નવલગવ્હાણ ગામમાં સૂર્ય આથમવા માંડે છે ત્યારે યુવાનો અને મોટેરાં બંને શાળાના રમતના મેદાન તરફ જાય છે. તેઓ રમતગમતના મેદાનની સફાઈ કરવામાં વ્યસ્ત થઈ જાય છે, મેદાનમાંથી પથ્થરો અને કચરો સાફ કરે છે, ચૂનાના પાવડરથી સીમા રેખાઓને ચિહ્નિત કરે છે અને ફ્લડલાઇટ્સ બરોબર કામ કરે છે કે નહીં એ તપાસે છે.

થોડી જ વારમાં 8 થી 16 વર્ષની વયના બાળકો તેમની વાદળી જર્સીમાં તૈયાર છે, અને તેઓ સાત-સાત ખેલાડીઓની ટીમમાં વિભાજિત થઈ જાય છે.

કબડ્ડી! કબડ્ડી! કબડ્ડી!

રમત શરૂ થાય છે અને સાંજના બાકીના સમય માટે અને રાત્રે પણ થોડા કલાકો માટે આ જોશીલી રાષ્ટ્રીય રમત રમાતી હોય છે ત્યારે ખેલાડીઓની ઉત્સાહપૂર્વકની બૂમો વાતાવરણને ભરી દે છે, મરાઠવાડાના હિંગોલી જિલ્લાના આ ગામના પરિવારો અને મિત્રો આ રમત રસપૂર્વક જુએ છે.

પોતાનો શ્વાસ રોકી રાખીને એક ખેલાડી મેદાન પર વિપક્ષી ટીમના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે અને તેના પોતાના પક્ષના ક્ષેત્રમાં પાછા ફરતા પહેલા શક્ય તેટલા વધુ ખેલાડીઓને અડકવાનો અને આઉટ કરવાનો પ્રયાસ કરે છે. જ્યાં સુધી તે તેના પોતાના પક્ષની સરહદમાં પાછો ન આવે ત્યાં સુધી પોતાનો શ્વાસ તૂટી ન જાય તેની કાળજી રાખી તેણે સતત 'કબડ્ડી-કબડ્ડી' બોલતા રહેવું પડે છે. જો તે પોતે એ સમયમાં સામેના પક્ષના ખેલાડીઓનાં કબજામાં આવી જાય અને કબડ્ડી-કબડ્ડી બોલતો બંધ થઈ જાય તો તે પોતે રમતમાંથી આઉટ થઈ જાય છે.

કબડ્ડીની રમત રમાતી જુઓ!

નવલગવ્હાણના ખેલાડીઓ સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારોમાંથી આવે છે અને તેઓ મોટાભાગે મરાઠા સમુદાયમાંથી આવે છે. તેઓ તેમના જીવનનિર્વાહ માટે ખેતી પર આધાર રાખે છે

બધાનું ધ્યાન બે ચુનંદા ખેલાડીઓ, શુભમ કોરડે અને કાનબા કોરડેને પર છે. વિરોધીઓ પણ તેમનાથી ડરે છે. ભીડમાંનું કોઈ અમને કહે છે, "તેઓ એવી રીતે રમે છે જાણે કબડ્ડીની રમત તેમની નસ નસમાં વહેતી ન હોય."

શુભમ અને કાનબા તેમની ટીમ માટે આ મેચ જીતી જાય છે. બધા ટોળે વળી સંતલસ કરે છે. આજની રમતની બારીકાઈથી ચર્ચા કરવામાં આવે છે અને બીજા દિવસ માટે નવી યોજના ઘડવામાં આવે છે. પછીથી ખેલાડીઓ ઘેર જાય છે.

મહારાષ્ટ્રના નવલગવ્હાણ ગામમાં આ રોજનું છે. મારુતિરાવ કોરડે કહે છે, “અમારા ગામમાં કબડ્ડી રમવાની લાંબી પરંપરા છે. ઘણી પેઢીઓથી આ રમત રમાતી આવી છે અને આજે પણ તમને દરેક ઘરમાં ઓછામાં ઓછો એક કબડ્ડીનો ખેલાડી જોવા મળશે." તેઓ આ ગામના સરપંચ છે. તેઓ ઉમેરે છે, “કોઈક દિવસ નવલગવ્હાણના બાળકો મોટી જગ્યાએ રમશે. એ અમારું સપનું છે.”

ભારતીય ઉપખંડમાં ઘણી સદીઓથી કબડ્ડીની રમત રમાતી આવી છે. 1918 માં આ રમતને રાષ્ટ્રીય રમતનો દરજ્જો મળ્યો હતો. 1936 માં બર્લિન ઓલિમ્પિક્સમાં આ રમત પહેલી વખત આંતરરાષ્ટ્રીય સ્તરે રમાઈ હતી. 2014 માં પ્રો-કબડ્ડી લીગની શરૂઆત સાથે આ રમતને ફરી એકવાર લોકપ્રિયતા સાંપડી છે.

અહીં ગામડાના ખેલાડીઓ સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારોમાંથી આવે છે. થોડા પરિવારોને બાદ કરતાં અહીંના મોટાભાગના રહેવાસીઓ મરાઠા સમુદાયના છે અને તેમના જીવનનિર્વાહ માટે ખેતી પર આધાર રાખે છે. આ પ્રદેશ ખડકાળ જમીનના ટુકડાઓ સાથેની લાલ લેટેરાઇટ માટી ધરાવે છે.

PHOTO • Pooja Yeola
PHOTO • Pooja Yeola

ડાબે: શુભમ અને કાનબા કોરડેએ 2024 માં માતૃત્વ સન્માન કબડ્ડી ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ ખેલાડીઓ માટેનો પ્રથમ અને દ્વિતીય પુરસ્કાર હાંસલ કર્યો હતો. જમણે: નવલગવ્હાણના કબડ્ડી ખેલાડીઓએ જીતેલી ટ્રોફી અને પુરસ્કારો

PHOTO • Nikhil Borude
PHOTO • Pooja Yeola

ડાબે: ભારતીય ઉપખંડમાં કબડ્ડીની રમત ઘણી સદીઓથી રમાતી આવી છે. 2014 માં શરૂ થયેલી પ્રો-કબડ્ડી લીગે આ રમતને લોકપ્રિય બનાવવામાં મદદ કરી છે. જમણે: પ્રેક્ટિસ પછી ખેલાડીઓ બેસીને તે દિવસની રમતની ચર્ચા કરે છે

શુભમ પણ ખેડૂત પરિવારમાંથી આવે છે. તે છ વર્ષનો હતો ત્યારથી કબડ્ડી રમે છે. 6 ઠ્ઠા ધોરણમાં ભણતો 12 વર્ષનો શુભમ કહે છે, “મારા ગામનું વાતાવરણ પ્રેરણાદાયક છે. હું દરરોજ અહીં આવું છું અને ઓછામાં ઓછો અડધો કલાક પ્રેક્ટિસ કરું છું." તે કહે છે, "હું પુણેરી પલ્ટન [એક પ્રો-કબડ્ડી લીગ ટીમ] નો મોટો ચાહક છું. હું આશા રાખું છું કે ભવિષ્યમાં હું તેમને માટે રમી શકું."

શુભમ અને કાનબા બાજુના ગામ ભાંડેગાવની સુખદેવાનંદ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. કાનબા 10 મા ધોરણમાં છે. તેમની સાથે વેદાંત કોર્ડે અને આકાશ કોરડે એ બે આશાસ્પદ છાપામાર (રેઈડર) છે – તેઓ એક જ વારમાં 4-5 ખેલાડીઓને આઉટ કરવા માટે જાણીતા છે. તેઓ કહે છે, "કબ્બડીની રમતમાં અમને બેક-કિક, સાઇડ-કિક અને સિંહાચી ઉડી [જ્યારે તમે કૂદીને તમારી જાતને છોડાવો છો] બહુ ગમે છે."  આ ચારેય ખેલાડીઓ આ રમતમાં ઓલરાઉન્ડર છે.

નવલગવ્હાણમાં ખેલાડીઓના વજનના આધારે ટીમો બનાવવામાં આવે છે. 30-કિગ્રાની નીચેના, 50-કિગ્રાની નીચેના અને ઓપન જૂથ.

કૈલાસ કોરડે ઓપન ગ્રુપના કપ્તાન છે. 26 વર્ષના કૈલાસ કહે છે, “અમે આજ સુધી ઘણી ટ્રોફી જીતી છે. તેઓએ 2024 માં માતૃત્વ સન્માન કબડ્ડી ટુર્નામેન્ટ, 2022 માં અને ફરીથી 2023 માં વસુંધરા ફાઉન્ડેશનની કબડ્ડી ચશક જીતી હતી. તેઓએ સુખદેવાનંદ કબડ્ડી ક્રીડા મંડળ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ પણ જીતી છે.

“26 મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસના રોજ યોજાતી મેચો મહત્ત્વની હોય છે. લોકો અમને રમતા જોવા આવે છે - આજુબાજુના ગામોની ટીમો સ્પર્ધા કરવા આવે છે. અમને પુરસ્કારો અને રોકડ ઈનામો પણ મળે છે.” તેમને લાગે છે કે હજી ઘણી વધારે સ્પર્ધાઓ થવી જોઈએ. હાલમાં આ સ્પર્ધાઓ વર્ષમાં માત્ર બે કે ત્રણ વખત યોજાય છે. કૈલાસ કહે છે કે યુવા ખેલાડીઓને આની વધુ જરૂર છે.

PHOTO • Pooja Yeola
PHOTO • Pooja Yeola

ડાબે: કૈલાસ કોરડે નવલગવ્હાણમાં યુવાન પુરુષોના કબડ્ડી જૂથની કપ્તાની સંભાળે છે અને તેમને તાલીમ આપે છે. ગયા વર્ષે તેઓ પૂણેમાં 10 દિવસના તાલીમી સ્તત્રમાં હાજર રહ્યા હતા. જમણે: નારાયણ ચવ્હાણ નાના છોકરાઓને તાલીમ આપે છે અને પોલીસ ભરતીની પરીક્ષાની તૈયારી પણ કરે છે. તેઓ કહે છે કે કબડ્ડી રમવાથી તેમને સ્ટેમિના (લાંબો વખત ટકી રહેવાની શક્તિ) વધારવામાં મદદ મળી છે

કૈલાસ પોલીસ ભરતીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તેઓ દરરોજ સવારે 13 કિલોમીટરની મુસાફરી કરીને હિંગોલી જાય છે અને એક સ્ટડી-રૂમમાં બે કલાક અભ્યાસ કરે છે. પછી તેઓ રમતના મેદાન પર જાય છે અને તેમની કસરત કરે છે અને શારીરિક તાલીમ લે છે. રમતગમત, વ્યાયામ અને તેમના શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાએ ઘણા યુવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી છે.

નારાયણ ચવ્હાણ કહે છે, “કબડ્ડીએ નવલગવ્હાણ અને આસપાસના સાટંબા, ભાંડેગાવ અને ઈન્ચા જેવા ગામોના ઘણા યુવાનોને તેમની કારકિર્દી બનાવવામાં મદદ કરી છે. કૈલાસની જેમ 21 વર્ષના આ યુવક પણ પોલીસ ભરતીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને કબડ્ડી તેમને શારીરિક તાલીમમાં અને સ્ટેમિના (લાંબો વખત ટકી રહેવાની શક્તિ) વધારવામાં મદદ કરે છે. તેઓ કહે છે, “અમને કબડ્ડી ગમે છે. અમે નાનપણથી આ રમત રમતા આવ્યા છીએ."

હિંગોલીના ઘણા નાના શહેરો વિવિધ વય-જૂથો માટે વાર્ષિક કબડ્ડી સ્પર્ધાઓના સાક્ષી છે. આ સ્પર્ધાઓનું આયોજન શ્રીપતરાવ કાટકર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે અને તેને ‘માતૃત્વ સન્માન કબડ્ડી સ્પર્ધા’ કહેવામાં આવે છે. કાટકર ફાઉન્ડેશનના સ્થાપક સંજય કાટકર કબડ્ડીના તાલીમાર્થીઓની તાલીમ સાથે આ સ્પર્ધાઓનું આયોજન કરે છે. આ ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય સ્થાનિક વેપાર અને વ્યવસાયને પ્રોત્સાહન આપવા અને લાંબા ગાળે સ્થળાંતર અટકાવવા માટે ગ્રામીણ સમુદાયો સાથે કામ કરવાનો છે. તેઓ હિંગોલી જિલ્લાના તમામ તાલુકાઓમાં કબડ્ડી ટુર્નામેન્ટ માટે જાણીતા છે.

2023 માં વિજય કોરડે અને કૈલાસ કોરડેએ પુણેમાં આયોજિત આવી 10-દિવસીય તાલીમમાં ભાગ લીધો હતો. આજે તેઓ નવલગવ્હાણમાં બાળકો અને યુવાનોને તાલીમ આપે છે. વિજય કહે છે, “હું નાનપણથી જ આ રમત પ્રત્યે આકર્ષાયો હતો અને મેં હંમેશ તેના વિશે વધુને વધુ જાણવાનો પ્રયત્ન કર્યો છે. હું ઈચ્છું છું કે આ યુવાનો સારી તાલીમ લે અને સારું રમે."

PHOTO • Pooja Yeola
PHOTO • Pooja Yeola

ડાબે: નવલગવ્હાણમાં જિલ્લા પરિષદ શાળાનું મેદાન જ્યાં દરરોજ સાંજે યુવાનો અને મોટેરાં આવે છે. જમણે: વાદળી રંગની (જર્સીમાં) છોકરાઓ રમવા માટે તૈયાર છે!

તેમને લાગે છે કે અહીંના બાળકોમાં ઘણી ક્ષમતા છે અને તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમી શકે એમ છે. પરંતુ તેમની પાસે ઓલ-વેધર પ્લેઈંગ ગ્રાઉન્ડ (બધી મોસમમાં જ્યાં રમી શકાય એવા રમતના મેદાન) જેવી સારી સુવિધાઓનો અભાવ છે. વિજય કહે છે, "વરસાદ પડે ત્યારે અમે પ્રેક્ટિસ નથી કરી શકતા.

વેદાંત અને નારાયણ પણ તેમની સમસ્યાઓની વાત કરે છે. તેઓ કહે છે, “અમારી પાસે મેદાન નથી. બીજા ખેલાડીઓની જેમ જો અમે પણ મેટ પર તાલીમ લઈ શકીએ, તો અમે ચોક્કસપણે સારું પ્રદર્શન કરી શકીશું."

નવલગવ્હાણમાં કબડ્ડીની પરંપરાએ છોકરીઓને પૂરતી તક આપી નથી. ગામમાં ઘણી છોકરીઓ શાળા કક્ષાએ રમે છે પરંતુ તેમની પાસે નથી કોઈ સગવડો કે નથી કોઈ ટ્રેનર (તાલીમ આપનાર વ્યક્તિ).

*****

કબડ્ડી જેવી કોઈપણ મેદાની રમત તેની સાથે કેટલાક પડકારો પણ લઈને આવે છે. પવન કોરાડે આ બધું સારી રીતે જાણે છે.

ગયા વર્ષે હોળીના દિવસે નવલગવ્હાણમાં મેચ યોજાઈ હતી. આખું ગામ આ રમત જોવા ઉમટી પડ્યું હતું. પવન કોરડે 50 કિગ્રાની નીચેના જૂથમાં રમી રહ્યા હતા. પવન કહે છે, “મેં વિપક્ષી ટીમના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને કેટલાક ખેલાડીઓને આઉટ કર્યા. જ્યારે હું મારા બેઝમાં (મારા પોતાના પક્ષના ક્ષેત્રમાં) પાછો ફરી રહ્યો હતો ત્યારે અચાનક મેં મારું સંતુલન ગુમાવ્યું અને ચત્તોપાટ જમીન પર પટકાયો." તેઓ ખરાબ રીતે ઘાયલ થયા હતા.

PHOTO • Pooja Yeola
PHOTO • Pooja Yeola

ડાબે: કબડ્ડી ખેલાડી પવન કોરડેને મેચ દરમિયાન તેમની પીઠમાં ગંભીર ઈજા થઈ હતી. આખરે છ મહિના પછી તેઓ ચાલી શકે છે અને ધીમે ધીમે દોડી શકે છે. જમણે: (કમાણી વિના) જીવનનિર્વાહ કરવાનું મુશ્કેલ બનતાં વિકાસ કોરડેએ રમવાનું બંધ કર્યું હતું અને તેમના ગામથી હિંગોલીના બજારમાં ખેત પેદાશો લઈ જવા માટે સેકન્ડ હેન્ડ ટેમ્પો ખરીદ્યો હતો

જોકે તેમને તાત્કાલિક હિંગોલી લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમને શસ્ત્રક્રિયાની જરૂર હતી અને તેથી તેમને નાંદેડની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. શસ્ત્રક્રિયા સફળ રહી હતી પરંતુ તબીબોએ તેમને ચેતવણી આપી હતી કે તેઓ પહેલાની જેમ રમી શકશે નહીં.

તેઓ કહે છે, "અમે આ સાંભળ્યું ત્યારે અમે હતાશ થઈ ગયા હતા." પણ તેમણે હાર ન માની. શસ્ત્રક્રિયામાંથી સ્વસ્થ થયા પછી પવને તાલીમ શરૂ કરી હતી. અને છ મહિના પછી તેઓ ચાલવા અને દોડવા લાગ્યા હતા. તેમના પિતા કહે છે, "તે પોલીસ ભરતીની પરીક્ષા આપવા માગે છે."

તેમનો બધો જ તબીબી ખર્ચ કાટકર ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.

નવલગવ્હાણને કબડ્ડીની રમતનું અભિમાન છે, પરંતુ બધા એ રમતમાં આગળ વધી શકતા નથી. વિકાસ કોરડેને રમવાનું બંધ કરવું પડ્યું કારણ કે જીવનનિર્વાહ માટે તેમને કમાણી કરવાની જરૂર હતી. 22 વર્ષના વિકાસ કહે છે, "મને કબડ્ડી રમવાનું ગમતું હતું, પરંતુ આર્થિક મુશ્કેલી અને ખેતરના કામને કારણે મારે અભ્યાસ અને રમત પણ છોડી દેવા પડ્યાં." વિકાસે ગયા વર્ષે એક ટેમ્પો ખરીદ્યો હતો. તેઓ કહે છે, "હું મારા ગામમાંથી ખેત પેદાશો [હળદર, સોયાબીન અને તાજી પેદાશો] હિંગોલી સુધી લઈ જઉં છું અને થોડા પૈસા કમાઈ લઉં  છું."

નવલગવ્હાણ કબડ્ડીચા ગામ, કબડ્ડી માટે જાણીતા ગામ તરીકે ઓળખાવા માગે છે. એ ગામના યુવાનો માટે, "કબડ્ડી એ જ અંતિમ લક્ષ્ય છે!"

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Student Reporter : Pooja Yeola

Pooja Yeola is a student of journalism at Chhatrapati Sambhajinagar in Maharashtra.

Other stories by Pooja Yeola
Editor : Medha Kale

Medha Kale is based in Pune and has worked in the field of women and health. She is the Marathi Translations Editor at the People’s Archive of Rural India.

Other stories by Medha Kale
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik