ગીતા વાડચલ કહે છે, “વર્તમાન બજેટ અમારું અસ્તિત્વ ટકાવી રાખવાની કોઈ પણ ચિંતાને સંબોધિત કરતું નથી. તે મુખ્યત્વે મધ્યમ વર્ગ, ખાસ કરીને પગારદાર વ્યક્તિઓ માટેનું જ હોવાનું જણાય છે.”
ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ (પી.વી.ટી.જી.) તરીકે વર્ગીકૃત કાડર સમુદાયનાં સભ્ય 36 વર્ષીય ગીતા કેરળના તિશૂર જિલ્લામાં પ્રસ્તાવિત આડિરપલ્લી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટના જળગ્રહણ વિસ્તારમાં રહે છે.
આ બંધ ચાલકુડી નદીના તટપ્રદેશમાં આવેલો છે અને તેના લીધે આ સમુદાયે ચોથી વખત વિસ્થાપિત થવું પડશે. ડેમ વિરુદ્ધના જન આંદોલનનો ચહેરો બનેલાં ગીતા નિર્દેશ કરે છે, “દેશભરમાં મોટા પાયે માળખાગત યોજનાઓના કારણે આપણે મોટી સંખ્યામાં વિસ્થાપન જોઈ રહ્યાં છીએ. વધુમાં, આપણી જમીન, જંગલો અને સંસાધનોને કોર્પોરેટ દ્વારા પચાવી પાડવામાં આવી રહ્યા છે તેનો કોઈ ઉલ્લેખ નથી.”
કેરળનાં એકમાત્ર મહિલા આદિવાસી સરદાર ગીતા કહે છે, “જંગલોમાં રહેતા આદિવાસી સમુદાયો માટે, આબોહવા પરિવર્તનથી અસ્તિત્વ ટકાવી રાખવાના અભૂતપૂર્વ પડકારો ઊભા થયા છે. અમે પ્રતિકૂળ વાતાવરણ, ઘટી રહેલાં જંગલો અને આજીવિકાના મર્યાદિત વિકલ્પોનો સામનો કરી રહ્યાં છીએ.”
![](/media/images/02a-IMG008-2-KAS-Cosmetic_changes_for_Adiv.max-1400x1120.jpg)
![](/media/images/02b-IMG015-1-KAS-Cosmetic_changes_for_Adiv.max-1400x1120.jpg)
ડાબેઃ ગીતા તેમના વિદ્યાર્થીઓ સાથે. જમણેઃ ગીતા કેરળના તિશૂર જિલ્લામાં પ્રસ્તાવિત આડિરપલ્લી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટના જળગ્રહણ વિસ્તારમાં રહે છે
કાડર સમુદાયના અન્ય લોકોની જેમ, ગીતાનાં પૂર્વજો પણ વનવાસીઓ હતાં જેમને 1905માં પરમ્બિકુલમ વાઘ પ્રકલ્પ છોડવાની ફરજ પડી હતી, જ્યારે અંગ્રેજોએ અહીંથી લાકડાં કાઢીને કોચી બંદર સુધી પહોંચાડવા અને ત્યાંથી વહાણ મારફતે તેમને ગ્રેટ બ્રિટનમાં મોકલવા માટે આ પ્રદેશને જોડતા ટ્રામવેનું નિર્માણ કર્યું હતું.
ગીતાનો પરિવાર પેરિંગલકુત્તુ અને પછી શોળઅયાર જંગલમાં રહેવા ગયો જ્યાંથી તેઓએ હવે ફરીથી વિસ્થાપિત થવું પડશે.
તેઓ નિર્દેશ કરે છે કે જોકે બજેટમાં આદિવાસી કલ્યાણ માટે ભંડોળ વધારવામાં આવ્યું છે, “ફાળવણી મુખ્યત્વે આદર્શ નિવાસી શાળાઓ, માળખાગત વિકાસ અને જોડાણને પ્રાથમિકતા આપે છે, જે સંભવતઃ માત્ર દેખાડા માટે જ હશે. જેમની ખેતીની જમીન, જંગલો, જળ સંસાધનો અને આજીવિકા છીનવી લેવામાં આવી છે તેવા નબળા આદિવાસી સમુદાયો માટે રસ્તાઓ અને માળખાગત સુવિધાઓમાં સુધારા અર્થહીન રહેશે.”
કેરળમાં ઘણા લોકોએ ધારણા કરી હતી કે બજેટમાં વાયનાડ જિલ્લાના મુંડકાઈ અને ચૂરલમલાના ભૂસ્ખલન પીડિતો માટે યોગ્ય સહાય ફાળવવામાં આવશે. “એવું લાગે છે કે ભારતના સમગ્ર દક્ષિણ પ્રદેશની અવગણના કરવામાં આવી છે.”
છબીઓ કેરળ મ્યુઝિયમ, માધવન નાયર ફાઉન્ડેશન, કોચીના જનલ આર્કાઇવની પરવાનગી હેઠળ ઉપયોગમાં લેવાઈ છે.
અનુવાદ: ફૈઝ મોહંમદ