'ગાંધી અને નહેરુ બંને જાણતા હતા કે આંબેડકર વગર દેશના કાયદા અને બંધારણ ઘડવું અસંભવ છે. એ એક જ નિષ્ણાત વ્યક્તિ હતા. અને એમણે આ કામ મને કરવા દો કરીને ભીખ નહોતી માંગી.'
શોભારામ ગહેરવાર, જાદુગર બસ્તી , અજમેર, રાજસ્થાન

"અમે જ્યાં બૉમ્બ  બનાવતા હતા એ જગ્યાને અંગ્રેજોએ ઘેરેલી હતી. આ જગ્યા  અજમેર પાસેના એક જંગલમાં આવેલી ટેકરી પર હતી. પાસે એક ઝરણું પણ હતું જ્યાં એક વાઘ પાણી પીવા આવતો . વાઘ તો આવે ને પછી જતો રહે. ઘણીવાર અમે પિસ્તોલમાંથી એકાદ ગોળીબાર હવામાં કરતા એને કારણે એ સમજી ગયેલો કે એણે ત્યાં ફક્ત પાણી પીવા આવવાનું ને પછી જતા રહેવાનું છે, નહીંતો અમારી ગોળી હવાની જગ્યાએ એને વીંધશે.

"પણ એ દિવસે અંગ્રેજોને અમારી ગુપ્ત છાવણી વિષે બાતમી મળી ગયેલી અને એ લોકો આમરી તરફ આગળ વધી રહ્યા હતા. એ અંગ્રેજ સલ્તનતના દિવસો હતા. એમને આવતા જાણીને અમે થોડા વધારે બૉમ્બ  ફેંક્યા - મેં નહીં, હું તો ઘણો નાનો હતો, પણ મારા મોટા મિત્રો હતા ત્યાં - અને એ જ સમયે ત્યાં પેલો વાઘ પાણી પીવા આવ્યો.

"વાઘ તો પાણી પીધા વગર જ ભાગ્યો, અને પેલા અંગ્રેજ પોલીસોની બરાબર પાછળ ભાગ્યો. એટલે એ બધા ભાગવા લાગ્યા. ને એમની પાછળ દોડ્યો વાઘ. કોઈ ડુંગર પરથી નીચે ગબડ્યા, કોઈ રસ્તા પર પડ્યા. હાહાકારમાં બે એક પોલીસ તો મોતને ઘાટ પણ ઉતરી ગયા.  ત્યાર બાદ પોલીસની મજાલ કે પાછી આવે. એ ભડકી ગયેલા અમારાથી. એમણે કહી દીધેલું બે હાથને ત્રીજું માથું!

"વાઘ ને તો એક ઘસરકો સુદ્ધાં નહોતો પડ્યો. એ તો જીવ્યો ને બીજે દહાડે પાણી પીવા પણ આવ્યો."

14 એપ્રિલ 2022ના રોજ અજમેરમાં તેમના ઘેર  અમારી સાથે વાત કરી રહેલા પીઢ સ્વાતંત્ર્ય સેનાની છે 96 વર્ષના શોભારામ ગહેરવાર .  તેઓ આજે પણ એ જ દલિત બસ્તી માં રહે છે જ્યાં લગભગ એક સદી પહેલા તેઓ જન્મ્યા હતા.  તેમણે ક્યારેય તેને વધુ આરામદાયક ક્વાર્ટર્સમાં બદલવાનો પ્રયત્ન કર્યો નથી. જે બે વખતન મ્યુનિસિપલ કાઉન્સિલર રહી ચૂકેલા શોભારામ માટે ધારે તો ખૂબ સરળ કામ હતું. તેઓ 1930 અને 1940ની અંગ્રેજ સલ્તનત સાથેની તેમની લડાઈનું આબેહૂબ વર્ણન કરે છે.

Shobharam Gehervar, the last Dalit freedom fighter in Rajasthan, talking to PARI at his home in Ajmer in 2022
PHOTO • P. Sainath

2022માં અજમેરના એમના ઘરમાં પારી સાથે વાત કરી રહેલા રાજસ્થાનના શોભારામ ગહેરવાલ, આઝાદીના આખરી દલિત લડવૈયા

Shobharam lives with his sister Shanti in Jadugar Basti of Ajmer town . Shanti is 21 years younger
PHOTO • Urja

અજમેર શહેરની જાદુગર બસ્તીમાં શોભારામ તે ની 21 વર્ષ નાની બહેન શાંતિ સાથે રહે છે

શું ત્યાં કોઈ ભૂગર્ભ બોમ્બની ફેક્ટરી હતી જેની એ વાત કરી રહ્યા છે?

'અરે, એક જંગલ હતું. કોઈ ફેક્ટરી નહોતી. . . ફેક્ટરી મેં તો કૈંચી  બનતી હૈ [તેઓ ફેક્ટરીમાં કાતર બનાવે]. અહીં [ભૂગર્ભ બળવામાં] અમે બોમ્બ બનાવ્યા.’

'એકવાર ચંદ્રશેખર આઝાદ અમને મળવા આવેલા.' 1930ના ઉત્તરાર્ધમાં અથવા 1931ના શરૂઆતના દિવસોમાં હશે એમ યાદ કરતાં શોભારામ કહે છે. એમને ચોક્કસ તારીખનો ખ્યાલ નથી . ‘મને ચોક્કસ તારીખો વિશે પૂછશો નહીં. એક સમય હતો જયારે મારી પાસે આ ઘરમાં બધું જ હતું, મારા બધા દસ્તાવેજો, મારી તમામ નોંધો અને રેકોર્ડ્સ. પણ 1975માં અહીં પૂર આવ્યું ત્યારે મેં બધું ગુમાવ્યું.’

ભગતસિંહ સાથે મળીને 1928માં હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનનું પુનર્ગઠન કારનારાઓમાંના એક હતા શોભારામ. 1931માં 27 ફેબ્રુઆરીના રોજ આઝાદે અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કમાં બ્રિટિશ પોલીસ સામે લાંબા ગોળીબાર પછી તેમના પોતાના જીવતા ક્યારેય ના ઝડપાવવાના અને હંમેશા આઝાદ રહેવાના સંકલ્પને ધ્યાનમાં રાખીને એમની બંદૂકમાં રહેલી છેલ્લી ગોળીથી એમનો પોતાનો જીવ લીધો હતો. જયારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તે 24 વર્ષના હતા.

આઝાદી પછી, આલ્ફ્રેડ પાર્કનું નામ બદલીને ચંદ્રશેખર આઝાદ પાર્ક રાખવામાં આવ્યું.

98 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની પોતાને ગાંધી અને આંબેડકર બંનેના અનુયાયી માને છે. તે કહે છે, 'હું માત્ર જેમની સાથે સહમત થયો એમના આદર્શોને અનુસર્યો'

જુઓ આ વીડિયોઃ રાજસ્થાનના 98 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની 'મારે વચ્ચે ગાંધી ને આંબેડકર વચ્ચે પસંદગી કરવી જરૂરી છે?'

એમના વિષે વાત કરતા અજમેરમાં શોભારામ કહે છે, "આઝાદ  આવ્યા અને કેમ્પની [જ્યાં બૉમ્બ બનાવવામાં આવતા હતા] મુલાકાત લીધી.  તેમણે અમને અમારા બોમ્બને વધુ કાર્યક્ષમ કેવી રીતે બનાવવા એ વિષે માર્ગદર્શન આપ્યું. તેમણે અમને એક વધુ સારી ફોર્મ્યુલા આપી. જ્યાં સ્વાતંત્ર્ય સેનાનીઓ કામ કરતા હતા એ જગ્યાએ તેમણે તિલક પણ કર્યું હતું. પછી તેમણે અમને કહ્યું કે તેમને એ વાઘ જોવો છે. અમે કહ્યું તો તો તમારે રાતવાસો કરવો રહ્યો જેથી વાઘની એક ઝલક તમને મળે.

'વાઘ આવ્યો અને ગયો, અને અમે હવામાં ગોળીબાર કર્યા. ચંદ્રશેખરજીએ અમને પૂછ્યું કે અમે શા માટે ગોળીબાર કરીએ છીએ. અમે બોલ્યા, વાઘ જાણે છે કે આપણે તેને ઇજા પહોંચાડી શકીએ છીએ, અને એટલે તે જતો રહે છે." આ વ્યવસ્થામાં  વાઘને તેનું પાણી મળી રહેતું અને લડવૈયાઓને તેમની સુરક્ષા.

'પણ જે દિવસની વાત  હું તમને કહું છું, તે દિવસે બ્રિટિશ પોલીસ ત્યાં પહેલા પહોંચી હતી. અને મેં કહ્યું તેમ, ત્યાં અશાંતિ અને અરાજકતા હતી.’

શોભારામે તે વિચિત્ર લડાઈ કે એને લઈને થયેલી અથડામણમાં કોઈ વ્યક્તિગત ભૂમિકા ભજ્વ્યાનો દાવો કર્યો નથી. જો કે તેઓ એના સાક્ષી જરૂર હતા. એ કહે છે કે આઝાદ આવ્યા ત્યારે શોભારામની ઉંમર 5 વર્ષથી વધુ નહીં હોય. “તેઓ છદ્મવેશમાં હતા. અમારું કામ ફક્ત તેમને જંગલમાં એ પહાડી પરની જગ્યાએ દોરી  જવાનું હતું જ્યાં બોમ્બ બનાવવામાં આવતા હતા. અમારામાંના બે છોકરાઓ તેમને અને તેમના એક સાથીદારને કેમ્પમાં લઈ ગયા.”

હકીકતમાં, આ એક હોંશિયાર પેંતરાની રમત હતી. એક સાવ નિર્દોષ લાગતું એકમેક સાથે ચાલતા કાકા-ભત્રીજાઓનું દ્રશ્ય.

‘આઝાદે વર્કશોપ જોયું- તે ફેક્ટરી ન હતી - અને અમારી પીઠ થપથપાવી. અને અમને બાળકોને કહ્યું: “આપ તો શેર કે બચ્ચે હૈં [તમે તો સિંહના બચ્ચા છો]. તમે બહાદુર છો અને તમારે મોતથી ડરવું નહીં.” અમારા પરિવારના સભ્યોએ પણ કહ્યું, “આમ કરતાં મોત પણ આવે તો ચાલશે. આખરે તમે આ બધું ફક્ત આઝાદી માટે જ તો કરી રહ્યા છો."

‘Don’t ask me about exact dates,’ says Shobharam. ‘I once had everything, all my documents, all my notes and records, right in this house. There was a flood here in 1975 and I lost everything'
PHOTO • Urja

શોભારામ કહે છે, "મને ચોક્કસ તારીખો વિશે ના પૂછશો. મારી પાસે એક સમય બધું હતું. મારા બધા દસ્તાવેજો, મારી બધી નોંધો અને રેકોર્ડ્સ, આ ઘરમાં જ. 1975માં અહીં પૂર આવ્યું હતું અને મેં બધું ગુમાવ્યું'

*****

"ગોળીએ મને  નથી મોતને ઘાટ ઉતાર્યો કે નથી હંમેશ માટે અપંગ કર્યો. એ મને પગમાં વાગી અને આગળ ગઈ. જુઓ?" અને તે અમને તે નિશાન  બતાવે છે જ્યાં તે ગોળી તેમને તેમના જમણા પગ પર ઘૂંટણથી થોડી નીચે વાગી હતી.  તે તેમના પગમાં ઘૂસી ગઈ નહોતી પણ દુખાવો તો ખૂબ થયેલો. "હું બેહોશ થઈ ગયેલો અને લોકો મને હોસ્પિટલમાં લઈ ગયા હતા," તેઓ કહે છે.

આ 1942 ની આસપાસની વાત હતી, જ્યારે તે 'ઘણા મોટા' - એટલે લગભગ 16 વર્ષની આસપાસની ઉંમરના હતા - અને એમણે લડતમાં ભાગ લેવાનો શરુ કર્યો હતો. આજે 96 વર્ષની ઉંમરે રાજસ્થાનના અજમેરમાં તેમના ઘેર નવ દાયકાના તેમના વ્યસ્ત જીવન વિશે અમારી સાથે વાત કરતા શોભારામ ગહેરવાર  શારીરિક રીતે ખૂબ સ્વસ્થ જણાય છે - છ ફૂટથી વધુ ઊંચા, મજબૂત, ટટ્ટાર અને સક્રિય. હાલમાં તેઓ એ સમયની વાત કરી રહ્યા છે જ્યારે તેમને ગોળી વાગી હતી.

"એક મીટિંગ હતી, અને કોઈ અંગ્રેજ રાજ વિષે 'થોડું એલફેલ' બોલ્યું. એટલે પોલીસે કેટલાક સ્વાતંત્ર્ય સેનાનીઓને પકડ્યા, તો  તેઓએ વળતો હુમલો કર્યો અને પોલીસને મારવાનું શરૂ કર્યું. આ બધું સ્વાતંત્ર્ય સેનાની ભવન ખાતે ચાલી રહ્યું હતું. અલબત્ત, એ જગ્યાનું આ નામ આપણે આઝાદી પછી આપ્યું હતું. પણ તે ખાસ અગત્યની વાત નથી.

“ત્યાં જાહેર સભાઓમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ રોજેરોજ લોકોને ભારત છોડો ચળવળ વિશે જાગૃત કરતા હતા. અંગ્રેજ રાજનો પર્દાફાશ કરતા. આખા અજમેરમાંથી લોકો દરરોજ બપોરે 3 વાગે ત્યાં પહોંચી જતા. અમારે ક્યારેય કોઈને બોલાવવું નહોતું પડતું - તેઓ એમની મેળે આવી પહોંચતા. આવી જ એક સભામાં એક ઉત્તેજક ભાષણ થયું અને પછી ગોળીબાર થયો.

"જ્યારે હું હોશમાં આવ્યો હું હોસ્પિટલમાં હતો જ્યાં પોલીસે મારી મુલાકાત લીધી. તેઓએ તેમનું કામ કર્યું; કંઈક લાખણપટ્ટી કરી. જો કે તેમણે મારી ધરપકડ ના કરી. તેઓએ કહ્યું: ‘તને ગોળી વાગી છે એ સજા જ તારા માટે પૂરતી છે.’''

The freedom fighter shows us the spot in his leg where a bullet wounded him in 1942. Hit just below the knee, the bullet did not get lodged in his leg, but the blow was painful nonetheless
PHOTO • P. Sainath
The freedom fighter shows us the spot in his leg where a bullet wounded him in 1942. Hit just below the knee, the bullet did not get lodged in his leg, but the blow was painful nonetheless
PHOTO • P. Sainath

સ્વાતંત્ર્ય સેનાની અમને તે નિશાન  બતાવે છે જ્યાં તેમને 1942માં ગોળી વાગી હતી, તેમના જમણા પગ પર ઘૂંટણથી થોડી નીચે. તે તેમના પગમાં ઘૂસી ગઈ નહોતી પણ દુખાવો તો ખૂબ થયેલો

શોભારામ કહે છે કે આમાં પોલીસ કોઈ દયાભાવ નહોતી બતાવી રહી. જો પોલીસે તેમની સામે કેસ દાખલ કર્યો હોત, તો તેમણે એ પણ સ્વીકારવું પડત કે તેઓએ શોભારામ પર ગોળી ચલાવી હતી. અને તેમણે પોતે કોઈ ઉત્તેજક ભાષણ કર્યું ન હતું. કે ના બીજા કોઈની સામે હિંસક વર્તન કર્યું હતું.

"અંગ્રેજો શરમના માર્યા મોં છુપાવતા હતા," તેઓ કહે છે. "અમે જીવીએ કે મરીએ તેની એમને ખરેખર ચિંતા નહોતી. લાખો લોકોના જીવ ગયા છે ત્યારે જ આ દેશને આઝાદી મળી છે. કુરુક્ષેત્રની જેમ સૂર્યકુંડ યોદ્ધાઓના લોહીથી ભરેલો હતો. આ વાત આપણે યાદ રાખવી ઘટે. આપણને આપણી આઝાદી આમ રમતાં રમતાં નથી મળી. આપણે તેના માટે કેટલું લોહી વહાવ્યું છે. કુરુક્ષેત્ર કરતાં વધુ લોહી. અને લડત માત્ર અજમેરમાં જ નહીં, દેશભરમાં છેડાઈ ચૂકી હતી.  સંઘર્ષ બધે હતો -  મુંબઈમાં, કલકત્તા [હવે કોલકાતા] માં. . .

"તે દિવસે ગોળીથી ઘાયલ થયા પછી, મેં લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો." શોભારામ કહે  છે કે, "કોને ખબર હતી કે હું સંઘર્ષમાં બચી જઈશ કે નહીં? અને હું જાણતો હતો કે  જો હું મારી જાતને સેવા [સમાજ સેવા] માટે સમર્પિત કરવા માંગતો હોઉં તો પછી કુટુંબને ન્યાય ના કરી શકું."  શોભારામ તેની બહેન શાંતિ અને તેના બાળકો અને પૌત્રો સાથે રહે છે. 75 વર્ષના એ તેમના કરતા એકવીસ વર્ષ નાના છે.

“હું તમને કંઈક કહું?” શાંતિ અમને પૂછે છે. અને એકદમ શાંત ને મક્કમ  અવાજે બોલે છે. “મારા કારણે જ આ ભાઈ હજી જીવે છે. મેં અને મારા બાળકોએ આખી જિંદગી તેમની સંભાળ રાખી છે. મારા લગ્ન 20 વર્ષની ઉંમરે થયા અને થોડા વર્ષો બાદ હું વિધવા થઇ. મારા પતિ મૃત્યુ પામ્યા ત્યારે એ 45 વર્ષના હતા. મેં હંમેશા શોભારામનું ધ્યાન રાખ્યું છે અને મને તેનો ખૂબ ગર્વ છે. હવે મારા પૌત્રો અને તેમની પત્નીઓ પણ તેમની સંભાળ રાખે છે.

"થોડા સમય પહેલાં એ ખૂબ જ બીમાર હતા. તેઓ લગભગ મરણ પથારીએ હતા એમ કહોને.  2020 માં. મેં તેમને મારા હાથમાં ઝાલીને તેમના માટે પ્રાર્થના કરી હતી ત્યારે. હવે તમે એમને જીવતા ને સ્વસ્થ જુઓ છો."

Shobharam with his family outside their home in Ajmer. In his nineties, the over six feet tall gentleman still stands ramrod straight
PHOTO • P. Sainath

શોભારામ તેમના પરિવાર સાથે અજમેરમાં તેમના ઘરની બહાર. નેવુંના દાયકામાં, છ ફૂટથી વધુ ઊંચા સજ્જન હજુ પણ એવા જ અડીખમ ભા છે

*****

તો ખાનગી કેમ્પમાં બનાવેલા બોમ્બનું પછી થતું શું?

“જ્યાં જ્યાં માંગ હતી ત્યાં અમે પહોંચ્યા. અને તે ઘણી વિશાળ હતી. મને લાગે છે કે હું આ બોમ્બ લઈને દેશના ખૂણે ખૂણે ગયો હોઈશ. અમે મોટાભાગે ટ્રેનમાં મુસાફરી કરતા. અને સ્ટેશનોથી આગળ અન્ય કોઈ પરિવહન દ્વારા. અંગ્રેજોની પોલીસ પણ અમારાથી ડરતી હતી.”

એ બોમ્બ કેવા દેખાતા હતા?

“આવા [તે પોતાની હથેળીઓ વડે નાના ગોળાકાર આકાર બનાવે છે]. આટલા મોટા - ગ્રેનેડ જેટલા. તેમને વિસ્ફોટ કરવા માટે જરૂરી જેટલો સમય લાગે એ અનુસાર એના વિવધ પ્રકાર રહેતા. કેટલાક તરત જ ધડાકા કરતા; કેટલાકને ચાર દિવસ લાગતા. અમારા નેતાઓ આ બધું સમજાવતા, આ કેવી રીતે સેટ કરવું, અને પછી અમને મોકલતા.

“એ સમયે અમારી બહુ માંગ હતી! હું કર્ણાટક ગયો છું. મૈસુર, બેંગલુરુ, તમામ શહેરમાં. ખરેખર અજમેર ભારત છોડો ચળવળનું, આઝાદીની લડતનું એક અગ્રણી કેન્દ્ર હતું. બનારસ [વારાણસી] પણ એવું જ હતું. ગુજરાતમાં વડોદરા અને મધ્યપ્રદેશમાં દમોહ જેવા બીજા ઘણા સ્થળો હતા. લોકની નજરમાં  અજમેરનું એક સ્થાન હતું અને એ લોકો કહેતા કે આ શહેરમાં આંદોલન મજબૂત છે અને તેઓ અહીંના સ્વાતંત્ર્ય  સેનાનીઓના પગલે ચાલશે. અલબત્ત, બીજા ઘણા પણ હતા."

પણ તમે સૌ તેમારી ટ્રેનની મુસાફરી કેવી રીતે કરતાં? અને પકડાઈ જવમાંથી કેમના બચતાં?  અંગ્રેજો માનતા કે આ લોકો અંગ્રેજ પોસ્ટલ સેન્સરશીપથી છટકીને  નેતાઓ વચ્ચે ગુપ્ત પત્રોની આપ-લે કરી રહ્યા હતા. અને એ લોકો એ પણ જાણતા કે કેટલાક યુવાનો બોમ્બ લઈને આવે છે.

The nonagenarian tells PARI how he transported bombs to different parts of the country. ‘We travelled to wherever there was a demand. And there was plenty of that. Even the British police were scared of us'
PHOTO • P. Sainath
The nonagenarian tells PARI how he transported bombs to different parts of the country. ‘We travelled to wherever there was a demand. And there was plenty of that. Even the British police were scared of us'
PHOTO • P. Sainath

આ સદાબહાર વ્યક્તિ PARIને જણાવે છે કે તેમણે દેશના વિવિધ ભાગોમાં બૉમ્બ કેવી રીતે પહોંચાડ્યા. 'જ્યાં માંગ હતી ત્યાં અમે પહોંચ્યા. અને તે ઘણે બધે હતી. અંગ્રેજોની પોલીસ પણ અમારાથી ડરતી હતી'

“તે દિવસોમાં ટપાલ દ્વારા આવતા પત્રો પહેલા તપાસવામાં આવતા, ખોલી ને વાંચવામાં આવતા. તેનાથી બચવા માટે, અમારા નેતાઓએ યુવાનોનું એક જૂથ બનાવેલું અને અમને ચોક્કસ જગ્યાએ પત્રો લઈ જવાની તાલીમ આપેલી. "તમારે આ પત્ર લઈને બરોડામાં ડૉ. આંબેડકરને આપવો પડશે." અથવા કોઈ અન્ય વ્યક્તિને, કોઈ અન્ય જગ્યાએ. અમે પત્રો અમારા આંતરવસ્ત્રોમાં, સાથળ વચ્ચે સંતાડીને રાખતા.

“અંગ્રેજ પોલીસ અમને રોકતી અને પ્રશ્નો પૂછતી. પછી જો તેઓ અમને ટ્રેનમાં જોઈ લે તો તેઓ એમ પણ પૂછી શકતા કે ‘તમે અમને કહ્યું હતું કે તમે તે એક જગ્યાએ જઈ રહ્યા છો પરંતુ હવે તમે કેમ બીજે ક્યાંક જઈ રહ્યા છો?’ પરંતુ અમે અને અમારા નેતાઓ જાણતા હતા કે આવું બધું થઈ શકે છે. તેથી જો અમારે બનારસ જવાનું હોય, તો અમે તે શહેરથી થોડે દૂર જ ઉતરી જતા

“અમને પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે પત્રો બનારસ પહોંચે એ જરૂરી છે. અમારા નેતાઓએ અમને સલાહ આપી: 'એ શહેરથી થોડે દૂર, તમે સાંકળ ખેંચી અને ટ્રેનમાંથી ઉતરી જજો." તેથી અમે એવું જ કર્યું.

તે દિવસોમાં ટ્રેનોમાં સ્ટીમ એન્જિન હતા. અમે એન્જિનના રૂમની અંદર જઈને રેલ ડ્રાઈવરને પિસ્તોલ બતાવતા. "પહેલાં અમે તને મારી નાખશું અને પછી જ અમે મરશું," એમ તેને ચેતવણી આપતા. તે પછી અમને ડબ્બામાં બેસવા જગ્યા મળતી. સી.આઈ.ડી., પોલીસ બધા ક્યારેક આવીને તપાસ કરતા. અને મુખ્ય બોગીમાં સામાન્ય મુસાફરોને જ બેઠેલા જોતા.

“કહ્યા મુજબ, અમે એક ચોક્કસ બિંદુએ સાંકળ ખેંચી. ટ્રેન ઘણો સમય ઉભી રહી. પછી અંધારું થયું ત્યારે કેટલાક સ્વાતંત્ર્ય સેનાનીઓ ઘોડા લઈને આવ્યા. અમે તેમના પર સવાર થઈને ભાગી ગયા. સાચું કહું તો, અમે ટ્રેન કરતા પહેલાં જ બનારસ પહોંચી ગયા!

Former Prime Minister Indira Gandhi being welcomed at the Swatantrata Senani Bhavan
PHOTO • P. Sainath

સ્વાતંત્ર્ય સેનાની ભવનમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું સ્વાગત

“એક વખત મારા નામે એક  વોરંટ હતું. અમે વિસ્ફોટક લઈ જતા પકડાઈ ગયેલા. અને ત્યારે અમે તો એ બધું ફેંકી અને નાસી છૂટેલા. પોલીસને એ મળી આવ્યા અને અમે કયા પ્રકારના વિસ્ફોટકોનો ઉપયોગ કરી રહ્યા છીએ તે જોવા માટે તેનો અભ્યાસ કર્યો. તેઓ અમારી પાછળ હતા. એટલે અમને થયું કે નક્કી આપણે અજમેર છોડવું રહ્યું. મને [એ સમયના] બોમ્બેમાં  મોકલવામાં આવ્યો.’

અને મુંબઈમાં એમને સંતાવાની જગ્યા ને આશ્રય કોણે આપ્યો?

પૃથ્વીરાજ કપૂર,' શોભારામ ગર્વથી બોલ્યા. એ મહાન અભિનેતા 1941 સુધીમાં એક ખૂબ મોટા અભિનેતા બની ચૂક્યા હતા. 1943માં તેઓ ઈન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશનના સ્થાપક સભ્ય રહ્યા હોવાનું પણ માનવામાં આવે છે, જો કે એ વાતની પુષ્ટિ કરવી મુશ્કેલ છે. કપૂર અને બોમ્બેના થિયેટરના બીજા અગ્રગણ્ય વ્યક્તિઓ સ્વાતંત્ર્ય સંગ્રામને ખૂબ જ ટેકો આપતા, અને એમાંના ઘણા લડતમાં સામેલ પણ હતાં.

“તેમણે અમને ત્રિલોક કપૂર પાસે મોકલ્યા, જે તેમના કોઈ સંબંધી હતા. મને લાગે છે કે તેમણે પાછળથી 'હર હર મહાદેવ' નામની ફિલ્મમાં અભિનય કર્યો હતો.’ શોભારામને આ ખબર ન હતી કે ત્રિલોક એ હકીકતમાં પૃથ્વીરાજનો નાનો ભાઈ હતો. તેઓ તેમના યુગના સૌથી સફળ અભિનેતાઓમાંના એક હતા. હર હર મહાદેવ એ 1950 ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી.

‘પૃથ્વીરાજે અમને થોડા સમય માટે એમની ગાડી આપી અને અમે બોમ્બે ફર્યા. હું લગભગ બે મહિના એ શહેરમાં રહ્યો. પછી અમે પાછા ગયા. બીજા કામો માટે અમારી જરૂર હતી. મને થાય છે કદાચ  હું તમને વોરંટ બતાવી શકત તો સારું હોત. તે મારા નામે હતું. અને અન્ય યુવાનોના માટે તેમના નામના વોરંટ પણ નીકળ્યા હતા.

"પરંતુ અહીં 1975માં આવેલા પૂરે બધું તબાહ કરી નાખ્યું છે," કહેતા તેઓ અત્યંત ઉદાસ થઇ જાય છે. "મારા બધા કાગળો એમાં ગયા. કેટકેટલા પ્રમાણપત્રો પણ, જવાહરલાલ નેહરુ પાસેથી મળેલ એ સુદ્ધાં. જો તમે તે કાગળો જોયા હોત તો તમે ઘેલા થઈ ગયા હોત. પણ બધું ધોવાઈ ગયું."

*****

Shobharam Gehervar garlands the statue in Ajmer, of one of his two heroes, B. R. Ambedkar, on his birth anniversary (Ambedkar Jayanti), April 14, 2022
PHOTO • P. Sainath
Shobharam Gehervar garlands the statue in Ajmer, of one of his two heroes, B. R. Ambedkar, on his birth anniversary (Ambedkar Jayanti), April 14, 2022
PHOTO • P. Sainath

શોભારામ ગહરવારે 14 એપ્રિલ, 2022 ના રોજ તેમના બે નાયકોમાંના એક બી.આર. આંબેડકરની પ્રતિમાને તેમની જન્મજયંતિ પર અજમેરમાં માળા પહેરાવી

“મારે ગાંધી અને આંબેડકર વચ્ચે પસંદગી  શા માટે કરવી જોઈએ? હું ધારું તો બંનેને  પસંદ કરી શકું, કેમ નહીં?”

અમે અજમેરમાં આંબેડકરની પ્રતિમા પાસે છીએ. આ મહાપુરુષની આજે 131મી જન્મજયંતિ છે  અને અમે શોભારામ ગેહરવાલને અહીં અમારી સાથે લાવ્યા છીએ. આ વૃદ્ધ ગાંધીવાદીએ અમને વિનંતી કરી હતી કે અમે તેમને આ સ્થળે લઇ આવીએ જેથી તેઓ પ્રતિમાને હાર પહેરાવી શકે. જ્યારે અમે પૂછ્યું કે આઝાદીના બે મહાનુભાવો વચ્ચે એ ક્યાં છે.

તેમણે પહેલાં જે વાત એમના ઘેર કરી હતી એ જ થોડી જૂદી રીતે રજૂ કરી. ‘જુઓ, બિરદાવવા લાયક કામ તો આંબેડકર અને ગાંધી બંનેએ કર્યાં છે. ગાડીને એક જગ્યાએથી બીજે લઇ જવા માટે તેને બંને બાજુ બે પૈડાંની જરૂર પડે છે. તો આમાં વિરોધાભાસ ક્યાં છે? જો મને મહાત્માના કેટલાક સિદ્ધાંતો ઠીક લાગ્યા, તો મેં તેનું પાલન કર્યું. જ્યાં મને આંબેડકરના દર્શનમાં દિશા મળી, ત્યાં મેં તેનું પાલન કર્યું.’

તેઓ કહે છે કે ગાંધી અને આંબેડકર બંને અજમેરની મુલાકાતે ગયા હતા. આંબેડકરના કિસ્સામાં, “અમે તેમને રેલ્વે સ્ટેશન પર મળીને હાર પહેરાવેલો.  એટલે એ સમયે તેમની ટ્રેન બીજે ક્યાંક જતી હતી અને વચ્ચે અહીં જ ઉભી રહેલી.’ શોભારામ ખૂબ નાની ઉંમરમાં બંનેને મળ્યા હતા.

“1934માં, જ્યારે હું હજી ઘણો નાનો હતો, ત્યારે મહાત્મા ગાંધી અહીં આવેલા. અહીં, જ્યાં આપણે અત્યારે બેઠા છીએ ત્યાં જ. આ જ જાદુગર બસ્તીમાં [જાદુગરની કોલોની].” ત્યારે શોભારામ માંડ 8 વર્ષના હશે.

"આંબેડકરની વાત કરું તો, હું એકવાર અમારા નેતાઓ તરફથી તેમના માટે કેટલાક પત્રો લઈને બરોડા [હવે વડોદરા] ગયો હતો. પોલીસ પોસ્ટ ઓફિસમાં અમારા પત્રો ખોલતી. તેથી અમે વ્યક્તિગત રીતે મહત્વપૂર્ણ કાગળો અને પત્રો લઈ જતા હતા. તે સમયે, તેમણે મારા માથે ટપલી મારી ને પૂછેલું, "તું અજમેરમાં રહે છે કે?"

Postcards from the Swatantrata Senani Sangh to Shobharam inviting him to the organisation’s various meetings and functions
PHOTO • P. Sainath
Postcards from the Swatantrata Senani Sangh to Shobharam inviting him to the organisation’s various meetings and functions
PHOTO • P. Sainath
Postcards from the Swatantrata Senani Sangh to Shobharam inviting him to the organisation’s various meetings and functions
PHOTO • P. Sainath

સ્વાતંત્ર્ય સેનાની સંઘ તરફથી શોભારામને સંસ્થાની વિવિધ સભાઓ અને કાર્યોમાં આમંત્રણ આપતા પોસ્ટકાર્ડ

શું તેમને ખબર હતી કે શોભારામ કોળી સમાજનો છે?

"મેં  હા કહી એમને. પરંતુ તેમણે એ વિશે વધારે વાત કરી ન હતી. તેઓ  મારી સ્થિતિ સમજી ગયેલા. તેઓ અત્યંત શિક્ષિત વ્યક્તિ હતા. તેમણે મને કહ્યું કે જો ક્યારેય મને જરૂર પડે તો હું તેમને પત્ર લખી શકું."

શોભારામને તમે ‘દલિત’ કહો કે  ‘હરિજન’ એમને કોઈ વાંધો નથી. “કોઈ કોળી હોય તો હોય. આપણે આપણી જાતિ શા માટે છુપાવવી જોઈએ? આપણે હરિજન કહીએ કે દલિત એનાથી કોઈ ફેર નથી પડતો. તમે જે નામકરણ કરો  તે, છેવટે તો તે બધા અનુસૂચિત જાતિ જ રહે છે.”

શોભારામના માતા-પિતા મોટે ભાગે રેલ્વે પ્રોજેક્ટની આસપાસ મજૂરી કરતા હતા.

“દરેક વ્યક્તિ દિવસમાં માત્ર એકવાર જમતું,' તેઓ કહે છે. ‘અને આ પરિવારમાં ક્યારેય દારૂ નહોતો.’ તેઓ એમના સમાજ વિષે વાત કરતા અમને યાદ કરાવે છે કે તેઓ પોતે પણ  એ જ સમુદાયમાંથી છે, ‘જેમાંથી [હવે ભૂતપૂર્વ] ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવે છે. તેઓ એક સમયે અમારા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ હતા."

શોભારામના સમુદાયને શિક્ષણમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો. કદાચ એનું મુખ્ય કારણ હતું કે તેમનો શાળામાં મોડા પ્રવેશ. તેઓ કહે છે, “હિન્દુસ્તાનમાં ઉચ્ચ જાતિઓ, બ્રાહ્મણો, જૈનો, અન્ય લોકો અંગ્રેજોના ગુલામ બનીને રહેતા હતા. આ એવા લોકો હતા જેઓ હંમેશા અસ્પૃશ્યતા પાળતા હતા.

“જો તે સમય કોંગ્રેસ પક્ષ અને આર્ય સમાજ ના હોત તો  હું તમને કહું છું કે, અહીંના મોટાભાગના અનુસૂચિત જાતિના લોકોએ ઈસ્લામ ધર્મ અપનાવ્યો હોત. જો આપણે જૂની રીતો પર ચાલ્યા હોત તો આપણને આઝાદી મળી જ ના હોત.

The Saraswati Balika Vidyalaya was started by the Koli community in response to the discrimination faced by their students in other schools. Shobharam is unhappy to find it has been shut down
PHOTO • P. Sainath

કોળી સમાજ દ્વારા અન્ય શાળાઓમાં વિદ્યાર્થીઓ સાથે થતા ભેદભાવના પ્રતિભાવ રૂપે સરસ્વ તિ બાલિકા વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. આજે શાળાને બંધ કરી દેવામાં આવી છે તે જાણીને શોભારામ  દુઃખી છે

The school, which once awed Mahatma Gandhi, now stands empty and unused
PHOTO • P. Sainath

એક સમયે મહાત્મા ગાંધીની આરાધના કરતી શાળા હવે ખાલી અને અવાવરુ છે

“જુઓ, તે સમયે શાળાઓમાં કોઈ અસ્પૃશ્યોને પ્રવેશ આપતા નહીં. લોકો કહેતા કે તે કંજર છે, અથવા તે ડોમ છે ને એવું બીજું ઘણું કહીને અમને બાકાત રાખવામાં આવ્યા હતા. હું છેક 11 વર્ષની આસપાસ પહેલા ધોરણમાં ગયો હોઈશ. કારણ કે તે સમયના આર્ય સમાજના લોકો ખ્રિસ્તીઓનો સામનો કરવાનો પ્રયાસ કરતા હતા. લિંક રોડ પાસેના વિસ્તારમાંથી મારી જ્ઞાતિના ઘણા લોકો ખ્રિસ્તી ધર્મ અપનાવવા લાગેલા. તેથી, કેટલાક હિંદુ સંપ્રદાયોએ અમને સ્વીકારવાનું શરૂ કર્યું, અમને દયાનંદ એંગ્લો વૈદિક [DAV] શાળાઓમાં જોડાવા માટે પણ પ્રોત્સાહિત કર્યા.’

પરંતુ ભેદભાવ દૂર થશે નહીં વિચારીને કોળી સમાજે પોતાની શાળા શરૂ કરી.

“ત્યાં જ ગાંધીજી આવ્યા હતા, સરસ્વતિ બાલિકા વિદ્યાલયમાં. તે અમારા સમુદાયના વડીલોએ શરૂ કરેલી શાળા હતી. તે હજુ પણ કાર્યરત છે. ગાંધીજી અમારા કામથી પ્રભાવિત  હતા. ‘તમે બહુ સારું કામ કર્યું છે. મેં જે અપેક્ષા રાખી હતી તેનાથી તમે ઘણા આગળ નીકળી ગયા છો,’ તેમણે કહ્યું.

'અમારા કોળીઓ દ્વારા શરૂ કરવામાં આવી હોવા છતાં શાળામાં અન્ય જ્ઞાતિઓના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. શરૂઆતમાં, બધા વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતિના હતા. પાછળથી, અન્ય સમુદાયના ઘણા લોકો શાળામાં જોડાયા. છેવટે અગ્રવાલ [સવર્ણ] જ્ઞાતિના લોકોએ સ્કૂલની સત્તા પોતાના હાથમાં લઇ લીધી. નોંધણી અમારી પાસે હતી. પણ વહીવટ બધો એ લોકોના હાથમાં." શોભારામ આજે પણ એ શાળાની મુલાકાત લે છે કાં લેતા હતા. કોવિડ 19ની મહામારીને કારણે બધી શાળાઓ બંધ થઇ ગઈ હતી.

‘હા, હું હજી પણ ત્યાં જઉં  છું. પરંતુ શાળા હવે એ  [ઉચ્ચ જાતિના] લોકો જ ચલાવે છે. તેઓએ બી.એડ. ની કોલેજ પણ શરુ કરી છે.

“હું બસ નવમી પાસ છું. અને મને તેનો ઘણો અફસોસ છે. મારા કેટલાક મિત્રો આઝાદી પછી IAS ઓફિસર બન્યા. બીજા મિત્રો પણ સફળતાનાં મોટાં શિખરો સર કરતા ગયા. પણ મેં મારી જાતને સેવામાં સમર્પિત કરી દીધી હતી.”

Former President of India, Pranab Mukherjee, honouring Shobharam Gehervar in 2013
PHOTO • P. Sainath

2013 માં શોભારામ ગેહરવરનું સન્માન કરતા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, પ્રણવ મુખર્જી

શોભારામ દલિત અને સ્વ-ઘોષિત ગાંધીવાદી છે. તેઓ ડૉ. આંબેડકરની પણ દિલથી પ્રશંસા કરે છે અને અમને કહે છે કે  "હું ગાંધીવાદ અને ક્રાંતિવાદ બંનેનો સમર્થક હતો. એ બંને ગાઢ રીતે જોડાયેલા હતા.’ તેથી, મુખ્યત્વે ગાંધીવાદી હોવા છતાં, તેઓ ત્રણ રાજકીય પ્રવાહો સાથે જોડાયેલા હતા.

શોભારામ ગાંધીને ગમે એટલો  પ્રેમ કરે ને એમની  પ્રશંસા કરે છે, પણ એ તેમને ટીકાથી પર નથી ગણતા. ખાસ કરીને આંબેડકરના સંબંધમાં.

‘ગાંધીને જ્યારે આંબેડકરના પડકારનો સામનો કરવાનો આવ્યો ત્યારે તેઓ ડરી ગયા હતા. ગાંધીજીને ડર હતો કે તમામ અનુસૂચિત જાતિઓ બાબાસાહેબ સાથે જઈ રહી છે. નેહરુને પણ એવું જ લાગ્યું હતું. તેઓ ચિંતીત હતા કે આનાથી મોટી લડત નબળી પડી જશે. તેમ છતાં, તેઓ બંને જાણતા હતા કે બાબાસાહેબ એક ખૂબ જ સક્ષમ વ્યક્તિ છે. જ્યારે દેશને આઝાદી મળી ત્યારે દેશના તમામ લોકો આ સંઘર્ષને લઈને ચિંતિત હતા.

“તેઓ જાણતા હતા કે આંબેડકર વિના કાયદા અને બંધારણ લખવું શક્ય નથી. તે માટે તેઓ એકમાત્ર સક્ષમ વ્યક્તિ હતા. તેમની એ ભૂમિકા માટે એમણે ભીખ માંગી ન હતી. ઉલટું બીજા બધાએ એમને આજીજી કરી હતી કે દેશના કાયદાનું માળખું તમે તૈયાર કરો. તે બ્રહ્મા જેવા હતા જેમણે આ વિશ્વનું સર્જન કર્યું. એક તેજસ્વી, વિદ્વાન માણસ. અને તેમ છતાં, આપણે, હિન્દુસ્તાની પ્રજા ખૂબ ભયાનક હતી. 1947ની  પહેલાં અને પછી આપણે  તેમની સાથે ખૂબ જ નિંદનીય વર્તન કર્યું હતું. એટલે સુધી કે સ્વાતંત્ર્ય ચળવળની વાર્તામાંથી પણ એમને ઘણીવાર બાકાત રાખવામાં આવ્યા હતા. હા, પણ આજે ય તેઓ મારા માટે પ્રેરણારૂપ છે.”

શોભારામ એમ પણ કહે છે, ‘હું દિલથી કોંગ્રેસી છું. એક સાચો કોંગ્રેસમેન.’ જેનો અર્થ છે પાર્ટીની વર્તમાન દિશાની ટીકા કરવાવાળો. તેમનું માનવું છે કે ભારતનું વર્તમાન નેતૃત્વ આ દેશને સરમુખત્યારશાહીમાં ફેરવી દેશે. અને તેથી ‘કોંગ્રેસે પોતાને પુનર્જીવિત કરવી રહી જેથી બંધારણ અને દેશનું રક્ષણ થાય.’ તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના સૌથી વધુ વખાણ કરે છે. 'એમને લોકોની ચિંતા છે. તે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને શોધે છે.’ આ રાજ્યમાં સ્વાતંત્ર્ય સેનાનીનું પેન્શન દેશમાં સૌથી વધુ છે. સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે સૌથી વધુ કેન્દ્રીય પેન્શન રૂ. 30,000 છે. ગેહલોત સરકારે માર્ચ 2021માં તેને વધારીને રૂ. 50,000 કર્યું છે.

આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને નીચે ઉતરતા પણ શોભારામ કહે છે કે તેઓ ગાંધીવાદી છે.

જુઓ, મને જે ગમતા એ લોકોને જ હું અનુસરતો. હું જે કોઈ સાથે સહમત થયો એ સૌના વિચારોને હું અનુસર્યો છું. અને એવા  ઘણા હતા. આમ કરવામાં, આમાંથી કોઈને અનુસરવામાં મને ક્યારેય કોઈ આપત્તિ જણાઈ નથી.”

*****

‘This [Swatantrata Senani] bhavan was special. There was no single owner for the place. There were many freedom fighters, and we did many things for our people,’ says Gehervar. Today, he is the only one looking after it
PHOTO • Urja

‘આ [સ્વાતંત્ર્ય સેનાની] ભવન વિશેષ હતું. આ જગ્યાનો કોઈ એક પણ માલિક નહોતો. ત્યાં ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા, અને અમે અમારા લોકો માટે ઘણાં કામ કર્યાં હતા,’ ગેહરવાર કહે છે. આજે તેઓ જ તેની સંભાળ રાખે છે

શોભારામ ગહેરવર અમને સ્વાતંત્ર્ય સેનાની ભવન - અજમેરમાં જ્યાં સ્વાતંત્ર્ય સેનાનીઓ એકત્ર થતાં એ જુના અડ્ડા તરફ લઈ જાય છે. આ જગ્યા એક ધમધમતા  બજારની વચોવચ છે. હું આ નાની ગલીઓમાં થઈને દોડી જતા, ભર ટ્રાફિકને ચીરી નીકળતા વૃદ્ધ સજ્જન સાથે ગતિ જાળવી રાખવા સખત પ્રયાસમાં છું. એ વગર લાકડીએ ઝપાટાબંધ ડગલાં ભરતા આગળ વધે છે.

એ સમય આવશે જ્યારે અમે તેમને થોડા મૂંઝાયેલા અને સમજવા મથતા પણ જોઈશું પણ એની હજી વાર છે. ત્યારે  જ્યારે અમે જે શાળા પર એમને ખૂબ ગર્વ હતો એની મુલાકાત લઈશું ને દીવાલ પર હાથેથી લખાયેલી એ સૂચનાના એ શબ્દોને વાંચીશું, શબ્દશઃ ‘સરસ્વતી સ્કૂલ બંધ પડા હૈ,’ (‘સરસ્વતી સ્કૂલ બંધ છે’). શાળા ને કોલેજ બંને  બંધ કરી દેવામાં આવ્યા છે. કાયમ માટે, ચોકીદાર અને આસપાસના અન્ય લોકોના કહેવા મુજબ. તે ટૂંક સમયમાં માત્ર મૂલ્યવાન રિયલ એસ્ટેટ બનીને રહી જશે.

પણ અત્યારે સ્વાતંત્ર્ય સેનાની ભવનમાં તેઓ થોડા યાદોમાં ખોવાયેલા, ઉદાસ અને વિચારમગ્ન છે.

15મી ઓગસ્ટ 1947ના રોજ જ્યારે તેમણે લાલ કિલ્લા પર ભારતનો ધ્વજ ફરકાવ્યો ત્યારે અમે પણ અહીં તિરંગો લહેરાવ્યો હતો. અમે આ ભવનને નવવધૂની જેમ શણગાર્યું હતું. અને અમે બધા સ્વાતંત્ર્ય સેનાનીઓ ત્યાં હાજર હતા. ત્યારે પણ અમે હજુ યુવાન હતા અને થોડા હરખઘેલા પણ.

“આ ભવન કંઈક વિશેષ હતું. આ જગ્યાનો કોઈ એક માલિક નહોતો. અમે ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા અને અમે અમારા લોકો માટે ઘણું બધું કરતાં. અમે ક્યારેક દિલ્હી જતા અને નેહરુને મળતા. બાદમાં અમે ઈન્દિરા ગાંધીને મળ્યા. હવે, એ લોકોમાંનું કોઈ જીવિત નથી.

અમારી સાથે ઘણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા. ઘણા બધા સાથે મેં ક્રાંતિ તરફનું કામ કર્યું. અને ઘણાની સાથે સેવાનું.’ તે નામોથી યાદી ગણાવે છે.

‘ડૉ સરદાનંદ, વીર સિંહ મહેતા, રામ નારાયણ ચૌધરી. રામ નારાયણ એ દૈનિક નવજ્યોતિના સંપાદક દુર્ગા પ્રસાદ ચૌધરીના મોટા ભાઈ હતા. એક અજમેરનો ભાર્ગવ પરિવાર હતો. મુકુટ બિહારી ભાર્ગવ એ આંબેડકરના નેતૃત્વમાં બંધારણનો મુસદ્દો તૈયાર કરનારી સમિતિના સભ્ય હતા. તે બધામાંનું કોઈ  હવે રહ્યું નથી. આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક ગોકુલભાઈ ભટ્ટ હતા. તેઓ 'રાજસ્થાનના ગાંધી' હતા. ભટ્ટ થોડા સમય માટે સિરોહીના રજવાડાના મુખ્ય પ્રધાન હતા પરંતુ સામાજિક સુધારણા અને સ્વતંત્રતા માટે લડવા માટે તેમણે સત્તાનો ત્યાગ કર્યો હતો.

The award presented to Shobharam Gehervar by the Chief Minister of Rajasthan on January 26, 2009, for his contribution to the freedom struggle
PHOTO • P. Sainath

26 જાન્યુઆરી, 2009ના રોજ રાજસ્થાનના મુખ્યમંત્રી દ્વારા શોભારામ ગહેવારને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાન બદલ એવોર્ડ આપવામાં આવ્યો

શોભારામ ભારપૂર્વક જણાવે છે કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ  (RSS) ના સેવકોમાંથી કોઈની પણ ભૂમિકા નહોતી.

“વોહ? ઉન્હોંને તો ઊંગલી ભી નહીં કટવાઈ. ('એ લોકો? અરે એમણે તો આંગળી સુદ્ધાં નથી કપાવી')."

આજે કોઈ એક વાત હોય જે એમના હૈયાને કોરી ખાતી હોય તો એ છે  સ્વાતંત્ર્ય સેનાની ભવનનું ભાગ્ય.

“હવે મારી ઉંમર થઇ છે. હું દરરોજ અહીં આવી શકતો નથી. પણ જો હું સ્વસ્થ હોઉં, તો હું ઓછામાં ઓછો એક કલાક અવશ્ય આવીને બેસું છું. અહીં આવતા લોકોને મળું છું, અને થઇ શકે ત્યારે ને તેટલો એમની મુશ્કેલીઓનો હલ શોધવાનો પ્રયાસ કરું છું.

‘મારી સાથે હવે કોઈ રહ્યું નથી. આજકાલ હું સાવ એકલો થઇ ગયો છું. મોટાભાગના સ્વાતંત્ર્ય સેનાનીઓ મૃત્યુ પામ્યા છે. અને જે થોડા ઘણા હજુ જીવે છે તેઓ કાં તો સાવ અશક્ત છે કાં બીમાર છે. એટલે આ સ્વાતંત્ર્ય સેનાની ભવનની સંભાળ રાખનાર હું એકલો જ છું. આજે પણ, હું તેને એટલું જ ચાહું છું, અને એને સાચવવાનો પ્રયત્ન કરું છું. પરંતુ મારી સાથે કોઈ રહ્યું નથી એ વિચારે મારી આંખો ભરાઈ આવે છે.

‘મેં મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને પત્ર લખ્યો છે. આ ભવન કોઈ બીજું કબજે કરે તે પહેલા તેઓ એનો ભાર સંભાળી લે.

“આ જગ્યાના કરોડો ઉપજે. અને આ શહેરની બરાબર મધ્યમાં છે. ઘણા લોકો મને લલચાવવાનો પ્રયાસ કરે છે. કહે છે, 'શોભારામજી, તમે એકલા શું કરી શકો એમ છો? તે [આ મિલકત] અમને આપો. અમે તમને કરોડો રૂપિયા રોકડા આપીશું.' હું તેમને કહું છું કે મારા મર્યા પછી કરજો જે કરવું હોય તે. પછી હું શું કરી શકીશ? પણ અત્યારે તો એ લોકોના કહ્યા પ્રમાણે કેમનો ચાલું? આના માટે, આપણી આઝાદી માટે લાખો લોકોએ જાન ગુમાવ્યા છે. અને આટલા બધા પૈસાનું હું કરીશ શું?

“અને હું આ વાત તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું. આજે કોઈને અમારી પરવા નથી. સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે કોઈ પૂછતું પણ નથી. એવું એક પણ પુસ્તક નથી કે જે શાળાના બાળકોને કહેતું હોય કે અમે કેવી રીતે આ દેશની આઝાદી માટે લડ્યા અને કેમની હાંસિલ કરી. શું જાણે છે લોકો અમારાં વિષે?"

આ લેખ ઝેન ઓપસ પબ્લિશર્સ દ્વારા પ્રકાશિત થનાર ગુજરાતી પ્રતમાંથી.

અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya