ઢમ-ઢમ-ઢમ…ઢમ-ઢમ-ઢમ…! શાંતિ નગર બસ્તીની દરેક ગલીમાં ત્યાં બનાવવામાં આવતા, ટીપીને, તાલ મેળવીને તૈયાર કરવામાં આવતા ઢોલકનો મોહિત કરી લેનારો અવાજ ગુંજે છે. અમે 37 વર્ષના ઢોલક બનાવનાર કારીગર ઈરફાન શેખ સાથે ચાલી રહ્યાં છીએ. તેઓ અમને મુંબઈના ઉત્તરીય ઉપનગરમાં આ સ્થળાંતરિત બસ્તીના અન્ય કારીગરો સાથે પરિચય કરાવવાના છે.
અહીંના લગભગ તમામ કારીગરોના પૂર્વજો ઉત્તર પ્રદેશના બારાબાંકી જિલ્લામાંથી આવ્યા હોવાનું તેઓ જણાવે છે. અહીં લગભગ 50 કુટુંબો આ કલામાં રોકાયેલા છે. તેઓ ગર્વથી કહે છે કે અહીંનાં ઢોલક મુંબઈ અને રાજ્યના અન્ય ભાગોમાં જાય છે, “તમે જ્યાં પણ જોશો ત્યાં તમને અમારી બિરાદરી [સમુદાય]ના લોકો આ સાધનો બનાવવામાં વ્યસ્ત જોવા મળશે.” (બિરાદરીનો શાબ્દિક અર્થ ‘ભાઈચારો’ થાય છે; પરંતુ મોટા ભાગે તે કુળ, સમુદાય અથવા બંધુત્વ દર્શાવવા માટે વપરાય છે).
ઈરફાન નાનપણથી જ આ વેપારમાં ડૂબેલા છે. આ મધ્યમ કદના બે માથાવાળા ઢોલ બનાવવાની કળા પેઢી દર પેઢી ચાલી રહી છે. આ કારીગરી ઝીણવટભરી છે. ઈરફાન અને તેમનો સમુદાય ઉત્તર પ્રદેશમાંથી લાકડાથી લઈને દોરડાં અને પેઇન્ટ સુધી બધી ચુનિંદા સામગ્રી પસંદ કરે છે. તેઓ ગર્વભેર કહે છે, “અમે ઢોલ જાતે બનાવીએ છીએ; રિપેર કરીએ છીએ...અમે ઇજનેર છીએ.”
ઈરફાન ધંધામાં નવીનતા લઇ આવે છે. ગોવામાં એક આફ્રિકન વ્યક્તિને જેમ્બે વગાડતાં જોયા પછી તેમણે એ બનાવીને તેમનું ઉત્પાદન વિસ્તાર્યું છે. તેઓ કહે છે, “તે કેટલું સરસ વાદ્ય છે. લોકોએ તેને અહીં જોયું જ ન હતું.”
નવીનતા અને કારીગરીને બાજુ પર રાખતાં, તેમને લાગે છે કે આ વ્યવસાયે તેમને તે સન્માન નથી આપ્યું જેના તેઓ હકદાર છે. ન તો તેનાથી સારો નફો થયો છે. આજના મુંબઈમાં, ઢોલક ઉત્પાદકોને સસ્તા ઓનલાઇન ઉત્પાદનો તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડે છે. અહીં બીજી તરફ, ગ્રાહકો ઘણી વાર સોદાબાજી કરે છે અને ભારપૂર્વક જણાવે છે કે તેઓ સસ્તા વિકલ્પો ઓનલાઇન શોધી શકે છે.
ઈરફાન કહે છે, “જેઓ ઢોલક વગાડે છે, તેમની પરંપરાઓ હોય છે. પરંતુ અમારા સમુદાયોમાં, અમે તેને વગાડતા નથી, અમે ફક્ત વેચીએ છીએ.” ધાર્મિક પ્રતિબંધો કારીગરોના આ સમુદાયને તેમણે બનાવેલાં સાધનો વગાડવાની મંજૂરી નથી આપતા. તેમ છતાં, તેઓ ગણેશ અને દુર્ગા પૂજાના તહેવારો દરમિયાન વગાડનારા ગ્રાહકો માટે આ ઢોલક બનાવે છે.
બસ્તીમાં એવી સ્ત્રીઓ છે જેઓ ઢોલક વગાડવાનું અને ગાવાનું પસંદ કરે છે, પરંતુ તેમાંથી કોઈ ધાર્મિક ધોરણોને માન આપીને વ્યવસાયિક રીતે ઢોલક બનાવતું, વેચતું કે વગાડતું નથી.
ઈરફાન કહે છે, “આ કામ સારું છે પણ તે રસપ્રદ નથી કારણ કે આ વધુ માત્રામાં વેચાતું નથી. કે નફો પણ નથી થતો. હવે આમાં કંઈ નથી. ગઈકાલે હું રસ્તા પર હતો. આજે હું પણ રસ્તા પર છું.”
અનુવાદક: ફૈઝ મોહંમદ