્પા સમુદાયના બે સભ્યો લગ્ન કરવા માટે સંમત થાય છે, ત્યારે બે દિવસની વિધિ કરવામાં આવે છે, જેની શરૂઆત વરરાજા છોકરીના ઘરે જાય એટલે થાય છે. ત્યાં સ્થાનિક દારૂ આરા પીરસવામાં આવે છે, અને મોટી ઉજવણીઓ યોજવામાં આવે છે જેમાં પરિવારના સભ્યો જોડાય છે અને નૃત્ય કરે છે. આ પ્રસંગે, કારચુંગ લોકો કોઈ પણ સંગીતનાં સાધનની મદદ વગર પ્રદર્શન કરે છે. બીજા દિવસે વરરાજા તેની કન્યા સાથે ઘરે પરત ફરે છે.
કારચુંગનું મૂળ નામ રિંચિન તાશી હતું, પરંતુ ટૂંક સમયમાં ‘કારચુંગ’ તેમનું ઉપનામ બની ગયું. તેઓ અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લામાં ચાંગપા રોડ પર એક નાની કરિયાણાની દુકાન ચલાવે છે. સંગીત પ્રત્યેનો તેમનો પ્રેમ રેડિયો પર વગાડવામાં આવતા સંગીતમાં પ્રતિબિંબિત થાય છે. તેઓ કામ કરતી વેળાએ છે લોકપ્રિય ગીતો પૃષ્ઠભૂમિમાં વગાડતા રહે છે. કારચુંગ આરા વિશે એક ગીત પણ ગાય છે. તેઓ કહે છે, “હું તેને વાવણીના સમયે અથવા મિત્રો સાથેની વાતચીત દરમિયાન ગાઉં છું.”
લગભગ 53 વર્ષીય કારચુંગ તેમનાં પત્ની પેમ ઝોમ્બા સાથે રહે છે, જેમને તે પરિવારનાં “બૉસ” કહે છે. આ ફળદ્રુપ ખીણમાં તેમની પાસે લગભગ એક એકર જમીન છે, જેના પર તેઓ ખેતી કરે છે. તેઓ કહે છે, “અમે ડાંગર (ચોખા), મકાઈ, રીંગણ, કાકડી, લાઈ સાગ (સરસવ), ડુંગળી અને કોબીજ ઉગાડીએ છીએ.” તેમનો પરિવાર ખેતરમાં ચોખા, મિલેટ્સ અને શાકભાજી પોતાના ઉપયોગ માટે વાવે છે અને કેટલીક વાર વધારાની ઉપજને દિરાંગ બ્લોકના રામા કેમ્પ ખાતેના સાપ્તાહિક બજારમાં વેચે છે.





