રવિવાર. મોડી-મોડી સવાર. ફાગણિયા અંતનો તાપ. ખારાઘોડાના સ્ટેશન (તા. પાટડી, જિલ્લો : સુરેન્દ્રનગર) નજીક નાનું નહેરું. વચ્ચે અંતરાય કરીને પાણી રોકેલું. નાનકડી તલાવડી જેવું ત્યાં બનેલું. અંતરાય પરથી પાણી વહેતું. ખળખળ-ખળ અવાજ કરતું. ખળખળ કરતા કાંઠે બાળકો ચૂપચાપ, વાયરો પડી ગયા પછીના જાણે વગડાઉ છોડ, ગલ નાખીને માછલી પકડતા. પાણીમાં દોરી ખેંચાય કે તર્ત સોટીને ઝટકો મારતા. માછલી બહાર. તરફડફડ-ફડ. નાનીનાની માછલી. તરફડે તો શું તરફડે? બહાર નીકળે કે તર્ત મરે.

કાંઠાથી થોડે છેટે અક્ષય દારોદરા અને મહેશ સિપરા વાત કરતા, બૂમ પાડતા, ગાળ બોલતા, હૅક્સો બ્લૅડમાંથી બનાવેલા ચક્કુથી માછલી સાફ કરતા, ભોડાં વાઢતાં, કાપતા. મહેશની ઉંમર પંદરને અડું-અડું. બાકીના છ પંદર વર્ષથી ખાસા છેટા. માછલીઓ પકડવાનું પૂરું થયું.  દોડાદોડી બોલાબોલી, હસવાનું મન ભરી. સાફસફાઈ પણ પૂરી થઈ. માછલી રાંધવાનું ચાલું. મજામસ્તી ચાલું. રાંધવાનું પૂરું. સરખે ભાગે વહેચીને ખાવાનું ચાલું. ખાતાં-ખાતાં હસવાનું, હસતાં-હસતાં ખાવાનું. ખાવાનું પૂરું. હસવાનું ચાલું.

નહેરામાં બાળકોએ ધુબાકા માર્યા- ત્રણ છોકરાઓ વિમુક્ત જાતિ ચુંવાળિયા કોળીના, બે મુસ્લિમ સમુદાયના અને બાકી બે બીજા સમુદાયના. મન મૂકીને નાહ્યાં. બહાર નીકળ્યા. કાંઠા પાસે આછકલા ઘાસમાં બેઠા. થોડું હસતા, થોડી વાત કરતા, વચ્ચે-વચ્ચે ગાળ બોલતા. હસતાં-હસતાં હું પાસે ગયો. હસીને એક પ્રશ્ન પૂછ્યો, 'તમે બધા કયા-કયા ધોરણમાં ભણો?'

પવને હસ્યો. "આ મેસિયો (મહેશ) નવમું ભણઅ્ અન આ વિસાલિયો છઠ્ઠું ભણઅ્. બીજુ કોય નથ ભણતું. મુંય નથ ભણતો," બોલીને એક છેડેથી પડીકી ફાડી એની કાથાવાળી સોપારીમાં બીજી પડીકીની તમાકુ નાખી. આંગળી મૂકી પડીકી બરાબર હલાવી, થોડી સોપારી હાથમાં લીધી, બાકીની વહેંચી, ખાધી. પવન પાણીમાં પિચકારી મારીને બોલ્યો, '(ભણવામાં) નૉ મજા આવે. બેન મારતાં 'તાં.' ને મારી ભીતર સન્નાટો.

PHOTO • Umesh Solanki

માછલી પકડતા શાહરૂખ (ડાબે) અને સોહિલ

PHOTO • Umesh Solanki

માછલી સાફ કરતા મહેશ અને અક્ષય

PHOTO • Umesh Solanki

ત્રણ રોડાં ત્રિકોણમાં ગોઠવી ચૂલો બનાવી ચૂલામાં બટકેલી બાવળની સળીઓ ગોઠવી પ્લાસ્ટિકની થેલી રાખતો કૃષ્ણા

PHOTO • Umesh Solanki

વાસણમાં તેલ નાખતો ક્રિષ્ણા અને આતુરતાપૂર્વક જોતા અક્ષય , વિશાલ અને પવ

PHOTO • Umesh Solanki

વઘારમાં ઉમેરાતી માછલી. વઘારમાં સોહિલના ઘરેનું તેલ અને મરચું, હળદર, મીઠું વિશાલના ઘરનું

PHOTO • Umesh Solanki

તૈયાર થતાં ભોજનને જોતો ક્રિષ્ણા

PHOTO • Umesh Solanki

તૈયાર થતું ભોજન અને પડખે બેઠેલા આતુર બાળકો

PHOTO • Umesh Solanki

પ્લાસ્ટિકથી બનાવેલી આડશમાં ઘરેથી લાવેલા રોટલા સાથે જાતે બનાવેલી માછલી ખાતા બાળકો

PHOTO • Umesh Solanki

એક બાજું તમતમતી માછલી અને બીજી બાજુ બપોરનો તમતમતો સૂરજ

PHOTO • Umesh Solanki

ભોજન પછી પરસેવે રેબઝેબ બાળકો નહાવા પડ્યા

PHOTO • Umesh Solanki

'હવે નાવા જૈએ' કહી મહેશે નહેરામાં ધુબાકો માર્યો

PHOTO • Umesh Solanki

સાતમાંથી પાંચ બાળકો શાળામાં નથી જતા, શિક્ષક મારશે એવો ડર પવને જણાવ્યો પણ ખરો

PHOTO • Umesh Solanki

તરવાનું થતું ત્યારે બાળકો તરતા, પણ મોટેભાગે રમતા અને જીવન શિખવાડે એવું શીખતા

Umesh Solanki

Umesh Solanki is an Ahmedabad-based photographer, reporter, documentary filmmaker, novelist and poet. He has three published collections of poetry, one novel-in-verse, a novel and a collection of creative non-fiction to his credit.

Other stories by Umesh Solanki
Editor : Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya