પારિવારિક બજેટનું આયોજન કરતી વખતે પોતાના સંઘર્ષ વિશે વાત કરતા બબીતા મિત્રા કહે છે, “મારે હંમેશા પૈસાની તંગી રહે છે. હું ખોરાક માટે પૈસા અલગ રાખું છું અને છેવટે તેનો ઉપયોગ દવાઓ માટે કરવા વારો આવે છે. મારા છોકરાઓના ટ્યુશનના પૈસા રાશન ખરીદવામાં વપરાઈ જાય છે. અને દર મહિને મારે મારા માલિકો પાસેથી પૈસા ઉધાર લેવા પડે છે...”
ઘરકામ કરવાવાળા બહેન તરીકે કામ કરતા 37 વર્ષના આ મહિલા વર્ષે માંડ 1 લાખ રુપિયા કમાય છે, કોલકાતાના કાલિકાપુર વિસ્તારમાં બે પરિવારોના કામમાંથી મળતી આ તેમની સંયુક્ત આવક છે. તેઓ માત્ર 10 વર્ષની ઉંમરે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના આસનનગરથી આ શહેરમાં સ્થળાંતરિત થયા હતા. "મારા માતા-પિતાને ત્રણ બાળકોને ઉછેરવાનું પોસાતું નહોતું. તેથી મને, મૂળ અમારા જ ગામના, કોલકાતામાં રહેતા, એક પરિવારમાં કામ કરવા મોકલી દેવામાં આવી હતી."
ત્યારથી, બબીતા ઘણા પરિવારોમાં ઘરકામ કરવાવાળા બહેન તરીકે કામ કરે છે. તેમના કોલકાતા વસવાટ દરમિયાન જાહેર થયેલ 27-27 કેન્દ્રીય બજેટ પછી પણ તેમને માટે અથવા (સત્તાવાર આંકડા મુજબ) ભારતના 42 લાખથી વધુ ઘરેલુ નોકરો માટે ઝાઝું કંઈ બદલાયું નથી. સ્વતંત્ર અંદાજ પ્રમાણે ભારતમાં ઘરેલુ નોકરોની સંખ્યા 5 કરોડને વટાવી જાય છે.
2017 માં, બબીતાએ દક્ષિણ 24 પરગણાના ઉચ્છેપોટા પંચાયતના ભગવાનપુર વિસ્તારમાં રહેતા 40 વર્ષના અમલ મિત્રા સાથે લગ્ન કર્યા હતા. એક ફેક્ટરીમાં દાડિયા મજૂર તરીકેનું કામ કરતા તેમના પતિનો ઘર ચલાવવામાં ખાસ કોઈ ફાળો નહોતો તેથી બબીતાની જવાબદારીઓ વધી ગઈ હતી. બબીતા અને અમલ ઉપરાંત 5 અને 6 વર્ષના બે દીકરા, 20 વર્ષની સાવકી દીકરી, બબીતાના સાસુ મળીને - છ લોકોના પરિવારનું ગુજરાન મોટાભાગે બબીતાની આવક પર જ ચાલે છે.
4 થા ધોરણમાંથી અધવચ્ચે શાળા છોડી દેનાર બબીતા ભારતમાં ‘જેન્ડર બજેટિંગ’ ના બે દાયકા વિષે કે પછી 2025-26 ના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામનના મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસના વિચાર વિષે ઝાઝું જાણતા નથી. પરંતુ બબીતાનો રોજબરોજનો અનુભવ સાથે જોડાયેલું શાણપણ તેમના પ્રતિભાવમાં સ્પષ્ટ જણાઈ આવે છે: "મુશ્કેલ સમયમાં મદદ મેળવવા જવા માટે મહિલાઓ પાસે કોઈ સ્થાન ન હોય તો પછી મહિલાઓ માટે આટલું બધું કરવાની બડાઈ મારતા આ બજેટનો અર્થ શો છે?" કોવિડ-19 મહામારી દરમિયાન થયેલી તેમની અગ્નિપરીક્ષા જેવી કસોટીની યાદો હજી આજે પણ જરાય ઝાંખી થઈ નથી, એ યાદો તેમના મનમાં આજે પણ એટલી જ સ્પષ્ટ છે.
![](/media/images/02a-IMG20250203132847-SK-Sarkar_makes_such.max-1400x1120.jpg)
![](/media/images/02b-IMG20250203133738-SK-Sarkar_makes_such.max-1400x1120.jpg)
કોવિડ-19 મહામારી દરમિયાન પોતાના કષ્ટદાયક સમયનો વિચારતી વખતે બબીતા મિત્રાની આંખો આંસુથી ભરાઈ જાય છે. તેમની ગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ મહિનામાં તેમનેસરકાર તરફથી કોઈ ખાસ મદદ મળી નહોતી અને ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ (આઈસીડીએસ) હેઠળ પોષણ અને પ્રોટીન સપ્લિમેન્ટ્સ પણ મળ્યા નહોતા, પરિણામે તેમનામાં વિટામિનની ઉણપ ઊભી થઈ હતી, જેના ચિહ્નો હજી પણ તેમના શરીર પર જોઈ શકાય છે
![](/media/images/03a-IMG20250203132920-SK-Sarkar_makes_such.max-1400x1120.jpg)
![](/media/images/03c-IMG20250203132155-SK-Sarkar_makes_such.max-1400x1120.jpg)
શાળામાં ભણતા બે નાના છોકરાઓના માતા બબીતા કોલકાતામાં બે પરિવારોમાં ઘરકામ કરવાવાળા બહેન તરીકે કામ કરીને તેમાંથી થતી નાની આવક સાથે ભારે મુશ્કેલીઓનો સામનો કરે છે. મહિલા-કેન્દ્રિત હોવાની બડાઈ હાંકતું આ બજેટ જો તેમના જેવી મહિલાઓને મુશ્કેલ પરિસ્થિતિમાં મદદ ન કરી શકે તો એવા બજેટનો તેમના મતે કોઈ અર્થ નથી
“ ઓટા આમાર જીબોનેર શોબચેયે ખરાપ શોમય. પેટે તોખોન દ્વિતીયો શોંતાન, પ્રોથોમ જોન તોખોનો આમાર દૂધ ખાયે..શોરીરે કોનો જોર છિલો ના . [તે મારા જીવનનો સૌથી ખરાબ સમય હતો. હજી તો પહેલું બાળક મારું દૂધ પીતું હતું અને હું મારા બીજા બાળક સાથે ગર્ભવતી હતી. મારા શરીરમાં બિલકુલ તાકાત નહોતી"]. આ વાત કરતી વખતે હજી આજેય તેમને ગળે ડૂમો બાઝી જાય છે, " હું કેવી રીતે જીવતી રહી રામ જાણે."
તેઓ કહે છે, "સખાવતી સંસ્થાઓ અને કેટલાક દયાળુ લોકો દ્વારા વિતરણ કરાતું રાશન મેળવવા ગર્ભાવસ્થાના છેલ્લા મહિનામાં આટલા મોટા પેટ સાથે મારે માઈલોના માઈલો ચાલીને લાંબી લાઈનોમાં ઊભા રહીને રાહ જોવી પડતી."
તેઓ કહે છે, “સરકારે તો [પીડીએસ હેઠળ] માત્ર 5 કિલોગ્રામ મફત ચોખા આપીને હાથ ધોઈ નાખ્યા હતા. સગર્ભા મહિલાઓ જે મેળવવા માટે હકદાર છે એ દવાઓ અને ખોરાક [પોષણ અને પ્રોટીન સપ્લિમેન્ટ્સ] પણ મને મળ્યા નહોતા." મહામારીના દિવસોમાં કુપોષણને કારણે થયેલ એનિમિયા અને કેલ્શિયમની ઉણપના ચિહ્નો હજી પણ તેમના હાથ અને પગ પર જોઈ શકાય છે.
"એક ગરીબ મહિલા કે જેને તેના માતા-પિતા અથવા તેના પતિના પરિવાર તરફથી કોઈ મદદ ન મળી શકે તેમ ન હોય, તેની સંભાળ સરકારે લેવી જોઈએ." અને પછીથી આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને 12 લાખ રુપિયા સુધીની કરવામાં આવી તે અંગે ટોણો મારતા કહે છે: “અમારું શું? અમે જે કંઈ પણ ખરીદીએ છીએ તેના પર અમે કર ચૂકવતા નથી? સરકાર ખાલી મોટી મોટી વાતો કરે છે, બધા પૈસા તો અમે જે ખાજ્ના (કર) ચૂકવીએ છીએ તેમાંથી જ આવે છે." આટલું કહી તેઓ એક માલિકના છજામાં સુકાઈ રહેલાં કપડાં ઉતારવા માટે થોભે છે.
અને અમારી ચર્ચા પર પૂર્ણવિરામ મૂકે છે: "સરકાર જે અમારું છે તે જ અમને આપે છે અને પછી તેને માટે કેટલો બધો હોબાળો કરે છે!"
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક