કરચલા પકડવા સુંદરવનના ગાઢ મેન્ગ્રોવ જંગલોમાં ભટકવું પડે છે તે દિવસો દરમિયાન (વાઘના હુમલાની આશંકાને કારણે) સતત ભયથી થથરતા રહેતા 41 વર્ષના કરચલા પકડનાર અને માછીમાર મહિલા પારુલ હલદર કહે છે, “હું મારા ડરનું વર્ણન શી રીતે કરું? ગભરાટને કારણે મારા હૃદયના ધબકારા વધી જાય છે. આખરે હું ખુલ્લી જગ્યામાં ક્યારે પાછી ફરી શકીશ એના જ વિચારો મને આવતા રહે છે.” કરચલાના શિકારની મોસમ દરમિયાન મેન્ગ્રોવ જંગલમાં નાળાઓ અને ખાડીઓમાં તેઓ હોડી હંકારતા રહે છે ત્યારે ક્યાંક છુપાઈને બેઠેલો વાઘ ગમે ત્યારે હુમલો તો નહીં કરી બેસે ને એવો ડર સતત રહેતો હોય છે.
હવે તેમની લાકડાની હોડીને ગરાલ નદીમાં હંકારતા લક્ઝબાગાન ગામની રહેવાસી પારુલ નેટની ક્રિસ-ક્રોસ વાડની દિશામાં ઝીણી આંખે જુએ છે, વાડની પેલે પાર મરીચઝાપીનું જંગલ આવેલું છે. દક્ષિણ 24 પરગણા જિલ્લાના ગોસાબા બ્લોકમાં તેમના ગામની નજીક આવેલા આ જ જંગલમાં સાત વર્ષ પહેલાં વાઘે પારુલના પતિ ઈશર રણજીત હલદરને મારી નાખ્યા હતા.
તેઓ હોડીની ધારે હલેસાં ટેકવે છે, તેઓ તેમની 56 વર્ષની મા લોખી મંડલ સાથે ઉનાળાના કાળઝાળ ગરમીના દિવસોમાં આ હોડીમાં કરચલા પકડવા નીકળ્યા છે. દીકરીની જેમ લોખી પણ માછીમાર છે.
ઈશર સાથે લગ્ન કર્યા ત્યારે પારુલ માત્ર 13 વર્ષના હતા. તેમના સાસરાનો પરિવાર ગરીબ હતો, પરંતુ તેઓ માછલી કે કરચલા પકડવા ક્યારેય જંગલમાં ગયા ન હતા. તેઓ યાદ કરે છે, "મેં જ તેમને (જંગલમાં) આવવા માટે સમજાવ્યા હતા અને હું જ તેમને આ જંગલમાં લઈ આવી હતી. સત્તર વર્ષ પછી આ જ જંગલમાં તેઓ મૃત્યુ પામ્યા."
એ ઘટનાની યાદ આવતા પારુલ થોડા સમય માટે મૌન થઈ જાય છે. મૃત્યુ સમયે ઈશર 45 વર્ષના હતા, તેમની ચાર દીકરીઓને ઉછેરવાની જવાબદારી તેઓ પારુલને માથે છોડી ગયા હતા.
પરસેવે લથબથ પારુલ અને લોખી ફરીથી ભારે હલેસાં ઉઠાવી હોડી હંકારે છે. આ મહિલાઓ હોડીને મેન્ગ્રોવ જંગલથી થોડે દૂર સુરક્ષિત અંતરે ચલાવે છે, મેન્ગ્રોવ જંગલ હવે માછીમારી માટે બંધ છે. માછલીઓનું ફરીથી સંવર્ધન થઈ શકે એ માટે મેન્ગ્રોવન જંગલમાં એપ્રિલથી જૂન સુધી ત્રણ મહિના માટે માછીમારીની પ્રવૃતિઓ બંધ રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન પારુલ સામાન્ય રીતે પોતાના તળાવમાંથી પકડેલી માછલીઓ વેચીને ગુજરાન ચલાવે છે.












