ટોપલીના તળિયે વાંસની પાતળી પટ્ટીઓ લગાવતાં લગાવતાં આસામના દારંગ જિલ્લાના નૉ–માટી ગામમાં વાંસની ટોપલી બનાવનાર માઝેદા બેગમ કહે છે, “જો આ વ્યવસાય ખતમ થઈ જશે, તો મારી પાસે બીજા રાજ્યમાં જવા સિવાય કોઈ વિકલ્પ બાકી નહીં રહે.”
આ 25 વર્ષીય શિલ્પકાર એક દૈનિક વેતન કામદાર અને એકલ માતા છે, જેઓ તેમના 10 વર્ષીય પુત્ર અને બીમાર માતાને ટેકો આપે છે. સ્થાનિક મિયા બોલીમાં તેઓ કહે છે, “હું આમ તો એક દિવસમાં 40 ખાસા [ટોપલી] બનાવી શકું છું, પરંતુ હવે હું માત્ર 20 ટોપલીઓ જ વણું છું.” માઝેદા દર 20 ટોપલી વણીને 160 રૂપિયા કમાય છે, જે રાજ્યના 241.92ના નિર્ધારીત લઘુતમ વેતન કરતાં ઘણું ઓછું છે (વર્ષ 2016 માટે લઘુતમ વેતન અધિનિયમ, 1948 પરનો અહેવાલ).
વાંસની વધતી કિંમતો અને અહીંની શાકભાજીની મંડીઓમાં ટોપલીની ઘટતી માંગ આ બંને કારણોસર વાંસની ટોપલીઓના વેચાણમાંથી મળતા વળતરને અસર થઈ છે. દારંગમાં આસામની બે સૌથી મોટી મંડીઓ આવેલી છેઃ બેચિમારી અને બાલુગાંવ જ્યાંથી સમગ્ર ઉત્તરપૂર્વમાં અને છેક દિલ્હી સુધી કૃષિ પેદાશોનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે.
માઝેદાનો સ્થળાંતર થવા માટે મજબૂર હોવાનો ભય વાસ્તવિક છેઃ અમને સ્થાનિક મદ્રેસા નજીક સ્થિત વોર્ડ A ની આસપાસનો વિસ્તાર બતાવતાં 39 વર્ષીય હનીફ અલી કહે છે, અહીંના લગભગ 80 થી 100 પરિવારો “વધુ સારા કામ”ની શોધમાં પહેલેથી જ અહીંથી જતા રહ્યા છે. એક સમયે આશરે 150 પરિવારો વાંસની કળામાં સંકળાયેલા હતા, પરંતુ હવે ઘણા ઘરો ખાલી છે કારણ કે કારીગરો કોફીના બગીચાઓમાં કામ કરવા માટે કેરળ અને કર્ણાટક જેવા અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરી ગયા છે.














