પૂર્વીય ભારતના દરિયાકિનારે સવારના 3 વાગ્યા છે. રામોલુ લક્ષ્મૈય્યા હાથબત્તીના અજવાળે ઓલિવ રિડલી કાચબાના ઇંડા શોધી રહ્યા છે. એક લાંબી લાકડી અને એક ડોલ સાથે તેઓ ધીમે ધીમે જાલારીપેટા અને આર.કે. બીચમાં તેમના ઘર વચ્ચેના ટૂંકા, રેતાળ રસ્તાને ઓળંગે છે.
માદા ઓલિવ રિડલી કાચબા તેમના ઇંડા મૂકવા માટે કિનારે આવે છે અને વિશાખાપટ્ટનમનો ઢોળાવવાળા કિનારાઓ સાથેનો રેતાળ દરિયાકિનારો તેમને માળો બાંધવા માટે એક આદર્શ સ્થળ પૂરું પાડે છે; 1980ના દાયકાની શરૂઆતથી તેમને અહીં જોવામાં આવી રહ્યા છે. જો કે, થોડા કિલોમીટર ઉત્તર દિશામાં, ઓડિશાના દરિયાકાંઠે આ કાચબાઓની માદાઓના ઇંડા મૂકવાના દેશભરના સૌથી મોટા સામૂહિક સ્થળો છે. માદા કાચબા એક સમયે 100-150 ઇંડા મૂકે છે અને તેમને રેતીના ખાડામાં ઊંડે સુધી દાટી દે છે.
લક્ષ્મૈય્યા લાકડીથી ભીની રેતીની કાળજીપૂર્વક તપાસ કરતાં સમજાવે છે, “જ્યારે રેતી ઢીલી લાગવા લાગે, ત્યારે તેનો અર્થ છે કે માદા કાચબાએ તેના ઇંડા અહીં મૂક્યા છે.” લક્ષ્મૈય્યાની સાથે આંધ્રપ્રદેશમાં અન્ય પછાત વર્ગ તરીકે સૂચિબદ્ધ જાલારી સમુદાયના માછીમારો કરી જાલ્લીબાબુ, પુટ્ટીયાપાના યેરન્ના અને પુલ્લા પોલારાવ છે. 2023માં તેમણે મરીન ટર્ટલ કન્ઝર્વેશન પ્રોજેક્ટ હેઠળ ઓલિવ રિડલી કાચબાના ઇંડાના સંરક્ષણના પ્રયાસના ભાગરૂપે આંધ્રપ્રદેશ વન વિભાગ (એ.પી.એફ.ડી.) સાથે ગાર્ડ તરીકે પાર્ટ-ટાઇમ કામ હાથ ધર્યું હતું.
ઓલિવ રિડલી કાચબા (લેપિડોચેલીસ ઓલિવેસિયા) ને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (આઇ.યુ.સી.એન.)ની રેડ લિસ્ટમાં ‘સંવેદનશીલ પ્રજાતિ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તથા ભારતીય વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 (1991માં સંશોધિત) ની અનુસૂચિ-1 હેઠળ સંરક્ષિત કરવામાં આવ્યા છે.
વિશાખાપટ્ટનમના કંબાલકોંડા વન્યજીવ અભયારણ્યના પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ યગ્નપતિ અદારી કહે છે કે દરિયાકાંઠાના વિનાશ જેવા અનેક પરિબળોને કારણે કાચબા જોખમમાં મૂકાયા છે, “ખાસ કરીને વિકાસના નામે ઇંડા મૂકવાની જગ્યાઓ તેમજ આબોહવા પરિવર્તનને કારણે દરિયાઈ વસવાટોમાં નુકસાનના લીધે.” દરિયાઈ કાચબાનો તેમના માંસ અને ઇંડા માટે પણ શિકાર કરવામાં આવે છે.















