ઉત્તર કોલકાતામાં કુમોરટુલીની સાંકડી ગલીઓમાં, કે જ્યાંથી હાથથી ખેંચાતી રીક્ષાઓ પણ માંડ માંડ પસાર થાય છે, તમને આ શહેરના મૂર્તિકાર કુમોરો સિવાય કોઈ મળશે નહીં. અહીંથી જ દર વર્ષે દેવી દુર્ગા અને અન્ય દેવતાઓની મૂર્તિઓ કોલકાતામાં પ્રવેશ કરે છે.
અહીં કાર્તિક પોલની વર્કશોપ આવેલી છે, જે અસલમાં તો વાંસ અને પ્લાસ્ટિકની ચાદરનો એક શેડ છે, જેના પર ‘બ્રજેશ્વર એન્ડ સન્સ’ (આનું નામ તેમના પિતાના નામ પરથી રાખવામાં આવ્યું છે) નામ અંકિત છે. તેઓ આપણને મૂર્તિ બનાવવાની લાંબી અને વિવિધ તબક્કાવાળી પ્રક્રિયા વિશે જણાવે છે. મૂર્તિ બનાવવાના વિવિધ તબક્કા દરમિયાન ગંગા માટી (ગંગા નદીના કાંઠેની માટી) અને પાટ માટી (શણના કણો અને ગંગાની માટીનું મિશ્રણ) જેવી માટીના વિવિધ મિશ્રણોનો ઉપયોગ કરવામાં આવે છે.

કાર્તિક પાલ કુમોરટુલીમાં તેમની વર્કશોપમાં
અમે વાત કરીએ છીએ ત્યારે, પાલ ભીની માટીથી ભગવાન કાર્તિકના ચહેરાને બનાવી રહ્યા છે અને તેમના નિષ્ણાત હાથથી તેમાં વિગતો ઉમેરી રહ્યા છે. તેઓ પેઇન્ટ બ્રશ અને ચિયાળીનો ઉપયોગ કરે છે, જે વાંસનું હાથથી પોલિશ કરવાનું સાધન છે.
નજીકની અન્ય એક વર્કશોપમાં, ગોપાલ પાલે માટીના માળખા પર બારીક ટુવાલ જેવી સામગ્રીને ચોંટાડવા માટે ગુંદર તૈયાર કર્યો છે, જેથી તેને ચામડી જેવું ટેક્ષ્ચર જેવું ફિનીશીંગ મળે. ગોપાલ કોલકાતાની ઉત્તરે લગભગ 120 કિલોમીટર દૂર આવેલા નોદિયા જિલ્લાના કૃષ્ણનગરના રહેવાસી છે. અહીંના ઘણા કામદારો — બધા પુરુષો — એક જ જિલ્લાના છે; તેમાંના મોટાભાગના કામદારો તે જ વિસ્તારમાં વર્કશોપ માલિકો દ્વારા પૂરા પાડવામાં આવેલાં ક્વાર્ટર્સમાં રહે છે. કામદારોને પીક સીઝનના મહિનાઓ પહેલાં જ નોકરીએ રાખવામાં આવે છે. તેઓ આઠ કલાકની પાળીમાં કામ કરે છે, પરંતુ પાનખરના તહેવાર પહેલાં આ કારીગરો આખી રાત કામ કરે છે અને ઓવરટાઇમ માટે પગાર મેળવે છે.
કુમોરટુલીના પ્રથમ કુંભારો લગભગ 300 વર્ષ પહેલાં કૃષ્ણનગરમાંથી સ્થળાંતર કરીને આવ્યા હતા. તેઓ થોડા મહિનાઓ માટે બાગબાજાર ઘાટની નજીક નવા રચાયેલા કુમોરટુલીમાં રોકાયા હતા, જેથી નદીમાંથી માટી સરળતાથી મળી રહે. અને તેઓ જમીનદારોના ઘરોમાં કામ કરતા હતા, દુર્ગા પૂજા તહેવારના અઠવાડિયા પહેલાં ઠાકુરદાલાન (જમીનદારોના રહેણાંક પરિસરની અંદર ધાર્મિક તહેવારો માટે સીમાંકિત વિસ્તારો)માં મૂર્તિઓ બનાવતા હતા.
1905માં બંગાળના ભાગલા પહેલાં અને તે દરમિયાન બાંગ્લાદેશના અત્યંત કુશળ કારીગરો − ઢાકા, બિરકમપુર, ફરિદપુરથી − કુમોરટુલીમાં આવ્યા હતા. ભારતની આઝાદી પછી જમીનદારી પ્રણાલીના પતન સાથે, સરબોજોનિન અથવા સામુદાયિક પૂજા લોકપ્રિય બની હતી. આ તે સમય હતો જ્યારે મા દુર્ગા તંગ ઠાકુરદાલાનમાંથી બહાર નીકળીને રસ્તાઓ પરના વિશાળ પંડાલોમાં આવતાં, જેમાં આ દેવી અને અન્ય મૂર્તિઓ માટે વિસ્તૃત અને અલગ પૃષ્ઠભૂમિ તૈયાર કરવામાં આવતી.

આ કારીગરો ગંગામાંથી ‘એંટેલ માટી’ સાથે શણના કણોને ભેળવીને ‘પાટ માટી’ નામની માટી તૈયાર કરે છે


ડાબેઃ મૂર્તિ બનાવવાની પ્રક્રિયા ‘કાઠામો’ થી શરૂ થાય છે , જે મૂર્તિને ટેકો આપવા માટેની વાંસની રચના છે. જમણેઃ એક વાર વાંસની રચના તૈયાર થઈ જાય પછી , મૂર્તિને આકાર આપવા માટે ઘાસને પદ્ધતિસર એક સાથે બાંધવામાં આવે છે ; આ માટેનો કાચો માલ નજીકના બાગબાજાર બજારમાંથી આવે છે

એક કારીગર મૂર્તિને અંતિમ આકાર આપવા માટે ઘાસના માળખા પર ચીકણી કાળી માટી લગાવે છે ; પછી માટીના માળખાને સૂકવવા માટે 3 થી 4 દિવસ સુધી તડકામાં મૂકવામાં આવે છે

વિગતોનું નિરૂપણ કરવા માટે પેઇન્ટ બ્રશ અને વાંસના શિલ્પના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે

નજીકની અન્ય એક વર્કશોપમાં , ગોપાલ પાલે મૂર્તિઓને ચામડી જેવું ટેક્ષ્ચર આપવા માટે ટુવાલ જેવી સામગ્રીનો ઉપયોગ કરે છે

મોહાલયના શુભ દિવસે મા દુર્ગાની આંખોમાં રંગકામ કરવા સાથે , માટીની મૂર્તિઓને આખરે જીવંત કરવામાં આવે છે
જુઓ : ‘કુમોરટુલીના કલાકારો’ ફોટો આલ્બમ
આ વિડિયો અને વાર્તા સિંચિતા માજીની પારી ખાતે 2015-16 ફેલોશિપના ભાગરૂપે બનાવવામાં આવી હતી.
અનુવાદક: ફૈઝ મોહંમદ