નાગરાજ બંઢનને તેમના ઘરમાં રાગી કલી રાંધવાની સુગંધ યાદ છે. એક નાના છોકરા તરીકે, તેઓ દરરોજ તેની રાહ જોતા રહેતા હતા.
પાંચ દાયકા પછી રાગી કલી (રાગીના લોટથી બનેલી વાનગી) હવે તેની સરખામણીમાં આવી શકતી નથી. તેઓ કહે છે, “હવે અમને જે રાગી મળે છે તેની સુગંધ કે સ્વાદ પહેલાં જેવો નથી”, અને ઉમેરે છે કે રાગીની કલી હવે માત્ર ક્યારેક ક્યારેક જ બનાવવામાં આવે છે.
નાગરાજ ઇરુલા સમુદાયના (તમિલનાડુમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ) છે અને નીલગિરીના બોક્કાપુરમ નેસના રહેવાસી છે. તેઓ રાગી અને અન્ય બાજરીની જાતના આસપાસ મોટા થયા છે, જેની ખેતી તેમનાં માતાપિતા કરતાં હતાં, જેમ કે રાગી (ફિંગર મિલેટ), ચોલમ (સોરગમ), કંબ (પર્લ મિલેટ) અને સામઈ (લિટલ મિલેટ). થોડા કિલો રાગી હંમેશાં પરિવારના વપરાશ માટે અલગ રાખવામાં આવતી હતી, અને બાકીની બજારમાં વેચી દેવામાં આવતી હતી.
જ્યારે નાગરાજે ખેતર સંભાળ્યું, ત્યારે તેમણે નોંધ્યું કે ઉપજ તેમના પિતાને જે મળતી હતી તેના કરતા નોંધપાત્ર રીતે ઓછી હતી. તેઓ પારીને કહે છે, “અમને માત્ર ખાવા માટે પૂરતી [રાગી] મળે છે, અને ક્યારેક તો તેટલી પણ નહીં.” તેઓ બે એકરના ખેતરમાં કઠોળ અને રીંગણ જેવી શાકભાજી સાથે વારાફરતી રાગીને ઉગાડવાનું ચાલુ રાખે છે.
અન્ય ખેડૂતોએ પણ આ ફેરફાર જોયો છે. મારી (જેઓ ફક્ત તેમના પહેલા નામનો ઉપયોગ કરે છે) કહે છે કે તેમના પિતાને 10-20 બોરીઓ રાગી થતી હતી. પરંતુ આ 45 વર્ષીય ખેડૂત કહે છે કે તેમને હવે તેની બે એકર જમીનમાંથી માત્ર બે-ત્રણ બોરીઓ જ મળે છે.
નાગરાજ અને મારીના અનુભવો સત્તાવાર આંકડાઓમાં પ્રતિબિંબિત થાય છે, જે દર્શાવે છે કે નીલગિરીમાં રાગીની ખેતી 1948-49માં 1,369 હેક્ટરથી ઘટીને 1998-99માં 86 હેક્ટર થઈ ગઈ છે.
છેલ્લી વસ્તી ગણતરી (2011) નોંધે છે કે જિલ્લામાં બાજરીની ખેતી માત્ર એક હેક્ટરમાં જ થાય છે.











