“પાની લે લો! પાણી [પાણી લઈ લો પાણી]!"
પાણીનો સંગ્રહ કરવાના તમારા વાસણો બહાર કાઢવાની હમણાં ઉતાવળ ન કરશો. પાણીનું આ ટેન્કર થોડું નાનું છે. પ્લાસ્ટિકની બોટલ, જૂની રબરની ચપ્પલ, પ્લાસ્ટિકની નાની પાઈપ અને લાકડીઓનો ઉપયોગ કરીને બનાવેલ આ ‘ટેન્કર’ એક ગ્લાસ જેટલું પાણી એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈ જઈ શકે છે.
બલવીર સિંહ, ભવાની સિંહ, કૈલાશ કંવર અને મોતી સિંહ - આ બધા સંવાતાના 5 થી 13 વર્ષની ઉંમરના બાળકો છે - રાજસ્થાનના આ પૂર્વીય ખૂણામાં આવેલા તેમના ગામમાં અઠવાડિયામાં બે વાર પાણીનું ટેન્કર આવે ત્યારે તેમના માતા-પિતાને અને ગામના બીજા લોકોને કેવો આનંદ થાય છે એ જોઈને તેમણે આ રમકડું બનાવ્યું છે.


ડાબે: જેસલમેરના સંવાતામાં પોતાના ઘરની બહાર કેરના ઝાડ નીચે આ રમકડા સાથે રમતા ભવાની સિંહ (બેઠેલા) અને બલવીર સિંહ. જમણે: રમકડાની રચના પર કામ કરતા ભવાની


ડાબે: કૈલાશ કંવર અને ભવાની સિંહ તેમના ઘરની અંદર અને આસપાસ રમે છે. જમણે: ભવાની ચાલતા ચાલતા ટેન્કરને સાથે ખેંચે છે
અહીં આસપાસ માઇલો સુધી સૂકીભઠ્ઠ ધરતી ફેલાયેલી છે, અને કોઈ ભૂગર્ભ જળ નથી, ફક્ત આસપાસના ઓરણો (સેક્રેડ ગ્રુવ્સ - પવિત્ર ઉપવનો) માં છૂટાછવાયા ફેલાયેલા થોડા મોટા તળાવો છે.
બાળકો કેટલીકવાર પાણીની ટાંકીની જગ્યાએ કેરિયર - એક પ્લાસ્ટિકના જારને વચ્ચેથી અડધો કાપીને - લગાવે છે. જ્યારે આ પત્રકારે રમકડું બનાવવાની પ્રક્રિયા વિશે પૂછપરછ કરી ત્યારે તેઓએ અમને કહ્યું કે રમકડું બનાવવા માટેના જુદા જુદા ભાગો એકઠા કરવામાં સમય લાગે છે કારણ કે તેઓને ભંગાર ભેગો કરવો પડે છે.
એક વાર મજબૂત માળખું તૈયાર થઈ જાય પછી તેઓ કેરના ઝાડ (કેપરિસ ડેસિડ્યુઆ) ના છાંયાથી તેમના ઘરો તરફ ફરતા ફરતા ધાતુના લાંબા વાયરની મદદથી રમકડાને તેના ઢચુપચુ થતા પૈડાંથી ચલાવે છે, કેરનું ઝાડ અને તેમનું ઘર એકબીજાથી ખૂબ નજીક છે.


ડાબે: (ડાબેથી જમણે) કૈલાશ કંવર, ભવાની સિંહ (પાછળ), બલવીર સિંહ અને મોતી સિંહ (પીળા શર્ટમાં) જમણે: સંવાતાના મોટાભાગના લોકો ખેડૂતો છે અને તેઓ થોડી બકરીઓ પાળે છે
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક