તે દોડવું જાણે છે. તેઓ તાલીમ આપવું જાણે છે.

અને એટલે જયંત તાંડેકરે પોતાના બે રૂમના ભાડાના ઘરના બારણાં તેને માટે ખુલ્લાં મૂક્યાં અને તેને પોતાની પાંખમાં લીધી.

તાંડેકર આઠ વર્ષની ઉર્વશીની પ્રતિભાના ઘડતર દ્વારા તેમનું પોતાનું સપનું જીવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ વાર્તા છે ઓછા પૈસા પણ દ્રઢ સંકલ્પ સાથે મોટા સપના જોવાનો પ્રયાસ કરતા એક ગ્રામીણ બાળક, તેના માતા-પિતા અને એક યુવા ખેલકૂદ પ્રશિક્ષકની.

બે વર્ષ પહેલાં ઉર્વશી નિમ્બાર્તે તાંડેકર પાસે આવી ત્યારે તે આઠ વર્ષની હતી. તાંડેકર ભંડારા શહેરને સીમાડે એક નાનકડા ભાડાના મકાનમાં રહે છે, અને ઉર્વશી તેના તમામ સરસામાન સાથે તાંડેકરના ઘરમાં રહેવા ગઈ હતી; હવે તાંડેકર જ તેના માતા-પિતાને સ્થાને છે. ઉર્વશીના માતા-પિતા પાસે પૈસા નથી. તેઓ ભંડારા શહેરથી લગભગ 25 કિલોમીટર દૂર દવ્વા ગામમાં નાના ખેડૂત છે. પરંતુ આ નાનકડી છોકરીની માતા માધુરીને લાગ્યું કે જો તેની દીકરીને કંઈક બનવાની તક અપાવવી હોય તો તેમણે આ યુવાન પર અને પોતાની દીકરી માટેના એ યુવાનના સપનાઓ પર વિશ્વાસ મૂકવો રહ્યો.

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

ડાબે: જયંત તાંડેકર અને ઉર્વશી તાંડેકરને ઘેર. જમણે: ઉર્વશીની માતા માધુરી અને પિતા અજય નિમ્બાર્તે મહારાષ્ટ્રના ભંડારા નજીકના દવ્વા ગામમાં પોતાને ઘેર

પાતળા બાંધાની, હિંમતવાન માધુરીનો હેતુ તેમના બાળકો જીવનમાં કંઈક (અર્થપૂર્ણ) કરી બતાવે એ રીતે તેમને ઉછેરવાનો છે. ઉર્વશીના પિતા, માધુરીના પતિ ખેતી કરે છે અને નજીકના નાના ઉદ્યોગમાં દાડિયા મજૂર તરીકે પણ કામ કરે છે.

મોઈમાં તેમના બે રૂમના ઘરમાં પોતાના પતિ અને સસરાની બાજુમાં બેઠેલા ઉર્વશીના માતા પારીને કહે છે, "જો તે અમારી સાથે રહેતી હોત, તો બીજા 10 વર્ષમાં તે મારા જેવી જ હોત - લગ્ન કરીને બાળકોનો ઉછેર કરત, ખેતરોમાં કામ કરત અને પછી એક દિવસ મરી જાત." તેઓ કહે છે, "તેની સાથે આવું થાત તો એ જોવાનું મારાથી સહન ન થાત."

ઉર્વશી તાંડેકરને ‘મામા’કહીને સંબોધે છે. આ પ્રશિક્ષક લગભગ 35 વર્ષના હતા અને જ્યારે તેમણે આ નાનકડી ખેલાડીની જવાબદારી લીધી ત્યારે તેઓ અપરિણીત હતા.

તાંડેકર દલિત છે, જાતિથી ચમાર છે, અને ભંડારા, ગોંદિયા અને ગડચિરોલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાંથી સારા રમતવીરો પેદા કરવાની પ્રબળ ઈચ્છા ધરાવે છે. તેઓ આ નાના બાળકોને એવું કંઈક આપવા માંગે છે જે તેમને પોતાને મળ્યું નથી - ટ્રેક પર દોડવાની તક.

ઉર્વશી કણબી (ઓબીસી) જાતિની છે અને તેમ છતાં તેના માતા-પિતાને લાગ્યું કે તેઓએ જાતિના પદક્રમ અને પિતૃસત્તાક સમાજવ્યવસ્થાનો ફંદો બંનેને અવગણવાની જરૂર છે. ભંડારાના શિવાજી સ્ટેડિયમમાં 2024 ની ઉનાળાની એક સવારે પારી સાથે વાત કરતાં તંડેલકર કહે છે કે ઉર્વશી એક વિશિષ્ટ બાળક છે.

તંડેલકર ભંડારામાં અનાથ પિંડક - અનાથનો તારણહાર નામની એકેડેમી ચલાવે છે. તેમના તમામ વયના લગભગ 50 વિદ્યાર્થીઓને ભંડોળ પૂરું પાડવા માટે તેઓ નાના દાન દ્વારા નાણાં એકઠા કરે છે, અને મહામુશ્કેલીથી એકેડેમી ચલાવે છે. ગોળાકાર ચહેરો અને તીક્ષ્ણ, પ્રેમાળ આંખો ધરાવતા આ ઠીંગણા વ્યક્તિ તેમના મહત્વાકાંક્ષી ગ્રામીણ દોડવીરોને નિષ્ફળતા કે વિઘ્નોથી ન ડરવાનું કહે છે.

PHOTO • Courtesy: Jayant Tandekar
PHOTO • Courtesy: Jayant Tandekar

ડાબે: ભંડારાના શિવાજી સ્ટેડિયમ ખાતે ઉર્વશી. જમણે:  તાંડેકરની એકેડેમી, અનાથ પિંડકમાં ઉર્વશી બીજા બાળકો કરતાં વધુ સખત તાલીમ લે છે

PHOTO • Courtesy: Jayant Tandekar
PHOTO • Jaideep Hardikar

ડાબે: તાંડેકરે પોતાના બે રૂમના ભાડાના ઘરના બારણાં આઠ વર્ષની ઉર્વશી માટે ખુલ્લાં મૂક્યાં અને તેને પોતાની પાંખમાં લીધી.જમણે: ભંડારાના શિવાજી સ્ટેડિયમ ખાતે નાનકડા રમતવીરો ઉઘાડા પગે દોડે છે

દરરોજ સવારે તેઓ ઉર્વશીને મેદાન પર લાવે છે અને બીજા બાળકો જોડાય તે પહેલાં તેને વહેલા તાલીમ આપે છે. તેઓ કહે છે કે ઉર્વશીને તેની નિયમિત કવાયત કરવી પડે છે.

પોતાના ટ્રેક સૂટમાં સજ્જ નાનકડી ઉર્વશી ટ્રેક પર હોય ત્યારે તેનું વ્યક્તિત્વ કંઈક અલગ જ હોય છે, ખુશમિજાજ, દોડવા માટે ઉતાવળી અને સખત મહેનત કરતી, તેના માર્ગદર્શક અને મામા પાસેથી માર્ગદર્શન મેળવતી. ઉર્વશીને હજી ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે: તેણે શાળાની ખેલકૂદ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું છે; પછીથી તાંડેકર તેને રાજ્ય અને રાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધાઓમાં સ્થાન અપાવવાના લક્ષ્ય સાથે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેવડાવશે.

તાંડેકર માને છે કે ગ્રામીણ બાળકોએ ગમે તે ભોગે સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ. મુશ્કેલીઓ છતાં પણ સફળતા મેળવનાર પી.ટી. ઉષા અને બીજા દોડવીરોના ઉદાહરણો પરથી બાળકો પ્રેરણા મેળવી શકે એ માટે તેઓ તેમને ભારતના કેટલાક દોડવીરોની વાર્તાઓ કહે છે. તેમના વિદ્યાર્થીઓ માને છે કે જો તેઓ સખત મહેનત કરશે અને મોટા સપના જોશે તો તેઓ પણ મોટી સફળતા મેળવી શકશે.

પોતાની સફર પરથી શીખીને તાંડેકર ઉર્વશીના આહાર અને પોષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તાંડેકરને પોતાને ક્યારેય નિયમિત રીતે ખાવા મળ્યો નહોતો એવો દૂધ અને ઈંડા જેવો મૂળભૂત આહાર ઉર્વશીને મળી રહે એનું તેઓ ધ્યાન રાખે છે. તેઓ સુનિશ્ચિત કરે છે કે ઉર્વશીના આહારમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબી હોય. ભંડારામાં રહેતી તાંડેકરની બહેન ત્યાં સિઝનમાં મળતી માછલી લાવે છે. ઉર્વશીના માતા નિયમિતપણે પોતાની દીકરીની ખબર કાઢવા આવે છે અને તેની શાળાના અને રોજિંદા કામકાજમાં મદદ કરે છે.

આ પ્રશિક્ષક એ સુનિશ્ચિત કરે છે કે તેમના તાલીમાર્થીઓ પાસે સારા જૂતા હોય, એક એવી વસ્તુ જે તેઓ નાના હતા ત્યારે તેમની પાસે ક્યારેય નહોતી. તેઓ કહે છે કે, તેમના પિતા એક ભૂમિહીન મજૂર હતા, તેઓ ભાગ્યે જ બે છેડા ભેગા કરી શકતા હતા. અને તેઓ પુષ્કળ દારૂ પીતા હતા, રોજેરોજ પોતાની નજીવી કમાણી દારૂની બાટલી પાછળ ખર્ચી નાખતા હતા. તેઓ જણાવે છે કે એવા પણ દિવસો હતા જ્યારે તેઓ અને તેમના ભાઈભાંડુઓ ભૂખ્યા સૂઈ જતા હતા.

તેઓ કટાક્ષભર્યા સ્વરમાં કહે છે, "મેં ટ્રેક પર દોડવાનું સપનું જોયું હતું." એક નાનું સ્મિત તેમની હતાશા છુપાવતું હતું. તેઓ ઉમેરે છે, "પણ મને કોઈ તક મળી નહોતી."

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

ઉર્વશીના પ્રશિક્ષક તાંડેકર તેના આહાર અને પોષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેઓ તેને દૂધ અને ઈંડા લાવી આપે છે અને તેને પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબી મળે રહે એ સુનિશ્ચિત કરે છે

પરંતુ તાંડેકર જાણે છે કે જો ઉર્વશી અને તેના જેવા લોકોને એ તક અપાવવી હોય તો તેમને સ્વસ્થ આહાર, જૂતાં અને મોટી લીગમાં પ્રવેશ મળી રહે એ માટે તેમણે તેમનાથી થઈ શકે એ બધું જ કરવું પડશે.

તેઓ કહે છે કે તેનો અર્થ એ છે કે તેઓએ સારી શાળાઓમાં પ્રવેશ મેળવવો પડશે અને સખત સ્પર્ધા કરવી પડશે.

તેમાં જ્યારે જરૂર પડે ત્યારે - પગની ઘૂંટીમાં મચકોડ આવી જાય, સ્નાયુઓ જકડાઈ જાય, થાક લાગે અથવા ઊંચાઈ અને વજનમાં ઝડપી વધારો થાય ત્યારે સારી આરોગ્યસંભાળ મેળવવાનો પણ સમાવેશ થાય છે.

તેઓ કહે છે, "તે અઘરું છે, પરંતુ ઓછામાં ઓછું મેં મારા વિદ્યાર્થીઓને મોટા સપના કેવી રીતે જોવા તે તો શીખવ્યું હશે."

Jaideep Hardikar

Jaideep Hardikar is a Nagpur-based journalist and writer, and a PARI core team member.

Other stories by Jaideep Hardikar
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik